સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્ય ને તેની માંગ

હેમંત વાળા
માંગ અને પુરવઠાનું સમીકરણ બધે જ પ્રસરેલ છે. સ્થાપત્ય આમાં કંઈ અપવાદ નથી. કેવા પ્રકારનું મકાન, ક્યાં, કેટલી કિમતમાં તથા કઈ સગવડતાવાળું જોઈએ તે સમાજ નક્કી કરે. તેની માંગ ઊભી થાય એટલે સંલગ્ન વ્યવસાયિકો તે પ્રકારનો પુરવઠો પૂરો પાડે છે.
એક વિચારધારા પ્રમાણે સમાજમાં એ જ બાબત સ્વીકારતી હોય છે કે જેની માંગ હોય. આવી માંગ ચીજ વસ્તુઓની પણ હોઈ શકે અને ગુણવત્તાની પણ. ક્યાંક માત્ર ખોરાક જરૂરી હોય છે તો ક્યાંક ચટપટા સ્વાદની ઈચ્છા હોય છે. ક્યારેક માગણી જથ્થાની હોય તો ક્યારેક ચોક્કસ પ્રકારની ખાસિયતની. સ્થાપત્યના ક્ષેત્રમાં માંગણીમાં ક્યારેય કિમતનું મહત્ત્વ હોય તો ક્યારેક વ્યક્તિગત કે સામાજિક ધારાધોરણ મહત્ત્વના બની રહે. માંગણી ક્યારે દેખાવ આધારિત હોય તો ક્યારેક માંગણી માટે ઉપયોગિતા પર ધ્યાન કેન્દ્રિત થયેલું હોય. સ્થાપત્યના સંદર્ભમાં ક્યારેક સ્થાનનું મહત્ત્વ હોય તો ક્યારેક આડોશ-પાડોશનું.
માગણી ઘણા પ્રકારની હોય. માગણી માટે ઘણા કારણો કાર્યરત હોય. માગણી ભિન્ન ભિન્ન બાબતો પર આધારિત હોય. અમુક પ્રકારની માગણી ટૂંકા સમયગાળા માટે હોય તો અમુક પ્રકારની માગણી લાંબા સમય સુધી હાવી બની રહે. સ્થાપત્યના ક્ષેત્રમાં સ્થાપિત થતી માગણી પાછળ પરંપરાગત તેમ જ સાંસ્કૃતિક મૂલ્યો પણ ભાગ ભજવે. ક્યારેક માગણી પરંપરાગત શૈલી આધારિત હોય તો ક્યારેક આધુનિકતા માટેની માંગ વધુ પ્રબળ હોય. સ્થાપત્યમાં ક્યારેક કલાત્મકતાની માંગ પ્રબળ બને તો ક્યારેક મજબૂતાઈ માટેની માંગ વધુ દ્રઢતાપૂર્વક ઊભરે.
અગ્રતાક્રમ સ્થાપિત હોવો જોઈએ. સ્થાપત્યની રચનામાં, તેની પસંદગીમાં અને તેની માટે ઉદ્ભવતી માંગમાં અગ્રતાક્રમનું નિર્ધારણ મહત્ત્વનું છે. અગ્રતાક્રમમાં જે બાબત વધુ અગત્યની ગણાય તે પ્રમાણેની માંગ વધુ દ્રઢ બને. અગ્રતાક્રમમાં જે બાબતનો સમાવેશ ન થયો હોય તે વિશે બાંધછોડ શક્ય બને. આવો અગ્રતાક્રમ વ્યક્તિગત મૂલ્યો, પસંદગી, જીવનશૈલી, સામાજિક તાણાવાણા, આર્થિક સંપન્નતા, ભૂતકાળ માટેનો લગાવ, વ્યક્તિગત વિચારસરણી તથા સંજોગિક પરિસ્થિતિ પર આધાર રાખે. આમાં જો બદલાવ આવે તો માંગના પ્રકારમાં બદલાવ આવે.
દરેક વ્યવસાયિકનો એ ધર્મ કહેવાય કે તે પોતાના ગ્રાહકની જરૂરિયાતોને સંતોષે. ગ્રાહક ત્યારે જ વ્યવસાયિક પાસે આવે જ્યારે તે પ્રકારની સલાહ તેને જરૂરી હોય. જ્યારે વ્યક્તિ સ્થપતિ પાસે આવે ત્યારે તેને કલાત્મકતા સાથે જરૂરી મજબૂતાઈ અને સરળ ઉપયોગીતાના સમન્વયની જરૂર હોય છે. મકાન દેખાવમાં સારૂ તો હોવું જ જોઈએ, સાથે તે ચોક્કસ વર્ષ સુધી ટકે તેવું અને ત્યાં સુધી પોતાના કાર્યનો નિભાવ કરી શકે તેવું હોવું જોઈએ. વળી મકાનની ઉપયોગિતામાં સરળતા હોવી જોઈએ. સ્થાપત્યની આ માંગ હોય છે. આ માંગનો પ્રકાર તથા માત્રા બદલાઈ શકે પરંતુ તેનો મૂળ આશય તો આ જ રહેવાનો.
સ્થાપત્ય એક એવું ક્ષેત્ર છે કે જેમાં સમાજના લગભગ બધા જ પાસા વણાઈ જાય છે. અહીં કળાત્મકતા તો રજૂ થાય છે જ પણ સાથે સાથે ઇજનેરી જાણકારી પણ પ્રસ્તુત થાય છે. અહીં વ્યક્તિની જીવનશૈલી – કાર્યશૈલીને પણ મહત્ત્વ મળતું હોવાથી એમ કહી શકાય કે સ્થાપત્યમાં વ્યક્તિના જીવનનો પ્રતિબિંબ ઝીલાય છે. સ્થાનિક સ્તરે પ્રાપ્ય સામગ્રી, લાગુ પડતાં કાયદા-કાનૂન, પ્રવર્તમાન બાંધકામ-શૈલી, સ્થાનિક આબોહવા પ્રમાણેનું આયોજન તથા પ્રદેશમાં સ્થાપત્યના પ્રવર્તમાન પ્રવાહો – આ બધાનો સ્થાપત્યમાં સમાવેશ થાય છે. સ્થાપત્યની આ વાસ્તવિકતા પણ છે અને માંગ પણ.
ખુલ્લા મેદાનમાં ખુલ્લા મકાનની માંગ હોય, તો ગીચ વિસ્તારમાં સંકોચાયેલા પરંતુ ઉપર ઉઠતા મકાનની માંગ હોય. ગરમ અને ભેજવાળી આબોહવામાં હવાની અવરજવર માટે યોગ્ય ગોઠવણ હોય તેવું મકાન જોઈએ તો ગરમ અને સૂકી આબોહવામાં બહારની ગરમી મકાનમાં ન પ્રવેશે તેવી વ્યવસ્થા જરૂરી બને. જ્યાં વધુ વરસાદ વરસતો હોય ત્યાં ઢળતા છાપરાવાળા મકાનની માંગ હોય તો ઓછા વરસાદવાળા વિસ્તારમાં અગાસી વાળા મકાનની માંગ વધુ હોય.
જ્યાં સ્થાપત્યને ગંભીરતામાં લેવામાં ન આવે ત્યાં નાટકીય સ્થાપત્યની પણ માંગ હોઈ શકે. તેવી જ રીતે જ્યાં વધુ પડતી સંપન્નતા હોય ત્યાં સ્થાપત્યમાં આડંબરને પણ સ્થાન મળી શકે. અનિર્ણાયક કે પોતાની જાતને જુદી બતાવવા ઈચ્છુક લોકો સ્થાપત્યમાં વિચિત્રતાની માંગ પણ કરતાં હોય છે. સ્થાપત્ય એક વિસ્તૃત ક્ષેત્ર હોવાથી આ દરેક પ્રકારની માંગ, વધતા-ઓછા પ્રમાણમાં, સંતોષાય શકે તેવી સંભાવના હોય છે.
એ જરૂરી નથી કે દર વખતે માંગ પ્રમાણે જ પુરવઠો પૂરો પાડવામાં આવે. જો ગ્રાહક કે સમાજ ખોટી બાબતોથી દોરવાયેલો હોય, જો તેની માંગ તેની ક્ષમતાના બહારના વિસ્તારની હોય, જો તે કોઈ ચોક્કસ પ્રકારના પૂર્વગ્રહથી પીડિત હોય, જો પોતાની મર્યાદિત સોચને તે યોગ્ય માનતો હોય, જો તેના વિચારો કુંઠિત હોય, જો તેની પસંદગીનો આધાર જ અયોગ્ય હોય, જો ચોક્કસ પ્રકારની દેખાદેખીને કારણે તે દોરવાતો હોય – તો તેને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી બની રહે.
તેને જણાવવું પડે કે તેની માટે યોગ્ય શું છે, અને તેની માંગ કયા પ્રકારની હોવી જોઈએ. ઇતિહાસના ઉદાહરણો સાથે આ વાત સમજાવી શકાય. ક્યારેક યોગ્ય વાત સમજાવવા માટે એક કરતાં વધારે ડિઝાઇન પણ તૈયાર કરવી પડે, પછી તેના પરસ્પરના ફાયદા-ગેરફાયદા સમજાવી આખરી નિર્ણય લઈ શકાય.
સ્થાપત્ય એ જવાબદારી ભરેલું ક્ષેત્ર છે. અહીં કળાનું પ્રભુત્વ હોવા છતાં તેને માત્ર કળાત્મક રચના તરીકે ન લઈ શકાય. અહીં ઇજનેરી તેમજ તકનીકી બાબતોનું પણ પ્રભુત્વ હોય છે, તે છતાં સ્થાપત્યની રચનામાં તે બાબત જ મહત્ત્વની ન બની રહેવી જોઈએ. સ્થાપત્યમાં ઉપયોગિતા પણ મહત્ત્વની છે, પણ ઉપયોગિતા પ્રમાણે તો ઉંદર પણ દર બનાવે છે. સ્થાપત્યમાં ઉપયોગિતાને જુદા જ સ્તરે લઈ જવી પડે – જેથી ઉપયોગિતા સિદ્ધ થવા સાથે મોઢા પર ખુશી આવી જાય. સ્થાપત્યની આ માંગ છે.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સુપર કાઇલેન અર્બન પાર્ક, કોપનહેગન



