એક નજર ઈધર ભી… : નેધરલેન્ડ્સ: તુ `ચીઝ’ બડી હૈ મસ્ત મસ્ત…

કામિની શ્રોફ
યુરોપના પ્રવાસે જવાનું હોય ત્યારે શેંગેન વિઝા (Schengen Visa) મેળવવા જરૂરી છે. 90 દિવસ માટે મળતા આ વિઝાનો એક ફાયદો એ છે કે એની મુદત દરમિયાન શેંગેન વિસ્તારમાં સમાવેશ ધરાવતા 29 યુરોપિયન દેશોમાં મુક્તપણે હરીફરી શકાય છે. એક દેશમાંથી બીજામાં જતી વખતે કોઈ ચેકપોસ્ટ કે કાગળિયા બતાવવા જેવી કડાકૂટ વિના `મૈં તો ચલા જીધર ચલે રસ્તા’ની ભાવનાથી હરફર કરી શકવાની સ્વતંત્રતા.
નેધરલેન્ડ્સના ત્રણ મહિનાના રોકાણ દરમિયાન સહેલ કરવા મળી એમાં ડેરી પ્રોડક્ટ ચીઝ નેધરલેન્ડના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં કેવો માન મરતબો ધરાવે છે એ જોવા-જાણવા મળ્યું. વાંચીને હેરત તો થશો જ, પણ સાથે સાથે સામાન્ય લાગતી વસ્તુ કેવા વિશાળ પરિમાણ ધારણ કરી શકે છે એનો પણ ખ્યાલ આવશે.
તુ `ચીઝ’ બડી હૈ મસ્ત મસ્ત:
ભાષામાં Say cheese -As different as chalk and cheese સહિત અનેક પ્રયોગ જાણીતા છે. જોકે, ખાવાની વાત આવે ત્યારે ચીઝ એટલે દૂધમાંથી બનતો પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થ. પિઝા, નાચોઝ, પાસ્તા, સેન્ડવીચ સહિત અનેક આઈટમમાં ચીઝ એ ખાદ્ય પદાર્થને અનોખો સ્વાદ આપી એની શાન વધારે છે.
નેધરલેન્ડ્સની ચીઝ ઈન્ડસ્ટ્રી ચીઝના ઉત્પાદન માટે વિશ્વ વિખ્યાત છે અને ઘણી વરાયટી તૈયાર કરવામાં આવે છે. ગાયના દૂધમાંથી તૈયાર થતી ગાવડા (Gouda) ચીઝ મોટા પાયે નિકાસ (એક બિલિયન યુરો) કરવામાં આવે છે. આ સિવાય ગાયના જ દૂધમાંથી બનાવવામાં આવતી Edam – Maasdam ચીઝ પણ ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. નેધરલેન્ડ્સમાં ડચ ચીઝનું ઉત્પાદન કરતા ઘણા ફાર્મ્સ જોવા મળે છે અને તેનું વેચાણ કરતા અનેક ચીઝ માર્કેટ સુધ્ધાં છે. આ માર્કેટની મુલાકાત લીધા પછી અચંબો થાય છે.
અર્થતંત્રમાં યોગદાન:
ચીઝ ડચ લોકોની સંસ્કૃતિમાં અને એના અર્થતંત્રમાં કેવું અને કેટલું મહત્ત્વ ધરાવે છે એ ખરેખર હેરત પમાડે છે. આવી વાત જાણવાથી નવી દ્રષ્ટિ વિકસે છે. કેટલાક આંકડા પરથી આ વિશે વધુ સ્પષ્ટતા મળે છે. 6.5 લાખ ટન ડચ ચીઝનું ઉત્પાદન થાય છે અને ચીઝ દેશની કુલ નિકાસમાં આઠ ટકા હિસ્સો ધરાવે છે.
ડચ લોકોમાં ચીઝનો વપરાશ ખાસ્સો છે અને વ્યક્તિદીઠ 25 કિલો ચીઝ ખવાતી હોવાનો અંદાજ છે. એને કારણે નિકાસ ઉપરાંત સ્થાનિક વેપારને પણ બળ મળે છે. એટલું જ નહીં, ચીઝ ઈન્ડસ્ટ્રીને કારણે 18 હજાર ડેરી ફાર્મ્સમાં લોકોને રોજગારી મળે છે. ડચ ચીઝને પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય ખ્યાતિને કારણે ટૂરિઝમને ઉત્તેજન મળે છે જે અર્થતંત્ર વધુ મજબૂત બનાવે છે. એક ખાવાનો પદાર્થ લાખો લોકોના પેટ ભરે છે. વાંચીને ઓડકાર આવી ગયો ને…!
દહેજમાં ચીઝ પ્રેસ:
ચીઝ પ્રેસનું કામ ચીઝ કર્ડમાં રહેલું વધારાનું પ્રવાહી દૂર કરી તેને યોગ્ય આકાર આપી વધુ સઘન બનાવવાનું છે. 1888ની સાલનું પ્રેસ બતાવી 1723ની સાલના ચીઝ પ્રેસની પ્રિન્ટ આપનારા શખ્સે આપેલી જાણકારી અનુસાર `નેધરલેન્ડ્સની જનતા માટે ચીઝ સદીઓથી આકર્ષણ ધરાવે છે. લગ્નમાં ગિફ્ટ તરીકે ચીઝ આપવું-મેળવવું એ શાન કહેવાતી હતી. એવી પણ માન્યતા છે કે 19મી સદીમાં આનાથી મોટા કદનું ચીઝ પ્રેસ દહેજ તરીકે પણ આપવામાં આવતું હતું.
મતલબ કે વરપક્ષ તરફથી એનો આગ્રહ રાખવામાં આવતો હતો. એ સમયે દહેજ પેટે નવું ઘર માંડતા યુગલને વપરાશમાં ઉપયોગી તેમ જ કિમતી ચીજવસ્તુ આપવામાં આવતી હતી. ચીઝ પ્રેસ વિશાળ માત્રામાં ચીઝ તૈયાર થઈ શકતી હોવાથી આ ભેટ અલાયદી માનવામાં આવતી હતી. દહેજની વાત તુક્કો ન લાગે એ માટે 1840માં ક્વીન વિક્ટોરિયાને લગ્ન વખતે આપવામાં આવેલા ચેડર ચીઝ પ્રેસનું ઉદાહરણ પણ જાણકારે આપ્યું.
ટેસ્ટી’ મ્યુઝિયમ: 1983માં સ્થાપવામાં આવેલાડચ ચીઝ મ્યુઝિયમ’નો ઉલ્લેખ સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં નેધરલેન્ડ્સના સૌથી સ્વાદિષ્ટ મ્યુઝિયમ’ તરીકે થયો ત્યારે પહેલા તો અચરજ થયું પણ એનો ભાવાર્થ સમજાતા ગમ્મત થઈ અને અનેક વિદેશી સહેલાણીઓ હસી પડ્યા. અલ્કમારનાવાહ’ બિલ્ડિંગમાં ચીઝ મ્યુઝિયમ છે. મૂળે આ જગ્યા ધર્મધ્યાન માટે હતી, પણ 14મી સદીમાં એનું રૂપાંતર `વે હાઉસ’ (મસમોટી ચીજવસ્તુનું વજન કરી આપતું સ્થળ) તરીકે થયું હતું.
આજની તારીખમાં અહીં ચીઝ મ્યુઝિયમ જોવા મળે છે. તમે ચીઝના શોખીન હો કે ન હો, આ મ્યુઝિયમની સફર એક લહાવો છે. અહીં ચીઝ નિર્મિતીનો ડચ ઈતિહાસ વિગતે જાણવા મળે છે. સાથે સાથે એ તૈયાર કરવા માટે વપરાયેલા પરંપરાગત સાધનો પણ જોવા મળે છે.
ચીઝ કેરિયર-ચીઝ ફાધર:
મધ્ય યુગ (ઈ. સ. 600થી ઈ. સ. 1500 દરમિયાનનો સમયગાળો)માં દરેક વ્યવસાય માટે સહકારી સમિતિ (ગીલ્ડ) સ્થાપવાની પ્રથા હતી. 1593માં શરૂ થયેલી અલ્કમાર ચીઝ કેરિયર્સ ગીલ્ડમાં 28 પુરુષ અને એક ચીઝ ફાધરનો સમાવેશ હતો. આ ગીલ્ડમાં ચાર ગ્રુપ હોય અને દરેક ગ્રુપમાં છ ચીઝ કેરિયર્સ અને એક બેગમેન હોય છે. દરેક ગ્રૂપનો અલાયદો રંગ હોય -લાલ, લીલો, ભૂરો અને પીળો. આ રંગ ચીઝ કેરિયરની હેટ, બો ટાઈ તેમજ ચીઝ લઈ જવાના લાકડાના સ્ટ્રેચરમાં નજરે પડે.
ચાર ગ્રૂપના લીડર ચીઝ ફાધર કહેવાય જેની હેટ ઓરેન્જ કલરની હોય અને એના હાથમાં એક લાકડી હોય. આ ચીઝ કેરિયર્સ માટે કેટલાક નીતિ નિયમો ઘડવામાં આવ્યા હોય છે અને એ અનુસાર તેમણે વર્તવાનું હોય છે. ચીઝ કેરિયર સવારે સાત વાગ્યે `ચીઝ કેરિયર્સ રૂમ’માં પહોંચી જવાનું. મોડા પડનારનું નામ બ્લેકબોર્ડ પર લખવામાં આવે અને તેણે દંડ ભરવો પડે છે.
દંડ પેટે વસૂલ કરવામાં આવેલા પૈસાનો ઉપયોગ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે કરવામાં આવે છે. ચીઝ માર્કેટ ચાલુ હોય ત્યારે ઝઘડો કરવા પર તેમ જ સ્મોકિગ અને શરાબના સેવન પર પ્રતિબંધ હોય છે. કોઈ ભૂલ થાય કે કશું ખોટું થાય તો ગાળાગાળી નથી કરી શકાતી. સવારે પોણા દસે ચીઝ ફાધર ચીઝ કેરિયર્સને સંબોધન કરે અને માર્કેટમાં કેટલા ટન ચીઝ વેચાણ માટે આવ્યું છે એની જાણકારી આપે.



