સ્થાપત્યનું વાઈ-ફાઈઃ વાંસનાં તરતાં મકાનનો નમૂનો-વિયેતનામ…

હેમંત વાળા
એચએન્ડપી આર્કિટેક્ટ્સ દ્વારા વિયેતનામમાં બનાવાયેલા આ નમૂનાના બે ઘર છે, જે વર્ષ 2022માં તૈયાર થયાં હતાં. અહીંનો પ્રથમ નમૂનો 36 ચોરસ મીટર વિસ્તારનો જ્યારે બીજો નમૂનો તેનાથી મોટો 48 ચોરસ મીટર વિસ્તારનો છે. આમાંનું નાનું 36 ચોરસ મીટરના વિસ્તારનું ઘર આવાસ-સ્થાપત્યને લગતાં ઘણાં વિષયોની ચર્ચાનું નિમિત્ત બની શકે તેમ છે.
આ ઘર વિયેતનામી પરંપરાગત વાંસના પેવિલિયનની યાદ અપાવી શકે તેવું છે. જેમની આજીવિકા નદી આધારિત હોય તેમની માટે આ નમૂનો ભવિષ્યમાં ઉપયોગી તેમ જ સ્વીકૃત બની શકે એમ કહેવામાં આવે છે. એક ગણતરી પ્રમાણે જ્યારે આ પ્રકારના વાંસના તરતાં ઘરોની સંખ્યા વધશે ત્યારે સામૂહિક ઉપયોગિતા માટે તથા શાકભાજી ઉગાડવા માટે પણ આ જ પ્રકારની વાંસની, પણ વિસ્તૃત રચના બનાવાતી થશે.
આ વાંસના તરતા ઘરનો નમૂનો બનાવવા પાછળનું એક કારણ એ પણ છે કે, એક ગણતરી પ્રમાણે વિયેતનામનો ઘણો વિસ્તાર, દરિયાના પાણીની સપાટી ઊંચી આવવાને કારણે, જળમગ્ન થતો જશે. તે વખતે આ પ્રકારની રચનાની આવશ્યકતા ઊભી થશે.
તે વખતે આ પ્રકારની રચના સ્થિર, સલામત અને આબોહવાને યોગ્ય રીતે પ્રતિભાવ આપી શકે તેવી બની રહેશે એમ માનવામાં આવે છે. એ રીતે આ વર્તમાનની જરૂરિયાત ઉપરાંત ભવિષ્યના આયોજન સમાન રચના છે. અત્યારે અને તે વખતે સમાજમાં તેની સ્વીકૃતિ કેટલી હશે તે સમજવું પડે.
વાંસના આ તરતા ઘર નીચે રખાયેલ પ્લાસ્ટિકના ઘનાકાર પીપને કારણે તરતાં રહી શકે છે. આ પીપ સાથે વ્યવસ્થિત રીતે મજબૂતાઈથી ઘરનું માળખાં તેમ જ ફરસને જોડવામાં આવ્યું છે. આ પીપની વચ્ચે એક શુદ્ધ પાણીની ટાંકી રખાઈ છે જેમાં વરસાદનું પાણી એકત્રિત થાય તેવી વ્યવસ્થા છે.
અન્ય એક પીપ સેપ્ટિક ટેન્ક તરીકે કામ આપે છે. આમાંનો નાનો નમૂનો 6.00×6.00 મીટરના માળખા પર ગોઠવાયેલી બે માળની રચના છે જેમાં નાના કુટુંબ માટે જરૂરી કહી શકાય તેવી દરેક વ્યવસ્થા છે. અહીં એક નમૂનામાં ઉપરના માળને વિસ્તૃત કરવાની સંભાવના પણ છે. પ્રારંભિક દ્રષ્ટિએ આ એક સ્વીકૃત રચના બની શકે, પરંતુ લાંબા સમય સુધી તેની ઉપયોગિતામાં સરળતા રહેશે કે નહીં તે વિચારવું પડે.
યોજના પ્રમાણે મોડ્યુલર કહી શકાય તેવી આ રચનાની જરૂરિયાત પ્રમાણે સંખ્યા વધારાશે અને પછી ત્યાં આવનજાવન માટે પ્રાથમિક સેતુ ઉપરાંત નાની નૌકાનો પણ ઉપયોગ કરવો પડશે.
30 થી 45 મીમી વ્યાસના 6 મીટર સુધી લાંબા વાંસ, વાંસની વણાયેલી સાદડીઓ, વાંસની પટ્ટીઓ તથા ક્યાંક કાચની બાટલીઓનો પણ ઉપયોગ અહીં જોવા મળે છે. તે ઉપરાંત અહીં નીચેના ભાગમાં લોખંડના માળખાનો પણ ઉપયોગ થયો છે. વળી ક્યારેક `પાણી-બંધ’ બાંધકામ માટે પ્લાસ્ટિકનો પણ ઉપયોગ થયો હશે. આ બધી સામગ્રીનો ઉપયોગ પરંપરાગત તેમ જ આધુનિક તકનીકના પ્રયોજનથી કરાયો છે.
વાતાવરણની અનુકૂળ પરિસ્થિતિનો મહત્તમ ઉપયોગ થઈ શકે અને વિપરીત પરિસ્થિતિથી શક્ય એટલું રક્ષણ મળી શકે તે રીતે અહીં બારી – બારણાં પ્રયોજાયાં છે. ઊર્જા માટે અહીં સૌર-ઊર્જાનો ઉપયોગ કરવા માટેની વ્યવસ્થા પણ છે.
આ સમગ્ર રચના વાંસના બાંધકામને આધારિત છે. દીવાલ, છત, ફરસ, બારી, બારણાં, રાચરચીલું, દાદર, છજ્જા-બધું જ વાંસમાંથી. એકંદરે જોવામાં સારું લાગે પણ ઉપયોગિતા વિશે પ્રશ્નો ઊભાં થાય જ. આ સમગ્ર બાંધકામ છિદ્રાળું બને અને તેથી ભેજ પણ આવે, જીવજંતુ પણ આવે અને પવન પણ આવે. ભેજ અને જીવજંતુ પ્રશ્નો ઉભાં કરે જ્યારે ભેજવાળી આબોહવામાં પવન ઇચ્છનીય ગણાય.
આ પ્રદેશમાં વરસાદ પણ વધુ રહેતો હોય છે અને તેવાં સંજોગોમાં આ રચના કેટલી કારગત નીવડે તે ચકાસવું પડે. જોકે ક્યાંક પ્લાસ્ટિકના આવરણની સંભાવના છે પણ તે કાયમી ઉકેલ ન કહેવાય. જ્યારે વ્યક્તિ ઘર બનાવે ત્યારે એવી ઈચ્છા હોય કે ઘરનું આયુષ્ય પોતાનાં આયુષ્ય કરતાં વધારે રહે.
ભૌમિતિક આકારની સ્પષ્ટતા, વાંસ સહિત બાંધકામની દરેક સામગ્રીનો અસરકારક ઉપયોગ, પરંપરાગત ઢળતાં છાપરાંનો વ્યવહારુ ઉપયોગ, શુદ્ધ તેમજ અશુદ્ધ પાણી માટેની સચોટ વ્યવસ્થા, કિમતના ઘટાડા માટે મળેલી સફળતા, મૂળભૂત જરૂરિયાતોનો સમાવેશ, આબોહવાનાં વિપરીત પરિબળોનું શક્ય હોય તેટલું નિયમન, પરંપરા સાથે જળવાતો સંબંધ, ભવિષ્યના પ્રશ્નને ઉકેલવાની તત્પરતા અને તે બધા સાથે નવાં જ પ્રકારનો ઉત્સાહપૂર્વકનો પ્રયોગ
-આ રચનાની આ કેટલી ખાસ વાતો છે. તે છતાં પણ એમ તો કહેવું જ પડે કે ક્યાંક આ રચના રોમાન્ટિક’ જણાય છે. અહીં એક વિચારને કદાચ સ્વીકૃત મર્યાદાની બહાર સુધી લઈ જવાનો પ્રયત્ન થયો છે. સાંપ્રત સમયે જ્યાં દરેક પ્રક્રિયા માટે ચોક્કસ ઉપકરણની આવશ્યકતા જણાતી હોય, દરેક પ્રક્રિયા માટે ચોક્કસ પ્રકારની સગવડતા જરૂરી હોય, દરેક ઉપયોગિતા માટે નીતનવી સામગ્રી આવતી હોય, ત્યાં પરિસ્થિતિનું આટલુંસામાન્યીકરણ’ કેટલું સ્વીકૃત થશે તે વિચારવું પડે.
ઘણીવાર એ પણ પ્રશ્ન થાય કે આ પ્રકારની રચનાને આધુનિક પરિભાષા પ્રમાણે `ઘર’ કહેવાય કે નહીં. સંસ્કૃતમાં જેને કુટીર અથવા કુટી કહી શકાય તે પ્રકારની આ રચના છે. ભારતીય સંસ્કૃતિમાં આ પ્રકારની કુટીર જંગલમાં બનાવાતી જે પ્રમાણમાં ઓછી મજબૂત તેમજ વારંવાર માવજત માંગી લે તેવી રહેતી. વર્તમાન સમયમાં અમુક સમય સુધી રહેવા માટે, કદાચ, મજા આવે તેવી આ રચના છે. કોઈ રિસોર્ટમાં તેની સ્વીકૃતિ વધુ હોઈ શકે. જ્યારે નિયમિત ઘરની વાત કરીએ ત્યારે પ્રશ્ન એ થાય કે આ પ્રકારની રચના વર્તમાનમાં અને ભવિષ્યમાં શું સ્વીકૃત રહેશે.



