સ્થાપત્યનું વાઈ-ફાઈઃ મહારાષ્ટ્રનું માયા સોમૈયા પુસ્તકાલય: જમીન ને છતનો સમન્વય

હેમંત વાળા
મહારાષ્ટ્રના કોપરગાંવની શારદા સ્કૂલનું વર્ષ 2018માં તૈયાર થયેલ આ પુસ્તકાલય છે જેની રચના સ્થપતિ સમીપ પાડોરા એન્ડ એસોસિએટ્સ દ્વારા નિર્ધારિત કરાઈ છે. આ પુસ્તકાલય માટે આ સ્થપતિને વર્ષ 2019માં બીઝલી એવોર્ડ અપાયો હતો. આ પુસ્તકાલયની રચનામાં રહેલી અનૌપચારિકતાને કારણે વિદ્યાર્થી અહીં સરળતાથી `ગોઠવાઈ’ જાય છે.
પેવેલિયન સમાન આશરે 575 ચોરસ મીટર વિસ્તારનું આ પુસ્તકાલય વિદ્યાર્થીઓના આવનજાવનના માર્ગ ઉપર એ રીતે બનાવવામાં આવ્યું છે કે અહીંથી પસાર થતી વખતે વિદ્યાર્થીઓ પુસ્તકનો ઉપયોગ કરવા પ્રેરાય. અહીં એક બાજુ શાળા અને બીજી બાજુ પ્રસ્તાવિત રમતનું મેદાન હોવાથી પુસ્તકાલય માટે આ સ્થાનની પસંદગી કરવામાં આવી.
વળી જગ્યાની સંકડાશને કારણે રેખાકીય મકાન બનાવવાની જરૂરિયાત હતી. એમ કહી શકાય કે આ પુસ્તકાલયની રચનાનો આધાર વળાંકાકાર છાપં અર્થાત `વોલ્ટ’ છે. જરૂરિયાત પ્રમાણેનું ક્ષેત્રફળ રોકી શકે અને નિર્ધારિત સ્થાન ઉપર ગોઠવાઈ શકે તે મુજબ રીતનો વોલ્ટ નિર્ધારિત કરાયાં પછી તેનું વિગતિકરણ ઉપયોગિતા મુજબ સૂચિત કરાયું હોય તેમ જણાય છે.
સોળમી સદીમાં વિકસેલ વળાંકાકાર છતની કેટલન ટાઇલ શૈલીનો અહીં ઉપયોગ કરાયો છે. પરદેશમાં આ પ્રકારની છત અસરકારક રીતે આ પહેલાં પ્રયોજાઈ ચૂકી છે. મજબૂતાઈ, કિમત, ઉપયોગિતા, નાટકીયતા તેમજ રસિકતાના સંદર્ભમાં આ પ્રકારની રચનાને સ્વીકૃતિ મળ્યાં બાદ સમગ્ર વિશ્વમાં તેનો પ્રસાર થયો. આ પ્રકારની રચનામાં જમીનમાં બનાવાયેલા કોન્ક્રીટના ટેકા- પેડેસ્ટલ્સનો આધાર લઈ વ્યક્તિ છતની ઉપર પણ જઈ શકે છે. આને કારણે છત અને જમીન વચ્ચેનું સમીકરણ ગાઢ તેમ જ ઉપયોગી બને છે. અહીં છત, છત ન રહેતાં ઉપસેલી જમીન બની જાય છે.
એમ કહી શકાય કે આ પુસ્તકાલય જમીનના સ્તરનાં ઔપચારિક વિસ્તરણ તરીકે લાગે છે. બસ જમીન પરથી ચાલતાં ચાલતાં પુસ્તકાલયની છત પર પહોંચી જવાય. એક દ્રષ્ટિકોણ પ્રમાણે આ પુસ્તકાલય કોન્ક્રીટના શેલમાંથી બનાવાયેલ ‘આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપ’ સમાન છે. વળી આ પુસ્તકાલય આજુબાજુની પરિસ્થિતિ સાથે કોઈપણ પ્રકારના ઘર્ષણ કે વિરોધ વગર ગોઠવાઈ જાય છે અને તેનાથી એક પ્રકારની સંવાદિતતા ઊભી થાય છે. બાળકો માટે આ એક રસપ્રદ ઘટના કહેવાય.
બિનપરંપરાગત આકાર તેમજ તેને લગતી ટેકનોલોજીનો રચનાત્મક ઉપયોગ, દીવાલ અને છત વચ્ચેના ભેદની બાદબાકી, વિશાળ બારીઓથી અનુભવાતી મુક્તતા, બાંધકામની જે તે સામગ્રીનો તકનીકી દૃષ્ટિએ અસરકારક અને સ્થાપત્યની દ્રષ્ટિએ રચનાત્મક ઉપયોગ, મોકળાશ સાથે કુદરતી હવા-ઉજાસથી ભરપૂર અને એક પ્રકારની સ્વતંત્રતા આપે તેવું આંતરિક વાતાવરણ, અવરોધ રહિત સ્થાન નિર્ધારણ, વળાંકાકાર છતના કારણે આંતરિક `વોલ્યુમ’માં મળતી રસપ્રદ વિવિધતા,
ચારે તરફથી પ્રવેશ માટેની સંભાવના, ફેરવી શકાય તેવાં રાચરચીલાને કારણે આંતરિક સ્થાનમાં આવતી લવચીકતા અર્થાત ફ્લેક્સિબિલિટી, ઈંટોની તકતીઓથી મઢાયેલ છતમાં અનુભવાતો તંબુ જેવો ભાવ, સમગ્ર આકારમાં પ્રતીત થતી હળવાશ તેમ જ પ્રવાહીતતા, દરેક વિદ્યાર્થીને પોતાની પસંદ પ્રમાણેનું સ્થાન મળવાની સંભાવના, અને સમગ્રતામાં કુદરતી શિલ્પની પ્રતીતિ કરાવતી આ રચના છે એમ કહી શકાય.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ વાંસનાં તરતાં મકાનનો નમૂનો-વિયેતનામ…
સ્થાપત્યમાં, ઉપયોગિતા પ્રમાણે આકાર નક્કી કરવાનો હોય કે પૂર્વ નિર્ધારિત આકારમાં ઉપયોગિતા ગોઠવવાની હોય, બેમાંથી કયો માર્ગ યોગ્ય છે, ઇચ્છનીય છે તે વિશે વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. એક પક્ષ એમ કહે છે કે ઉપયોગિતા મુજબ આકાર નિર્ધારિત થવો જોઈએ. તેમની દલીલ પ્રમાણે, આમ કરવાથી વધુ કાર્યક્ષમ સ્થાપત્યનું નિર્માણ થઈ શકે. તેમની વાત સાચી પણ છે.
બીજો પક્ષ એમ કહે છે કે જો ઉપયોગિતામાં લવચીકતા હોય તો પ્રથમ આકારની પસંદગી કરવાથી વધુ સુંદર સ્થાપત્યનું નિર્માણ થઈ શકે. આ તર્ક પણ સાચો છે. ઉપયોગીતા કઈ છે તેને આધારે નક્કી કરી શકાય કે પ્રથમ આકાર પસંદ કરવામાં આગળ જતાં કોઈ તકલીફ તો નહીં પડે ને. આ પુસ્તકાલયમાં પહેલાં આકાર નિર્ધારિત કરાયો છે.
એનું કારણ એ હોઈ શકે કે પુસ્તકાલયમાં દરેક વ્યક્તિનું સ્થાન નિર્ધારણ વિસ્તારના નાનકડા એકમ તરીકે હોઈ શકે. આ એકમની ગોઠવણીમાં ઘણી સંભાવના રહે. આ સંભાવનાને જો જાળવી રાખવી હોય તો એ પ્રકારનું પુસ્તકાલય બનાવવું પડે કે જેમાં આ આમ જ થાય તેવી ધારણા ન બાંધી શકાય.
આ પુસ્તકાલયની જગ્યાની ઉપયોગિતામાં આ પ્રકારની સંભાવનાને જાણે વણી લીધી છે. આ એ પ્રકારની સ્થાપત્ય રચના છે જેમાં પહેલાં આકારની પસંદગી કરવામાં આવી છે અને પછી તેમાં ઉપયોગિતા સરસ રીતે ગોઠવી દેવાઇ છે. શાળામાં, શાળાના પુસ્તકાલયમાં આ એક ઇચ્છનીય સ્થાપત્યકીય ઘટના કહેવાય.
એમ કહી શકાય કે સ્થપતિએ આ રચનામાં શાળાનાં મકાનોની જે પરંપરાગત ધારણા છે તેમાંથી બહાર નીકળવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એમ કહી શકાય કે બાળસહજ નિર્દોષતા તેમજ મુક્તતા આ પુસ્તકાલયમાં પ્રતિબિંબિત થાય છે. એમ કહી શકાય કે અહીં જમીન અને મકાનનું જોડાણ રચનાત્મક પણ છે અને અર્થપૂર્ણ પણ છે. એમ કહી શકાય કે આ રચનાથી બાળકોની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરાયો છે. એકંદરે આ પુસ્તકાલય વિદ્યાર્થી, શિક્ષકો અને સંસ્થાને ગૌરવની અનુભૂતિ કરાવવા સમર્થ છે.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ બહાર સીધું-અંદર ખૂણા: ટોક્યોનું સામૂહિક આવાસ



