કોયડોઃ ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ…

ટીના દોશી
કંદરા એટલે કંદરા. કન્યા નહીં, કન્યારત્ન. હસતીરમતી, નાચતી કૂદતી, નટખટ, મનમોજી. જડને પણ ચેતનવંતું બનાવે એવી. મોર જેવી થનગનતી હરણી જેવી ચંચળ, ચુલબુલી, ઘૂઘરીના રણકાર જેવું મીઠું ગુંજન. ગોરા ગાલમાં ખંજન. પરાણે વ્હાલી લાગે એવી. જગમાં એનો જોટો ન જડે. એના વિનાનું ઘર મકાન બની જાય અને એની હાજરીથી મકાન ઘર બને. ઘરની દીવાલોમાં પણ પ્રાણ ફૂંકાય.
બગીચામાં રંગબેરંગી ફૂલ જોવા મળે, પણ ગુલાબની વાત જ ન્યારી. કંદરાનું પણ એવું જ. ફૂલમાં ગુલાબ અને ક્નયાઓમાં કંદરા. ખીલતા ગુલાબની કળી જેવી. ગુલાબી ગુલાબ જેવી જ ગુલાબી. ગુસ્સામાં લાલ ગુલાબ. મિત્ર માટે પીળું ગુલાબ. દરેક રૂપરંગનાં ગુલાબનો ગુણધર્મ મહેકવાનો હોય છે, એમ દરેક મિજાજમાં કંદરા ખૂશ્બુ ફેલાવતી. પારેવા જેવી ભોળી નહીં, બગલા જેવી કપટી નહીં અને શિયાળ જેવી લુચ્ચી નહીં, પક્ષીરાજ બાજ જેવી ચતુર અને ચબરાક. કાગરાણા જેવી ચાલાક અને ચપળ. કંદરા એટલે કંદરા!
મા દેવકી અને પિતા વાસુદેવ. બેયની આંખનો તારો હતી કંદરા. દેવની દીધેલ અને દેવનેય દુર્લભ એવી એકની એક લાડકવાયી દીકરી. ઈશ્વરે આપેલો શ્રેષ્ઠ ઉપહાર હતી કંદરા. અણમોલ અલંકાર હતી કંદરા. નયનરમ્ય નજરાણું હતી કંદરા. દીકરી હતી દુ:ખભંજણી ને સુખની સર્જનહાર! વાંચવામાં કદાચ અતિશયોક્તિ જણાશે, પણ દેવકી અને વાસુદેવની નજરે જોશો તો જેટલું કહેશો એટલું ઓછું લાગશે. રંગોળીમાં એક રંગ ઓછો જ દેખાશે. જીવનમાં બધા જ રંગ પૂરેલા કંદરાએ. મેઘધનુષમાં તો સાત રંગ જ હોય, કંદરાએ સ્નેહની સરવાણીનો આઠમો રંગ પણ પૂરેલો.
હજુ હમણાં જ પંદર વર્ષ પૂરાં કરેલાં કંદરાએ. પરીક્ષાઓ પૂરી થયેલી રજાની મજા માણતી હતી એ. ખાણીપીણી ને જલસા. ઘરમાં માબાપનાં લાડકોડ અને બહાર સહેલીઓની સંગત. સૂરજ ક્યારે ઊગતો ને આથમતો એની ખબર જ ન રહેતી. સમય સરતો રહ્યો, સરકતો રહ્યો. મુઠ્ઠીમાંની રેતની જેમ. દરમિયાન પરીક્ષાનું પરિણામ આવી ગયું. કંદરા અવ્વલ ક્રમાંકે પાસ થયેલી. શાળાજીવન પૂરૂ કરીને કોલેજમાં પ્રવેશ કરવાની હતી કંદરા. અઠવાડિયા પછી કોલેજ ખૂલવાની હતી. અવનવા ઉમળકા, અનેરા ઉમંગ અને અનોખા ઉત્સાહથી ઊછળતી હતી કંદરા.
પણ એ પહેલાં એક ઘટના…ના, દુર્ઘટના બની ગઈ!
કંદરા નજીકના ગ્રંથાલયમાં ગયેલી. એક પુસ્તક પરત કરવા અને બીજું પુસ્તક લેવા. થોડી જ વારમાં આવી જઈશ એમ કહીને. પણ કલાક થયા છતાં એ આવી નહીં એટલે દેવકીને ચિંતા થઇ. પુસ્તક લેવામાં આટલી વાર ઓછી થાય! કદાચ વાંચવા બેસી ગઈ હશે. વાંચનની જબરી રસિયણ છે. અથવા તો કદાચ કોઈ સહેલી મળી ગઈ હશે. વાતે વળગી હશે. આમેય વાતોડિયણ છે મારી કંદરા. સંતોષનો મીઠો ઓડકાર આવ્યો કંદરાનો વિચાર કરતાં.
પણ…પણ… એ હજુ આવી કેમ નહીં? ક્યાંક કંઈક… ના, ના… અમંગળ વિચાર કરવા નથી. તોય…સવારે અગિયાર વાગ્યાની ગઈ છે ને હવે સાંજ પડી ગઈ. ચાર થવામાં જ છે. આવી બેદરકારી તે હોય! મા ચિંતા કરતી હશે એવો ખયાલ નહીં આવતો હોય! મોડું થાય તો એક ફોન તો કરવો જોઈએને? સેલફોન શું કામ લઇ દીધો છે? આજે આવવા દે એને. ખબર લઇ નાખીશ. પણ કશુંક અજુગતું… ના, ના… દેવકી દેવીમાને પગે લાગી આવી: હે માતાજી, મારી કંદરાની રક્ષા કરજો. હું ચોખ્ખા ઘીનો દીવો કરીશ!
પણ માતાજી સુધી પ્રાર્થના પહોંચે ત્યાં તો ટેલિફોન ટહુક્યો. દેવકીની નજર અનાયાસ જ ઘડિયાળ પર પડી. સાંજના પાંચ વાગ્યા હતા. દેવકીને સ્મરણ થયું કે, આજે તો કંદરાના બાપુ પણ વહેલા આવી જવાના હતા, પણ હજુ સુધી એ પણ કેમ નહીં આવ્યા હોય! વિચારમાં ને વિચારમાં જ એમણે ફોન ઉપાડ્યો. કંઇ બોલે એ પહેલાં સામે છેડેથી પીગળેલું સીસું રેડાયું: `કોણ વાસુદેવ. દીકરીની રાહ જુએ છે ને! એ નહીં આવે. તારી મીઠડી મારી પાસે છે!
`કોણ..કોણ બોલે છે? કંદરા..મારી કંદરા…’ દેવકીને ગળે ડૂમો બાઝ્યો. કશું બોલી શકે એ પહેલાં તો સામે છેડેથી ફોન કપાઈ ગયો. દેવકી ફોન સામું જોઈ રહી. સ્તબ્ધ બનીને. પૂતળું બનીને ખોડાઈ ગઈ. પોતે જે સાંભળ્યું હતું એ સાચું જ હતું ને? કોઈ મશ્કરી તો નહીં કરતું હોય ને! ના, ના. આવી તે મશ્કરી હોય? તો શું ખરેખર કંદરાનું…હા, કંદરાનું અપહરણ થઇ ગયું હતું!
દેવકી સોફા પર ફસડાઈ પડી. આંખમાંથી વહેતી અશ્રુધારા. મૂઢ માર વાગ્યો હોય ત્યારે દેહ પર ઘા ન થાય પણ મન પર પડેલા ઉઝરડાનું જે ઝીણું ઝીણું દર્દ થયા કરે એવું કળતર થવા લાગ્યું. એવામાં વાસુદેવ આવી પહોંચ્યા. આવતાંવેંત કંદરાનું ચાંદ જેવું મુખડું જોવા જોઈએ એમને. કંદરા પણ પાણીનો પ્યાલો લઈને હાજર જ હોય. પણ આજે કંદરા ન દેખાઈ. દેવકી સામું જોયું. આ શું? રડીરડીને આંખો સૂઝી ગયેલી. આવું દ્રશ્ય તો પહેલી વાર જ જોયું! એમણે ચિંતિત થઈને પૂછ્યું: `શું થયું દેવકી. રડે છે કેમ! અને મારી કંદરા…કંદરા ક્યાં ગઈ? એ કેમ દેખાતી નથી.. ક્યાંક માદીકરીને કંઇ બોલવાનું તો નથી થયુંને?’
મારી કંદરા. મારી કંદરાને બચાવી લ્યો.’ કહેતાં દેવકી ડૂસકાં ભરવા લાગી. અને હમણાં આવેલા ફોન અંગે વાત કરતી ગઈ. દેવકીની વાત હજુ તો પૂરી જ થયેલી કે ફોન ફરી રણક્યો. વાસુદેવે ફોન નજીકમાં જ હોવા છતાં રીતસર દોટ મૂકી. અને બીજી ઘંટીએ તો ઝપટ મારીને ફોન ઉપાડી લીધો. સામેથી કર્કશ અવાજ સંભળાયો:વાસુદેવ…તારી કંદરા મારી પાસે છે. જો પાછી જોઈતી હોય તો…’
હા, હા.. મારી કંદરાને કાંઈ ન કરતા,પ્લીઝ…’ વાસુદેવ ગળગળો થઈને બોલ્યો:તમારે જે જોઈએ એ હું આપવા તૈયાર છું.’
એ તો આપવું જ પડશેને.. સામા છેડાના સ્વરમાં ઠાંસોઠાંસ ક્રૂરતા ભરેલી હતી: `પૂરા પચ્ચીસ લાખ રૂપિયા જોઈએ છે મને. એના માટે ચોવીસ કલાકની મુદત આપું છું. કાલે સાંજે આ સમયે હું કહું ત્યાં રૂપિયા લઈને ચાલ્યો આવજે. અને હા, પોલીસને જાણ કરવાની બેવકૂફી નહીં કરતો. નહીંતર કંદરાની…’
ના, ના..મહેરબાની કરીને કંદરાને કાંઈ ન કરશો.’ વાસુદેવથી રિસીવર કાન પર ટેકવીને બે હાથ જોડાઈ ગયા:હું પોલીસને કાંઈ નહીં કહું. કોઈને કંઇ નહીં કહું. તમને રૂપિયા પણ કાલે મળી જશે. પણ એક વાર કંદરા સાથે વાત કરાવો તો…મને કેવી રીતે ખબર પડે કે કંદરા તમારી પાસે જ છે!’
`કંદરા સાથે વાત તો નહીં કરાવું. મને ખબર છે એ બહુ ચાલાક છે. પણ તમારા ઘરની બહાર જોજો. કંદરાએ લખેલો પત્ર તમને મળશે. તમને ખાતરી થઇ જશે કે તમારી ઢીંગલી મારી પાસે જ છે!’ સામો છેડો બોલતો બંધ થઇ ગયો.
વાસુદેવ દોડ્યા. દરવાજો ખોલ્યો તો ગડી વાળેલો એક પત્ર પડેલો. ઝટ પત્ર ઉપાડ્યો ને ખોલ્યો. પત્ર ખરેખર કંદરાના અક્ષરમાં લખાયેલો. એ ઝટ ઝટ વાંચવા લાગ્યા. કંદરાએ લખેલું કે,
`પ્રિય પપ્પાજી અને મમ્મીજી,
હું તમારી મીઠડી. મને મીઠડી કહીને બીજું કોણ બોલાવે?
અત્યાર સુધીમાં તમને ખબર પડી જ ગઈ હશે કે માં અપહરણ થઇ ગયું છે. અપહરણ કરનારના કહેવાથી જ હું પત્ર લખી રહી છું. મને છોડવાના પૂરા પચીસ લાખ માંગ્યા છે એમણે. હું પુસ્તક પરત કરીને આવતી હતી ત્યારે એક મોટી ગાડી મારી બાજુમાં આવીને ઊભી રહી અને મને પરાણે બેસાડીને લઈ ગઈ. હું ચીસો ન પાડી શકું એટલે માં મોં બંધ કરી દીધેલું. આંખે પાટા બાંધી દીધા. મને એવી તો બીક લાગેલી.
હું મનમાં ને મનમાં પ્રભુ પ્રાર્થના કરવા લાગી. મને મહાદેવ શિવજી અને કૃષ્ણ યાદ આવ્યા. હું મનોમન જાપ જપવા લાગી. રટણ કરવા લાગી. હર હર મહાદેવ…ભજ ગોવિંદમ… શિવ અને કૃષ્ણનું મિલન થતું જોયું છે? મેં જોયું. તમે આંખ બંધ કરીને જોજો. તમને પણ દેખાશે. શિવ અને કૃષ્ણના મેળાપમાં ક્યારેક ત્રણ અવરોધ નડે છે. તમે એ નડતર દૂર કરી દેજો. મને આવું લખતાં જોઇને અપહરણ કરનાર હસે છે. એ સમજે છે કે હું કાલુંઘેલું લખું છું. ભલે સમજે!
હું નાની હતી ત્યારે તમે મારી સાથે કેવા કોયડાની ભાષામાં વાત કરતા હતા! એ મને બહુ જ યાદ આવે છે. હું ભેજું કસીને તમારા કોયડા ઉકેલતી. હવે મારો કોયડો તમે ઉકેલજો. પણ અત્યારે મને ભગવાન બહુ યાદ આવે છે. આંખ બંધ કં એટલે ઘડીકમાં શિવજી તાંડવ કરતા દેખાય છે અને ઘડીકમાં રાસલીલા કરતા ગિરધારી કૃષ્ણ દેખાય છે. જોકે ઈશ્વર તો એક જ છે ને! શિવ હોય કે કૃષ્ણ… શિવ પણ એ જ અને કૃષ્ણ પણ એ જ! હરિ તારા નામ હજાર, કયા નામે લખવી કંકોતરી!
હું પ્રભુનું સ્મરણ કરૂ છું. તમે પણ હર હર મહાદેવ અને ભજ ગોવિંદમ કરજો. કોયડો પણ ઉકેલજો. જોજો ભૂલશો નહીં. અને મને જીવતી જોવી હોય તો પચીસ લાખ તૈયાર રાખજો. હું તમને બહુ યાદ કરૂં છું.
આપની વ્હાલી કંદરાનાં વંદન.’
વાસુદેવે ફરી ફરીને પત્ર વાંચ્યો અને વિચારોમાં ખોવાઈ ગયા. દેવકીબહેન તો વાંચીને ફરી રડવા લાગ્યાં. આંખમાંથી ડબક ડબક આંસુ પડવા લાગ્યાં. વાસુદેવે એમને શાંત કર્યાં. પછી કહ્યું: `આપણી દીકરી બહુ ચાલાક છે. એ એમનેમ કંઇ લખે નહીં. પણ અત્યારે માં મગજ ચાલતું નથી. વિચારૂં છું કે કરણને વાત કરૂં.’
ઇન્સ્પેક્ટર કરણ બક્ષીને?’ દેવકી ફફડી ઊઠી:પણ પોલીસને જાણ કરવાથી તો…’
`ના, પોલીસને નહીં…’વાસુદેવ બોલ્યા: કરણ મારા એક મિત્રનો પાડોશી છે. મને જાણે છે. આપણે એને આ પત્ર વંચાવીએ. શક્ય છે કે આજે જ આપણને દીકરીની ભાળ મળી જાય. કહીને વાસુદેવે કરણને ફોન કર્યો. ટૂંકમાં વિગત સમજાવી.પરિસ્થિતિની ગંભીરતા સમજીને કરણ સિવિલ ડ્રેસમાં એમના ઘેર ગયો. વાસુદેવે કુશાગ્ર બુદ્ધિ ધરાવતા કરણને કંદરાનો પત્ર આપ્યો.
કરણ પત્ર વાંચી ગયો. એક વાર. બે વાર. ત્રણ વાર. પત્રની ભાષા, પત્રનો અર્થ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો. લખાયેલા શબ્દમાં છુપાયેલા સંદેશને વાંચવાનો પ્રયાસ કરી રહ્યો. કોયડો ઉકેલવા મથી રહ્યો. દસ મિનિટ વીતી ગઈ. વાસુદેવ અને દેવકી આશાભરી આંખે જોઈ રહ્યા. પંદર મિનિટ. સોળમી મિનિટે કરણે પૂછ્યું: `તમે કોઈ હરગોવિંદને ઓળખો છો?’
હા, હા..ઓળખું જ ને?’ વાસુદેવે કહ્યું:એ તો મારો ભાગીદાર છે…!’
ઓહ.. કરણ કંઈક વિચારવા લાગ્યો. પછી કહે: `એને તમારી સાથે કેવા સંબંધો છે?’
સંબંધો તો સારા જ છે…’વાસુદેવ કહેવા લાગ્યા:પણ ધંધાનું એવું છે ને કે ક્યારેક મતભેદ થઇ જાય. દસેક દિવસ પહેલાં અમારી બોલાચાલી થઇ ગયેલી. એ નફામાં વધુ ટકાની માંગણી કરતો હતો. મેં એને સમજાવ્યો. એટલે પાછો માની ગયો. પણ એના વિશે કેમ પૂછવું પડ્યું?’
એ હું પછી કહીશ. કરણે કહ્યું: તમે એને ફોન કરીને અહીં બોલાવો. પણ એને મારા કે કંદરા વિશે કાંઈ ન કહેતા.’ કહીને કરણે વાસુદેવને કંઈક સમજાવ્યું. વાસુદેવે હરગોવિંદને ફોન કરીને બોલાવ્યો. થોડીવારમાં એ આવી પહોંચ્યો. આવતાંની સાથે સોફા પર જમાવ્યું. દેવકીને કહે:ભાભી, આજે તો તમારા હાથની ફક્કડ ચા પીવી છે. પછી આજુબાજુ જોઇને કહેવા લાગ્યો: અરે, મારી મીઠડી ક્યાં ગઈ? મારી ઢીંગલી, જો તો ખરી, હું તારા માટે કેડબરી લાવ્યો છું!’
હરગોવિંદનું વાક્ય પૂરૂ થતાંની સાથે કરણ અંદરના ઓરડામાંથી બહાર આવ્યો અને બોલ્યો: મીઠડી તો તમારી પાસે છે. એ અહીંયાં ક્યાંથી હોય?’ આ શું મજાક છે?’ હરગોવિંદ ઊભો થઇ ગયો. વાસુદેવ સામું જોઇને કહેવા લાગ્યો: `આ માણસ કોણ છે? મીઠડી મારી પાસે છે, એવું કેમ કહે છે?’
હું ઇન્સ્પેક્ટર કરણ બક્ષી…’ કરણ કરવતની ધારથી વહેરતો હોય એમ બોલ્યો:કંદરા એટલે કે મીઠડી તમારી પાસે છે એવું હું એટલા માટે કહું છું કે મીઠડી તમારી પાસે જ છે!’
આ શું માંડ્યું છે…’ હરગોવિંદ ઉગ્ર થઈને બોલ્યો. પણ એનો આત્મવિશ્વાસ ડામાડોળ હતો:તમારી પાસે શું પુરાવો છે કે મીઠડી મારી પાસે છે?’
એનો પુરાવો છે કંદરાનો આ પત્ર…’ કરણ બોલ્યો:કંદરાએ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે એનું અપહરણ તમે જ કર્યું છે!’
`બતાડો મને. ક્યાં લખ્યું છે? બતાડો તો ખરા.’ હરગોવિંદે પત્ર વાંચીને સવાલ કર્યો.
તમારી હાજરીમાં, તમે વાંચી શકો એ રીતે જ એણે પત્ર લખ્યો. તમે પત્ર વાંચ્યો પણ ખરો અને છતાં તમે એનો અર્થ સમજી ન શક્યા એનાથી જ ખ્યાલ આવે છે કે કંદરા કેટલી ચાલાક અને ચબરાક છે…’ કરણે કંદરાની પ્રશંસા કરી. પછી પત્રનો અર્થ સમજાવવાનું શરૂ કર્યું:કંદરાએ `મને મીઠડી કહીને કોણ બોલાવે’ એમ લખીને પહેલી પંક્તિમાં જ પોતાના અપહરણકર્તાનો સંકેત આપી દીધો છે. હરગોવિંદ, તમે આવતાંની સાથે પૂછ્યું કે મારી મીઠડી ક્યાં છે? વાસુદેવભાઈ અને દેવકીબહેન કંદરાને મીઠડી કે ઢીંગલી નથી કહેતા. એટલે તમારો સવાલ એ મારા માટે જવાબ હતો!’
લાડથી કંદરાને મીઠડી કહીને બોલાવું એનો અર્થ એવો કેવી રીતે થાય કે મેં એનું અપહરણ કર્યું છે?’ કહેતાં હરગોવિંદને પરસેવો વળી ગયો:એણે એવું ક્યાં લખ્યું છે કે હું અપહરણકાર છું?’
કંદરાએ એવું જ લખ્યું છે.. કરણે તર્કબદ્ધ અને મુદ્દાસર કહેવાનું શરૂ કર્યું: એણે પત્રમાં કોયડાની ભાષા ઉકેલવાની વાત લખી છે. શિવ અને કૃષ્ણને વારંવાર યાદ કર્યાં છે. એ જ તો કોયડો છે. શિવ એટલે હર અને કૃષ્ણ એટલે ગોવિંદ. હરગોવિંદ! પછી હર હર મહાદેવ અને ભજ ગોવિંદમ લખ્યું છે. હર હર મહાદેવનો હર અને ભજ ગોવિંદમનો ગોવિંદ લઈએ એટલે હરગોવિંદ થાય! વળી લખ્યું છે કે શિવ અને કૃષ્ણના મિલનમાં ત્રણ અવરોધ છે.
એનો અર્થ એમ થાય કે હર અને ગોવિંદમ વચ્ચેના ત્રણ શબ્દનો અવરોધ દૂર કરી દેવો. હર, મહાદેવ, અને ભજ આ ત્રણ શબ્દ દૂર કરીએ એટલે કયો શબ્દ બને? હરગોવિંદ! શિવ અને કૃષ્ણના અનેક નામ છે. એટલે એણે લખ્યું કે, હરિ તારા નામ હજાર, કયા નામે લખવી કંકોતરી! કંદરાનું અપહરણ તમે જ કર્યું છે, હરગોવિંદ! બોલો, ખરૂ કે ખોટું?’
હા, હું મારો ગુનો કબૂલ કં છું…’ હરગોવિંદે મસ્તક ઝુકાવી દીધું:વાસુદેવ ભાગીદારીમાં મને નફો વધુ નહોતા આપતા. થોડા દિવસ પહેલાં અમારો ઝઘડો પણ થયેલો. મેં ત્યારે જ નક્કી કરેલું કે હું એમની પાસેથી પચ્ચીસ લાખ વસૂલ કરીશ. એટલે જ મેં કંદરાનું અપહરણ કર્યું. મને એમ કે રૂપિયા લઈને હું નગર છોડીને ક્યાંક ચાલ્યો જઈશ, પણ મીઠડી તો જબરી નીકળી…’
હરગોવિંદ જેલમાં ગયો. કંદરા હેમખેમ ઘેર આવી. દેવકીએ વ્હાલથી એનાં ઓવારણાં લીધાં અને વાસુદેવે વાત્સલ્ય વરસાવતાં શું કહ્યું એ જાણો છો? `કંદરા એટલે કંદરા! કન્યા નહીં, કન્યારત્ન!’
આવતા અઠવાડિયે નવી કથા



