મસ્તરામની મસ્તીઃમારે જો નેતા બનવું હોય તો…

મિલન ત્રિવેદી
ગઈકાલે એક સ્કીલ બેઝ ઇન્સ્ટિટ્યૂશનમાં જવાનું થયું. બિલ્ડ યોર કેરિયર ઈન પોલિટીક્સ’ આવું સૂત્ર તેના એડમિશનના સાહિત્યમાં છપાયેલું હતું. મને વધુ જાણવામાં રસ જાગ્યો એટલે હું તેના પ્રિન્સિપાલ ને મળવા ગયો. દરવાજા પર નેમ પ્લેટ લગાડેલીઢ’ કુમાર મિજાજી. મજાની વાત એ છે કે નીચે ડિગ્રી પણ લખેલી એમ.એમ. ડી.પી.
મેં આઈ કમ ઇન, સર?’ આવી શિસ્ત સાથે પરમિશન માંગી. પધારો પધારો, સ્વાગત છે’ આવો મીઠો આવકાર મળ્યો. દરવાજો ખોલી અને અંદર ગયો. ભેટમાં મળેલા, કડક કરેલા, ઈસ્ત્રી ટાઈટ સફેદ કુર્તા પાયજામામાં સજ્જલગભગ 100 એક કિલોના મહાશય રિવોલ્વિંગ ચેરમાં ફરતા ફરતા ઝુલતા હતા.
મારી આંખોમાંથી નીકળતા અસંખ્ય પ્રશ્નાર્થ જોઈ તેણે મને શાંતિથી બેસાડ્યો અને પૂછ્યું,`કેટલા વર્ષનો કોર્સ કરવો છે? એક વર્ષથી લઈ અને 10 વર્ષ સુધીના કોર્સ અહીં થાય છે.’
મેં કહ્યું: એટલો બધો સમય તો છે નહીં.’ તો છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરી લ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કામ આવશે.’`કોઈ એકાદ મહિનાનો કોર્સ હોય તો…’
કાર્યકર થવાનો છે. નેતા બનવા માટે ભોગ દેવો પડે. અને અહીં એડમિશન લેશો એટલે તમારી આખી છટા બદલાઈ જશે. અંદર આવતી વખતે તમે બારણે ટકોરા માર્યા અનેમેં આઈ કમ ઇન સર?’ આવું પૂછ્યું તે અમારા ઇન્સ્ટિટયૂટ ના નિયમની વિદ્ધ છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે નેતા બનવા જઈ રહ્યા છો. પ્રજા નહીં. જે ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા જાઓ છો ત્યાં પહેલું પગથિયું, પ્રાથમિક લાયકાત શું છે?’
હું સમજ્યો નહીં' બસ, પહેલા તો મનમાંથી એ કાઢી નાખો કે’ મને સમજાતું નથી’. મનને તૈયાર કરો અને સજ્જ કરો. સો વાર રોજ મનમાં બોલો મને બધું જ સમજાય છે. મને બધું જ આવડે છે.’
સાહેબ, તમે કંઈક કહેતા હતા કે, પહેલું પગથિયું…?’ હા તો ‘ મે આઈ કમિંગ સર’ એવું સામેવાળા બોલે તે માટે તમે જ્યારે કોઈને મળવા જાઓ ત્યારે તમારે પૂછવાનું નહીં. સીધો દરવાજો ખોલવાનો. અને હાથેથી નહીં. પગનો પ્રયોગ કરવાનો. જોરથી દરવાજા પર પગથી પ્રહાર કરી દરવાજો ખોલવાનો. યુ નો, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇસ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એડમિશન માટેની આ પહેલી લાયકાત છે.’
મારી પાસે ડિગ્રી…’ ભૂંગળું વાળી ને …. મૂકી દો કબાટમાં. મારી ડિગ્રી બહાર વાંચી? એમ.એમ.ડી.પી. એટલે કે માંડ માંડ 10 પાસ. ડિગ્રી નહીં તમાં પ્રેઝન્ટેશન અગત્યનું છે.’
સહેજ થોભીને પ્રિન્સિપાલ ઢ’ કુમારજીએ વાત આગળ વધારે: અહીંની તમે ફી ભરશો એટલે તમને અમુક સગવડો આપવામાં આવશે, જેમકે સફેદ કલરના ચાર ઝભ્ભા-લેંઘા અને બે કોટી એ ઇન્સ્ટિટયૂટનો ડ્રેસ છે, જે ફરજીયાત તમારે અહીંથી જ ખરીદવાનો રહેશે. ફર્સ્ટ યરમાં હથિયાર તરીકે રામપુરી ચાકુ જે તમારે અહીંથી જ ખરીદવાનું રહેશે… કોર્સ પૂરો કરી અને બહાર નીકળશો ત્યારે બ્રાન્ડેડ પિસ્તોલ લાઈસન્સ સાથે આપવામાં આવશે. ત્યાં સુધી ઉત્તરોત્તરોતર પ્રગતિ થશે, જેમાં આસામથી લઈને બિહાર સુધીના ગૃહ ઉદ્યોગમાં બનતા દેશી કટ્ટાઓ મળશે.
હા, અહીં ડિક્શનરી બહારના શબ્દોની ડિક્શનરી’ તમારે ખરીદવાની રહેશે. આપણા ઇન્સ્ટિટયૂટની તે મોનોપોલી આઈટમ છે….કાનમાં ભરાવવા માટે બે વેક્યુમ બટન તમારે અહીંથી ખરીદવાના રહેશે. તેનો ફાયદો એ છે કે આજુબાજુનો અવાજ તમારા કાન સુધી ના પહોંચે….ચામડી જાડી કરવાનું લોશન તમારે અહીંથી ખરીદવાનું રહેશે. એ જ રીતે, ગળું અને અવાજ મજબૂત કરવા માટેના સીરપ તમારે અહીંથી જ ખરીદવાના રહેશે અને છેલ્લે સાંભળો, કોર્સ પૂરો કર્યા બાદ ડિગ્રી લેતા પહેલાં મોટા કદની તિજોરી તમારે અહીંથી લેવાની રહેશે, જે આવનારા સમયમાં તમે ભરી શકો એની ગેરેન્ટી!’
મને પણ થોડીક વાર તો એવું થઈ ગયું કે હાસ્ય કલાકાર કે હાસ્ય લેખક ન થવાય. જિંદગીનો ઘણો સમય બગાડ્યો. આ ઇન્સ્ટિટયૂટ અને આ મહાશય મને પહેલા કેમ ન મળ્યા? મેં કહ્યું કે કાંઈ વાંધો નહીં વિચારી અને કહીશ.' નહીં થઈ શકો… નેતા નહીં થઈ શકાય, વગર વિચાર્યું કરી શકો તો જ આ ક્ષેત્રમાં ચાલો.’
હું નીકળતો હતો ત્યાં ઢ કુમારે જતા મને કહ્યું કે તમારા ધ્યાનમાં કોઈ બેકાર, અભણ, આવારા, તડીપાર લોકો હોય તો મને જણાવજો.’ ભણેલા ન ચાલે?’ હસતા હસતા મને કહ્યું કે `કાર્યકરો તો મળી રહે છે. સારા નેતાઓ બનાવતી અમારી ઇન્સ્ટિટ્યૂટ છે.’ વાત હસવાની છે, પરંતુ ગંભીરતાથી વિચારવાનો સમય પણ આવી ગયો છે તેવું નથી લાગતું?
વિચારવાયુ:
જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોટા અભિનેતાઓના દીકરા-દીકરીઓ ટેક્નિશિયન નથી હોતા. હીરો, હીરોઈન હોય છે. તે રીતે રાજકારણમાં મોટા નેતાઓના દીકરા-દીકરી કાર્યકર નથી હોતા. મંત્રી કે બોર્ડના ચેરમેન હોય છે.



