એક નજર ઈધર ભી… : રોયલ આલ્બર્ટ હોલ: સંગીત-સુમોનું સરનામું

કામિની શ્રોફ
રોયલ આલ્બર્ટ હોલ…
155 વર્ષ પહેલાં રાણી વિક્ટોરિયા વતી તેમના પુત્ર પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા આ જગ વિખ્યાત હોલનું યુનાઇટેડ કિગડમના સેન્ટ્રલ લંડનમાં લોકાર્પણ થયું હતું. રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટના નામ પરથી આ હોલનું નામકરણ થયું હતું. આ હોલની સ્થાપનાનો મૂળ ઉદ્દેશ શિક્ષણ, સંસ્કૃતિ અને સાયન્સ પ્રતિ જનતા વધુ ઢળે એ હતો. પ્રારંભમાં સાયન્સ લેક્ચર્સ અને એક્ઝિબિશન માટે જાણીતો આ હોલે કાળક્રમે ક્લાસિકલ અને પોપ મ્યુઝિક કોન્સર્ટ હોલ તરીકે ખ્યાતિ મેળવી. જોકે, આ હોલમાં ખેલકૂદ, રાજકારણ અને માનવ હક સંબંધિત વિવિધ કાર્યક્રમો પણ થયા છે એ વાત અચરજ પમાડે છે.
21 સપ્ટેમ્બરે આ હોલમાં આયોજિત એક કાર્યક્રમ જોવાની તક મળી હતી. We Are Gonna Change The WORLD સૂત્ર સાથે પાંચથી 15 વર્ષની ઉંમરના વિવિધ સ્કૂલનાં બાળકોએ પર્યાવરણ વિશે જાગરૂકતા દર્શાવતો હજારેક બાળકોના સહભાગ ધરાવતો વિશિષ્ટ કાર્યક્રમ જોઈ આજની પેઢી આવતી કાલ વિશે કેવી સજાગ છે એ જોવા-જાણવા મળ્યું. આવા પ્રયાસ આવતીકાલ ઉજ્જવળ બનાવે છે. એન્વાયરન્મેન્ટ વિશે પણ કાર્યક્રમ કરતા હોલ વિશે અન્ય મજેદાર બાબત જાણવા મળી. જોકે, એક ભારતીય કલા રસિક તરીકે રોયલ આલ્બર્ટ હોલનું નામ પડતા પહેલા તો લતા મંગેશકરનું નામ જ કાનમાં ગુંજવા લાગે.
લતા મંગેશકર કોન્સર્ટ
21 માર્ચ, 1974. રોયલ આલ્બર્ટ હોલમાં લતા મંગેશકરના પરફોર્મન્સનો દિવસ. આ પ્રતિષ્ઠિત હોલમાં શો કરનારાં દીદી પ્રથમ ભારતીય કલાકાર હતાં. આ હાઉસફુલ શોની અનેક ખાસિયતોમાંની એક એ હતી કે આ કાર્યક્રમમાં યુકે ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત વિવિધ દેશોમાં પથરાયેલા એમના ચાહકો હાજર હતા.
દિલીપ કુમારએ આપેલી અદ્ભુત ઓળખ (ફૂલ કી ખુશ્બૂ યા મહેક કા કોઈ રંગ નહીં હોતા, જૈસે બેહતે હુએ પાની કે ઝરને કા યા ઠંડી હવાઓં કા કોઈ ઘર – ગાંવ યા વતન – દેશ નહીં હોતા, જિસ તરહ સે ઉભરતે હુએ સૂરજ કી કિરનોંકા યા માસૂમ બચ્ચે કી મુસ્કુરાહટ કા કોઈ મઝહબયા ભેદભાવ નહીં હોતા, વૈસે હી લતા મંગેશકર કી આવાઝ કુદરત કી તખલીક(સર્જન)કા એક કરિશ્મા હૈ)થી સમગ્ર હોલ તાળીઓના તાલે ઝૂમી ઉઠ્યો.
ત્યારબાદ લતા દીદીના સ્વરમાં સંસ્કૃતમાં ભગવદ ગીતાનો શ્લોક અને ચાર ભાષામાં મુલાયમ અને મધમીઠા સ્વરથી ગવાયેલા ગીતો પછી એ તાળીઓનો ગડગડાટ દસે દિશામાં ગૂંજી ઉઠ્યો. રોયલ આલ્બર્ટ હોલ એ દિવસે ધન્ય થઈ ગયો. આ હોલમાં અનેક મ્યુઝિકલ કોન્સર્ટ થઈ છે અને થતી રહેશે, પણ દીદીનો એ શો ક્યારેય નહીં વિસરાય. આ પહેલા હોલમાં ભારતીય કલાકાર પર પ્રતિબંધ હતો, પણ લતાજીના આ શોથી એક દરવાજો ખુલ્યો અને એક સાંસ્કૃતિક ક્રાંતિ થઈ.
બાહુબલી – ધ બિગીનિંગ
ભારતીય ચિત્રપટ ઉદ્યોગને પહેલી વાર અધધ કમાણીનાં સપનાં દેખાડનારી આ ફિલ્મ ઓક્ટોબર 2019માં રોયલ આલ્બર્ટ હોલની `ફિલ્મ્સઈન કોન્સર્ટ સિરીઝ’ હેઠળ દર્શાવવામાં આવી હતી. આ હોલમાં અંગ્રેજી સિવાય અન્ય ભાષાની ફિલ્મનો શો થયો હોય એવી આ વિશ્વની પહેલી ફિલ્મ હતી. કેવળ રજૂઆતનો જ ભપકો નહોતો, ચાર ચાંદ લાગે એવી વાત એ હતી કે હોલમાં વિશ્વ વિખ્યાત સ્વિટ્ઝર્લેન્ડના ઓર્કેસ્ટ્રા કંડકટર લુડવિગવિકીના માર્ગદર્શન હેઠળ રોયલ ફિલ હાર્મોનિક કોન્સર્ટ ઓર્કેસ્ટ્રા હાજર હતી.
સાથે `બાહુબલી’ના સંગીતકાર એમ એમ ખીરવાની, ડાયરેક્ટર એસ. એસ. રાજામૌલી તેમ જ ફિલ્મના કલાકાર પ્રભાસ અને રાણા દગ્ગુબાટી હાજર હતા. શોને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો અને સ્પેશિયલ સવાલ – જવાબના કાર્યક્રમ પછી ઓડિયન્સે આપેલું સ્ટેન્ડિંગ ઓવેશન ભારતીય સિનેમાના વિશ્વમાં પડેલા પડઘાનું એ પ્રમાણપત્ર હતું. એ દિવસે રોયલ આલ્બર્ટ હોલએ બીજી વાર ધન્યતા અનુભવી હશે.
જાપાની સુમો
સૌથી રસપ્રદ છે સુમોનું આયોજન. જાપાનની પ્રખ્યાત સુમો સ્પર્ધાના 1500 વર્ષના ઈતિહાસમાં જાપાનની બહાર પહેલીવાર એનું આયોજન જાપાન ફેસ્ટિવલના ભાગરૂપે 1991માં રોયલ આલ્બર્ટ હોલમાં થયું હતું. આયોજનમાં કેટલાક આગ્રહ રાખવામાં આવ્યા હતા. Dohyo તરીકે ઓળખાતી અને પવિત્ર માનવામાં આવતી સુમોની રેસલિંગ રિગ (જેની અંદર રહી પહેલવાનોએ મુકાબલો કરવાનો હોય છે) તૈયાર કરવા માટે વપરાતી માટી લંડનના હિથ્રો એરપોર્ટ નજીક એક ખાણમાંથી હાથ લાગી હતી.
ટુર્નામેન્ટ વખતે વગાડવામાં આવતા ડ્રમ અને યોકાટા તરીકે ઓળખાતો પરંપરાગત ચંદરવો ખાસ જાપાનથી જહાજમાં લંડન પહોંચતા કરવામાં આવ્યા હતા. આ મુકાબલો જોવા માગતા દર્શકો માટે સૌથી મોંઘીદાટ ટિકિટ રેસલિંગ રિગ ફરતે મુકવામાં આવેલી કુશન સીટ હતી. સ્પર્ધામાં કુલ 40 રિકીશી (સુમો પહેલવાન) સહભાગી થયા હતા.
આ સ્પર્ધાનું પ્રમુખ આકર્ષણ હતો સુમોના ઈતિહાસનો સૌથી ભારેખમ પહેલવાન Hawaiian Konishiki, જેનું વજન હતું 238.25 કિલો. સ્પર્ધા વખતે અનેક વજનદાર પહેલવાનોની હાજરીને કારણે ટોયલેટ એમના વજન ખમી શકે એ માટે પરીક્ષણ કરી ફેરફાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, એક્સ્ટ્રા લાર્જ શાવર્સ પણ બેસાડવા પડ્યા હતા.
મહિલા મતાધિકાર
યુકેમાં વીસમી સદીના પ્રારંભ સુધી મહિલાઓને મતાધિકાર નહોતો. સર્વ મહિલાઓને મતદાન કરવાની તક મળે એ માટેની ચળવળે 1872માં રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું હતું. 1908 અને 1918 દરમિયાન women’s suffrage meetings તરીકે ઓળખાતી મહિલાઓને મતાધિકાર મળે એ માટે કોશિશ કરતી વીસેક મીટિગ રોયલ આલ્બર્ટ હોલમાં આયોજિત કરવામાં આવી હતી. 21 નવેમ્બર, 1918ના દિવસે યુકેમાં મહિલાઓને મતાધિકાર મળ્યો એમાં રોયલ આલ્બર્ટ હોલની મહત્ત્વની ભૂમિકા હતી.
ફોર્ડ મોટર શો
અમેરિકન ઉદ્યોગપતિ હેન્રી ફોર્ડ દ્વારા 1903માં શરૂ કરવામાં આવેલી ફોર્ડ મોટર કંપનીએ 1932થી 1937 દરમિયાન આ હોલમાં પોતાનાં ઉત્પાદિત વાહનોનું એક્ઝીબીશન રાખ્યું હતું. કાર, એમ્બ્યુલન્સ અને ટ્રક જેવાં વાહનો હોલમાં હંકારીને લાવવામાં આવતા હતા અને નજરાણાની જેમ પેશ કરવામાં આવતાં હતાં.
આ પ્રદર્શન લગભગ એક અઠવાડિયા સુધી ચાલતું અને અને હોલમાં બોક્સ જેવી જગ્યામાં વેચાણ થતું અને ફોર્ડના લેટેસ્ટ મોડલની ફિલ્મો દર્શાવવામાં આવતી. રોયલ આલ્બર્ટ હોલ વાહનની વેચાણ ભૂમિ હતી એવી કલ્પના પણ કોઈ ન કરી શકે.
આ ઉપરાંત બોક્સિંગ, રેસલિંગ, ટેનિસ ટુર્નામેન્ટ તેમજ વિશ્વનો પ્રથમ મીની સ્કર્ટ બોલડાન્સ, સ્ટીફન હોકિગ શો તેમજ મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટ સહિત અન્ય વિવિધ કાર્યક્રમનું પણ આ હોલમાં આયોજન થયું છે.



