સ્પોર્ટ્સ મૅન: પંતનું પાગલપણું: ચાહકો માટે મનોરંજન… હરીફો માટે માથાનો દુખાવો

સારિમ અન્ના
સંરક્ષણાત્મક અભિગમ રાખ્યા બાદ અચાનક ફટકાબાજી શરૂ કરી દેવી, સમરસૉલ્ટથી સેન્ચુરી સેલિબ્રેટ કરવી એ રિષભની નોખી પહેચાન છે
રિષભ પંતે તાજેતરમાં લીડ્સમાં સમરસૉલ્ટની સ્ટાઇલમાં સદી સેલિબ્રેટ કરી હતી.
રિષભ પંત થોડા મહિના પહેલાં જાણે અંધારામાં ભટકી રહ્યો હતો. ઇંગ્લૅન્ડ સામેની તાજેતરની પ્રથમ ટેસ્ટના બન્ને દાવની વિક્રમજનક સેન્ચુરીથી વિરોધાભાસી ઘટના જોઈએ તો તે આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયા સામેની મેલબર્નની ચોથી ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં લાપરવાહીભર્યા શૉટ બદલ સસ્તામાં વિકેટ ગુમાવી બેઠો હતો. તેની એ બેદરકારી કાંગારુંઓ સામેની શ્રેણીમાં ભારતના 1-3થી થયેલા પરાજયનું એક કારણ હતી. ખાસ કરીને એ માટે કે ત્યાં સુધી સિરીઝ 1-1થી લેવલમાં હતી, પરંતુ ટીમ ઇન્ડિયાને પંતનો સાથ ન મળ્યો એટલે ટ્રોફી છેવટે ગુમાવવી પડી હતી. ટીમ મૅનેજમેન્ટ તેનાથી ખૂબ નારાજ હતું.
પંતની કરીઅરમાં જે અપ અને ડાઉન આવ્યા એવા ક્રિકેટ જગતમાં ભાગ્યે જ કોઈની કારકિર્દીમાં આવ્યા હશે. ઑસ્ટ્રેલિયાની નિરાશાજનક ટૂર બાદ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી (જેમાં ભારત ચૅમ્પિયન બન્યું) દરમ્યાન તેને ઇલેવનમાં સ્થાન નહોતું મળ્યું અને ટી-20 મૅચોમાં સંજુ સૅમસનના રૂપમાં ટીમ ઇન્ડિયાને વિકલ્પ મળી ગયો હતો. આઇપીએલમાં તે લખનઊનો કૅપ્ટન હતો જેમાં ખુદ પંતનો પર્ફોર્મન્સ સારો નહોતો અને તેની ટીમ પણ પૉઇન્ટ્સ-ટેબલમાં નીચલા ભાગમાં રહી હતી.
પંતે 2018માં ઇંગ્લૅન્ડની ટૂર દરમિયાન નૉટિંગહૅમ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી ટીમમાં તેના સ્થાન સામે કોઈ જ સવાલ નહોતા ઉઠ્યા. ડિસેમ્બર, 2022માં તે ભયાનક કાર-અકસ્માત માં ગંભીર રીતે ઈજા પામ્યો હતો. જીવતો બચશે કે નહીં એવો ઘણાને ડર હતો અને એવી પણ શંકા હતી કે જીવી જશે તો પણ પહેલાંની જેમ પાછો મેદાન પર ઊતરશે કે નહીં? જોકે મહેનત અને ધગશથી તે સ્વસ્થ થઈ ગયો અને મેદાન પર વાપસી કરીને તેણે ભારતીય ટીમમાં ફરી સ્થાન મેળવ્યું હતું. એટલું જ નહીં, ટીમમાં પોતાની ગુમાયેલી જગ્યા પાછી બનાવી લીધી હતી.
ઑસ્ટ્રેલિયામાં 1-3થી થયેલી હાર બાદ બધુ પાછું વિખેરાઈ ગયું હતું. જોકે પસંદગીકારોએ તેના પર ભરોસો મૂક્યો અને તેને ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવ્યો. વર્ષોથી આપણે પંતના ચહેરા પર જે સ્મિત અને હાસ્ય જોયા એ ઘણા મહિનાઓ સુધી ગુમ થઈ ગયા, પણ તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની લીડ્સ ટેસ્ટમાં તેણે સ્પિનર શોએબ બશીરના બૉલમાં છગ્ગો ફટકારીને સાતમી ટેસ્ટ-સદી પૂરી કરી એ સાથે તે પાછો અસલ ખુશમિજાજમાં જોવા મળ્યો હતો. ટીમ ઇન્ડિયાને ફરી મોટું યોગદાન આપતો થયો એ બદલ તે ખુશ હતો જ, તેણે મહાન વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે મહેન્દ્રસિંહ ધોનીનો છ ટેસ્ટ સેન્ચુરીનો ભારતીય રેકૉર્ડ તોડ્યો એ માટે પણ આનંદિત હતો.
આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન : ખેલ જગતના કમનસીબ ખેલંદા
ભારત નવા ટેસ્ટ યુગમાં પ્રવેશી રહ્યું છે અને ટીમના નવા ઘડતરમાં 27 વર્ષીય પંતને પ્રાથમિકતા મળી રહી છે. પંતને આ જ વિશ્વાસની જરૂર હતી જે તેને મળવા લાગ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિન જેવા અનુભવીઓએ ટેસ્ટ ટીમને અલવિદા કરી ત્યાર પછીની પ્રથમ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે અને એમાં કે. એલ. રાહુલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને કૅપ્ટન શુભમન ગિલ ઉપરાંત પંતનો અનુભવ પણ ટીમ માટે ઉપયોગી છે.
આઇપીએલમાં લખનઊની ટીમનું નેતૃત્વ સંભાળતી વખતે તેના ચહેરા પર એક પ્રકારનો બોજ દેખાતો હતો. પોતે બૅટિંગમાં નબળું પર્ફોર્મ કરી રહ્યો હતો અને તેની ટીમ હારી રહી હતી એટલે તેના પર સ્ટ્રેસ ચોખ્ખું નજરે પડતું હતું, પરંતુ ટેસ્ટ ટીમમાં તે ખીલીને રમી રહ્યો છે. ઇંગ્લૅન્ડ સામેની લીડ્સની પ્રથમ ટેસ્ટમાં ખુદ બ્રિટિશ કૅપ્ટન બેન સ્ટૉક્સે પંતના આત્મવિશ્વાસની ઝલક જોઈ હતી અને હસી પડ્યો હતો. પંતની બે સેન્ચુરી છતાં ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ ભારત હારી ગયું એ વાત જુદી છે, પરંતુ સિરીઝમાં આગળ જતાં પંતના પર્ફોર્મન્સ પર ટીમનો મોટો મદાર રહેશે.
ઑસ્ટ્રેલિયામાં એકધારી બે ઇનિંગ્સમાં લાપરવાહીથી શૉટ મારીને વિકેટ ગુમાવી ત્યારે કૉમેન્ટરી-બૉક્સમાંથી સુનીલ ગાવસકરે તેના માટે ‘સ્ટુપિડ…સ્ટુપિડ…સ્ટુપિડ’ની કમેન્ટ કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. જોકે સની હવે ઇંગ્લૅન્ડમાં એ જ પંતની ફટકાબાજી પર આફરીન થયા છે. પંતની ખૂબી એ છે કે તે આસાનીથી પોતાની ઇનિંગ્સ ડેવલપ કરવાની સાથે પોતાના જોડીદાર પરનું માનસિક દબાણ પણ હટાવી આપતો હોય છે.
ભારતીય બૅટ્સમૅન ચેતેશ્વર પુજારાનું કહેવું છે, ‘હું જ્યારે પંતની સાથે બૅટિંગ કરતો હતો ત્યારે મેં જોયું કે તે બોલરની લાઇન અને લેન્ગ્થ બગાડી નાખતો હતો અને સામા છેડે એનો સીધો ફાયદો મને થતો હતો. રન બનાવવાનું મારા માટે પણ આસાન થઈ જતું હતું.’
જેમ વીરેન્દર સેહવાગ પોતાની આગવી સ્ટાઇલમાં ફટકાબાજી કરતો એમ સૂર્યકુમાર યાદવની પણ ભિન્ન સ્ટાઇલ છે અને પંતનો પાવર પણ લોકોને અલગ અંદાઝમાં જોવા મળતો હોય છે. બોલર વિચારી ન શકે એ રીતે તે અચાનક ફટકાબાજી શરૂ કરી દેતો હોય છે. થોડી વાર શાંતિથી રમ્યા પછી ઓચિંતા તે ચોક્કા-છગ્ગાની રમઝટ બોલાવવા લાગે છે.
પ્રેક્ષકોને અને દર્શકોને આ જ તો ગમતું હોય છે. પુજારા કહે છે, ‘પંત અચાનક રક્ષણાત્મક અભિગમ અપનાવીને રમતો હોય છે, પરંતુ અચાનક બોલરને દગો દઈ દેતો હોય છે અને ફટકાબાજી શરૂ કરીને બધાને ચોંકાવી દેતો હોય છે. બૉલની લેન્ગ્થને બહુ જલદી પારખીને શૉટ મારી દેવાની તેનામાં ગજબની ક્ષમતા છે.’
આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન : ઓવર ટુ … ટેસ્ટ ક્રિકેટ શ્રેણીબદ્ધ ટેસ્ટ-જંગ આવી રહ્યા છે એટલે ફરી મજા…
ઘણા બૅટ્સમેનોની ખાસિયતને હરીફ ટીમના બોલર પારખી લેતા હોય છે અને એ જ મૅચ કે સિરીઝમાં અથવા પછી ક્યારેક તેનો સામનો કરવાનો સમય આવે ત્યારે તેની વિકેટ લઈને તેને તેની એ નબળાઈ બતાવી દેતા હોય છે. હમણાં તો પંત જે સ્ટાઇલથી રમતો હોય છે એ હરીફ બોલર્સ શોધી નથી શક્યા. શોધી લેશે ત્યારે બની શકે કે પંત નવી સ્ટાઇલ અપનાવીને તેમને તેમની મર્યાદા બતાવી દેશે.
ધોની પછી ભારતને વિકેટકીપર તરીકે સારો વિકલ્પ મળી ગયો એ હજી તો સંપૂર્ણપણે પુરવાર નથી થયું અને ધોનીની બરાબરી તો સદીઓ સુધી કોઈ નહીં કરી શકે, પરંતુ એટલું તો નક્કી છે કે પંત ‘લંબી રેસ કા ઘોડા’ હૈ. બી
જું, તેણે ટીમમાં ફરી જમાવટ કરીને ઘણા યુવા વિકેટકીપરો માટે દરવાજો બંધ કરી દીધો છે. જેમ પાર્થિવ પટેલ ઊભર્યો ત્યારે અજય રાત્રાની કારકિર્દી સીમિત થઈ ગઈ હતી એમ ધોનીના યુગમાં દિનેશ કાર્તિક કે વૃદ્ધિમાન સાહાને રમવાની બહુ ઓછી તક મળી હતી. પંતના યુગમાં ધ્રુવ જુરેલ કે સંજુ સૅમસન કે ઇશાન કિશન કે બીજા કોઈને આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં બહુ તક ન પણ મળે.
વિકેટકીપિંગમાં ડાઇવ મારીને કૅચ ઝીલવો કે બૉલ રોકવો એ પંતની વિશેષતા છે અને સેન્ચુરી પૂરી કરીને સમરસૉલ્ટ (ફ્રન્ટ-ફ્લિપ કે કાર્ટવ્હીલ)ની સ્ટાઇલમાં સેલિબ્રેશન કરવું એ જ બતાવી આપે છે કે પંત કાર-અકસ્માતવાળી ઘૂંટણની ઈજાને ક્યારનીયે ભૂલી ગયો છે. પંતના પાગલપણામાં પણ કોઈક યોજના હોય છે, હરીફોને કોઈક પ્રકારનો સંદેશ હોય છે.
જેની સાતમાંથી ત્રણ ટેસ્ટ-સદી ઇંગ્લૅન્ડમાં અસરદાર સ્વિંગ અને સીમ અપાવતી પિચો પર થઈ હોય એ જ પંતનો ખરો પરચો. જે કામ બીજું કોઈ નથી કરી શકતું એ પંત કરી રહ્યો છે એટલે બ્રિટિશરોની નજરમાં તે હંમેશાં અગ્રેસર રહેશે. બૅટિંગમાં દરેક બોલર તેની સામે ખાસ સાવધ રહેશે અને ભારતની જ્યારે ફીલ્ડિંગ હોય ત્યારે હરીફ ટીમનો દરેક બૅટ્સમૅન બૉલને પંતના ગ્લવ્ઝથી દૂર રાખવાનું પસંદ કરશે.
આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન : રોડ-શૉના રથની લગામ ખેંચો