વીક એન્ડ

ટ ઑંફ જિંદગી – પ્રકરણ-19

કેશુકાકા હાથ જોડીને કંઇક બબડ્યા. કદાચ એક અજાણ્યા માનવીએ બીજા અજાણ્યા માનવી માટે પ્રભુ પાસે કરેલી પ્રાર્થના હતી…આજીજી હતી.

સન્ડે ધારાવાહિક – અનિલ રાવલ

હરેશ રેશમાના પડખામાંથી ઝડપભેર ઊભો થયો. થોડીવાર પહેલા ગુસ્સાની સાથે એના શરીરમાં ધસી આવેલો આવેગ ઠરી ગયો… ભડકેલી આગ રેશમાએ હવા આપ્યા વિના જ ઓલવાઇ ગઇ હતી, પણ એને કોઇ ફરક પડ્યો નહતો. એને તો દર વખતની જેમ ભડાસ કાઢવી હતી અને મોટા ભાગે રેશમા જ એની ઝપટમાં આવતી.

‘સલ્લા ફુકટચંદ…’ રેશમા મનમાં બબડીને ઊભી થઇ. હરેશ શર્ટ ખભા પર નાખીને બહાર નીકળ્યો ત્યારે બચીબાઇ સામે જ મળી. બચીબાઇ રાખ જરૂર થઇ ગઇ હતી, પણ એણે રાખમાં ઢબૂરી રાખેલો તણખો હજી બાકી હતો. એ તણખો એના તેજ દિમાગનો હતો જેને પુરુષ કદી જોઇ નથી શક્યો.

આપણ વાચો: સન્ડે ધારાવાહિક: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-18

‘અગર તેરા દિમાગ ભી હલકા હો ગયા હો તો મેરી એક બાત સૂન.’ એ બોલી.

‘બોલ, અબતક તેરી સૂનતા આયા હું….ઝ્યાદા નહીં સુનેગા મૈં.’ ખંધા હરેશે ખભા ઉછાળ્યા.

‘અભી કે હાલાત કિસી કી ભી સાઇડ મેં નહીં હૈ…તૂ કૂછ એડાતેડા મત સૌચ…..હમારે ધંધે મેં શાદીબ્યાહ…યે સબ નહીં પરવડતા હૈ રે…તૂ જાનતા હૈ ના. તૂ ઉસકો વાપિસ લા, મેરે કૂ કોઇ તકલીફ નહીં. બસ ઉસકો ધંધા કરના પડેગા…..કમા કે દેના પડેગા.’
હરેશ શર્ટના બટન લગાવતો નીચે ઊતરીને ઓટલા પર બેઠો. થોડીવારે ખિસ્સામાંથી એક ચબરખી કાઢીને વાંચી. બાજુની ગલીમાં જઇને એક દરવાજો ખખડાવ્યો. દરવાજો ખુલ્યો.

‘રહીમ ચાચા એક અરજન્ટ ફોન કરને કા હૈ….’ એ બોલ્યો.

રહીમ ચાચાએ ફોન તરફ ઇશારો કર્યો. હરેશે ફોન લગાડીને કહ્યુ: ‘હેલો, એટુઝેડ ન્યૂઝ ચેનલ…?’

‘હાં બોલો’ એટુઝેડ ન્યૂઝ ચેનલમાંથી કોઇએ જવાબ આપ્યો.

‘મુઝે રિપોર્ટર સંજુ સે બોલને કા હૈ…’

‘એક મિનિટ…’ સામેથી જવાબ આપ્યો.

‘હેલો…મૈં સંજુ બોલ રહા હું આપ કૌન…?’ સંજુ લાઇન પર આવ્યો.

‘જી. જી. ભોય હોસ્પિટલ મેં ભર્તી વો લડકી કે બારે મેં કૂછ બતાને કા હૈ.’

સંજુ ખુરસી પરથી ઉછળીને ઊભો થઇ ગયો.

‘હાં બોલો ક્યા બોલના હૈ….?’ એણે પૂછ્યું.

‘ફોન પર નહીં…’

આપણ વાચો: સન્ડે ધારાવાહિક: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-17


કેશુકાકા પર નિર્મલને મળવાનું ભૂત સવાર હતું. એ કોઇપણ ભોગે એને મળવા માગતા હતા. કિસન અને કાશ્મીરાની મદદની કોઇ આશા રહી નહતી. રોષ અને જીદે ભરાયેલા કેશુકાકા સોલંકીને બે-ત્રણવાર કોલ કરવાની કોશિશ કરી જોઇ. સોલંકીએ ઊંચક્યો નહીં. એમના જીદ્દી સ્વભાવે વધુ જીદ પકડી. ‘આપ મૂવા વગર સ્વર્ગમાં નો જવાય…આપણે જ મારગ કાઢવો પડે મારા વાલા’ બબડતા એ રૂમની બહાર આવ્યા ત્યારે કાશ્મીરા મોટો થેલો લઇને બહાર જઇ રહી હતી.

‘ક્યાં હાલી હવારના પહોરમાં?’ એમણે પૂછ્યું.

‘થોડું કરિયાણું ઘરભેગું કરી લઉં. લોકડાઉનમાં દુકાનની બહાર લાઇનમાં દૂર દૂર ઊભા રાખે….લાંબી લાઇન ને માથે આકરો તડકો. વાર બહુ અઘરું લાગે. વહેલી જઉં તો વહેલી પાછી આવું.’

‘તું રે’વા દે….હું જાઉં છું.’ કેશુકાકાએ કહ્યું. કાશ્મીરાની ના છતાં એમણે થેલો લઇ લીધો ને માસ્ક પહેરીને નીકળી પડ્યા. રસ્તામાં ડો. ઓઝાનું ક્લિનિક દેખાયું. બહાર લોકો ડો. ઓઝાના આવવાની રાહ જોતાં લાઇન લગાવીને ઊભા હતા. એ સૌથી આગળ ગયા. લોકોના સ્પર્શથી દૂર રહેવા માગતા કમ્પાઉન્ડરને કહ્યું: ‘ડો. ઓઝા આવી ગયા.?’ કમ્પાઉન્ડરે ના પાડી.

‘એમણે કેળા મંગાવ્યા છે…અંદર જઇને મૂકી આવું છું.’

કમ્પાઉન્ડરે મુંડી હલાવી કે તરત જ કેશુકાકા ડોક્ટરની કેબિનમાં ઘૂસી ગયા.

આપણ વાચો: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-16

ખુરસી પાછળથી એપ્રન અને ટેબલ પરથી સ્ટેથસ્કોપ લઇને થેલામાં મૂકીને બહાર સરકી ગયા. કરિયાણાની દુકાને લાંબી લાઇન જોઇ. નિ:સાસો નાખીને મેઇન રોડ પર પહોંચ્યા. થેલામાંથી એપ્રન કાઢીને પહેરી લીધું…ગળાની ફરતે સ્ટેથસ્કોપ લટકાવીને ઊભા રહ્યા. થોડી થોડી વારે પસાર થતી એમ્બ્યુલન્સને થોભાવવાની કોશિશ કરતા રહ્યા. ન્યૂઝ ચેનલની એક વેન ઊભી રહી.

‘કહાં જાના હૈ ડોક્ટર સાહબ…’ અંદરથી અવાજ આવ્યો.

‘જી. જી. ભોય હોસ્પિટલ.’ માસ્ક પાછળથી ચળાઇને કેશુકાકાનો અવાજ આવ્યો. તરત જ દરવાજો ખુલ્યો.

‘આ જાઓ…હમ ઉધર હી જા રહે હૈ.’ સંજુ રિપોર્ટરે કહ્યું.


મોબાઇલ પરની વાત પતાવીને સોલંકી ડો. શાહની કેબિનમાં ધસી ગયો.

‘સર, મારે અરજન્ટ હેલ્થ એક્ઝિક્યુટીવ બાગ્વેને મલવું પડહે…ઇન્જેક્શનો અને દવાનો જથ્થો લેવા. કેય છે આ વખતે વધુ મલહે.’

‘તો તો તરત જ જવું પડે….એના વિના કામ નહીં ચાલે…’

‘હું પણ એ જ કે’ઉં છું…હું નીકળું.’ સોલંકી ઉતાવળે નીકળ્યો. ગેટ પર જ રિપોર્ટર સંજુ, કેમેરામેન હેગડે અને બાજુમાં કેશુકાકા ઊભા હતા. એને સંજુની સાથે આવેલા ડોક્ટરને જોઇને નવાઇ લાગી.

આપણ વાચો: સન્ડે ધારાવાહિક: કટ ઑંફ જિંદગી ? પ્રકરણ-15

‘સોલંકી સાહેબ…આ વખતે તમે મૂંગી બાઇનો વીડિયો ઉતારવાની ના નહીં પાડી શકો.’ સંજુ બોલ્યો.

‘સોલંકી…?’ કેશુકાકાના કાન ચમક્યા.

‘તમે જ સોલંકી સાહેબ છો.?’

‘હા હું જ સોલંકી બોલો ડોક્ટર સાહેબ….’

‘તમે આમ સાઇડમાં આવો…’ એ સોલંકીને ઝાડની નીચે લઇ ગયા.

‘હું ડોક્ટર બોક્ટર કાંઇ નથી….કેશુકાકા છું. સાહેબ, તમને ફોન કરી કરીને થાકી ગ્યો. નિર્મલને મળવા હારું મારે આવો વેશ કાઢવો પયડો. ઇ મારી હાર્યે પ્લેનમાં હતો. મને એકવાર ઇને જોવા દ્યો.’

શું કહેવું આ માણસને. માત્ર એકવાર પ્લેનમાં સાથે હતા એમાં આટલી બધી લાગણી કે જીવના જોખમે છેક હોસ્પિટલમાં આવી ગયા. સોલંકીને હસવું આવ્યું ને દયા પણ આવી.

‘હું તમને મલવા તો ની દઉં કારણ તમારી ઉંમર થઇ ગઇ છે. તમે એક જોખમ તો લીધું હવે બીજું ન લો. તમને ચેપ લાગહે તો ઉપાધિ….નિર્મલભાઈની હાલત બગડતી ચાલી છે.’

‘એટલે જ એકવાર મળી લેવું છે…..’ કેશુકાકા બોલ્યા.

બીજી બાજુ બંનેને રકઝક કરતા જોઇને સંજુ ગૂંચવાઇ ગયો. સોલંકીએ સંજુની સામે જોતા બોલ્યો: ‘આ ચેનલવાળાને તમે કાંથી પકડી લાયા.?’

‘ભગવાને એને મારી પાંહે મોકલ્યો. હું કોઇ એમ્બ્યુલન્સ ગોતતો ‘તો…એમાં ચેનલવાળો ભટકાઇ ગ્યો….એ લોકો આંઇ જ આવતા ‘તા.’

‘એણે રસ્તામાં મૂંગી છોકરીની કાંઇ શું વાત કરી.?’ સોલંકીએ પૂછ્યું.

‘એની હાર્યે એક માણહ બેઠો છે…ઇ ક્યે કે મૂંગીનો હસબન્ડ છે. ઇને અંદર વાનમાં જ બેહાડી રાયખો છે.’

સોલંકી સાબદો થઇ ગયો. નક્કી આ જ માણસ બુરખાધારી હોવો જોઇએ.

એક તરફ એને ઇન્જેક્શનો લેવા જવાની ઉતાવળ હતી ને બીજી બાજુ નવી ઇમર્જન્સી આવી પડી, પણ એના માટે આ ઓપરેશન વધુ જરૂરી હતું.

એણે કેશુકાકાને કહ્યું ‘તમે અહીં ઊભા રહો…હું આયવો.’ એ દોડીને સંજુ પાસે ગયો.

‘જુઓ આ ડોક્ટરને ઇમર્જન્સીમાં બોલાયવા છે. તમે ઊભા રહો…પેલા મને એક ઓપરેશન પતાવવા દો…પછી તમને બોલાવું….વેઇટ કરો.’

સંજુને થયું કે આટલી રાહ જોઇ તો વધુ એકવાર રાહ જોઇ લઇએ. અને આજે તો વીડિયો ઉતારીને જ જઇશ…સનસનાટી મચાવી દઈશ. સોલંકી કેશુકાકાને અંદર લઇ ગયો. રિપોર્ટર સંજુની ગુપ્ત માહિતી આપવાનો આ શિરપાવ હતો. એણે દૂરથી નિર્મલને બતાવ્યો.

‘નિર્મલ હાજો તો થઇ જશેને સાહેબ.?’ કેશુકાકા ગળગળા થઇ ગયા.

‘હવે શું કે’ઉં….ડોક્ટરો એની રીતે ટ્રાય કરે બાકી તો ભગવાન પર છોડી દેવાનું.’

‘હાચું કીધું તમે….ડોક્ટરો ભગવાનથી ઉપર તો નથી.’ પછી કેશુકાકા હાથ જોડીને કંઇક બબડ્યા. કદાચ એક સાવ અજાણ્યા માનવી બીજા અજાણ્યા માનવી માટે પ્રભુ પાસે કરેલી પ્રાર્થના હતી…આજીજી હતી. એ ભારે હૈયે પાછા ફર્યા. સોલંકી એને પગલે બહાર આવ્યો. એણે કેશુકાકાને રિસેપ્શનિસ્ટ પાસેના બાકડા પર બેસાડ્યા ને પોતે બહાર આવ્યો…બીજું ઓપરેશન હાથમાં લેવા. સંજુ બહાર આંટા મારી રહ્યો હતો.

‘બોલો, હું કે’વાનું થાય છે તમારે….?’ એણે પૂછ્યું.

‘વીડિયો ઉતારવા દો અમને.’ આ રિપોર્ટર સંજુ નહીં, પણ એની પાસેનું હરેશ નામનું હુકમનું પત્તું બોલ્યું.

‘એ ની બને….મને ડોક્ટર શાહે ના પાડી….અબી હાલ પૂછીને આયવો.’ સોલંકીએ કહ્યું.

‘સાહેબ અમે એના હસબન્ડને લઇને આવ્યા છીએ. એને મલવા દો.’

‘ક્યાં છે એનો હસબન્ડ?’ સોલંકીએ પૂછ્યું.

સંજુએ અંદર બેઠેલા વીડિયોગ્રાફર હેગડેને કોલ કરીને હરેશને લઇ આવવા કહ્યું. સોલંકીએ હરેશને પગથી માથા સુધી જોયો. હરેશના દિદાર પતિ જેવા નહતા. એના ચહેરા પર પત્નીનું કોઇ દુ:ખ નહીં, માલિકીભાવ હતો. એટલે સોલંકીના મનમાં એક વાત સ્પષ્ટ થઇ ગઇ કે બુરખો પહેરીને કાળી રાતે આવેલો આ જ શખસ હતો.

‘ક્યા નામ હૈ તુમ્હારા..?’ એણે પૂછ્યું.

‘હરેશ.’ જવાબ આવ્યો.

‘દેખો ભાઇ હરેશ, એસા હૈ કી વો……’ સોલંકી વાક્ય પૂરું કરે તે પહેલાં જ હરેશે પૂછ્યું ‘ક્યા વો મર ગઇ?’

‘નહીં વો ઠીક હો ગઇ હૈ…’ સોલંકીએ કહ્યું.

‘મૈં ઉસકો લેને આયા હું.’ હરેશે કહ્યું.

‘લેકિન વો તો કલ હી ચલી ગઇ…ઉસકો ડિસ્ચાર્જ મિલ ગયા.’ સોલંકીનું ઓપરેશન સફળ થઇ ગયું. હરેશનું મોંઢું પડી ગયું. વીડિયો ઉતારીને સનસનાટી મચાવવા માગતા સંજુ રિપોર્ટરની ફિલમ ઉતરી ગઈ.
‘ચાલો સાહેબ થેન્ક યુ…’ કદાચ એને સોલંકીની ચાલબાજી સમજમાં આવી ગઇ.

‘સોલંકી સાહેબ, તમે સીઆઇડી સિરિયલમાં ચાલો એવા છો.’ એ ચાલતો થયો એની પાછળ હેગડે કેમેરાને કવર ચડાવતો ચાલવા લાગ્યો.

‘એક મિનિટ ઊભા રે’જો….હું આયવો.’ કહીને સોલંકી અંદર ગયો. કેશુકાકાને લઇને બહાર આવીને બોલ્યો: ‘આ ડોક્ટરનું કામ પતી ગયું છે. એમને ઉતારતા જજો….’ પછી હાથમાં પકડી રાખેલો બુરખો હરેશ તરફ ફેંકતા બોલ્યો: ‘લો યે તુમ્હારી અમાનત.’ હરેશ બુરખો પકડીને ચાલવા લાગ્યો એટલે સોલંકીએ એને પૂછ્યુ: ‘તમારી વાઇફનું નામ શું છે?’ છેડાયેલો હરેશ ગુસ્સામાં ચાલવા માંડ્યો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button