ભાત ભાત કે લોગઃ નેપોકિડ: માત્ર બાપબળે નહિ, પણ આપબળેય ચાલવું પડે છે!

જ્વલંત નાયક
નેપો’ શબ્દ નેપોટિઝમનું (પરિવારવાદ) ટૂંકું રૂપ છે .નેપોકીડ’ એટલે એવું ફરજંદ જે પોતાના ફેમિલી બેકગ્રાઉન્ડ અને આર્થિક તાકાતને જોરે લાયક વ્યક્તિઓને પછાડીને કારકિર્દીમાં આગળ નીકળી જાય!
જોકે આવા નેપોકીડ્સ જોરદાર પ્લેટફોર્મ મળવા છતાં ખાસ કશું ઉકાળી નથી શકતા. બીજી તરફ વગદાર પરિવારમાંથી આવતા અમુક યુવાનો ખરેખર ટેલેન્ટેડ અને મહેનતુ હોય છે. પિતાએ ચીતરેલા ચીલાથી આગળ વધીને પણ કશુંક આપબળે કરી દેખાડવાની એમની ધગશ અને તૈયારી ખરેખર વખાણવાલાયક હોય છે. આમાં કોને નેપોકીડ ગણવા અને કોને જેન્યુઈન ગણવા એ મુદ્દો ચર્ચાતો રહે છે.
હમણાં શાહરુખનો વગોવાયેલો દીકરો પોતાની પ્રથમ વેબસિરીઝ લઈને આવ્યો ત્યારે એના ડેબ્યુ પર અડધું બોલિવૂડ જાણે ઓળઘોળ થઇ ગયેલું. એ વખતે નેપોકીડનો મુદ્દો ફરી લાઈમલાઈટમાં આવ્યો, પણ આ ઓક્ટોબરમાં નવ્યા નવેલી નંદાએ વળી જુદી જ જાહેરાત કરી.
નવ્યા નવેલી નંદા એટલે ધ અમિતાભ બચ્ચનની દીકરીની દીકરી. માતૃપક્ષે અમિતાભ-જયા બચ્ચન તેમજ અભિષેક-ઐશ્વર્યાનો સ્ટારપરિવાર હોય તો એવી યુવતીને સપનામાં પણ લાઈટ-કેમેરા-એક્શન જ સંભળાય. નવ્યાનું મોસાળ આખું ફિલ્મસ્ટારોથી ઉભરાય છે ત્યાં બીજી તરફ પિતૃપક્ષ આખો ટ્રેક્ટરના પ્રેમમાં છે! નંદા પરિવાર દાયકાઓથી ટ્રેક્ટર સહિતના ખેતીવાડીનાં સાધનો બનાવે છે અને એમનું બિઝનેસ એમ્પાયર આશરે 40,000 કરોડનું છે.
ટૂંકમાં નવ્યાના બંને હાથમાં લાડુ છે. આવા સંજોગોમાં કોઈ પણ ફૂટડી યુવતી હીરોઈન બનવાનું પસંદ કરે. એના બદલે નવ્યા ટ્રેક્ટરના પ્રેમમાં પડી! ગયા મહિને એક ઇન્ટરવ્યૂમાં નવ્યાએ જાહેર કર્યું કે હું નંદા ફેમિલીના બિઝનેસમાં જ આગળ વધીશ…હું બાળપણથી જ ટ્રેક્ટરોની વચ્ચે મોટી થઇ છું અને મેં ત્રણેક વર્ષ સુધી ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગમાં રીતસરની ટ્રેનિંગ લીધી છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે નેપોકિડ્સથી ખદબદે છે ત્યારે નવ્યાનો આ નિર્ણય ઘણા માટે આશ્ચર્યકારક છે. બીજી રીતે વિચારીએ તો નવ્યાએ જે કારકિર્દી પસંદ કરી એમાં હજારો કરોડ મળવાની ગેરંટી છે. તો શું એને ય નેપોકિડ જ ગણવી જોઈએ? ભારતમાં બીજા પણ કેટલાક યુવાનો છે જે સધ્ધર પારિવારિક બેકગ્રાઉન્ડ ધરાવતા હોવા છતાં નવ્યાની માફક જરા જુદા ચીલે ચાલ્યા છે.
બિઝનેસ ટાયફૂન સુનીલ મિત્તલે પોતાના બે ભાઈને સંગાથે 1976માં ભારતી એન્ટરપ્રાઈઝ’ નામે કંપની સ્થાપેલી. બાયસિકલ બનાવવાથી શરૂ થયેલી આ સફર આજે મેન્યુફેક્ચરિગ, ઇન્શ્યોરન્સ, રીઅલ એસ્ટેટ અને ટેલીકોમ્યુનિકેશન સુધી વિસ્તરી છે. સુનીલ મિત્તલના દીકરા કવિન મિત્તલે યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક’માંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગમાં બેચલર કર્યું અને લંડન જઈ માસ્ટર્સ પણ પૂં કર્યું. એ પછી મસમોટા મિત્તલગ્રુપની ગાદી તૈયાર જ હતી, પણ કવિને સીધેસીધી ગાદી સંભાળી લેવાને બદલે `મે’કલારેન’ નામની કંપનીમાં ઇન્ટર્નશિપ કરી.
આ કંપની ફોર્મ્યુલા વન રેસમાં દોડતી કાર્સની ચેસિઝ બનાવવા માટે પ્રખ્યાત છે. અહીં કામ કરતી વખતે એણે મે’કલારેનની ટીમ સાથે મળીને એવી ટેકનોલોજી વિકસાવી કે જેથી ફોર્મ્યુલા વન રેસમાં ભાગ લઇ રહેલ ડ્રાઈવરને રૂટ પર આવતા ફ્લેગ્સ સ્ટિયરિગ વ્હીલ પર જ જોવા મળી જાય. કવિને લંડનમાં ભણતર પૂરૂં કરવાની સાથે સાથે જ ગૂગલ અને ગોલ્ડમેન સાક્સ જેવી ટોચની કંપનીઝમાં પણ ઈન્ટર્નશિપનો અનુભવ મેળવી લીધો છે.
આજે લગભગ દરેક ફીલ્ડના બિઝનેસ લીડર્સ એક જ ફરિયાદ કરે છે કે યુવાનો શીખવાની ધગશ નથી ધરાવતા. એમને સીધો પાંચ આંકડાનો પગાર તો જોઈશે, પણ આવડત કેળવવાની દાનત નથી. એના કારણે કંપનીઝ પણ આવા યુવાનોને `હાયર એન્ડ ફાયર’ બેઝ પર જ કામે રાખે છે. નવી આવડત કેળવવા પ્રત્યેની યુવાનોની આ ઉદાસી આગળ જતા બેકારી અને ડિપ્રેશનની ગર્તામાં ધકેલી શકે છે. એનાથી બચવા માટે યુવાનોએ કવિન મિત્તલ કે નવ્યા નંદા જેવાને આદર્શ બનાવવા જોઈએ. બાપની ગાદી તૈયાર હોવા છતાં એમણે ઇન્ટર્નશિપ કરીને જાત અનુભવ લીધો.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગઃ વફાદાર શ્વાન અળખામણો કેમ થાય છે?
ભણતર પૂરૂં કરીને ભારત પાછા ફર્યા બાદ કવિને Hike નામે કંપની સ્થાપી. એમાં સફળતા તો મળી પણ સમયના વ્હેણને પારખીને આ કંપની સમયસર શટડાઉન કરી. એ પછી કવિન ગેમિંગ યુનિવર્સ તરફ વળી ગયો. સફળતા તો એમાં ય મળી. 2017માં `ફોર્બ્સ’ મેગેઝિનની 30 under 30 યાદીમાં (30 અથવા એથી ઓછી આયુ ધરાવનાર અચિવર્સ) કવિનનું નામ સામેલ હતું.
આવું જ બીજું નામ છે બિરલા ગ્રુપની ફરજંદ અનન્યા બિરલાનું. બિઝનેસ જાયન્ટ કુમાર મંગલમ બિરલાની આ દીકરી પણ જરા જુદી માટીની છે. બાળપણથી જ એને સંગીતનો શોખ હતો. માત્ર સાત વર્ષની કુમળી વયે અનન્યાએ સંતૂર શીખવાનું શરૂ કરેલું. ઓક્સફર્ડ જઈને ઇકોનોમિક્સની ડિગ્રી લીધા પછી એણે સંગીત ક્ષેત્રે પદાર્પણની ઈચ્છા પૂરી કરી. આમ તો ભણતી વખતે જ એણે વિવિધ ક્લબમાં સિંગર અને ગિટારવાદક તરીકે કામ કરવા માંડેલું.
પછી Livin’ the Life નામના મ્યુઝિક આલ્બમમાં એ સહલેખિકા બની અને આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઇ. અનન્યાને પણ ફોર્બ્સ' મેગેઝિન દ્વારાવિમેન ટુ વોચ’ કેટેગરીમાં મૂકવામાં આવી છે. ફિલ્મ `રૂદ્ર’ના એક ગીતમાં અનન્યા અજય દેવગણ સાથે દેખાઈ ચૂકી છે. એક્ટિંગ, સોંગ રાઈટિગની સાથે જ અનન્યાએ બિઝનેસ પ્રોજેક્ટ્સ અને સમાજસેવા પણ ચાલુ રાખ્યા છે.
ઓકે ફાઈન… નવ્યા-કવિન અને અનન્યા જેવા બીજા પણ યુવાનો હશે, જેમણે રિસોર્સફૂલ ફેમિલી બેકગ્રાઉન્ડ હોવા છતાં ટેલેન્ટ વિકસાવવા માટે મહેનત કરી. પણ સિક્કાની બીજી બાજુ પણ જોવી જોઈએ. શું પિતાનું આર્થિક-સામાજિક પીઠબળ ન હોત તો આ લોકો ફેમિલી બિઝનેસ સિવાયની બીજી ફિલ્ડ્સમાં કશું ઉકાળી શક્યા હોત? સાચો જવાબ આપવો મુશ્કેલ છે.
અનન્યા કોઈ મધ્યમવર્ગીય મુંબઈગરાને ત્યાં જન્મી હોત તો સાઈડ એક્ટ્રેસ બનવામાં ય ફાંફા પડ્યા હોત. કવિન પણ ન્યૂયોર્કને બદલે મુંબઈની સરકારી સ્કૂલ્સમાં ભણ્યો હોત તો આ સ્તરે પહોંચી શક્યો હોત? ન્યાય ખાતર કહેવું જોઈએ કે ફેમિલી સધ્ધર હોય અને એનું પીઠબળ મળે એમાં કશું ખોટું નથી.
ધીભાઈનું સામ્રાજ્ય વારસામાં મળ્યું હોવા છતાં પોતાનું કૌવત સાબિત કરી ચૂકેલા મુકેશ અંબાણીને કોઈ કાળે નેપો કીડ ન કહી શકાય. એમણે માત્ર બાપબળે નહિ પણ આપબળે ય પ્રગતિ કરી દેખાડી છે. દરેક બાપ ઈચ્છે છે કે પરિવારનો બિઝનેસ પુત્રો સંભાળે. એમાં કશું ખોટું પણ નથી, પરંતુ જ્યારે કોઈ લાયક વ્યક્તિનો હક છીનવીને એકાદ નેપો કીડ રેસમાં આગળ નીકળી જાય ત્યારે જ લોકો એની ટીકા પણ કરે, જે વ્યાજબી પણ છે.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગઃ …તો પહેલી સપ્ટેમ્બરે આખું ભારત અરાજકતામાં ધકેલાઈ જાત?



