વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ નારામાં મળી હરણની એક અનોખી દુનિયા…

પ્રતીક્ષા થાનકી

અઠવાડિયાથી રોજ પચીસ હજાર સ્ટેપ્સની એવરેજ સાથે ચાલવામાં આટલી બધી હિલચાલની આદત વિનાના માણસની જે હાલત થાય એ હાલત મારી થઈ હતી. કોબેથી પાછાં આવતાં વરસાદમાં પલળવાનું પણ બન્યું. વિન્ડશિટર તો હતું જ, પણ ટાઢ તો લાગતી જ હતી. ઓસાકામાં હોટલ સુધી પહોંચતાં તો ખબર પડી ગઈ હતી કે માત્ર ઠંડીની ધ્રુજારી ન હતી. તાવ આવી ચૂક્યો હતો.

જાપાનમાં આમ પણ બધાં માસ્ક પહેરીને જ ફરતાં હતાં. અમે પણ શક્ય હતું ત્યાં માસ્ક પહેરવાનું ચાલુ રાખેલું જ. છતાંય એક વાત નક્કી હતી, અહીં માસ્ક પહેરવાની જરૂર પણ લાગતી હતી. અને હવે તો તાવ આવી ચૂક્યો હતો.

એક્ઝોસ્ટ થવાના કારણે ઇમ્યુનિટી ડાઉન હતી કે પછી રસ્તામાંથી વાઈરસ પકડાયો હતો. અંતે તો હવે હજી થોડા દિવસો હિમેજી, નારા, ઓસાકાનું ટાઉન સેન્ટર, હિરોશીમા ઘણું જોવાનું બાકી હતું. તેમાં સાથે લાવેલી એસ્પ્રિન તો કામ લાગી રહી હતી, પણ સવાર સુધીમાં તો ઉધરસના ઉપાયની પણ જરૂર હતી. ટ્રાવેલ દરમ્યાન બેઝિક તાવ, પાચન, શરદી જેવી કોમન તકલીફોમાં કામ લાગે તેવી દવાઓ તો અમે સાથે રાખતાં જ, પણ આ રીતે પ્રવાસની વચ્ચે સવારે ઊભા પણ ન થઈ શકાય તેવો તાવ પહેલી વાર આવ્યો હતો.

જાપાનમાં ઓવર ધ કાઉન્ટર દવાઓ નહતી મળતી. મેડિકલ સ્ટોરે કુમારને માત્ર કફ સીરપ આપવામાં પણ પાસપોર્ટની કોપી લીધી અને એક મોટું ફોર્મ ભરાવડાવ્યું. આવું કોવિડ પછી બની રહ્યું હતું કે પછી જાપાન હંમેશાંથી જ આવું હતું તે પાછાં જઈને જાપાનીઝ કોલિગને પૂછ્યું તો તેણે ક્હ્યું કે દવાઓ બાબતે જાપાન પહેલેથી જ આવું છે. સવારે દવાઓ અને નાસ્તા પછી જરા હોશ આવ્યો, આખી રાત તાવમાં ઊંઘ નહોતી આવી. સવારે દવાઓ સાથે એવું જોશ આવી ગયું હતું કે હું નારા જવા માટે રેડી થઈ ગયેલી.

નારા જરા ઉત્સાહ સાથે હરણને નાસ્તો કરાવવા જવાનું હતું. એવું ગામ જ્યાં રસ્તામાં હરણ રખડતાં હોય ત્યાં જવાનું કોને ન ગમે. હવે તેમ કરવામાં ફરી પાછું ઘણું ચાલવાનું તો થવાનું જ હતું. અમે શક્ય હોય તો મારે ચાલવાનું વધુ ન થાય એવો પ્લાન બનાવ્યો. ટેક્સીથી ઉમેડા સ્ટેશન પહોંચ્યાં. હવે તો ત્યાં રોજ આવતાં હોઈએ તેમ રસ્તા યાદ રહી ગયેલા.

જોકે સ્ટેશનની અંદરની દરેક માળની ગલીઓમાં તો હજી પણ ખોવાઈ જવાય તેવું જ હતું. ઉમેડા સ્ટેશનથી માંડ અડધો કલાકમાં અમે ફરી એક અનોખા શહેરમાં આવી ચૂક્યાં હતાં. માસ્ક અને પેરાસિટામોલ સાથે કામ ચાલી રહ્યું હતું. તેમાંય નારા ટ્રેન સ્ટેશનથી શ્રાઇન અને ડિયર પાર્ક સુધી પહોંચવા માટે એક બસ લેવી પડે તેમ હતું. અને તે બસના રસ્તે જ અમને પહેલું હરણ રસ્તો ક્રોસ કરતાં દેખાઈ ગયું હતું.

અચાનક જ અમે એવી દુનિયામાં આવી ગયાં હતાં જ્યાં હરણો સાધારણ રસ્તે આંટા મારી રહૃાાં હતાં. એક વાર તો એ પણ વિચાર આવ્યો કે આ ક્યાંક ફીવર ડ્રીમ તો નથી. નારાની તસવીરો જોઈને જે વિચારેલું, ખરું વાતાવરણ તેનાં કરતાં ઘણું વધુ અનોખું હતું.

ભારતમાં કોઇ પણ શહેરમાં રસ્તામાં ગાય, કૂતરાં અને વાંદરાં જોયા હોવાની જરાય નવાઈ ન લાગે. ક્યારેક કોઈ સાધુ સાથે નીકળેલો હાથી પણ જોવા મળી જાય, પણ હરણને રોજિંદા ટ્રાફિકમાં આટા મારતાં જોવા માટે નજર ટેવાયેલી ન હતી. તેમાંય જેવી શ્રાઇન નજીક આવી, હરણોની સંખ્યા વધતી ચાલી.

હવે થોડા થોડા અંતરે એક ઠેલા પર હરણ માટેનાં ખાસ બિસ્કિટ પણ મળતાં હતાં. શિકા સેનબેઈ તરીકે ઓળખાતું આ હરણનું ખાવાનું પણ ખાસ પવિત્ર માનવામાં આવતું હતું. તેમને આ બિસ્કિટ સિવાય કશું ખવડાવવાનું અલાઉડ ન હતું. હરણનાં ઝુંડેોને પણ જાણે ખબર હતી કે અહીં આવનારાં લોકો ખાસ તેમના માટે જ આવે છે.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ ઓસાકામાં વસે છે યંગ જાપાન…

અમે પણ એક નાનું પેકેટ શિકા સેનબેઈ તેમને ખવડાવ્યું, થોડાં હરણને જાણે તેમના માટે જામેલી ભીડ સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ ઝાડ નીચે કે ખૂણામાં જઈને બેસી ગયેલાં, અને થોડાં હરણ અત્યંત પટડાં થઈને લોકોનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરી રહૃાાં હતાં. અમુક આમ જ ટાઇમ પાસ માટે આંટા મારી રહૃાાં હતાં. થોડાં તડકે બેસીને જિંદગીનો આનંદ લેતાં પણ દેખાયાં. શ્રાઇન ઘણી મોટી, અંદર સુધી લાંબું ચાલવું પડે તેવી અને ઘણાં પગથિયાંવાળી પણ હતી.

હું બહાર પાર્કમાં હરણ પાસે બેસીશ, ત્યાં કુમાર અંદર કંઈ અલગ હોય તો મને બોલાવશે, બાકી તે આંટો મારીને પાછો આવશે, એવા પ્લાન સાથે મેં ત્યાંના હરણો સાથે થોડો વધુ સમય વિતાવ્યો. નારામાં આજકાલ કરતાં 1200 વર્ષથી હરણો વસે છે. આ કસુગા તાઇશા શ્રાઇન તેમનું ખાસ ધ્યાન પણ રાખે છે. એમ પણ માનવામાં આવે છે કે નારાનાં આ હરણોની જાત ત્યાંની ખાસ છે અને તેમાં બહારથી આવેલા કોઈ હરણની બ્રીડનું કોઈ મિશ્રણ નથી. આખાય નારામાં કુલ પંદર સો જેટલાં હરણ છે. મોટાભાગનાં આ શ્રાઇન અને પાર્ક વચ્ચે જ રહે છે.

અમે હરણ સાથે મજા કરીને એક નાનકડા સાયન્સ પાર્ક પાસે આવ્યાં. અહીં જરા શાંતિથી બેસવા મળ્યું અને સાથે જાપાનની ભૂકંપ સામેની તૈયારી વિષે જાણવા મળ્યું. જાપાનને ભૂકંપનો ઘણો અનુભવ છે અને તેની સામે આ દેશ ઘણી તૈયારી પણ કરી ચૂક્યો છે. અલગ અલગ ભૂકંપની હિલચાલનો અનુભવ કરાવતી ખુરશી પર બેસીને તેની ઇન્ટેનસિટીનો અંદાજ લગાવી શકાતો હતો. કયા પ્રકારના ઝોનમાં કેવા બાંધકામ કરવા અને કઈ રીતે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સલામત રાખવું તેના વિષે ત્યાં જાણવા મળ્યું.

કોઈ અલગ દુનિયાનાં હરણ સાથેના અનુભવો પછી ભૂકંપનો વિષય જાણે અમને ફરી પાછો વાસ્તવિકતામાં લઈ આવ્યો.2001માં ગુજરાતમાં ભૂકંપનો કપરો અનુભવ કર્યા પછી લાગ્યું કે દુનિયા ખરેખર સારાનરસા અનુભવોનું વિચિત્ર મિશ્રણ છે. નારાનાં હરણોએ તો કદી બહારની દુનિયા જોઈ નથી, પણ તેમને આખી દુનિયા અહીં જોવા આવી રહી છે. તાવમાં ફરવા નીકળવામાં ફિલોસોફર બની જવાશે એ નહોતું ધાર્યું.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ કોબેમાં શૂઝ ને વ્યૂઝની મજા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button