સ્થાપત્યનું વાઈ-ફાઈઃ બાળકોની પ્રોત્સાહક કેબિન-થાઇલેન્ડ…

હેમંત વાળા
એમ કહેવાય છે કે જીવનમાં બે બાબતો નિર્દોષ આનંદ આપવાં સમર્થ હોય છે, કુદરત અને બાળકો. તેમાં પણ જ્યારે બાળકો આનંદમાં હોય ત્યારે અન્યને અર્થાત્ સમાજને આનંદની જે પ્રાપ્તિ થાય તે અવર્ણનીય હોય.
બાળકોને ખુશ જોઈને અનેરી ખુશી પ્રાપ્ત થાય. વળી બાળકોની આ ખુશી જો કુદરતી સાનિધ્યમાં વિકસતી હોય તો તો સોનામાં જાણે સુગંધ મળે.
થાઈલેન્ડમાં આ એક બાળકોને ખુશ કરવા માટે, તેમની માનસિકતાને અનુરૂપ, સન 2024માં ઈમેજનરી ઓબ્જેક્ટ’ સ્થપતિ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલી ઉલ્લેખનીય સ્થાપત્યકીય રચના છે.
એક દ્રષ્ટિકોણ પ્રમાણે આ બાળકોની અંગતરિટ્રીટ’ છે. અહીં 45 ચોરસ મીટર જેટલા વિસ્તારમાં બાળકોની પ્રાથમિક જરૂરિયાતોનો સમાવેશ કરાયો છે.
બાળકને જે મુક્તતાની ઈચ્છા હોય તે અહીં મળી રહે છે. બાળકની માનસિકતા અનુરૂપનું ખુલ્લાપણું અહીં સ્થાપિત કરાયું છે. બાળક માટે પોતાનું સ્થાન તો નિર્ધારિત થયુ જ છે પરંતુ સાથે સાથે અન્ય બાળક સાથે હળવા-મળવા માટે ઘણી સંભાવનાઓ સ્થાપિત થાય તેનું ધ્યાન રખાયું છે.
અહીંયા રમવાની વ્યવસ્થા છે અને ભણવાની પણ. અહીં બાળકની ઈચ્છા અનુસાર સ્થિરતા પણ છે અને ચલિતતા પણ. અહીં જમીન સાથેનું જોડાણ પણ છે અને ટ્રી-હાઉસની ભાવના પણ છે. અહીં બાળકો પોતાની રીતે તલ્લીન થઈ શકે છે અને સાથે સાથે તેમનાં પર નજર પણ રહી શકે છે. અહીં સાદગી છે પણ તે સાદગી સાથે ઉત્કૃષ્ટ કક્ષાની રસપ્રદતા સંકળાયેલી છે.
અહીં સ્થાનિક પરંપરાગત બાંધકામની તકનીકનો ઉપયોગ કરાયો છે અને સાથે સાથે આધુનિક સામગ્રી પણ પ્રયોજાયેલી છે. આ રચનામાં સ્થાનિક સ્થાપત્ય શૈલીની અસર જણાય છે અને આધુનિક બાળકોની આધુનિક જરૂરિયાતોનું પણ અહીં ધ્યાન રખાયું છે. અહીં પ્રકૃતિ સાથે જોડાણ પણ છે અને આ જોડાણમાં એક પ્રકારની સ્થાપિત પસંદગી પણ છે.
લોખંડના માળખા પર ટેકવાયેલ જમીનથી ઊંચા એક લાંબા અને વિસ્તૃત મંચ ઉપર અહીં સ્થાન આયોજન થયું છે. આ રચનામાં બે કોમ્પેક્ટ’ શયનકક્ષ, બંને શયનકક્ષ વચ્ચે એક ટોઇલેટ અને વિવિધ પ્રકારની ઉપયોગિતા માટે એક દીવાલ વગરનીડેક’નો સમાવેશ થાય છે.
આ ડેક ઉપયોગિતાની દ્રષ્ટિએ આ રચનાનો સૌથી મહત્ત્વનું, અનુભૂતિની દ્રષ્ટિએ સૌથી આકર્ષક, મનોવૈજ્ઞાનિક જરૂરિયાત પ્રમાણે સૌથી અસરકારક, સામાજિક દ્રષ્ટિએ નિયંત્રક તથા બાળકોની વ્યક્તિગત દ્રષ્ટિએ `રસીક’ સ્થાન છે.
આ ડેકમાં એક ભોજન સ્થાન, સામાન્ય ઉપયોગ માટે એક સિંક, એક વિવિધ પ્રવૃત્તિ માટેનું ટેબલ સાથેનું કાર્યસ્થાન તથા નવરાશ તેમજ હળવાશની પળો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. એમ કહી શકાય કે બહારના વિસ્તાર અને અંદરની સીમા આ સ્થાન ઉપર ભેગાં થાય છે. એમ જણાય છે કે બાળકો આ સ્થાનનો ઉપયોગ સૌથી વધુ કરતાં હશે.
આ સમગ્ર રચના લોખંડના માળખા પર ટેકવવામાં આવી છે તે છતાં પણ તેમાં જે રીતે લાકડાનો ઉપયોગ થયો છે તેનાથી તેની અનુભૂતિમાં લોખંડનું અસ્તિત્વ ગૌણ બની રહે છે.
વળી ઉપર છત તરીકે ઢળતું છાપરું હોવાથી અનુભૂતિમાં તેનું મહત્ત્વ વધુ રહે તે સ્વાભાવિક છે. એકવાર એમ કહી શકાય કે લોખંડ તો અહીં મજબૂરી હતી, જ્યારે અન્ય સામગ્રીની પસંદગી એ મજા છે.
અહીં જે શયનકક્ષ છે તેમાંથી એક એક બાળક માટે છે અને બીજાનો ઉપયોગ બે બાળકો કરી શકે તે પ્રમાણેની ગોઠવણ છે. અહીંથી પણ ખુલી શકે તેવી વિશાળ બારીઓથી બહારના વિશ્વ સાથેનો, કુદરત સાથેનો, આબોહવા સાથેનો, પશુ-પક્ષીની ધ્વનિ સાથેનો તેમજ ચારે બાજુની વનરાજી સાથેનો સંપર્ક જળવાઈ રહે છે.
આ સમગ્ર રચનામાં જે રીતે બાળકોની માનસિકતાનું ધ્યાન રખાયું છે તે જ રીતે અહીંના પ્રમાણમાપ, અહીંનું વિગતિકરણ, સંપર્કમાં આવનારી વિવિધ સપાટીની પસંદગી તથા તેનું રંગ આયોજન બાળકો માટે એકદમ અનુકૂળ છે. વળી માળિયું કહી શકાય તેવા ઉપરના સ્થળે ગોઠવાયેલા કેટલાક સ્થાન અહીંની રમતને વધુ રમત-લક્ષી બનાવે છે.
આધુનિક જરૂરિયાતોને કુદરત તેમ જ પરંપરાગત સ્થાપત્ય શૈલી સાથે સાંકળવાનો પ્રયત્ન, બાળકોની પરિકલ્પના મુજબની સગવડો, વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનું સંતુલન, વિશેષતાની સાથે ગોઠવાઈ જતી સામાન્ય સ્થાપત્યકીય ઘટનાઓ, તકનીકી મજબૂતાઈની સાથે અનુભવાતી નરમાશ, ખુલ્લાપણાં સાથે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જતાં `બંધ’ સ્થાન, ઇતર પ્રવૃત્તિઓ માટે સ્વાભાવિક રીતે મળી જતું પ્રોત્સાહન અને સમગ્ર રચનામાં પ્રતીત થતી સંવેદનશીલતા તેમજ સર્જનાત્મકતા-આ રચનાની આ કેટલીક ખાસિયતો છે.
કેટલાક પ્રશ્નો જુદાં છે. સાંપ્રત સમયમાં જ્યાં વિશ્વની મોટાભાગની વસ્તીને જરૂરિયાત મુજબનું આવાસ પણ મળતું ન હોય ત્યાં ખાસ બાળકો માટે આ પ્રકારની રચનાની યથાર્થતા કેટલી!
આ પ્રકારના પ્રયોગો જરૂરી તો છે જ પણ જો તેની રચનામાં ચોક્કસ પ્રકારનો સંયમ અને વિવેક જળવાય તો શું તે વધુ ઇચ્છનીય ન ગણાય! બાળકોને પરીઓના દેશમાં લઈ જવાની વાત ખુશી અપાવે, પરંતુ બાળકોને, તે સાથે વાસ્તવિકતાની પ્રતીતિ પણ થવી જોઈએ.
ઘણીવાર પ્રશ્ન એ થાય કે આ પ્રકારની રચના થકી બાળક કુદરત સાથે તો જોડાઈ શકે પરંતુ શું બહુજન સમાજ સાથે તે સરળતાથી ભવિષ્યમાં જોડાઈ શકશે! સમાજના સંવેદનશીલ તેમ જ સર્જનાત્મક વર્ગે જુદા જ પ્રકારનું ઉત્તરદાયિત્વ દર્શાવવાની આવશ્યકતા છે.
આમ પણ કહેવાય છે કે સ્થાપત્યનો વ્યવસાય અમીર લોકોની જરૂરિયાતો કેન્દ્રિત હોય છે – સ્થપતિની વ્યવસાયિક સેવાનો ફાયદો મોટેભાગે ધનિક વર્ગ મેળવે છે. જો આ સત્ય હોય તો તે વિશે વિચારવું રહ્યું, અને જો આ ભ્રમણા હોય તો તે સાબિત કરવું રહ્યું. એમાં કોઈ શંકા નથી કે આ એક પ્રશંસનીય રચના છે. સાથે સાથે એ પણ વિચારવું રહ્યું કે આ પ્રકારની રચના સામાન્ય બાળકો સુધી કેવી રીતે પહોંચી શકે.