એક નજર ઈધર ભી… : રોયલ ઓબ્ઝર્વેટરી… આ વેપાર છે વખતનો! | મુંબઈ સમાચાર
વીક એન્ડ

એક નજર ઈધર ભી… : રોયલ ઓબ્ઝર્વેટરી… આ વેપાર છે વખતનો!

કામિની શ્રોફ

TIME IS MONEY… એ એક બહુ જાણીતી ઉક્તિ છે. સમય મૂલ્યવાન છે, ધનની જેમ એનો વપરાશ પણ ડહાપણ રાખી કરવો જોઈએ એવો એનો ભાવાર્થ છે. કેટલાંક વર્ષ પહેલા કોઈ ગુજરાતી નાટકમાં અથવા ફિલ્મમાં એક દ્રશ્ય જોયું હોવાનું યાદ છે, જેમાં કોઈ વ્યક્તિ માથેરાન-મહાબળેશ્વર કે અન્ય કોઈ હિલ સ્ટેશન પર જઈ બોટલમાં તાજી હવા ભરી શહેરમાં લોકોને વેચી રોકડી કરવાનો કીમિયો અજમાવે છે.

અલબત્ત, એમાં શહેરના પ્રદૂષણ સામે વ્યંગ હતો. આપણે ત્યાં મિસ્ટર નટવરલાલ નામના ધૂતારાએ લોકોને તાજ મહેલ, લાલ કિલ્લો વેચ્યા હોવાના ઉદાહરણો છે. એમાં તરકટ હતું, પણ પેલી ઉક્તિનો ભાવાર્થ નહીં, પણ શબ્દાર્થ (સમય પૈસો છે)ને સાર્થક કરતો પ્રયાસ ઈંગ્લેન્ડના લંડન શહેરમાં જોવા મળ્યો હતો. સમય વેચવાના આ પ્રયાસમાં કોઈ છેતરપિંડી નહીં, નવો બિઝનેસ આઈડિયા હતો.

જ્હોન હેન્રી બેલવિલ નામના શખ્સ 19મી સદીના પૂર્વાર્ધમાં લંડનના ગ્રીનવીચ વિસ્તારમાં આવેલી રોયલ ઓબ્ઝર્વેટરી (બ્રિટિશ રાજવટની વેધશાળા)માં નોકરી કરતા હતા. એ સમયે ચોક્કસ સમયની જાણકારી માટે લોકોએ વેધશાળા સુધી લાંબા થવું પડતું હતું. લોકોની હાડમારી જોઈ મિસ્ટર જ્હોનને આઈડિયા આવ્યો અને 1836માં `પોકેટ ક્રોનોમીટર’ તરીકે ઓળખાતી ખિસ્સા ઘડિયાળમાં વેધશાળાની ઘડિયાળનો ટાઈમ સેટ કરી માણસ મોકલી નક્કી કરેલા ગ્રાહકોને પૈસા લઈ એ સમય વેચવામાં આવતો હતો.

1856માં જ્હોનના અવસાન બાદ પત્ની મારિયાએ પતિના વેપારની જવાબદારી ઉપાડી લીધી. સતત 36 વર્ષ કામ કર્યા પછી 84 વર્ષની ઉંમરે એ નિવૃત્ત થઈ બિઝનેસ આગળ ધપાવવાની જવાબદારી 38 વર્ષની દીકરી રૂથ બેલવિલને સોંપી.

રૂથ સ્વરૂપવાન હતી અને એટલે સમય ખરીદવા માગતા ગ્રાહકોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો. દર સોમવારે સવારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રૂથ ગ્રીનવીચમાં આવેલી રોયલ ઓબ્ઝર્વેટરી પહોંચી જતી. ક્રોનોમીટરમાં સમય મેળવી લંડનના માર્કેટની ક્લોક શોપ્સમાં પહોંચી માનવંતા ગ્રાહકોને એક્ઝેક્ટ ટાઈમ જણાવી તેમની ઘડિયાળ સેટ કરી આપતી. વર્ષના ચાર પાઉન્ડ ચાર્જ કરતી રૂથ લોકોમાં `ગ્રીનવીચ ટાઈમ લેડી’ તરીકે પ્રખ્યાત થઈ હતી.

એ સમયે પોસ્ટઓફિસ વર્ષના 15 પાઉન્ડ લેતી હતી. રૂથનો `બિઝનેસ’ સારો ચાલતો હતો, પણ 1924માં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ સર્વિસે બિગ બેન અને અન્ય સર્વિસથી સમયની ઘોષણા કરવાનું શરૂ કરતા લોકોને સમય મેળવવાની સેવા વિના મૂલ્યે મળવા લાગી. 1936માં સમય જાણવાની અન્ય સુવિધા તેમજ વાયરલેસ કમ્યુનિકેશન શરૂ થવાથી રૂથના ટાઈમ સેલિંગ ટે્રડને મોટો ફટકો પડ્યો.

1943માં રૂથનું અવસાન થયું, પણ સમય વેચતી ઘડિયાળ કલોકમેકર્સ કંપની મ્યુઝિયમને સોંપી દેવી એમ વસિયતમાં લખતી ગઈ હતી. રૂથનો એવો આબ હતો કે અવસાન પછી અખબાર અને મેગેઝિનમાં એની જીવન ઝરમર છપાઈ હતી.

રોયલ ઓબ્ઝર્વેટરીનું સનડાયલ: તમને જો વિજ્ઞાનમાં ચિ હોય અને ખાસ કરી એસ્ટ્રોનોમી – ખગોળશાસ્ત્ર માટે લગાવ હોય તો ગ્રીનવીચ સ્થિત રોયલ ઓબ્ઝર્વેટરી તમારા માટે ગોળના ગાડાં જેવી અને આજના સમયમાં તો સોનાની ખાણ જેવી છે એમ કહેવું બહેતર કહેવાશે. અહીં ઘણાં આકર્ષણ છે, જેમાં મિલેનિયમ સનડાયલ તો ખાસ જોવું જોઈએ. સમયને જાણવા-માપવા આશરે 3500 વર્ષ પહેલા ઈજિપ્તમાં વિશ્વમાં પ્રથમ વાર સનડાયલ (સૂર્યઘડી)નો ઉપયોગ થયો હતો.

રોયલ ઓબ્ઝર્વેટરીમાં સૂર્યઘડી-સનડાયલનું વિશિષ્ટ કલેક્શન છે, જેમાં મિલેનિયમ સનડાયલ સહેલાણીઓનું ફેવરિટ છે. 10 મીટરનો વ્યાસ ધરાવતું આ ઉપકરણ એકવીસમી સદીના આગમનની ઉજવણી માટે 1999માં તૈયાર કરવામાં આવ્યું હતું. સૂર્યના કિરણો ઝીલી સમય દેખાડી શકે એ રીતે એની રચના કરવામાં આવી છે.

એનું સ્થાન ઝીરો ડિગ્રી લોન્જીટયૂડ-શૂન્ય અંશ રેખાંશ પર છે. જો અહીંથી તમે સીધી નજર વેધશાળા તરફ નાખો તો તમે પૃથ્વીને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધમાં વિભાજીત કરતી કાલ્પનિક રેખાની દિશામાં જોઈ રહ્યા છો. મતલબ કે તમારી એકબાજુ પૂર્વ ગોળાર્ધ છે ને બીજી બાજુ પશ્ચિમ ગોળાર્ધ છે. આ મિલેનિયમ સનડાયલ સમય સાથે સૂર્યની સ્થિતિ પણ દર્શાવે છે.

શેફર્ડ ગેટ ક્લોક: વેધશાળાના પ્રવેશદ્વાર પાસે શેફર્ડ ગેટ ક્લોક પણ એક અનોખું આકર્ષણ છે. ગ્રીનવીચ મીન ટાઈમ (જીએમટી- ભારતના સમયમાં અને જીએમટીમાં સાડા પાંચ કલાકનો તફાવત છે) જનતા માટે ઉપલબ્ધ કરાવી આપનારી પહેલી ઘડિયાળ. અહીંથી ટેલિગ્રાફ વાયરની મદદથી યુકે-આયર્લેન્ડના લંડન, એડિનબર્ગ, ગ્લાસગો, ડબ્લિન, બેલફાસ્ટ અને અન્ય શહેરોમાં સમય મોકલવામાં આવતો હતો.

દૈનિક જીવનના સમય વિભાજનની દૃષ્ટિએ આ વિશ્વનાં અનોખાં અને અલાયદા ઘડિયાળ તરીકે પંકાયું છે. આ ક્લોકમાં 12 નહીં પણ 24 કલાક છે. શરૂઆતમાં આ ઘડિયાળમાં દિવસની શરૂઆત બપોરે 12 વાગ્યે થતી હતી. જોકે, 20મી સદીમાં જીએમટી દર્શાવે એ રીતે એમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આજની તારીખમાં પણ એમાં જીએમટી હિસાબે જ સમય નજરે પડે છે.

વિલિયમ હર્ષલનું ટેલિસ્કોપ: ખગોળશાસ્ત્રમાં ચિ હશે તો જર્મન – બ્રિટિશ વૈજ્ઞાનિક વિલિયમ હર્ષલના નામથી ચોક્કસ પરિચિત હશો. આપણી સૂર્યમાળાનો યુરેનસ પ્લેનેટ (પ્રજાપતિ અથવા હર્ષલ ગ્રહ નામથી પણ ઓળખાય છે) ટેલિસ્કોપની મદદથી શોધી કાઢવામાં આવેલો પહેલો ગ્રહ હર્ષલએ 1781માં શોધી કાઢ્યો હતો. ત્યારબાદ વિશાળ પાયે સંશોધન કરવા વૈજ્ઞાનિકે 1785થી 1789 દરમિયાન 40 ફૂટ લાંબુ ટેલિસ્કોપ તૈયાર કર્યું અને બીજી કેટલીક શોધખોળ કરી.

આજની તારીખમાં એ ટેલિસ્કોપનો 10 ફુટ લાંબો હિસ્સો રોયલ ઓબ્ઝર્વેટરીમાં જાળવી રાખવામાં આવ્યો છે. એ જોઈ સહેલાણીઓ વિલિયમ હર્ષલ અને એમના યોગદાનને સંભારે છે. આ સિવાય પણ આ ઓબ્ઝર્વેટરીમાં અમૂલ્ય ખજાનો પડ્યો છે.

આ પણ વાંચો…એક નજર ઈધર ભી…: મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button