વીક એન્ડ

સ્પોર્ટ્સ વુમન – સ્મૃતિ મંધાના: કરોડો ક્રિકેટપ્રેમીઓના સ્મૃતિપટ પર અંકિત થઈ ગઈ છે!

  • સાશા

    12 વર્ષથી ભારતનું નામ રોશન કરતી સ્ટાઇલિશ ઓપનર ત્રણેય ફૉર્મેટમાં સદી ફટકારનારી એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર છે

સ્મૃતિ મંધાનાએ ત્રણેય ફૉર્મેટમાં સદી ફટકારવાનો ભારતીય વિક્રમ કર્યો છે. સ્મૃતિ મંધાનાનો બૉયફ્રેન્ડ પલાશ મુચ્છલ બૉલિવૂડનો જાણીતો સંગીતકાર, સિંગર અને ડિરેકટર છે. તે જાણીતા મ્યૂઝિક કમ્પોઝર પલક મુચ્છલનો ભાઈ છે.
ભારતીય ક્રિકેટરોનો જાણે ઇંગ્લૅન્ડમાં સુવર્ણકાળ ચાલી રહ્યો છે. અલગ ફૉર્મેટ તો ઠીક, ભિન્ન કૅટેગરીમાં રેકૉર્ડ-બ્રેકિંગ પર્ફોર્મન્સ જોવા મળી રહ્યા છે. એક તરફ શુભમન ગિલના સુકાનમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ-સિરીઝ રમવા માટે ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ છે, જ્યારે બીજી તરફ હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં અને સ્મૃતિ મંધાનાની વાઇસ-કૅપ્ટન્સીમાં ભારતની મહિલા ક્રિકેટરો ટી-20 સિરીઝ રમી રહી છે. એટલું જાણે પૂરતું ન હોય એમ, ભારતના છોકરાઓની અન્ડર-19 ટીમ વન-ડે સિરીઝ પણ બ્રિટિશ ધરતી પર જ રમી રહી છે.

ક્રિકેટના રસિયાઓને જાણે થાળીમાં અલગ પ્રકારની વાનગી પીરસવામાં આવી છે.
લીડ્સની પ્રથમ ટેસ્ટમાં રિષભ પંતે બન્ને દાવમાં સેન્ચુરી ફટકારીને તેમ જ સાતમી ટેસ્ટ-સદી પૂરી કરીને ભારતીય વિકેટકીપરોમાં મહેન્દ્રસિંહ ધોનીનો વિક્રમ તોડવા ઉપરાંત બીજા નાના-મોટા રેકૉર્ડ પણ રચ્યા ત્યાં જસપ્રીત બુમરાહે વિદેશમાં 12મી વખત દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવીને કપિલ દેવની બરાબરી કરી હતી.

એજબૅસ્ટનમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાં શુભમન ગિલે સિલસિલાબંધ વિક્રમો ખડકી દીધા છે. જુનિયર્સની વાત કરીએ તો 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમ સામેની એક મૅચમાં નવ સિક્સર ફટકારીને એક વન-ડેમાં હાઇએસ્ટ છગ્ગા ફટકારવાનો નવો ભારતીય વિક્રમ નોંધાવ્યો છે. ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમ કુલ આઠ સિક્સર ફટકારી શકી એની સામે એકલા વૈભવે નવ છગ્ગા માર્યા હતા.

આ રહ્યો સારાંશ હાલમાં ઇંગ્લૅન્ડમાં રમી રહેલા ભારતીય ક્રિકેટરોનો અને એમાં આ લેખમાં આપણે ખાસ કરીને સ્મૃતિ મંધાનાના વિક્રમો અને સિદ્ધિઓ તેમ જ તેને લગતી બીજી વાતો કરવાની છે. 28મી જૂને નૉટિંગમમાં વિમેન ઇન બ્લૂએ ઇંગ્લૅન્ડ સામે 97 રનથી જે શાનદાર જીત મેળવીને સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી એમાં સ્મૃતિ મંધાના સુપરસ્ટાર હતી.

ભારતે પાંચ વિકેટે 210 રન કર્યા પછી બ્રિટિશ મહિલા ટીમ માત્ર 113 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડની આખી ટીમ જેટલો સ્કોર સ્મૃતિ મંધાના (112 રન, 62 બૉલ, ત્રણ સિક્સર, સોળ ફોર) નોંધાવી ચૂકી હતી. સ્મૃતિમાં કેટલી કાબેલિયત અને ક્ષમતા છે એ ઇંગ્લૅન્ડની ટીમે અને બ્રિટનના ક્રિકેટ મોવડીઓએ તેમની જ ધરતી પર જોઈ લીધી હતી. શ્રેણીની એ પ્રથમ ટી-20ના વિજયનો સંપૂર્ણ શ્રેય સ્મૃતિને જાય છે.

આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન: પંતનું પાગલપણું: ચાહકો માટે મનોરંજન… હરીફો માટે માથાનો દુખાવો

સ્મૃતિના 112 રન ટી-20 આંતરરાષ્ટ્રીયમાં હવે ભારતીય મહિલા ખેલાડીઓમાં હાઇએસ્ટ છે. તેણે તેની જ કૅપ્ટન હરમનપ્રીત કૌરનો 103 રનનો વિક્રમ તોડ્યો છે. એ તો ઠીક, પણ સ્મૃતિએ એવી સિદ્ધિ હાંસલ કરી જે અગાઉ ભારતીય મહિલા ક્રિકેટરોમાં કોઈએ નહોતી મેળવી. સ્મૃતિ એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર છે જેણે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટના ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં સેન્ચુરી કરી છે. ટેસ્ટમાં તેની બે સેન્ચુરી અને વન-ડેમાં 11 સેન્ચુરી હતી અને હવે ટી-20માં પણ સદી ફટકારી દેતાં તેની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે.

સ્મૃતિએ આંતરરાષ્ટ્રીય ટી-20 કરીઅર 2013માં શરૂ કરી હતી, પરંતુ આ ફૉર્મેટમાં સેન્ચુરી સુધી પહોંચતાં તેને 12 વર્ષ લાગ્યા. આ આશ્ચર્ય જરૂર છે, પણ આકર્ષક સ્ટ્રાઇક-રેટ (સરેરાશ દર 100 બૉલ દીઠ બનાવેલા રન) સાથે બૅટિંગ કરતી આ ઓપનરની વન-ડે ક્રિકેટમાં 11 કરતાં ઘણા વધુ સદી હોવી જોઈતી હતી. એનું ખાસ કારણ એ છે કે લગભગ 12 વખત તે 70 કે એનાથી વધુ રન કરી ચૂકી છે અને સદી સુધી નથી પહોંચી શકી. બીજી નવાઈની વાત એ છે કે ટી-20 ઇન્ટરનૅશનલમાં સ્મૃતિ 30 હાફ સેન્ચુરી નોંધાવી ચૂકી છે અને એમાંથી એક પણ ફિફ્ટીને સેન્ચુરીમાં નહોતી ફેરવી શકી.

ખુદ સ્મૃતિ મંધાના આ વિશે કહે છે, ટી-20માં સેન્ચુરી કરવામાં મને ખાસ્સો સમય લાગ્યો. મને ટી-20માં 70-80ના સ્કોર પર આઉટ થવાની જાણે આદત પડી ગઈ હતી. ઇંગ્લૅન્ડની આ ટૂર પહેલાં સાથી ખેલાડીઓ સાથેની વાતચીતમાં મેં તેમને કહેલું કે બસ, હવે બહુ થયું…હવે તો મારે કોઈ પણ ભોગે સેન્ચુરી કરવી જ છે. આ સેન્ચુરી માટે મેં બહુ સારી પૂર્વતૈયારી કરી હતી અને ટે્રન્ટ બ્રિજની પિચ પણ ઘણી સારી હતી. મેદાન પર ત્યારે પવન જે રીતે ફૂંકાઈ રહ્યો હતો અને દિશા અને ગતિને બરાબર ધ્યાનમાં રાખીને મેં બૅટિંગ કરી હતી જેમાં ખાસ કરીને શૉટના ટાઇમિંગ પર ખાસ લક્ષ આપ્યું હતું. ખરેખર તો સ્મૃતિ મંધાના પિચ પર પોતાના બૅટથી જાણે શાયરી પેશ કરી રહી હોય એ રીતે બૅટિંગ કરતી હોય છે. ભારતના ક્રિકેટપ્રેમી હોય કે વિશ્વના બીજા કોઈ પણ દેશના ક્રિકેટલવર હોય, તેને સ્મૃતિની બૅટિંગ જોવી અચૂક ગમી જાય. છેલ્લા એક દાયકામાં સ્મૃતિને બૅટિંગ કરતી જોતાં એવું લાગ્યું છે કે જાણેપૉએટ્રી ઇન મૉશન છે’.

તે પીઢ ક્રિકેટર હોવાને કારણે ટીમની યુવા ખેલાડીઓ માટે પ્રેરણા તો છે જ, ભારતની દરેક મૅચ અને પ્રત્યેક સિરીઝમાં તે આશાનું કિરણ બની જતી હોય છે. તેની કલામાં હંમેશાં ક્લાસ (ગુણવત્તાનું ઉચ્ચ સ્તર) અને કન્વિક્શન (દૃઢ વિશ્વાસ) જોવા મળે છે. આઇસીસી ટી-20 વિશ્વ કપમાં સ્મૃતિ પોતાની ક્ષમતાને અનુરૂપ પર્ફોર્મ નહોતી કરી શકી, પરંતુ 2024માં તે જે 13 વન-ડે રમી હતી એમાં તેણે ચાર સેન્ચુરીની મદદથી કુલ 747 રન ખડકી દીધા હતા જે એ કૅલેન્ડર યરમાં રમી ચૂકેલી વિશ્વભરની બૅટર્સમાં સૌથી વધુ હતા.

આ પણ વાંચો…સૂર્યકુમારે જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી, પોસ્ટમાં ચાહકોને સંદેશ આપ્યો કે

જૂન 2024માં ભારતે જ્યારે દક્ષિણ આફ્રિકાના સૂપડાં સાફ કરી નાખ્યા (3-0થી વિજય મેળવ્યો) એ શ્રેણીમાં સ્મૃતિએ બૅક-ટુ-બૅક બે સદી ફટકારી હતી. ત્યાર બાદ ઑક્ટોબરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે તેણે 122 બૉલમાં સદી ફટકારી હતી જે ભારત માટે નિર્ણાયક સાબિત થઈ હતી.

સ્મૃતિનું બૅટ માત્ર ઘરઆંગણાની પિચો પર જ ચાલે છે એવું નથી. ડિસેમ્બર, 2023માં પર્થમાં તે 105 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની સૌથી મોંઘી (3.40 કરોડ રૂપિયા) ખેલાડી સ્મૃતિ મંધાનાને આઇસીસીએ 2024માં પ્લેયર ઑફ ધ યર ઘોષિત કરી હતી.

સ્મૃતિ મંધાના નવી પેઢીની મહિલા ખેલાડીઓ માટે રોલ મૉડેલ છે અને તેના પર્ફોર્મન્સ છોકરીઓને ક્રિકેટ રમવા તેમ જ સ્ટેડિયમમાં કે ટીવી ક્રિકેટની મૅચો જોવા પ્રેરિત કરે છે. તે લેફ્ટ-હૅન્ડ બૅટર છે એટલે સ્વાભાવિક છે કે સ્ટાઇલિશ તો છે જ, તેની બૅટિંગ-ટેક્નિક પણ આકર્ષક છે અને શૉટ મારવાનું તેનું ટાઇમિંગ તો જાણે મખમલી ટચ જેવું છે.

સ્મૃતિ માત્ર નવ વર્ષની હતી ત્યારે મહારાષ્ટ્ર અન્ડર-15 ટીમમાં તે સિલેક્ટ થઈ હતી. 11 વર્ષની થઈ ત્યારે અન્ડર-19 વર્ગની ટીમ વતી રમવા લાગી હતી અને 16 વર્ષની થઈ ત્યારે ભારતની અન્ડર-19 ટીમની કૅપ્ટન બની ગઈ હતી. આ 2012ની વાત છે અને એ જ વર્ષમાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. એ અરસામાં તેણે એક ઇન્ટરવ્યૂમાં પારસી સમાજનાં લેજન્ડરી મહિલા ક્રિકેટર ડાયના એદલજી વિશે કહ્યું હતું કે `તેઓ મારાં સૌથી મનગમતાં ક્રિકેટર છે.’

જોકે સ્મૃતિએ 68 વર્ષના ડાયના એદલજી ઉપરાંત 70 વર્ષીય શાંતા રંગાસ્વામી, 41 વર્ષીય ઝુલન ગોસ્વામી તેમ જ 35 વર્ષીય હરમનપ્રીત કૌરને પણ પોતાના મનપસંદ મહિલા ક્રિકેટર્સ તરીકે ઓળખાવ્યાં હતાં. આજે ખુદ સ્મૃતિ યુવા પેઢી માટે રોલ મૉડેલ બની ગઈ છે. નવાઈની વાત એ છે કે સ્મૃતિ પોતે જેને પોતાની આદર્શ માને છે એ ઝુલન ગોસ્વામી સાથે તે ઘણી મૅચો રમી ચૂકી છે અને હરમનપ્રીત કૌરની તે ડેપ્યૂટી છે.

આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન : ખેલ જગતના કમનસીબ ખેલંદા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button