એક નજર ઈધર ભી…: મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

કામિની શ્રોફ
ફૂલ એટલે? કુદરતનું સુશોભન. પ્રભુની માળા, સ્ત્રીનો શણગાર અને પુષના પ્રેમનું પ્રતીક. સુકુમારતા, કોમળતા અને સૌંદર્ય માટે ફૂલ કવિઓમાં પ્રસિદ્ધ છે. સન્નારીના શણગારની સ્તુતિ છે મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે, સોહામણી ઝૂલ.’ હરીન્દ્ર દવે લખી ગયા છે કેફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં.’
રમેશ પારેખ રોમેન્ટિક અંદાજમાં કહે છે કે ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ.’ તો વળી ચિત્રપટ ગીતકાર ઇન્દીવરફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હૈ’ એવી રંગોળી કરે છે. મધુ રાયના એક નાટકનું નામ છે કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો.’ ભાષામાંફૂલ નહીં તો ફૂલની પાંખડી’ નજીવા ઉપહાર માટે હાજર છે. `ફૂલ ગયું ને ફોરમ રહી’ ઉપમા વ્યક્તિ કરતા વ્યક્તિત્વના માહાત્મ્યનું નિરૂપણ કરે છે… આમ ફૂલનો મહિમા અનંત છે.
ઈશ્વરની માળામાં કે સ્ત્રીના અંબોડામાં કે પછી લગ્નની સજાવટમાં નજરે પડતાં છૂટાછવાયાં ફૂલોની પરેડ, એનું સરઘસ નીકળે તો? પરેડ કે સરઘસ તો રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય અથવા કોઈ ધાર્મિક કે વ્યક્તિગત ઉજવણીના ભાગરૂપે હોય… પણ ફૂલોનું સરઘસ? ફ્લાવર પરેડ?
જી હા, ફૂલ અને ફોરમ માટે વિશ્વ વિખ્યાત યુરોપિયન દેશ નેધરલેન્ડ્સમાં 78 વર્ષથી દર સાલ એપ્રિલ મહિનામાં ફ્લાવર પરેડનું આયોજન કરવામાં આવે છે. આઠ – દસ હજાર લોકોના સહભાગ સાથે શરૂ થયેલી આ પરેડને એવો ફાંકડો પ્રતિસાદ મળ્યો કે 1950ના દાયકામાં જ પરેડમાં સામેલ થનારા નિસર્ગ પ્રેમીઓની સંખ્યા લાખને આંબી ગઈ અને આજની તારીખમાં દેશ – વિદેશના 10 લાખથી વધુ લોકો આ અનન્ય ફ્લાવર પરેડનો હિસ્સો બની રહ્યા છે.
સહભાગી થવા રીતસરનું આયોજન થાય છે અને લોકો પરેડ નીકળવાના રૂટ પર કેટલાક કલાક અગાઉ આવી ફોલ્ડિંગ ટેબલ ને ખુરશીઓ મૂકી જમાવટ કરી લે છે. આ શો નરી આંખે જોયા પછી, એનો જાત અનુભવ લીધા પછી આ વાર્ષિક આયોજન ડચ લોકો માટે કેવળ એક આનંદ-ઉત્સવનું પ્રતીક નથી, બલકે જીવનનો, એમની સંસ્કૃતિનો એક અંતરંગ-અભિન્ન હિસ્સો છે અને એમાં હાજર રહેવું એ આનંદ સાથે ગર્વની બાબત છે એ વાત સુપેરે સમજાય છે. નેધરલેન્ડ્સમાં પ્રાકૃતિક સૌંદર્ય ઠાંસી ઠાંસીને ભર્યું છે અને એ વિદેશી સહેલાણીઓની આંખમાં વસી જાય એનો હરખ દેશવાસીઓને થાય જ ને.
આવી ફ્લાવર પરેડનું આયોજન કેમ, ક્યારે અને કોણે કર્યું હશે એવો સવાલ થવો સ્વાભાવિક છે. બીજા વિશ્વયુદ્ધએ યુરોપને છિન્નભિન્ન કરી નાખ્યું હતું. ઉદ્યોગ અને વાહન વ્યવહારની દુર્દશા થઈ હતી, વેપાર ધંધા ભાંગી પડ્યા હતા, પશુધન સફાચટ થઈ ગયું હતું અને કાચા માલની તેમ જ ધાન્યની અછત બરાડા પાડી રહી હતી. ચારેકોર હતાશા અને મૂંઝવણનો માહોલ હતો. આ માહોલમાંથી મુક્ત થવા કોઈ એવા ધાગાની જરૂર હતી જેમાં સાગમટે બધા પરોવાઈ જાય.
`એમેરીલીસ’ તરીકે ઓળખાતા બહુરંગી ફૂલ ઉગાડતા વિલેમ વોર્મેનહોવેન નામની વ્યક્તિના દિમાગમાં ફ્લાવર પરેડ જેવું કશુંક કરવાનો વિચાર ઝબક્યો. ખુશ્બુદાર જાંબુડી રંગના ઘંટડી આકારના ફૂલ (અંગ્રેજી નામ હાયસીન્થ)ના ઉપયોગથી ફ્લાવર ફ્લોટ (ફૂલોની વિશિષ્ટ પ્રકારે સજાવટ) તૈયાર કર્યો. વહેલ આકારના આ ફ્લોટ ફૂલના ગોઠવણમાં સર્જનાત્મકતા અને વસંત ઋતુના સંયોજનનું દર્શન થતું હતું.
આ પ્રયાસની સોડમ એક શહેરમાંથી બીજા-ત્રીજા અને અન્ય ઠેકાણે ફેલાવા લાગી અને મજરૂહ સુલતાનપુરીની કાવ્ય પંક્તિ `મૈં અકેલા હી ચલા થા જાનિબ-એ-મંઝિલ મગર, લોગ સાથ આતે ગએ ઔર કારવાં બનતા ગયા’ની જેમ ફ્લાવર પરેડએ ઉત્સવનું સ્વરૂપ ધારણ કરી લીધું. ફૂલનું સૌંદર્ય જનમાનસને એકત્રિત કરવામાં નિમિત્ત બન્યું અને ફ્લાવર પરેડ એકતા અને નવોન્મેષનું પ્રતીક બની ગઈ.
એક નાનકડા મેળાવડા તરીકે થયેલી શરૂઆત એક ગૌરવવંતી પરંપરાનું સ્વરૂપ ધારણ કરી લીધું… જગવિખ્યાત બની ગયેલી આ ફ્લાવર પરેડ નેધરલેન્ડ્સની ડચ ભાષામાં Bloemencorso Bollenstreek (Bloemencorso means Flower Parade and Bollenstreek means region where flowers grow in abundance – ટૂંકમાં ચોક્કસ વિસ્તારમાં ઊગેલાં ફૂલોનું સરઘસ) તરીકે પ્રચલિત છે. ફૂલોની સજાવટની આ પરંપરાએ ક્રિએટિવિટીની સાથે સાથે ડચ લોકોના સાંસ્કૃતિક વારસાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
આ પરંપરા વિકસી, ફૂલીફાલી અને ટકી રહી છે એમાં સ્થાનિક રહેવાસીઓનું મહત્તમ યોગદાન છે. દર વર્ષે બાળકોથી માંડીને મુરબ્બીઓ સુધીના સ્વયંસેવકો ભેગા મળી આ ફ્લોટની રૂપરેખા બનાવી, એની ગોઠવણ અને સજાવટ કરવા પરેડના એક મહિના પહેલાથી શરૂઆત કરી દે છે. શાળા અને વિવિધ સંસ્થાઓ પણ હાથ લંબાવે છે.
આવા ફ્લાવર પરેડમાં `ઉત્ક્રાંતિ’ પણ જોવા મળી છે. પ્રારંભના વર્ષોમાં સામાન્ય સાધન સગવડ ઉપલબ્ધ હોવાથી ફૂલોના હાર અને મૂળભૂત શણગાર જોવા મળતા હતા. જેમ જેમ પરેડની ખ્યાતિ વધતી ગઈ એમ એમ ડિઝાઈનમાં પરિવર્તન આવવા લાગ્યા. 1950ના દાયકાના અંત સુધીમાં પરેડમાં ફૂલોની સજાવટમાં ભવ્યતા નજરે પડવા લાગી. આજની તારીખમાં તો એમાં ભારોભાર કલાત્મકતા જોવા મળે છે. રોબોટિક મિકેનિઝમ જેવી મોડર્ન ટેકનોલોજીની મદદ મળવાથી ફ્લાવર પરેડ વધુ નયનરમ્ય હોવાની સાથે પર્યાવરણલક્ષી પણ બની ગઈ છે.
42 કિલોમીટર આવરી લેતી આ પરેડ નજરે 2022માં જોવાનો લહાવો મળ્યો ત્યારે લોકોના ઉત્સાહમાં મોટી ભરતી આવી હતી. એનું પ્રમુખ કારણ એ હતું કે 2021માં `યુનેસ્કો’ તરફથી એને વિશેષ સન્માન પ્રાપ્ત થયું હતું. આ સન્માન વિશ્વના નંબર વન ફૂલના નિર્યાત (ફ્લાવર એક્સપોર્ટર) દેશની ખ્યાતિ ધરાવતા નેધરલેન્ડ્સનું વિશ્વને આપેલા સાંસ્કૃતિક યોગદાનનું પ્રમાણપત્ર છે.