અરાઉન્ડ ધ વર્લ્ડઃ રામેન ફેક્ટરી - ક્યોટોમાં ધીમો ને રિલેક્સ્ડ દિવસ… | મુંબઈ સમાચાર
વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ રામેન ફેક્ટરી – ક્યોટોમાં ધીમો ને રિલેક્સ્ડ દિવસ…

પ્રતીક્ષા થાનકી

જાપાનનાં શહેરોમાં નક્કી કરેલા પાથ પર ચાલ્યે જાઓ અને એક પછી એક અનુભવો કર્યે જાઓ તો મિકેનિકલ રીતે પણ મજા તો આવી જાય, છતાંય ત્યાં જો ઇન્યુશનથી ચાલો અને મજા આવે એ તરફ દોરાઈ જવા માટે તૈયાર હોવ, તો ભીડની વચ્ચે કેટલાક દિવસો જરા ઓર મજેદાર પણ લાગી શકે. ત્યારે ટ્રાવેલિંગના અનુભવોને ઓવરલોડ પ્રોસેસ કરવાનો સમય ન મળ્યો હોય અને થાક ઊતરતાં પહેલાં નવો થાક ઉમેરાતો જતો હોય.

એવું અનુભવતા પહેલાં તો પોતાને પૂછી જોયું, આ વધતી ઉંમરની કારણે ફિલ થઈ રહ્યું છે કે જાપાનના કારણે. તે સમયે તો અમે વધતી ઉંમરને જવાબદાર ઠેરવી ટ્રિપને થોડી લાઈટ કરી નાખી હતી, પણ બીજાં મિત્રોના અનુભવો અને પાછળથી પ્રોસેસ કર્યા પછી ઘણાં પરિબળો મુજબ એવું લાગ્યું કે જાપાનની ટ્રિપમાં માત્ર આ પણ કરવું છે અને તે પણ કરવું છે એનું લિસ્ટ અને ઉત્સાહ પૂરતો નથી. તેના માટે પૂરતી એનર્જીનું પણ આયોજન કરવું જોઇએ.

આ કંઈ કરેબિયન કે યુરોપ નથી, જ્યાં આપમેળે જ રિલેક્સ થવા મળી જાય. અહીં સેન્સિસને રિલેકસ થવાના પ્લાન પણ બનાવતાં રહેવું પડે. બાકી હાયપર એનર્જી પર ચાલતી, કદી આરામમાં ન માનતી આ ક્નટ્રીમાં ટૂરિસ્ટે પોતાની ક્ષમતા મુજબ પ્લાન કરવો.

ક્યોટોમાં હવે થોડો થાક વર્તાવા લાગ્યો હતો. રોજનાં એવરેજ પચીસ-ત્રીસ હજાર સ્ટેપ્સને એક દિવસ અમે ટોન ડાઉન કરીને ક્યોટોની આબોહવાને શાંતિ અને હળવાશથી માણવા માટે જરા ટે્રક બદલ્યો. અહીં બધું જ જોઈને જઈશું વાળા વિચારોને કાબૂમાં કર્યા.

હજી ઇચ્છા થશે અને સમય સાથ આપશે તો ફરી પણ આવીશું એ ખાતરી સાથે અમે ક્યોટોમાં શાંતિથી અનુભવોને પ્રોસેસ કરવા પર ફોકસ કર્યું, અને તેની શરૂઆત રામેન કૂકિગ ક્લાસથી કરી. આમ તો લોકો જાપાનીઝ ક્વિઝિનની વાત નીકળે એટલે સીધાં સુશી પર જ પહોંચી જતાં હોય છે, પણ અમે રામેનનાં ફેન્સ હતાં. તેમાંય યાકીટોરી અને તોન્કાત્સુ પણ ટ્રાય કરી લીધું હતું, છતાંય હજી રામેનથી મન નહોતું ભરાતું.

મેગી અને પછી ટોપ રામેન જ્યારે 90ના દશકમાં ભારતમાં પોપ્યુલર થઈ રહૃાાં હતાં ત્યારે એ બધું માણ્યું હતું. અને તેને આજે રામેનના દેશમાં આવીને અલગ સ્વરૂપમાં ચાખવાનું હતું. રામેન અહીં લગભગ દરેક ખૂણે મળે છે. હજી ત્યાંની ફેમસ ઇચીરાન રામેન ખાવાની તો બાકી હતી. અમે એવરેજ રોજના એક મીલમાં તો રામેનની વ્યવસ્થા કરી જ લેતાં હતાં.

હવે રામેન કૂકિગ ક્લાસમાં રામેનને તેના પારંપરિક સ્વરૂપમાં બનાવવાનો પણ મેળ પડી જવાનો હતો. વળી ઘણા સમયથી એક પ્રશ્ન એ પણ થતો હતો કે રામેન ખરેખર જાપાનીઝ છે, કોરિયન છે કે પછી ચાઇનીઝ. ટેક્નિકલી રામેન જાપાનીઝ જ છે, પણ આવાં સૂપ બેઝ્ડ નૂડલ્સ ચાઇનીઝ અને કોરિયન ક્વિઝિનમાં પણ મળે જ છે. અંતે તે ક્લાસમાં રામેનના એકસ્પર્ટે કનફર્મ કર્યું કે રામેન જાપાનીઝ જ છે, પણ તેનાં મૂળ ચાઇનીઝ વ્હિટ નૂડલ્સ સૂપમાં છે. આજે તો રામેનને માત્ર જાપાનીઝ કહો તો પણ ચાલે.

તેમાંય આ રામેન ક્લાસીસ તો એક રામેન ફેક્ટરીમાં જ હતા. મોટાભાગે રામેન રેસ્ટોરાંમાં તૈયાર મળે અને ઘરે એસેમ્બલ કરવામાં બધું પેકેટ, ગરમ પાણી અને કાપેલાં શાકભાજી પર આધાર રાખતું. આ કૂકિગ ક્લાસમાં તો નૂડલ્સ અને બ્રોથ બંને એકડે એકથી બનાવવાનાં હતાં. જાતે બનાવેલું જ ભાણું જમવાનું હતું.

આમ તો ફરવા જાઓ ત્યારે કૂકિગથી બ્રેક મળે તો મજા પડે, પણ જ્યારે રામેન ફેક્ટરીમાં એકસ્પર્ટ શેફ તમને રામેન બનાવતાં શીખવાડે ત્યારે વેકેશનની ફીલિંગ તો આવી જ જાય. વળી અહીં કલ્ચરલ અનુભવ એકદમ હાઇ લેવલનો હતો અને અમે રસ્તામાં લોકોને ભટકાવાથી પણ બચી ગયેલાં.

જોકે હાઈ ટૂરિસ્ટ સીઝનમાં આ ક્લાસમાં મહિનાઓ પહેલાં બૂકિગ કરાવવું પડે છે. તે દિવસે પણ અમને કોઈના કેન્સલેશનના કારણે જગ્યા મળી હતી. રામેન આમ તો મીટ બેઝ્ડ હોય છે, પણ તેમને રજિસ્ટે્રશન વખતે જ વેજિટેરિયન હોવાનું જણાવી દો એટલે તેની વ્યવસ્થા પણ થઈ જ જાય છે.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ ફુશિમી ઇનારી-સુંદર છતાં રહસ્યમય શ્રાઇન…

ટોરી ગેટ વન પાસે આવેલા આ વેન્યુ પર પહોંચ્યાં પછી એક-દોઢ કલાકમાં તો રામેન બની પણ ગઈ અને તેને ગપચાવવામાં તો માંડ દસ મિનિટ થઈ. ખરેખર કોઈ પણ વાનગી બનાવવામાં જે સમય લાગે છે અને સામે તેને ગાયબ થતી જોવામાં જે સમય લાગે છે તેની કોઈ સરખામણી થઈ શકે જ નહીં.

તે સમયે રામેન બનાવવામાં જે ખરો જાપાનીઝ અનુભવ થઈ રહૃાો હતો, તેને રાહત સાથે અમે માણી રહૃાાં હતાં. પહેલાં તો અમને બધાંને એપ્રન અને માથે બાંધવા માટેનું બંદાના આપ્યું. ત્યાં આખી દીવાલનું ભવ્ય અને સિમ્બોલિક રામેનનું મ્યુરલ પણ હતું. અમારી ગાઈડ સાકુરા પાસેથી ઘણી લોકલ ટિપ્સ પણ મળી ગઈ. ખાસ તો એ કે અહીં માત્ર રામેન જ નહીં, ઓનિગીરી અને માચા બનાવવાના ક્લાસીસમાં પણ મજા કરી શકાય તેમ છે.

જો કે માચા ખરેખર જેટલી ટૂરિસ્ટમાં અને બાકીની દુનિયામાં લોકપ્રિય છે, એટલી સ્થાનિક જાપાનીઝ લોકોમાં નથી. અમે તેને જણાવ્યું કે હજી અમારે પારંપરિક ટી સેરેમોનીનું બૂકિગ છે, એટલે કદાચ આ રામેન ક્લાસીસ પછી વધુ કૂકિગને સમય ફાળવી શકાય તેમ નથી.

રામેન બનાવવાની ઓથેન્ટિક રીત જાણ્યા પછી એ પણ એફસોસ ન રહૃાો કે અમે ટોક્યોનું શિન યાકાનોમા રામેન મ્યુઝિયમ માત્ર બહારથી જ જોઈ શક્યાં હતાં. ત્યાં તો અંદર કપ-નૂડલ્સની આખી હિસ્ટ્રી રેકોર્ડ કરવામાં આવી છે. સમય મર્યાદા સાથે જાપાન જાઓ તો એક વાત નક્કી છે. ફરી આવશો ત્યારે શું કરવું છે તેનું લિસ્ટ લાંબું ને લાંબું બનતું જશે.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ માન્ગા મ્યુઝિયમ-અનોખી ચિત્રવાર્તાઓના સર્જનને સમજવાની મજા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button