વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ટાઇડ્સ ઇકો હોલ-રોંગચેંગ-શેન્ડોંગ પ્રાંત-ચીન સમુદ્ર પ્રત્યેનો શાંત ને સરળ પ્રતિભાવ

હેમંત વાળા

ટ્રેસ આર્કિટેક્ચર ઓફિસ દ્વારા નિર્ધારિત કરાયેલ આ એક ચર્ચાસ્પદ રચના છે. ચીનના શેન્ડોંગ પ્રાંતના રોંગચેંગમાં વર્ષ 2024માં તૈયાર થયેલ આ એક સ્થાનિક સમુદ્રના તટ પાસે ભરતીની પરિસ્થિતિને માણવા માટે બનાવાયેલ સામાજિક તેમજ વ્યાપારિક સ્થાન છે. એક અવલોકન પ્રમાણે આ મકાનને દરિયા કાંઠાના થ્રેશહોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે, અર્થાત આ મકાન એક ઉંમરો છે. તેને ઓળંગતા જ દરિયાના વિસ્તારમાં પ્રવેશ થઈ જાય છે. સંવેદનશીલતાથી જોતાં આમ થતું લાગે પણ છે. કુદરતના એક વિસ્તાર અને બીજા વિસ્તાર વચ્ચેનું અથવા તો જમીન અને સમુદ્ર વચ્ચેનું આ સીમા-સ્થાન છે.

આ રચનાનું સ્થાન, કુદરતી માહોલના સંદર્ભમાં ઘણું મહત્ત્વનું છે. અહીં ત્રણ તરફ ગાઢ લીલોતરી છવાયેલી છે તો ચોથી તરફ સમુદ્ર પથરાયેલો છે. આવાં સ્થાન પરની રચનાના નિર્ધારણમાં વધુ સંવેદનશીલતા રાખવી પડે. ચારે બાજુની લીલોતરીની પોતાની માગ હોય અને સમુદ્ર પણ પોતાનું મહત્ત્વ સ્થાપવા પ્રયત્ન કરે. તેમાં પણ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ચારે તરફ હોય ત્યારે સ્વાભાવિક રીતે મકાનને ચો-મુખી બનાવવું પડે. મજાની વાત એ છે કે અહીં આ પ્રમાણે પ્રયત્ન પણ થયો છે અને તે સફળ છે તેમ પણ કહી શકાય.

દ્વીપકલ્પ જેવાં માહોલમાં આ ઉલ્લેખનીય પ્રયત્ન છે. આ રચનાથી જાણે માનવ પ્રવૃત્તિ અને કુદરતી પરિસ્થિતિ વચ્ચે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાયો છે. આને કારણે કેટલાક લોકો આ રચનાને `અવકાશી પુલ’ તરીકે પણ વર્ણવે છે. જોકે આ પ્રકારની રજૂઆતમાં કંઈક અતિશયોક્તિ જણાય છે.

ઉપયોગિતાની દ્રષ્ટિએ અહીં ચર્ચા-સભા અને પરિષદ માટેનું સ્થાન છે, સાથે સંલગ્ન જાહેર તેમજ અંગત ભોજન-સમારંભ માટેની વ્યવસ્થા છે, સાંસ્કૃતિક તેમજ કલાત્મક પ્રદર્શન માટેની વ્યવસ્થા પણ છે અને તે ઉપરાંત જાહેર સંસ્થામાં જે જે સગવડતાની આવશ્યકતા હોય તે બધું જ અહીં છે. આ સમગ્ર રચના જાણે ત્રણ વિભાગમાં ગોઠવાઈ છે.

મુખ્ય પ્રદર્શન અને ચર્ચા-સભા માટેનું સ્થાન સમુદ્રની નજીક પૂર્વ તરફ રખાયું છે, જ્યારે પશ્ચિમની લીલોતરી તરફ રેસ્ટોરાં ગોઠવાઈ છે. અહીં એક અનૌપચારિક કહી શકાય તેવો ફૂડ-કોર્ટ પણ છે જેનો દરિયા સાથેનો સંબંધ વધુ દૃઢ રહેવાની સંભાવના જણાય છે. આ બધાં સ્થાન વચ્ચે વ્યવસ્થિત અને યોગ્ય પ્રમાણમાપ વાળા અંતરાલ પ્રયોજાયાં છે.

આ વચ્ચેની જગ્યાઓ સમગ્ર રચનાને એક પ્રકારની જીવંતતા બક્ષે છે. અહીં ભલે ઉપયોગિતાનો સમાવેશ થયો હોય, પરંતુ સમગ્રતામાં મકાનના નિર્ધારણમાં ઉપયોગિતા ઉપરાંતની અનુભૂતિને વધુ મહત્ત્વ અપાયું હોય તેમ જણાય છે. અહીં દરેક જગ્યા જે રીતે એકબીજા સાથે ગૂંથાઈને બહારની તરફ પ્રસરે છે તે રસપ્રદ છે.

પરસ્પર ભળી જતી જગ્યાઓ, આંતરિક અને બાહ્ય સ્થાન વચ્ચે સ્થાપિત થતો દ્રઢ સંબંધ, કુદરતી ભૌગોલિક પરિસ્થિતિને અપાયેલ સકારાત્મક પ્રતિભાવ, ઊંચકાયેલી અને હવામાં તરતી હોય તે પ્રમાણે જણાતી છત, ભૌમિતિક આકારોનો કરાયેલ રચનાત્મક ઉપયોગ, પારદર્શિતાને અપાયેલું મહત્ત્વ, જુદાં જુદાં માસ'નું રસપ્રદકમ્પોઝિશન’, આવનજાવનના માર્ગમાં સ્થાપિત થતી રસિકતા, છતનાં વિવિધ ભાગ સાથે સંકળાયેલ વિશેષ પ્રકારની અનુભૂતિ, દરેક સ્થાનેથી સ્થપાતો કુદરત સાથેનો દૃશ્ય સંપર્ક, વળાંકાકાર દીવાલોથી ઊભી થતી નાટકીયતા, પ્રકાશ અને છાયાનો રસપ્રદ સમન્વય તથા સ્પષ્ટ વિભાગીકરણ હોવા છતાં એક મકાન તરીકે સ્થાપિત થતી અનુભૂતિ-આ મકાનની આ કેટલીક ખાસિયતો છે.

વળી, કુદરતી પરિસ્થિતિ સાથે વિરોધાભાસી કહી શકાય તેવું રંગરોગાન હોવાં છતાં આજુબાજુની પરિસ્થિતિ સાથે આ મકાન જાણે સરળતાથી જોડાઈ જાય છે. આ માટે તેની રચનામાં પ્રયોજાયેલ આકારો, સાથે પરસ્પર સંકળાય ખુલ્લી જગ્યાઓ અને તેનું માનવીય પ્રમાણમાપને મહત્ત્વનાં ગણી શકાય. આ ઉપરાંત સમગ્ર મકાનમાં કુદરતી હવા ઉજાસની ભરપૂર સંભાવના છે.

ચીનમાં બનતાં અન્ય મકાનોની જેમ અહીં ઘોંઘાટ નથી, બિનજરૂરી ચમકતી તેમ જ રંગીન સપાટી નથી, અસાંદર્ભિક આકાર નથી, બિનજરૂરી વિશાળતા નથી, જબરજસ્તીથી કરાયેલી સ્થાપત્યની નવી સામગ્રી તેમજ નવી તકનીકનો ઉપયોગ નથી, અને સૌથી અગત્યનું, દેશનું જે તે પ્રકારનું સામર્થ્ય દર્શાવવાનો પ્રયત્ન નથી. આ એક શાંત રચના છે જેમાં બહારની કુદરતી પરિસ્થિતિ સાથે સંવેદનશીલ વ્યવહાર છે.

આ એક સૌમ્ય રચના છે જ્યાં કોઈપણ બાબત હાવી થવા પ્રયત્ન નથી કરતી. સરળતા સાથે અહીં રચનાત્મક સૌંદર્ય છે જે નજરને પકડી રાખવા સમર્થ છે. આ બધા સાથે અહીં ઉપયોગિતામાં કોઈ બાંધછોડ નથી, અહીંનું દરેક સ્થાન નિર્ધારિત કરેલી ઉપયોગિતા માટે સાર્થક છે. સ્થાપત્યની અન્ય કેટલીક રચનાઓ જે તે પ્રકારનાં નખરાંને કારણે શરૂઆતના તબક્કામાં જોવી ગમી પણ જાય, પણ તેના સ્થાને અહીં લાંબા સમય સુધી મનને પસંદ પડી શકે તેવી રચના માટે પ્રયત્ન કરાયો છે.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્ય ને તેની માંગ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button