ભાત ભાત કે લોગઃ સંસારની સૌથી પ્રાચીન લિપિ કઈ?

જ્વલંત નાયક
આપણે ભારતીયો વિરોધાભાસથી ભરપૂર પ્રજા છીએ. બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની લાલસા પર આપણે કાબૂ નથી મેળવી શકતા અને બીજી તરફ ભાષાને નામે વાદવિવાદ વિખવાદ ઊભા કરીને સમાજની શાંતિને ડહોળી નાખવામાં ય પાછું વળીને નથી જોતા.
પ્રચૂરમાત્રામાં ભાષાવૈવિધ્ય ધરાવતા દેશમાં જુદી જુદી ભાષાઓ અને સંસ્કૃતિઓને કારણે ક્યાંક મતભેદ તો ક્યાંક મનભેદ સર્જાવાના,. પણ જો ખરેખર તમે ભાષાપ્રેમી હોવ તો ગમે એવો ભેદ તમને હિંસક બનાવવામાં નિષ્ફળ નીવડે. આજે ભાષા અને લિપિના ઇતિહાસ સંબંધી થોડી વાત કરવી છે.
ક્યારેય એવો વિચાર આવ્યો છે કે લેખનની શરૂઆત ક્યારથી થઇ હશે? માનવ ઇતિહાસમાં લખાણની શરૂઆત આશરે ઈ.સ. પૂર્વે 3100-3000ની આસપાસ મેસોપોટેમિયામાં (આજના ઇરાકના વિસ્તારમાં) થઈ હોવાનું મનાય છે.
ભારત અને એશિયાની વાત કરીએ તો બ્રાહ્મી લિપિ સૌથી પ્રાચીન ગણાય છે. અમુક વિદ્વાનો માને છે કે બ્રાહ્મી ય વળી સરસ્વતી લિપિમાંથી ઊતરી આવી છે. સરસ્વતી લિપિ હડપ્પા સંસ્કૃતિના સમયની હોવાથી એને હડપ્પન લિપિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બ્રાહ્મી લિપિનો વિકાસ ક્યારે થયો એ વિષે થોડા મતમતાંતરો છે. આ લિપિનો સૌથી પ્રાચીન પુરાવો સમ્રાટ અશોકના શિલાલેખો અને સ્તંભલેખોમાં જોવા મળે છે. અશોક મૌર્ય વંશનો રાજા હતો. એના શિલાલેખો ઈ.સ. પૂર્વે ત્રીજી સદીના છે.
આથી વિદ્વાનો માને છે કે બ્રાહ્મી લિપિનો વિકાસ આશરે ઈ.સ. પૂર્વે ચોથી અને ત્રીજી સદી દરમિયાન એટલે કે મૌર્યવંશના શાસન દરમિયાન થયો હતો. આપણી પાસે મૌર્ય વંશની સીધીસાદી ઓળખસમું એક ઐતિહાસિક પાત્ર છે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી એવા વિષ્ણુગુપ્ત ચાણક્યનું.
ચાણક્યનો પ્રભાવ એવો હતો કે આજે ય રાજનૈતિક ચર્ચાઓમાં એમનું નામ લેવાતું રહે છે. જો કે મૌર્યવંશના સમયમાં બીજાં અનેક ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર બાબતો જોવા મળી. એમાંથી એક તે બ્રાહ્મી લિપિ.
બીજી તરફ ભારતીય પુરાતાત્ત્વિક સર્વેક્ષણ વિભાગ દ્વારા કરાયેલા છેલ્લા ઉત્ખનનના પરિણામ પરથી જાણવા મળ્યું છે કે તમિળનાડુ અને શ્રીલંકામાં આ લિપિ ઈસવીસન પૂર્વે છઠ્ઠી શતાબ્દીના સમયથી બ્રાહ્મી લિપિ વિદ્યમાન હતી.
બ્રાહ્મી લિપિ ભારતીય ઉપખંડમાં વ્યાપકપણે વપરાઈ અને તેમાંથી જ દેવનાગરી, તમિળ, તેલુગુ, ગુજરાતી સહિત અનેક ભારતીય લિપિઓનો વિકાસ થયો. એટલું જ નહિ, બ્રાહ્મી લિપિ ઉપરથી ઘણી એશિયાઈ લિપિઓનો વિકાસ થયો હતો.
દેવનાગરી સહિત અન્ય દક્ષિણ એશિયાઈ, દક્ષિણ-પૂર્વ એશિયાઈ, તિબેટિયન તથા કેટલાક લોકોની માન્યતા અનુસાર કોરિયાઈ લિપિનો વિકાસ પણ બ્રાહ્મી લિપિમાંથી જ થયેલો. લો બોલો!
આપણે અહીં દુકાનના પાટિયા ગુજરાતીમાં ચીતરવા કે મરાઠી કે પછી તામિળમાં, એની ખેંચાખેંચ કરી છીએ, પણ ઇતિહાસ કહે છે કે ભારત જ નહિ, પણ અનેક એશિયાઈ લિપિઓ મૂળે બ્રાહ્મીની જ પેદાશ છે.
ઓકે ફાઈન. આમ જોવા જઈએ તો ભાષા અને લિપિના વિકાસનો ઇતિહાસ બે પેરેગ્રાફમાં સમાવી કે સમજાવી શકાય એટલો નથી જ. હા, આટલી માહિતી માત્ર પ્રાથમિક જાણકારી પૂરતી છે.
આ તો થઇ લિપિની વાત, પણ ભાષા તો લિપિથી ય જૂની છે અને ભાષા જેટલા જ જૂના છે સાહિત્યિક સર્જનો. દાખલા તરીકે મહાભારત અને રામાયણ જેવાં મહાકાવ્યો બ્રાહ્મી લિપિથી ય પૌરાણિક છે તો એ કઈ રીતે લખાયા હશે?
જો મહાભારતની વાત કરીએ તો એની રચના ઈસવીસન પૂર્વે ત્રણેક હજાર વર્ષ પૂર્વે થઇ હોવાનું મનાય છે. રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોની ગણના `સ્મૃતિ ગ્રંથ’ તરીકે કરવામાં આવે છે.
સ્મૃતિગ્રંથોની રચના પ્રારંભમાં મૌખિક રીતે થઈ હતી, જેમાં સૂતો અને ઋષિઓ દ્વારા કથાઓ અને શ્લોકો યાદ રાખીને આગળ પહોંચાડવામાં આવતા હતા.
આ મૌખિક પરંપરા ભારતીય સંસ્કૃતિમાં ખૂબ પ્રબળ હતી. આપણે ત્યાં આજે ય સપ્તાહ માંડીને કથા કરાવવાનો જે રિવાજ છે એના મૂળમાં આ શ્રુતિ આધારિત પરંપરા જ છે. આપણું લોકસાહિત્ય પણ ઘણુંખં એકબીજાને સંભળાવીને આગળ ધપતું ગયું.
બી.આર. ચોપડાની મહાભારત સિરિયલ જેણે જોઈ હશે એને મહેન્દ્ર કપૂરના ભારે છતાં મુલાયમ અવાજમાં ગવાયેલું ટાઈટલ ગીત યાદ હશે અથ શ્રી મહાભારત કથા…’ અર્થાતઅહીંથી હવે હું તમને મહાભારતની કથા સંભળાવીશ…’
બોલચાલમાં જે `અથથી ઇતિ’ શબ્દસમૂહ પ્રયોજીએ છીએ એનો અર્થ પણ થાય શરૂઆતથી અંત સુધીની વાત કહેવી. લિપિ અને લેખન પ્રચલિત થયા એ પહેલા આ રીતે અથથી ઇતિ સુધીની કથાઓ સંભળાવવામાં આવતી.
પૌરાણિક કથાઓ, લોકકથાઓ વગેરે બધું આ રીતે જ પહેલેથી છેલ્લે લોકોને સંભળાવીને આગળ ધપાવવામાં આવતું. કાળક્રમે બ્રાહ્મી અને પછી દેવનાગરી લિપિમાં બધું લખાતું થયું. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી -બાકી સબ ઈતિહાસ…
હવે પ્રચલિત માન્યતા એવી છે કે મહાભારતની રચના ભલે વેદવ્યાસે કરેલી, પણ વેદવ્યાસ જે બોલતા હતા એ લખવાનું કામ ગણપતિજીએ કરેલું. જો એમણે લખ્યું હોય તો એનો સીધો અર્થ એ થાય કે એ સમયે પણ કોઈક લિપિ તો હોવી જ જોઈએ.
શરૂઆતમાં આપણે જાણ્યું એમ બ્રાહ્મી લિપિ પણ હડપ્પન-અથવા સરસ્વતી લિપિમાંથી ઊતરી આવી હોઈ શકે. તો શું ગણપતિજીએ સરસ્વતી લિપિમાં મહાભારત લખ્યું હશે?
ચોક્કસ જવાબ મળતો નથી, છતાં પણ કોઈક લિપિ તો હશે જ. અને એવું હોય, તો એ લિપિને સંસારની પ્રાચીનતમ લિપિ ગણવી પડે. તમને શું લાગે છે?
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ :એવો બદલાવ શું કામનો જ્યાં માણસો પેદા થતા જ બંધ થઇ જાય?