એક નજર ઈધર ભી… : 23મા તીર્થંકર-24 કેરેટનો હીરો: એન્ટવર્પ…

કામિની શ્રોફ
એન્ટવર્પ…
બેલ્જિયમના આ શહેરનું નામ ચોક્કસ કારણોસર આજની તારીખમાં ખરડાયું ભલે હોય, પણ એક સમય હતો જ્યારે એનું નામ પડતાં જ વેપારી વર્ગ, વિશેષ કરી પાલનપુર અને સૌરાષ્ટ્રના હીરા વેપારીઓની આંખોમાં 24 કેરેટના હીરાની ચમક દમક જોવા મળતી હતી. અત્તરની નગરી (માટીનાં અત્તર સ્પેશ્યાલિટી), શાયરોની નગરી (શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, ઓજસ પાલનપુરી…) અને હીરા નગરી તરીકે જાણીતા આ શહેરના જૈન વેપારીઓ વિશ્વના હીરા ઉદ્યોગમાં જે દબદબો નિર્માણ કર્યો એમાં એન્ટવર્પનું વિશિષ્ટ સ્થાન છે.
એન્ટવર્પમાં યહૂદીઓના આગમનથી હીરાનો બિઝનેસ ફૂલ્યોફાલ્યો અને 19મી સદીમાં તો એન્ટવર્પ વિશ્વના `ડાયમંડ કેપિટલ’ તરીકે પંકાઈ ગયું. જોકે, 1960થી એમની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો અને એનું કારણ?
કારણમાં મુંબઈ અને સુરતમાં વસતા પાલનપુરી જૈન વેપારીઓ અને સૌરાષ્ટ્રના પટેલોનું એન્ટવર્પમાં આગમન.
`શેરને માથે સવાશેર’ કહેવત અનુસાર હીરા વેપારમાં પારંગત યહુદીઓને ટક્કર આપવા ભારતીય વેપારીઓએ એક રણનીતિ અપનાવી. યહૂદી ડાયમંડ ટે્રડર્સ નાના હીરાને અડતા પણ નહીં અને મોટા કામકાજને જ પ્રાધાન્ય આપતા. એમની લેબર કોસ્ટ પણ ઊંચી.
1960થી એન્ટવર્પમાં નિયમિત આવવા લાગેલા ગુજરાતી વેપારીઓએ કિમતમાં સસ્તા રફ હીરા પૉલિશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એમનો ધંધો વધવા લાગ્યો. સસ્તા હીરા ઉપરાંત સસ્તી મજૂરી એમ બે ઘોડે પલાણ કરવા મળતા ગુજરાતીઓનો બિઝનેસ એવો દોડવા લાગ્યો કેયહૂદીઓ હાંફી ગયા.
એન્ટવર્પની સફળતામાં બીજી એક વાત પણ નોંધવા જેવી છે કે યહૂદીઓનો ધર્મ તેમને શુક્રવારે સૂર્યાસ્ત થયા પછી શનિવારના સૂર્યાસ્ત સુધી બિઝનેસ કરવાની અનુમતિ નહોતો આપતો. ભારતીયો અને ખાસ કરી ગુજરાતી વેપારીઓનું `ધંધો પહેલા’ સૂત્ર અહીં કારગત નીવડ્યું.
એન્ટવર્પના ડાયમંડ ડિસ્ટ્રિક્ટમાં ભારતીય વેપારીઓના ઉદય સાથે યહૂદીઓની ઈજારાશાહીના અંતનો આરંભ થયો એ હકીકત તો એ લોકો સુધ્ધાં સ્વીકારે છે. વીસમી સદીના છેલ્લા દાયકામાં સેંકડો યહૂદી વેપારીઓએ પેઢીઓ સંકેલી હીરા બજારના ધંધાને બાયબાય કરી દીધું. એન્ટવર્પની વસતિ સાડા પાંચ લાખ છે, એમાંથી ગુજરાતીઓની સંખ્યા ત્રણેક હજાર માંડ હશે અને એમાંના 80 ટકા એટલે કે અઢી હજારની આસપાસ જૈન પરિવારના સભ્ય છે.
દેરાસર:
જૈનોની વસતિ હોય ત્યાં દેરાસર ન બંધાય તો જ નવાઈ. પછી એ એન્ટવર્પ કેમ ન હોય.1960થી 1990 દરમિયાન એન્ટવર્પમાં જૈનોની સંખ્યા વધી જતા `જૈનમ્ જયતિ શાસનમ્’ની ભાવનાને અનુસરી 1990માં દેરાસર બાંધવાનો નિર્ણય સમુદાયે લીધો. સમાજની દૂરંદેશી જુઓ. ભવિષ્યમાં દેરાસર તો બાંધવાનું જ છે એટલે વર્ષો પહેલાં પૈસાની સગવડ થઈ ત્યારે એક બેલ્જિયમ કંપની પાસેથી ચાર હજાર ચોરસ મીટર પ્લોટ ખરીદી લીધો હતો.
1992માં `જૈન કલ્ચરલ સેન્ટર’ નામની કમિટી રજિસ્ટર કરી અને દેરાસર બાંધકામની વ્યવસ્થાનાં સૂત્રો આ કમિટીને સોંપવામાં આવ્યાં હતાં. એન્ટવર્પના જૈન સમુદાયના લોકોના ડોનેશનથી આ દેરાસર ઊભું કરવાનું નક્કી કરવામાં આવ્યું. દેરાસર એક હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને 2010માં 23મા તીર્થંકર મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સાથે દેરાસરની પ્રતિષ્ઠા થઈ હતી.
એના બાંધકામની શરૂઆત 1990-91માં ભારતમાં કરી 2000ની સાલમાં એનું બાંધકામ પૂર્ણ થયા પછી એનો દરેક હિસ્સો છૂટો પાડવામાં આવ્યો હતો. છૂટા પાડવામાં આવેલા ભાગ જહાજ વાટે બેલ્જિયમ મોકલવામાં આવ્યા હતા અને અત્યારે જ્યાં ઊભું છે એ જ સ્થળે એની નવેસરથી ઉભારણી કરવામાં આવી હતી. એવી ચીવટ રાખવામાં આવી છે કે એન્ટવર્પમાં દેરાસર જોતી વખતે સહેજ પણ ખ્યાલ નથી આવતો કે પુન: બાંધકામ કરવામાં આવ્યું છે. યુરોપના અનેક શહેરોમાંથી લોકો યુરોપના આ એકમાત્ર દેરાસરમાં દર્શન કરવા આવે છે.
ડાયમંડ મ્યુઝિયમ:
મ્યુઝિયમના છ રૂમની સફર આહલાદક છે. પહેલી રૂમમાં હીરાના વ્યવસાયનો ઈતિહાસ અને અલભ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ જોવા મળે છે. બીજો રૂમ ડાયમંડ પ્રોસેસિંગ માટે છે અને સાથે હીરાને કઈ રીતે ઘાટ આપી એની વીંટી બનાવાય છે એની શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવે છે. ત્રીજી રૂમમાં હીરાના વેપાર પર ફોક્સ કરી વિશ્વભરમાંથી હીરા કઈ રીતે એન્ટવર્પમાં આવે છે એનું ચિત્રણ છે.
ચોથી રૂમમાં ચાંદીની વસ્તુઓનો સંગ્રહ જોવા મળે છે. પાંચમો રૂમ વધુ ધ્યાન માગી લે છે, કારણ કે અહીં અસલી – નકલી હીરાના સર્ટિફિકેટ વિશે જાણકારી આપવામાં આવે છે અને હીરાની પ્રખ્યાત લૂંટની કથા સાંભળવા મળે છે. છઠ્ઠા અને અંતિમ રૂમમાં રાણી વિક્ટોરિયા અને મેરિલીન મનરોએ પરિધાન કરેલા મૂલ્યવાન હીરાનું સૌંદર્ય દર્શન થાય છે. વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા પહેરવામાં આવેલા હીરાના મૂલ્યવાન આભૂષણો અહીં જોવા મળે છે. આ અનુભવ એક વિશિષ્ટ સંભારણું બની રહે છે.
કારની પર્સનલ નંબર પ્લેટ:
ગુજરાતી પ્રજા પાસે મબલક નાણું હોવાથી એનો ઉપયોગ વ્યક્તિગત – અંગત શોખ – ઈચ્છા પૂરી કરવા માટે થાય એ સ્વાભાવિક છે. આ શોખ અને ઈચ્છામાં ઘરની સજાવટ અને મોંઘીદાટ મોડર્ન કારનો સમાવેશ થાય છે. દેરાસર નજીક રહેતા કેટલાક પરિવારના આલીશાન બંગલાના નામ અરિહંત',નવકાર’ અને `જિનેન્દ્ર’ ઉપરાંત પારિવારિક અટકના નામ પણ જોવા મળે છે.
ધર્મ પ્રત્યેના લગાવનું આ પરિણામ છે એવું વેપારી વર્ગનું કહેવું છે. અલબત્ત, આ શોખ – ઈચ્છાનું વિસ્તરણ કારની નંબર પ્લેટ સુધી થયું હોવાનું જોવા મળે છે. ઊંચી કિમત ચૂકવી વેપારી વર્ગ વ્યક્તિગત નામ અથવા અટકની નંબર પ્લેટ વટથી કાર પર મુકાવે છે.
એન્ટવર્પ સેન્ટ્રલ રેલવે સ્ટેશન:
વિશ્વના મોસ્ટ બ્યુટીફૂલ સ્ટેશન'નો ખિતાબ એકથી વધુ વાર મેળવનારા આ સ્ટેશનનેરેલવે કથિડ્રલ’ (રેલવેનું મંદિર) તરીકે સંબોધે છે. આ એકમાત્ર વિધાન આ સ્ટેશન રહેવાસીઓમાં કેવું વિશિષ્ટ સ્થાન ધરાવે છે એનો ખ્યાલ આપે છે. સ્ટીલ અને પથ્થરના બનેલા આ બિલ્ડિંગનું બાંધકામ 1905માં થયું હતું.
1986થી સંરક્ષિત ઈમારતનું લેબલ મેળવનારી ઈમારતની ખ્યાતિ એવી છે કે એન્ટવર્પની ટુર દરમિયાન એક રમણીય સ્થળ તરીકે સહેલાણીઓને બતાવવામાં આવે છે. આ સ્ટેશનથી આંતરરાષ્ટ્રીય સફર કરી લંડન ઉપરાંત યુરોપનાં પ્રખ્યાત શહેરો ફ્રાન્સના પેરિસ, નેધરલેન્ડ્સના એમ્સ્ટર્ડમ અને જર્મનીના કોલોન શહેર પણ જઈ શકાય છે.
આ પણ વાંચો…એક નજર ઈધર ભી… : રોયલ ઓબ્ઝર્વેટરી… આ વેપાર છે વખતનો!



