મસ્તરામની મસ્તીઃ આ તે હેલ્મેટ છે કે ઉપાધિ…?
વીક એન્ડ

મસ્તરામની મસ્તીઃ આ તે હેલ્મેટ છે કે ઉપાધિ…?

મિલન ત્રિવેદી

આ સામાન્ય માણસને વિરોધ કર્યા સિવાય બીજો ધંધો નથી. કેટલો સરસ કાયદો હેલ્મેટનો બનાવ્યો અને લોકો બસ વિરોધ કરવો એટલે કરવો. સરકાર કેટલી ચિંતિત છે સામાન્ય માણસની જિંદગીને લઈને રાત-દિવસ વિચારે છે.

વિરોધ પક્ષો બસ પીપૂડી વગાડશે કે ચારે બાજુ મંદી છે, માંદગી છે… અરે ભાઈ, માથામાં મચ્છર ન કરડે અને ડેન્ગ્યુ ન થાય, ઉઘરાણીવાળા બૂમ પાડે તો કાન આડે હેલ્મેટ હોય તો ન સંભળાય અને નીચું જોઈ અને તમે નીકળી જઈ શકો, આ હેલ્મેટનો એક જ ફાયદો કર્યો તો કેટલા રોજગાર મળ્યા?

લોકોની બુદ્ધિ શક્તિ ખીલી, લોકો નવા નવા રસ્તા જે ગૂગલે પણ ન જોયા હોય તેવી ગલી શોધતા શીખી ગયા, એકબીજા સાથે સંબંધો સુધારી અને અજાણ્યા સાથે પણ વાર્તાલાપ કરતા થયા, સામેથી આવતો માણસ તરત જ સામેવાળાને ઓળખતો હોય કે ન ઓળખતો હોય, પરંતુ જાણ જરૂર કરશે:

`આગળ ચોકમાં પોલીસવાળા છે…હેલ્મેટનું ચેકિગ ચાલુ છે… જરા ધ્યાન રાખજો.’ લોકો આમને આમ પુણ્યનું ભાથું બાંધતા થયા છે. જો ચોકમાં પોલીસવાળાએ ઊભા રાખ્યા તો તરત જ એની ઓળખાણ કાઢી એને કઈ રીતે ઓળખે-કઈ રીતે સગો થાય તે મગજ કસી અને જણાવશે.

લોકોની મગજ શક્તિ ખીલી કે નહીં? રૂબરૂ પોલીસવાળાને સમજાવી શકાય, પરંતુ આ હાઇ-વે પ્રોજેક્ટમાં જે કેમેરા લગાડ્યા છે તેને કેમ છેતરવા તો તેનો પણ રસ્તો લોકોએ શોધી કાઢ્યો છે.

નંબર પ્લેટ પર બે આંકડા એવી રીતે ચૂનાથી ઢાંકી દે કે કોઈએ કલરકામ કરતા પીછડો માર્યો હોય અથવા ગારો ઉડ્યો હોય તેમ બે આંકડા ઢંકાઈ જાય અને કેમેરામાં આવે નહિ… આ શક્તિ સામાન્ય રીતે આપણામાં આવે? આ તો સરકારને આભારી છે.

હેલ્મેટ ને કારણે કેટલા નવા રોજગાર ઊભા થયા આજે સવારે જ ચુનિયાની ટચુકડી જાહેર ખબર મેં વાંચી કે 50 છોકરા જોઈએ છે’.

મેં તરત જ ફોન કર્યો ને પૂછયું:ચુનિયા, તારા બે છોકરા ને તું લાઈને નથી લાવી શક્યો ત્યારે 50 છોકરાને ક્યાં ધંધે લગાડવા છે?’ મને કહે કે, `ધંધા નું સિક્રેટ છે રૂબરૂ મળો તો જણાવું ફોન પર વાતો ન હોય’. અને ફોન કાપી નાખ્યો

હું રૂબરૂ જઈ અને પ્રગટ થયો તો લાઇનબંધ છોકરાઓ ઊભા હતા અને ચુનિયો એમને ધંધાની લાઇન શીખવી રહ્યો હતો. વાત ઇન્ટરેસ્ટિંગ હતી. છોકરાઓને સમજાવી અને એણે પોઈન્ટ ઉપર મોકલી દીધા. દરેકના હાથમાં હેલ્મેટ હતી, પરંતુ ચાલતા જતા હતા મને નવાઇ તો લાગી. પછી હું પણ સાથે સાથે પગપાળા પ્રવાસમાં જોડાયો અને ચારચોક એ ઊભો રહી ગયો.

થોડીવાર પછી જે લોકોએ હેલ્મેટ નહોતી પહેરી એની પાસે છોકરો વચ્ચે ઊભો રહી અને કહે કે, `આગળ ચોકમાં પોલીસવાળા છે જો તમારે હેલ્મેટના 500 રૂપિયા દંડથી બચવું હોય તો માત્ર 10 રૂપિયામાં હું તમને ચોક પાર કરાવી દઈશ.’

આમ હેલ્મેટ પહેરાવી અને તે ચોક પાર કરાવી સામેના રસ્તે ઉતારી જાય, દસ રૂપિયા લઈ ત્યાંથી બીજો હેલ્મેટ વગર નીકળે એને ચોકની આ બાજુ લઈ આવી જાય, આમ દિવસમાં કેટલાયને જેમ રામને કેવટે હોડીમાં બેસાડી અને નદી પાર કરાવી હતી તેમ હેલ્મેટ પહેરાવી અને ચોક પાર કરાવતા હતા.

સાંજ પડે દરેક છોકરાનો હિસાબ લઈ ચુનિયાએ સરવાળો માંડ્યો હતો : 5,000 રૂપિયાની કમાણી કરી હતી. આ પ્રમાણે સરકારને લગભગ એકાદ લાખ રૂપિયાની ખોટ કરાવી હતી. ચુનિયાનું રોકાણ માત્ર દસ હજાર રૂપિયાનું હતું. થોડીક હેલ્મેટ લઈ અને છોકરાઓને હાથમાં લઈ ઊભા રાખી દીધા હતા. છેલ્લા ઘણા દિવસથી ચુનિયો આ ધંધો કરે છે.

અમારા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તો અત્યારે હેલ્મેટ પહેરવા સામે આંદોલન શરૂ થયા છે અને માત્ર કોર્પોરેશનની હદમાં હેલ્મેટની છૂટ મળે તેવી માગણી કરી રહ્યા છે અને દલીલ કરી રહ્યા છે કે શહેરમાં ક્યાં વાહન સ્પીડમાં ચાલતા હોય કે હેલ્મેટની જરૂર પડે.

પરંતુ સરકારની દૂરંદેશી તો જુઓ એમને પોતાના બનાવેલા રસ્તા ઉપર કેટલો કોન્ફિડન્સ હશે કે તમે ભલે કહો કે શહેરમાં વાહન પરથી પડો તો હેડ ઇન્જરી ના થાય, પરંતુ અમે રસ્તા બનાવ્યા હોય અમને ખબર ન હોય કે તમે પડો તો તમને કેટલું વાગે?

લગભગ દરેક સિટીમાં રસ્તાઓમાં એટલા બધા ખાડા હોય છે કે બમ્પની જરૂર જ ન પડે અને વિધિની વક્રતા એવી હોય છે કે રસ્તાઓ તૂટે છે અને બમ્પ એવા અકબંધ રહે છે કે લોકો ઉછળી અને સીધા ખાડામાં પડે…પણ આ અબુધ પ્રજાને કોણ સમજાવે? સરકારે જ્યારથી ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો કર્યો છે ત્યારથી નવા નવા ધંધા રોજગાર ખુલવા મંડ્યા છે.

લોકો મોબાઈલ વાન બનાવી અને કોઈ હોલની બહાર ઊભી રાખી દે છે. તમે કોઈ પ્રસંગમાં ગયા હોય તો તમારી હેલ્મેટ પણ સાચવે એ બહાર લઈ અને ઊભા રહે અને તમારી હેલ્મેટ 10 રૂપિયામાં સાચવે તમને ટોકન આપે. ટોકન આપો એટલે તમારી હેલ્મેટ તમને પાછી મળે.

મેં દલીલ કરીને ચુનિયાને પૂછયું: `જો, હેલ્મેટનો કાયદો નીકળી જાય તો આ બધી હેલ્મેટ નું શું કરીશ? એટલે મને કહે તેનો પણ રસ્તો મેં કાઢી નાખ્યો છે હેલ્મેટ કે પડી રહે તેને ચાર જગ્યાએ ચાર કાણાં પાડી નાની સાંકળ બાંધી અને બારસાખ ઉપર ટીંગાડી અને તેમાં સરસ મજાનાં ફૂલ છોડ વાવી અને ઘરે કુંડા કરીશ…. હેલ્મેટમાં કાણાં પાડી અને સરસ મજાનો લેમ્પ પોસ્ટ બનાવીશ… નાના છોકરાને તેમાં બેસાડી અને ગોળ ગોળ ફેરવી ચકરડીની જેમ આનંદ અપાવીશ.!’

અત્યારે લોકો સસ્તી હેલ્મેટ જ લે છે જેથી કરીને બહુ ખર્ચો ન થાય અને હેલ્મેટ પહેરી પણ ગણાય. હેલ્મેટ ન પહેરવાની માટેની દલીલો એવી પણ છે કે જો હેલ્મેટ પહેરી અને શહેરમાં જ અકસ્માત થાય અને જો મૃત્યુ થાય તો સરકાર કોઇ એક્સ્ટ્રા પૈસા દેવાની જવાબદારી સ્વીકારે છે કે નહીં?,

બહેનોએ તો એવી પણ દલીલ કરી છે કે અમને ખાસ સંજોગોમાં હેલ્મેટમાંથી છૂટ આપવામાં આવે, કારણ કે અમારી હેર સ્ટાઈલ બગડી જાય છે અને મોટી ઉંમરના બહેનો હોય તો એ એ પણ દલીલ કરે છે કે અમે તો અંબોડો વાળીને તેમાં હેલ્મેટ કેમ પહેરવી?

તાજેતરમાં જ એક ઝઘડામાં સામસામી ફરિયાદ થઇ તેમાં હથિયાર તરીકે હેલ્મેટ પકડાઈ. સામસામે હેલ્મેટ માથામાં મારી અને માથા તોડી નાખ્યા હતા હવે આ કાયદો કઈ રીતે સજા કરશે?

વિચારવાયુ:
હેલ્મેટ પહેરવાથી મગજની ઇજાથી બચી શકાય છે.
અમુક નેતાઓ: તો અમે ન પહેરીયે તો ચાલેને?

આ પણ વાંચો…મસ્તરામની મસ્તી : ટપુફુવા અમેરિકામાં રીસાણા છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button