અરાઉન્ડ ધ વર્લ્ડઃ ટોકાઈડો શિનકાનસેન-જાપાનીઝ બુલેટ ટ્રેનમાં અનુભવ થઈ પણ જાય ને ખબર પણ ન પડે… | મુંબઈ સમાચાર
વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ટોકાઈડો શિનકાનસેન-જાપાનીઝ બુલેટ ટ્રેનમાં અનુભવ થઈ પણ જાય ને ખબર પણ ન પડે…

ટોક્યો આવ્યે હવે ઘણો સમય થઈ ગયો હતો અને હજી સુધી અમે બુલેટ ટે્રનમાં બેસવા સુધી નહોતાં પહોંચ્યાં. તેને દૂરથી જોવાનો તો ઘણી વાર મેળ પડી ચૂક્યો હતો, પણ હવે અમે ધીરજથી ટોક્યો અને ક્યોટો વચ્ચે પહેલી વાર બુલેટ ટ્રેનમાં બેસવા માટે સજ્જ હતાં. આ બુલેટ ટ્રેન જાપાનમાં તો શિનકાનસેન તરીકે ઓળખાય છે,

એટલું જ નહીં, જે જે ગામ કે શહેરના ટ્રેન સ્ટેશનમાં શિનકાનસેન સ્ટોપ કરતી હોય તેનું નામ પણ `શિન’થી ચાલુ થાય છે. અને પછી તરત જ સમજાયું કે શિન્જૂકુ અને શિબૂયા સ્ટેશનો પરથી શિનકાનસેન લઈ શકાય છે. તે પછી તો જેવું સ્ટેશન દેખાય એટલે પહેલાં જ જોઈ લેતાં. જોકે ટોકાઇડો લાઈનની આ ટ્રેનમાં એટલાં બધાં સ્ટોપ્સ આવ્યાં પણ નહીં. વળી ટ્રેન એટલી ફાસ્ટ ચાલતી હતી કે જરાય ન ચાલતી હોય તેવો ભાસ થતો હતો.

તે બધી તો ટ્રેન ચાલુ થયા પછીની વાત છે. પહેલાં તો ટોક્યો સેન્ટ્રલથી ટોકાઇડો લાઈનની ટ્રેન લેવા માટે અમે સ્ટેશન પર ગોઠવાયાં. સ્ટેશન હતું તો ખીચોખીચ, પણ અત્યંત ભદ્ર રીતે લોકો ફરી પાછાં જ્યાં જુઓ ત્યાં લાઈનો લગાવીને ઊભાં હતાં. કોઈ પણ દેશ વિષેનું ક્લિશે આ હદ સુધી સાચું કઈ રીતે હોઈ શકે તે પ્રશ્ન થતો હતો.

તેમાં વળી થોડી વાર વેઈટિગમાં હતાં ત્યાં તો હેલો કિટી થીમની ટે્રન આવી. તે સાન્યો લાઈનમાં હજી 2018માં જ શરૂ કરવામાં આવી છે. હવે તો જાપાન માત્ર સ્ટીરિયોટાઈપનો જ દેશ હોય તેવું લાગવા માંડ્યું હતું. અને છતાંય એમ લાગે કે કોઈ દેશ તેની રેપ્યુટેશનને સાચી પાડતો હોય તેનાથી વધુ સારી વાત જ શું હોઈ શકે.

રસ્તામાં અમે ગરમ કરી શકાય તેવું બેન્ટો બોક્સ પણ ખાવા માટે લીધું હતું. આમ તો અમે જીન્ઝાના ઇન્ડિયન રેસ્ટોરાંમાં જમીને નીકળ્યાં હતાં, પણ પહેલી વાર શિનકાનસેનમાં બેસો પછી તો તેનો સંપૂર્ણ અનુભવ લેવો જ પડે ને. જાપાનમાં શિનકાનસેન સિવાયની ટ્રેનોમાં ખાવાનું અલાઉડ નથી એટલે જ્યારે પણ બુલેટ ટે્રનમાં બેસો ત્યારે ઘણાં લોકો તો બેન્ટો બોક્સ ખાવાનું પાર્ટ ઓફ ધ રીચુઅલ જ માને. તે પરંપરાનું નામ પણ છે.

શિનકાનસેનમાં બેસીને બેન્ટો બોક્સ ખાવાને `એકિબેન’ કહેવાય. એટલે જ ત્યાંનાં ટે્રન સ્ટેશન પર શહેરની ખાસિયતોવાળાં બેન્ટો બોક્સ ખાસ મળતાં હતાં. ટોક્યોના એકિબેન બેન્ટોમાં બ્રોકોલી, એડામામે, સાલમન સુશી સાથે માચા લેવરની મોચી હતી. મજા તો આવી જ ગઈ.

શિનકાનસેનની સ્પીડ, તેના કન્ડક્ટરોનું સંચાલન, આ ટ્રેઇનોની સમયબદ્ધતા, બધું જાણે હવે લોકવાયકાઓનો ભાગ બની ગયું છે. અને એ બધું જાતે અનુભવવા મળી રહ્યુ હતું તેમાં હું જરા વધુ પડતી ઉત્સાહમાં હતી. અંતે તો એક નિયમિત સમયે આવનારી ટ્રેન આવી, અમે તેમાં લાઈનમાં અંદર પ્રવેશ્યાં, બુક કરેલી સીટ પર બેઠાં, થોડો નાસ્તો કર્યો, થોડું વાંચ્યું, થોડું બારીની બહાર જોયું, અને થોડી વાતો કરી ત્યાં અમાં સ્ટોપ આવી પણ ગયું.

શિન્કાનસેન વિષે વાંચવામાં અને તેના અનુભવો વિષે કલ્પના કરવામાં એવી વધુ પડતી ઇંતેજારી બની ગઈ હતી કે અંતે મુસાફરી ઘણી સાધારણ બની ગઈ હોય તેવું લાગ્યું. 1964ની ટોક્યો ઓલિમ્પિક પહેલાં જાપાનને પોતાની દેશની ઓળખ અને આવડત સાથે મેળ ખાય તેવું હાઈ સ્પીડ ટ્રેન નેટવર્ક બનાવ્યું હતું, અને સ્વાભાવિક છે, તેમાં જે સફળતા મળી તે આજે પણ લોકો યાદ કરે છે.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ એડો કાસલ-વાત જાપાનીઝ શોગુન્સ, સામુરાઈ ને રાજ પરિવારની…

છેક 64ની સાલથી આજ સુધી ટ્રેનનો ટ્રેક અને ટ્રેક રેકોર્ડ એકદમ ક્લીન છે. તેની સાથે કોઈ પાટા પરથી ઊતરી જવાના, કોઈ દુર્ઘટનાના અનુભવો નથી સંકળાયેલા. તે આમ જોવા જાઓ તો માન્યામાં ન આવે. તેમાં જાપાનમાં અવારનવાર આવતા ભૂકંપ માટે પણ એવી સેન્સરની વ્યવસ્થા છે કે સેસમિક એક્ટિવિટી પકડાતાં જ ટે્રન ઇલેક્ટ્રિક કનેક્શનથી ડિસ્કનેક્ટ થઈને સેફ સ્ટેટસમાં ઊભી રહી જાય છે.

ઘણી વાર તો સેસમિક એક્ટિવિટીથી આ ટ્રેઇન પહેલાં બંધ થઈ જાય છે અને આંચકાનો અનુભવ પાછળથી થાય છે, એટલે કે તેનાં સેન્સર એટલાં અગાઉથી એક્ટિવેટ થઈ જાય છે. આ ટ્રેનો એટલી વધુ પડતી નિયમિત છે કે આ ટોકાઈડો લાઈનની ટે્રનોમાં એવરેજ ડીલે 12થી 25 સેક્નડનું હોય છે. આ સ્તરની પન્ક્ચુઆલિટી માપવી અને સમજવી જરા અઘરી લાગતી હતી. પણ આવી ડિસિપ્લિન કઈ રીતે કોઈ સંસ્કૃતિનો ભાગ બની જતી હશે તે સમજવાનું જરા અઘં લાગતું હતું.

આ ટ્રેનોની અલગ અલગ સિરીઝ છે. 500ની સિરીઝના એન્જિનનાં નાક કિગફિશર જેવાં છે. 700ની સિરીઝનાં એેન્જિનનાં નાક બતક જેવાં છે. ઇ-ફાઇવ અને એચ-ફાઇવ સિરીઝ તો કલાકના 320 કિલોમીટરની સ્પીડથી બધાંને આંજી દે છે. આ ટ્રેનોને સમય જાળવવામાં તેનું આયોજન જ સૌથી વધુ ફાયદો આપે છે. તેની ક્લીનિંગ ક્રૂ દરેક ટ્રેનને તેના પહોંચવા અને ફરી નીકળવાની વચ્ચે 7 મિનિટમાં સાફ કરવાની પ્રોસેસને એવી રીતે જાળવે છે કે તેના પણ દાખલા આપવામાં આવે જ છે.

જર્મન ટ્રેનો તો હવે પહેલાં જેવી જરાય નથી રહી. સ્વીસ ટે્રનોની રેપ્યુટેશન પણ પ્રમાણમાં ડામાડોળ છે. એવામાં જાપાન ઘણા આર્થિક ઉતાર-ચઢાવમાંથી પસાર થવા છતાં પોતાની ઓળખને આ રીતે પણ જાળવી શકે છે તે વાત પર ખાસ માન થાય તેવું છે.

ટ્રેનની માવજતની બીજી મજાની વાત છે ત્યાંની `ડોક્ટર યલો’. આ પીળા રંગની ટ્રેન કોઈ પેસેન્જર ટ્રેન નથી. એ માત્ર મેન્ટેનન્સ માટે બધા ટ્રેક પર ચાલ્યા કરે છે અને ક્યાંય કોઈ તકલીફ હોય તો તેનો રિપોર્ટ તૈયાર કરી દે છે. જ્યારે પણ કોઈ તકલીફ હોય તો તેને ડોક્ટર યલો પહેલાં જ પકડી પાડે છે. વળી આ પીળી ટ્રેન પ્રમાણમાં ઘણી ઓછી નીકળે છે એટલે જ્યારે પણ કોઈને તે દેખાઈ જાય તો તેને લકી પણ માનવામાં આવે છે. આવું તો જાપાનમાં જ હોઈ શકે.

અમે સવા ત્રણ કલાકમાં એકદમ નક્કી સમયે ક્યોટો સ્ટેશન પહોંચ્યાં અને ઓવર ઓલ ન તો પીળી ટ્રેન ડોક્ટર યલો દેખાઈ, ન કોઈ અનોખો અનુભવ થયો, પણ બુલેટ ટ્રેનમાં બેસીને ત્રણ કલાકમાં પાંચસો કિલોમીટર વટાવવાનો અનુભવ તો એટલો સ્મૂધ હતો કે તે થઈ પણ ગયો અને ખબર પણ ન પડી.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ ટોક્યો ઇમ્પિરિયલ પેલેસની ખરી રોયલ્ટી તો છે ત્યાંનાં ફૂલો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button