ઇન્સ્પેક્ટર કરણ બક્ષી કેસ ફાઈલ્સઃ ખૂની

ટીના દોશી
અભિસારિકાનું રૂપ ધરીને પ્રિયતમને મળવા જઈ રહેલી માખણ જેવી મુલાયમ મિસરી પગને પાંખ આવી હોય એમ ઊછળતીકૂદતી બંગલાનાં પગથિયાં ચડવા લાગી. અંગ અંગમાં રોમાંચ ને હૈયામાં થનગનાટ. સફેદ આરસમાંથી ઘડેલી પ્રતિમા જેવું ઝળહળતું સૌંદર્ય. ગોરો વર્ણ. પૂનમના ચાંદ જેવો ગોળ ચહેરો. નીલા ને કાળા રંગના મિશ્રણ સમો ઝીણાં આભલાં ભરેલો કુર્તો ને એવા જ રંગના પ્લાઝોની ઉપર ઓઢણી લહેરાઈ રહેલી.
નીલી ઓઢણી પર છાંટેલાં બાદલા ટુકડે ટુકડે ઝળકતા ચંદ્રની યાદ અપાવતો. કેડ સુધી લહેરાતા કાળા ભમ્મર વાળમાં આંગળીઓ ફેરવતી મિસરી આઠ પગથિયાં ચડીને ઓસરીમાં આવી. ઉતાવળે પગલે ઓસરી વટાવીને મિસરી દીવાનખંડમાં આવી. લાંબાપહોળા દીવાનખંડમાં જલતી બત્તીના પ્રકાશમાં ખૂણે ખૂણે નજર ફેરવી લીધી. મલ્હાર ન દેખાયો… કદાચ એ પોતાની અંગત લાઇબ્રેરીમાં હશે એમ માનીને દીવાનખંડને ઓળંગીને કાટખૂણે આવેલા સ્ટડીરૂમને ઉંબરે પહોંચી. સ્ટડીરૂમની ડીમ લાઈટમાં જે દૃશ્ય નજરે પડ્યું એ જોઈને મિસરી ચીસ પાડી ઊઠી. ચક્કર ખાઈને બેહોશ થઈને ઢળી પડી.
મિસરી હોશમાં આવી ત્યારે આંખોને ભાર લાગતો હોય એમ હળવે હળવે પોપચાં ખોલ્યાં. આંખો ખૂલી એટલે ચકળવકળ નજરે ચારેકોર જોવા લાગી. આજુબાજુ જોતાં એને ખબર પડી કે એ મલ્હારના ઘરના કોચ પર સૂતેલી. જાણે પહાડ ચડીને આવી હોય એવો થાક અનુભવી રહેલી મિસરી. અંગ અંગ શિથિલ ને અશક્ત બની ગયેલું. પરિસ્થતિ સમજવા મથી રહેલી મિસરી. એવામાં એને કાને મલ્હારના કાકા યશવંતસિંહ રાઠોડનો ગમગીન અવાજ પડ્યો:
`ઈન્સ્પેક્ટર બક્ષી, મલ્હાર મારા સ્વર્ગવાસી મોટા ભાઈ અને ભાભીનો એકનો એક પુત્ર હતો. આ બંગલો, પ્રોપર્ટી અને સઘળી સંપત્તિ એની જ હતી. હું તો મોટા ભાઈની મિલકતનો ટ્રસ્ટી માત્ર હતો. ત્રણ દિવસ પછી એના જન્મદિન નિમિત્તે હું બધું એને સોંપી દેવાનો હતો. મારો એકનો એક ભત્રીજો હતો મલ્હાર. અમે કાકાભત્રીજો એકમેકનો સહારો હતા. પણ ન જાણે કોની બૂરી નજર લાગી ગઈ ને મલ્હાર…મારો મલ્હાર..’
આટલું સાંભળતાં તો મિસરી એકદમ ઊભી થવા ગઈ. પણ અશક્તિને કારણે ફસડાઈ પડી. એણે બળપૂર્વક શરીરની હણાયેલી શક્તિ ભેગી કરી. દીવાલે અઢેલા કોચના હાથાનો ટેકો લઈને પ્રયત્નપૂર્વક ઊભી થઈ. પછી વાવાઝોડાની માફક બહાર ધસી આવી. જાજરમાન દેખાતા યશવંતસિંહની સામે જોઈને પૂછ્યું : મલ્હાર ક્યાં છે…તમે ક્યારનાય એના વિશે મલ્હાર તમારો ભત્રીજો છે એમ કહેવાને બદલે મલ્હાર તમારો ભત્રીજોહતો’ એમ કેમ કહ્યા કરો છો ?’
યશવંતસિંહે આંખે રૂમાલ દાબ્યો. કંઇક કહેવા એમના હોઠ ફફડ્યા, પણ જબાને સાથ ન આપ્યો. એથી ઇન્સ્પેક્ટર કરણ બક્ષીએ મોરચો સંભાળ્યો: `અમે તમારા ભાનમાં આવવાની જ રાહ જોઈ રહેલા.’
અરે, પણ થયું છે શું? બેચેન ને બેબાકળી બનેલી મિસરીના સ્વરમાં ચિંતા ભળી:મલ્હાર ક્યાં છે.. ક્યાંક.. ક્યાંક…એને ગોળી તો નથી વાગી ને?’
`ગોળી.. તમને કેવી રીતે ખબર કે મલ્હારને ગોળી વાગી છે ?’ ઈન્સ્પેક્ટર બક્ષીએ તીખાશથી પૂછ્યું.
ઇન્સ્પેક્ટર, મારી સામે જ તો મલ્હારને ગોળી મારવામાં આવેલી…’ મિસરીની આંખોમાંથી અશ્રુધારા વહી રહી:હું ને મલ્હાર એકમેકને પ્રેમ કરતાં. ત્રણ દિવસ પછી મલ્હારના ચોવીસમા જન્મદિન નિમિત્તે રાખેલી પાર્ટીમાં અમારી સગાઇ થવાની હતી. એ અંગે ચર્ચા કરવા મલ્હારે મને બોલાવેલી. પણ હું ઉંબરે આવી ત્યારે મેં જોયું કે.. જોયું કે સ્ટડીરૂમની ઇઝી ચેરમાં બેઠેલા મલ્હાર સામે કોઈ ઊભેલું. મારા તરફ એની પીઠ હતી. મને કાંઈ સમજ પડે એ પહેલાં તો એ ઊંધો ફર્યો. મારી સામે જોઈને, અટ્ટહાસ્ય કરીને પેલાએ ગોળી છોડી. ને હું…હું… બેભાન થઈને ઢળી પડી… ઇન્સ્પેક્ટર, મને કહો કે મલ્હારને તો કંઈ થયું નથી ને… એ સલામત તો છે ને ?’
સોરી, મિસરી…’ ઈન્સ્પેક્ટર કરણ બક્ષીએ સહાનુભૂતિથી કહ્યું:મલ્હાર હવે આ દુનિયામાં રહ્યો નથી. ગોળી એની છાતીને આરપાર વીંધી જવાને કારણે એનું મૃત્યુ થયું છે. વળી ખૂની ખૂનનું હથિયાર પણ લઈ ગયો છે.’
ના, ના.. આ ખોટું છે.. એક વાર કહી દો કે મલ્હાર સહીસલામત છે…’ મિસરીના અંગ અંગમાંથી લોહી નીચોવાઈ ગયું હોય એમ એના ચહેરાનું નૂર ગાયબ થઈ ગયું. શરીરનું ટીપે ટીપું લોહી નીચોવાઈ ગયું હોય એમ એનો રંગ ફિક્કો પડી ગયો. એણે ડૂસકું મૂક્યું:કહી દો કે મલ્હારને કાંઈ નથી થયું.’
કાશ ! હું એમ કહી શકત…’ ઈન્સ્પેક્ટર બક્ષીએ મિસરીને આશ્વાસન આપ્યું. યશવંતસિંહ કાળજા પર પથ્થર મૂકીને આંખોના ખૂણા લૂછી રહેલા. વાતાવરણમાં તંગદિલી પ્રસરી ગયેલી. ખામોશી છવાઈ ગયેલી. એ ઉદાસ ખામોશીને તોડતાં ઈન્સ્પેક્ટર બક્ષીએ મિસરીને પૂછ્યું :જુઓ, જે થવાનું હતું તે થઈ ગયું. જે થયું છે એ ન થયું થવાનું નથી. પણ તમે નથી ઈચ્છતા કે મલ્હારનો ખૂની પકડાઈ જાય?’
સાહેબ…’ મિસરીની શકલ એકદમ ફરી ગઈ. એણે આંસુ લૂછી નાખ્યાં. ચંડીનું રૂપ ધારણ કરીને દૃઢ નિશ્ચય સાથે બોલી:તમે કાંઈ પણ કરીને મલ્હારના ખૂનીને પકડો. એને જેલના સળિયા પાછળ ધકેલો ને ફાંસીને માંચડે ચડાવો. ત્યારે જ માં મન શાંત થશે.’
ખૂની સુધી પહોંચવા માટે તમારે મને મદદ કરવી પડશે…’ કરણ બક્ષીએ કહ્યું :હવે હું જે પૂછું એના વિચારીને જવાબ આપજો. તમારી નજર સામે જ ખૂનીએ મલ્હારને ગોળી વીંધી છે. એટલે તમે ખૂનીને જોયો તો છે. કોણ હતું એ?’
ઓળખવામાં તો એવું છે કે…’ મિસરી વિચારી રહી. થોડી વાર રહીને બોલી :હું મોડી સાંજે મલ્હારને ઘેર એટલે કે અહીં આવેલી. એના સ્ટડીરૂમમાં ડીમ લાઈટ હોવાથી પ્રકાશ ઝાંખો હતો. એટલે ખૂનીનો ચહેરો તો હું સ્પષ્ટ જોઈ શકી નથી, પણ એટલું કહી શકું કે ખૂનીએ અટ્ટહાસ્ય કર્યું ત્યારે મેં જોયેલું કે એનો ઉપલો દાંત ચળકી રહેલો. જાણે સોનાનો દાંત હોય.’
સોનાનો દાંત…?’ યશવંતસિંહ ચમકીને બોલ્યા:મિસરી, સોનાનો દાંત તો તારા મિત્ર સમીર સોનવાલાનો પણ છે ને ?’
હા, સમીરનો દાંત સોનાનો છે.’ મિસરી બોલી. પછી ઉમેર્યું:પણ સમીર ખૂની હોઈ શકે એવું માનવા મારૂં મન તૈયાર નથી. પણ હા, એક વાત કહી શકું કે ખૂનીના હાથમાં રેડિયમની ઘડિયાળ ઝગારા મારી રહેલી.’
તારો મિત્ર અનંત જાગીરદાર પણ એવી ઝગારા મારતી ઘડિયાળ પહેરે છે છે…’ યશવંતસિંહ બોલ્યા. સહેજ વિચારીને ઉમેર્યું:એ ખૂની ન હોઈ શકે?’
કાકા, કોઈ પુરાવા વિના હું અનંત પર આળ કેવી રીતે મૂકી શકું?’ મિસરી મૂંઝવણમાં મુકાઈ. બોલી :એમ તો ખૂની મારી તરફ ફર્યો, ત્યારે મેં જોયેલું કે એણે કાળાં રંગનાં ચશ્માં પહેરેલાં. એવાં ચશ્માં તો મારો મિત્ર તારક તેજપાલ પણ પહેરે છે. એનો અર્થ એ થોડી છે કે ખૂની તારક હોય.’
મને લાગે છે કે મિસરીની વાત સાચી છે…’ ઇન્સ્પેક્ટર કરણ બક્ષી કહી રહ્યો:સોનાના દાંત, રેડિયમની ઘડિયાળ અને ચશ્માંને આધારે આપણે મિસરીના મિત્રો પર ખૂનનો આરોપ ન મૂકી શકાય. વળી મહત્ત્વનો મુદ્દો એ છે કે મિસરીના જ મિત્રો એના પ્રેમીનું ખૂન શા માટે કરે?’
એટલા માટે કરે કે એ ત્રણેય મિસરીને પ્રેમ કરતા ને એની સાથે લગ્ન કરવા ઉત્સુક હતા…’ યશવંતસિંહે રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો :પણ મિસરીએ કળશ ઢોળ્યો મલ્હાર પર. એથી બનવાજોગ છે કે પેલા ત્રણ ભુંરાટા થયા હોય ને ગુસ્સાના આવેશમાં આવીને એમણે ત્રણેયે થઈને કે પછી કોઈ એકે બીજાનો વેશ ધરીને મલ્હારનું ખૂન કર્યું હોય. વળી અનંત પાસે તો રિવોલ્વર પણ છે. એ રિવોલ્વરથી જ એણે ખૂન કર્યું હોય ને પછી રિવોલ્વર સાથે લઈ ગયો હોય એ શક્ય નથી ?’
કાકા, આ બધું તમે કઈ રીતે જાણો છો ?’ કરણના સ્વરમાં શંકા ભળી. ઈન્સ્પેક્ટર સાહેબ…’ યશવંતસિંહે ખુલાસો કર્યો: `હું ને મલ્હાર ભલે કાકાભત્રીજો હોઈએ, પણ અમારા સંબંધો મિત્રો જેવા હતા. એ મને બધી જ વાતો કહેતો. સમીર, અનંત અને તારક મિસરીને પરણવા ઉત્સુક હતા એ પણ મલ્હારે જ મને કહેલું. વળી મિસરીની પાર્ટીમાં મેં એના મિત્રોને જોયેલા. એમને મળેલો ને વાતચીત પણ કરેલી. એથી જ સમીરના સોનાના દાંત, અનંતની રેડિયમની ઘડિયાળ અને તારકના કાળાં ચશ્માં પહેરવાના શોખ અંગે હું બધું જાણું છું.’
હં,…’ કરણ બક્ષીને ગળે વાત ઊતરી. પછી મિસરીને પૂછ્યું:શું કાકાની વાત સાચી છે? સમીર, અનંત અને તારક તમને ચાહતા હતા? એમણે ત્રણેયે તમારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકેલો?’
અ..અ…હા ઇન્સ્પેક્ટર…’ મિસરી સહેજ અચકાઈને બોલી:એમાં એવું છે કે અમે ચારેય કોલેજમાં એક જ ક્લાસમાં ભણતાં. સાથે ભણવાને કારણે અમે સારા મિત્રો બની ગયેલા. હું તો સમીર, અનંત અને તારકને મિત્રો જ માનતી. આજે પણ મિત્ર માનું છું. મને એમ કે સમીર, અનંત અને તારક પણ મને મિત્ર જ માને છે. પણ થોડા દિવસ પહેલાં એક પછી એક ત્રણેયે મારી સમક્ષ પ્રેમનો એકરાર કર્યો અને લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો.’
હં, પછી…પછી તમે શું કર્યું?’ કરણ બક્ષી જાણવા આતુર જણાયો. મેં ત્રણેયના પ્રેમનો સવિનય ઇનકાર કર્યો.’ મિસરી મ્લાન હસી : `કારણ કે હું તો મલ્હારને પ્રેમ કરતી હતી. મેં સમીર, અનંત અને તારકને જણાવ્યું કે હું મલ્હારને ચાહું છો. ને એની સાથે જ લગ્ન કરીશ. એટલું જ નહીં, મેં તો મલ્હાર સાથે ત્રણેયની મુલાકાત પણ કરાવી.’
મુલાકાત કરાવી?’ યશવંતસિંહ અને કરણ બક્ષી એકસાથે પૂછી રહ્યા:પછી શું થયું ?’
ખાસ કાંઈ નહીં…’ મિસરી બોલી:અમે કોફી હાઉસમાં મળ્યાં. મેં મલ્હારની ઓળખાણ સમીર, અનંત અને તારક સાથે મારા મિત્રો તરીકે કરાવી. મલ્હાર એમને મળીને ખુશ થયો. સામે પક્ષે સમીર, અનંત અને તારકે પણ ખુશી જાહેર કરી. અમને અભિનંદન આપ્યાં. બસ, એ વખતે તો એથી વિશેષ કાંઈ થયું નહોતું. પણ બીજે દિવસે…’
`અટકી કેમ ગયાં.. કહો, બીજે દિવસે શું થયું ?’ કરણ પૂછી રહ્યો.
સાહેબ, બીજે દિવસે અનંત મારે ઘેર આવ્યો…’ મિસરીની આંખો સામે એ દિવસનું દૃશ્ય ઊપસ્યું :મેં એને હસતે મુખે આવકાર્યો. પણ એના ચહેરા પર કરડાકી હતી. આંખોમાંથી પણ જાણે અંગારા વરસી રહેલા. હું એને કશું પૂછું એ પહેલાં તો એ ઉશ્કેરાઈને બોલ્યો, તું મારી નહીં થાય તો કોઈનીયે નહીં થઈ શકે. હું તને પણ જોઈ લઈશ અને મલ્હારને પણ… જોઉં છું કે તું મલ્હારને કેવી રીતે પરણે છે…એમ કહીને સમીર મુઠ્ઠીઓ વાળીને ચાલ્યો ગયેલો.’
જોયું સાહેબ…’ યશવંતસિંહ ઉગ્ર થઈને બોલ્યા:મેં કહેલું ને કે અનંત પાસે રિવોલ્વર છે. મલ્હારને રસ્તામાંથી હટાવવા માટે ખૂન એણે જ કર્યું હશે !’ કરણ બક્ષીએ અનંત ઉપરાંત સમીર અને તારકને પણ ફોન કરીને યશવંતસિંહને ઘેર આવવાની સૂચના આપી. એટલામાં તો મિસરી વ્યાકુળ થઈને બોલી :
`પણ કાકા…મલ્હારને જોઈ લેવાની ધમકી તો સમીર અને તારકે પણ આપેલી. અનંતના ગયા પછી એ બેય પણ વારાફરતી મારે ઘેર આવેલા. સમીરે હવામાં હાથ વીંઝતા ગર્ભિત રીતે કહેલું કે એ મલ્હારનો ટોટો પીસી નાખશે. અને કોઈ પણ સંજોગોમાં મને મલ્હાર સાથે પરણવા નહીં દે. મેં એને વારવાનો પ્રયત્ન કરેલો, પણ એ કશું જ સાંભળવા તૈયાર નહોતો. એ તો ચાલતો થયેલો. એ જ રીતે તારકે પણ ચેતવણી આપતાં કહેલું કે એ મને અંતરના ઊંડાણથી ચાહે છે. એ ચાહતને ખાતર પણ મારે એની સાથે લગ્ન કરવાં જ પડશે. વળી દાંત પીસીને એ બોલેલો કે મલ્હારને કારણે હું લગ્નનો ઇનકાર કરીશ તો મલ્હારને રસ્તામાંથી હટાવીને જ એ જંપશે… જતાં જતાં એણે ધમકીની ભાષામાં ક
હેલું કે, મલ્હાર જીવતો હશે તો મારી સાથે લગ્ન કરશે ને?’પછી તમે મલ્હારને એ વિશે જણાવેલું ખરું?' કરણે પૂછ્યું. હા સાહેબ, હું તો ડરી ગયેલી…’ મિસરી બોલી : મેં મલ્હારને ત્રણેયની ધમકી વિશે જણાવેલું. પણ એણે ધમકીને હસવામાં ઉડાવી દીધેલી. પછી એણે કહેલું કે ત્રણેયને એ સમજાવશે. પણ એ પહેલાં તો…’ મિસરીનું વાક્ય પૂં થાય એ પહેલાં કરણ બક્ષીએ યશવંતસિંહને અણધાર્યો સવાલ પૂછી લીધો :કાકા, મલ્હાર મૃત્યુ પામે એ સંજોગોમાં પ્રોપર્ટી કોને મળે?’
અં..એ..એ.. તો મ..મને જ મળે…’ યશવંતસિંહ અચકાઈને બોલ્યા. હમ..ખૂન થવાનું વધુ એક કારણ…’ કરણ મનોમન બોલ્યો, ત્યાં તો સમીર, અનંત અને તારક આવી પહોંચ્યા. મિસરીની આંખમાંથી તણખા ઝરવા માંડ્યા. ત્રણેયે તીખી નજરથી બચવા આંખો ઢાળી દીધી. એટલામાં ઈન્સ્પેક્ટર કરણ બક્ષીએ મરચાં જેવો તીખો પ્રશ્ન કર્યો: `તમે લોકોએ મલ્હારને જોઈ લેવાની ધમકી મિસરીને આપેલી?’
ખોટું બોલવાનો અર્થ નહોતો. પહેલો જવાબ આવ્યો સમીર તરફથી. એ બોલી રહેલો ત્યારે એનો સોનાનો દાંત ચળકી ઊઠ્યો : `ઈન્સ્પેક્ટર સાહેબ, મેં મિસરીને પહેલી વાર જોઈ ત્યારે જ એના પ્રેમમાં પડી ગયેલો. મને હતું કે મિસરી પણ મને ચાહે છે. એટલે મારા લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લેશે. પણ એણે તો મને મલ્હારની વાત કરીને આંચકો આપ્યો. હું ભાંગી પડ્યો. આવેશમાં આવીને મેં એને ધમકી આપી. પણ પછી મારો આક્રોશ ઓગળતાં મને મારી ભૂલનું ભાન થયું ને મિસરીની માફી માગવાનું વિચાર્યું…સોરી મિસરી…!’
સમીરે બોલવાનું પૂં કર્યું એટલે ઝગમગતી રેડિયમની ઘડિયાળ પહેરેલો અનંત પોતાના બચાવમાં કહી રહ્યો.: `હું પણ મિસરીને ચાહવા લાગેલો. પણ મારા લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવીને એણે મલ્હારની વાત કરી. એથી ક્રોધે ભરાઈને મેં એને ધમકી આપેલી. પણ પછી મને એ બાબતનો પસ્તાવો થયેલો. મારે એવી ધમકી આપવી જોઈતી નહોતી.’
અનંત પછી કાળા ચશ્માં પહેરવાનો શોખીન તારક સફાઈ પેશ કરવા લાગ્યો : `હું પહેલી નજરે મિસરીને પ્રેમ કરવા માંડેલો. પ્રેમ કરવો એ કાંઈ ગુનો તો નથી જ. મેં પણ એને પરણવાનો પ્રસ્તાવ મૂક્યો. પણ એણે મારો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. ઉપરથી જખમ પર મીઠું ભભરાવતી હોય એમ મલ્હારની ઓળખાણ કરાવી. મને તો થયું કે મલ્હાર નામનો કાંટો કાઢી નાખું. એટલે જ મેં મિસરીને ધમકી આપેલી કે મલ્હાર જીવતો હશે તો લગ્ન કરશે ને? પણ મલ્હારનું ખૂન થયું ત્યારે હું તો એક પાર્ટીમાં ગયેલો. ને મારી પાસે પિસ્તોલ હોય એનો અર્થ એ નથી કે મેં મલ્હારનું ખૂન કર્યું છે. સાચું કહું છું, મેં એનું ખૂન કર્યું નથી!’
ઈન્સ્પેક્ટર કરણ બક્ષી તમામ નિવેદનો અંગે મંથન કરતો રહ્યો. પછી સહુની સામે જોઈને બોલ્યો: `ખૂની કોણ છે એ હું જાણી ગયો છું. એ આ જ ખંડમાં ઉપસ્થિત છે… આમ તો યશવંતસિંહ પર શંકા મેં કરેલી. કારણ મલ્હારનું મૃત્યુ થાય એ સંજોગોમાં સઘળી સંપત્તિના એ માલિક બની જાય. મલ્હારના મોતથી એમને ફાયદો જ થવાનો હતો. ઉપરાંત એમનું એક વાક્ય. મેં માત્ર ગોળી છોડાયાની વાત કરેલી. ગોળી કયા હથિયારમાંથી ચલાવાઈ છે એ તો મેં કહ્યું જ નહોતું. છતાં એમણે કહેલું કે અનંત પાસે રિવોલ્વર છે. એથી એણે ખૂન કર્યું હશે. બસ, એ મુદ્દે મને એમના પર શંકા ગયેલી.
પરંતુ ખૂન રિવોલ્વરથી થયું નથી. અનંત પાસે રિવોલ્વર હોવાથી ખૂન એના વડે જ થયું હોવાની ધારણા યશવંતસિંહ બાંધી બેઠેલા એ હું સમજી ગયો. વળી ખૂનનું હથિયાર પણ જુદું જ હતું. એથી એક બાબત સ્પષ્ટ થઈ ગઈ કે સંપત્તિની લાલચે ખૂન યશવંતસિંહે કર્યું નથી. પણ અહીં ઉપસ્થિતોમાંથી કોઈએ એવું નિવેદન કર્યું છે જેનાથી દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું છે કે ખૂની કોણ છે. એ ખૂની તમે છો તારક તેજપાલ!’
સાબિત કરો, ઇન્સ્પેક્ટર..’ તારકે પડકાર ફેંક્યો. તો સાંભળો મિસ્ટર તારક…’ કરણ બક્ષીના અવાજમાં કરવતની ધાર ભળી: `બહુ ડાહ્યા બહુ ખરડાય. મેં માત્ર એટલું પૂછેલું કે તમે મલ્હારને જોઈ લેવાની મિસરીને ધમકી આપેલી…મલ્હારના ખૂન અંગે તો મેં કહ્યું જ નથી. છતાં તમારા મનમાં બેઠેલા ચોરે બફાટ કર્યો કે મલ્હારનું ખૂન થયું ત્યારે હું તો એક પાર્ટીમાં ગયેલો. મારી પાસે પિસ્તોલ છે એનો અર્થ એ નથી કે મેં એનું ખૂન કર્યું છે. મલ્હારની છાતીનો ઘા જોઈને હું પારખી ગયેલો કે એ જખમ પિસ્તોલનો છે. ખૂનનું હથિયાર પિસ્તોલ છે. પણ તારક પર શક ન જાય અને સમીર તથા અનંત ભણી શંકાની સોય તકાય એ માટે એણે સોનાનો દાંત ચડાવ્યો હશે ને રેડિયમની ઘડિયાળ પહેરી હશે.
મિસ્ટર તારક, હવે તમારા નિવેદનને આધારે ત્રણ પ્રશ્ન: એક, મલ્હારનું ખૂન થયું છે એ તમને કેવી રીતે ખબર પડી… બે, ખૂનનો સમય કયો હતો એ તમને કેવી રીતે ખબર પડી અને ત્રણ, તમને કેવી રીતે ખબર પડી કે ખૂન પિસ્તોલથી થયું છે?’
તારક નીચું જોઈ ગયો. બોલવા જેવું કાંઈ હતું જ નહીં. હાથનાં કર્યાં હૈયે વાગેલાં એને. એણે ચૂપચાપ ગુનો સ્વીકારી લીધો. એ જોઈને કરણ બક્ષી મિસરીને સાંત્વનાના સૂરે કહી રહ્યા : `આવો મિત્ર જેનો હોય એને શત્રુની શું જરૂર?’
આવતા અઠવાડિયે નવી કથા



