એક નજર ઈધર ભી…: લ્રૂવ: 420 સેકંડની દિલધડક લૂંટ | મુંબઈ સમાચાર
વીક એન્ડ

એક નજર ઈધર ભી…: લ્રૂવ: 420 સેકંડની દિલધડક લૂંટ

કામિની શ્રોફ

પેરિસ… નામ પડતાની સાથે ફેશન અને ખ્યાતનામ ફ્રેન્ચ ડિઝાઈનરો યાદ આવી જાય. વિશ્વવિખ્યાત આયફિલ ટાવર નજર સામે તરવરવા લાગે. પેલેસ ઓફ વેસાઈની ભવ્યતા માણવાનું મન થાય. લશ્કરી સામર્થ્યના પ્રતીક `આર્ક દ ટ્રાયમ્ફ’ સ્મારક માટે કુતૂહલ જાગે. સાથે સાથે સેન નદી અને પ્રખ્યાત નોટ્રેડમ કથીડ્રલ માટે પણ ઉત્સુકતા થાય….

વાત અહીં પૂરી નથી થતી. જો તમને પેન્ટિંગ્સ, શિલ્પ-સ્થાપત્ય વગેરેમાં રુચિ હોય તો તમારે પેરિસના લ્રૂવ મ્યુઝિયમ (Louvre Museum- એનો ઉચ્ચાર અલગ અલગ ભાષામાં ભિન્ન ભિન્ન છે, છતાં `લ્રૂવ ર’ ઉચ્ચાર સર્વ સ્વીકૃત છે !) અવશ્ય જોવું જોઈએ.

પ્રતિદિન સરેરાશ 1500 સહેલાણીઓ આ મ્યુઝિયમની મુલાકાત લે છે, પણ બહાર નીકળતી વખતે `ઓલું રહી ગયું અને પેલા માટે ફરી આવવું પડશે’ જેવી લાગણી થયા વિના નથી રહેતી, કારણ કે મ્યુઝિયમના સંગ્રહનું વિભાજન અલગ અલગ આઠ વિભાગમાં કરવામાં આવ્યું છે:

એન્ટિક ચીજવસ્તુના ત્રણ વિભાગ છે, ઇસ્લામિક આર્ટ, પેન્ટિંગ્સ, સ્કલ્પચર્સ (શિલ્પો), ડેકોરેટિવ આર્ટ્સ (સુશોભન કલા) તેમ જ પ્રિન્ટ્સ એન્ડ ડ્રોઈંગ. લગભગ 3 લાખ 80 હજાર આઈટમ છે. યુરોપની 2018ની ટ્રીપ અને 2022માં પેરિસની મુલાકાત વખતે એમ બે વખત અમે આ મ્યુઝિયમની મુલાકાત લીધી હોવા છતાં ઘણું રહી ગયું છે. જે જોયું અને માણ્યું એની અહીં ઝલક પેશ છે. જો પેરિસ જવાનું થાય તો આ મ્યુઝિયમની મુલાકાત જરૂર લેજો.

ઈતિહાસ:

આજે જ્યાં લ્રૂવ મ્યુઝિયમ ઠાઠથી ઊભું છે ત્યાં 12મી સદીમાં ફ્રાંસના રાજા ફિલિપ બીજાએ પેરિસના રક્ષણ કાજે કિલ્લો ઊભો કર્યો હતો. 16મી સદીનો રાજા ફ્રાન્સિસ પહેલો કલા – સાંસ્કૃતિક બાબતોમાં ચિ ધરાવતો હતો. ફ્રાંસમાં પણ ઈટલી જેવી જ સંસ્કૃતિ મહોરી ઊઠે એવી એની અદમ્ય ઈચ્છા હતી.
ફ્રાન્સિસે મહાન ઈટાલિયન કલાકાર લિયોનાર્દો દ વિંચીને ફ્રાંસ આવવા આમંત્રણ આપ્યું હતું અને એની પાસેથી મોના લિસાનું પેન્ટિંગ ખરીદી લીધું હતું. ફ્રેન્ચ ક્રાંતિ પછી આ વિશ્વ વિખ્યાત પેઈન્ટિંગ લ્રૂવ મ્યુઝિયમનો હિસ્સો બની ગયું. ફ્રેન્ચ ક્રાંતિ પછી 1793માં લ્રૂવ સત્તાવાર રીતે જાહેર જનતા માટે મ્યુઝિયમ તરીકે ઉભર્યું. અત્યારે જે અદ્ભુત સ્ટીલ અને કાચનું પિરામિડ શૈલીનું બાંધકામ છે એ 1989માં તૈયાર થયું હતું.

મોના લિસા:

વિશ્વના સૌથી વિશાળ મ્યુઝિયમ ઉપરાંત લ્રૂવ મ્યુઝિયમ વિશ્વના સૌથી વિખ્યાત પેન્ટિંગ મોના લિસા માટે પણ ખ્યાતિ ધરાવે છે. ઈટાલિયન ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચીની આ અમર કલાકૃતિ જોવી એ એક લ્હાવો ગણાય છે. બુલેટ પ્રૂફ ગ્લાસ અને સશસ્ત્ર ગાર્ડ્સથી રક્ષિત આ પેન્ટિંગ La Jaconde નામથી ઓળખાય છે. ઈટાલિયન શબ્દ Jaconde એટલે આનંદી અથવા ખુશમિજાજી.

ઈટલીના ફ્લોરેન્સ શહેરના વેપારીની પત્ની Francesco del Giocondo બીજા બાળકની માતા બનવાની હતી ત્યારે વેપારીએ પત્નીનું પેન્ટિંગ લિયોનાર્દો દ વિન્ચી પાસે તૈયાર કરાવ્યું હોવાની જાણકારી મ્યુઝિયમના અભ્યાસુએ આપી હતી. Giocondo નામમાં ફેરફાર કરી પેન્ટિંગને La Jaconde નામ આપવામાં આવ્યું હતું. જાણવા જેવી વાતએ છે કે 114 વર્ષ પહેલાં , 1911માં, મોના લિસા ચોરાઈ ગઈ હતી. એક ઈટાલિયન નાગરિકે ખરીદ્યા બાદ 1914માં પેન્ટિંગનું મ્યુઝિયમમાં પુનરાગમન થયું હતું.

એપોલો ગેલરી:

મ્યુઝિયમનો આ હિસ્સો તાજેતરમાં વિશ્વભરમાં ખાસ્સો ચમક્યો. 18 ઓક્ટોબરે ચાર ચોરટા મ્યુઝિયમના પહેલા માળે સ્થિત એપોલો ગેલેરીમાં ઘૂસી માત્ર સાત મિનિટમાં હાથફેરો કરી મૂલ્યવાન કલાકૃતિ ઉઠાવી ગયા. મજા જુઓ કે સાત મિનિટની 420 સેકંડ થાય અને ચારસો વીસ શેની સાથે સંબંધ ધરાવે છે એ ફોડ પાડી કહેવાની જરૂર ખરી?

ઐતિહાસિક તથ્યો અનુસાર 17મી સદીના ઉત્તરાર્ધમાં મ્યુઝિયમની પેટિટ ગેલરીમાં મોટી આગ લાગી હતી. ફ્રાંસના રાજા લૂઈ 14માએ નયનરમ્ય ગેલરી બનાવવાનું બીડું ઝડપી લીધું. આ નિર્ણય લીધો એના થોડા સમય પહેલાં જ રાજાએ સૂર્યને પ્રતીક તરીકે અપનાવ્યો હતો એટલે નવી ગેલરી એપોલો ગેલરી તરીકે ઓળખાઈ. એપોલો સૂર્યદેવ અને કલાકૃતિના ગ્રીક દેવતા છે. આ ગેલરીમાં ઐતિહાસિક ફ્રેન્ચ તાજનાં રત્નો ઉપરાંત પેન્ટિંગ્સ, વિવિધ આકાર અને કિમતી ધાતુઓમાંથી બનેલાં પાત્રો, ભીંતચિત્રો શોભામાં અભિવૃદ્ધિ કરેછે.

ઐતિહાસિક ફ્રેન્ચ ક્રાઉન જ્વેલ્સ:

એપોલો ગેલરીમાં ફ્રેન્ચ તાજની શોભા બનેલા હીરા-માણેક રત્નો રાજવી સંગ્રહનું નજરાણું છે. ચોરટાઓ જ્વલંત ઈતિહાસ ધરાવતી મૂલ્યવાન પેન્ટિંગ્સ માટે નહીં, પણ એપોલો ગેલરીમાં રાખવામાં આવેલો 19મી સદીનો મૂલ્યવાન ખજાનો ગણાતી આઠ વસ્તુ ઉઠાવી જવા આવ્યા હતા.

એમાં રત્નજડિત તાજ, નેકલેસ, બ્રોચ જેવા અલંકાર હતા જેની કિમત 102 મિલિયન ડૉલર (આશરે 9 અબજ રૂપિયા) આંકવામાં આવી છે. જોકે, ઉતાવળમાં કે ગભરાટમાં ફ્રાન્સની સમ્રાજ્ઞી યુજૈનીનો તાજ પડી ગયો હતો, જે પાછો સલામત સ્થળે મૂકી દેવામાં આવ્યો છે. ચોરાઈ ગયેલા મૂલ્યવાન સંગ્રહમાં એક છે નેપોલિયને બીજી પત્નીને ભેટ આપેલો એક હજાર હીરાનો એમરલ્ડ (પન્ના) નેકલેસ છે.
એ સિવાય રાજવીઓ પહેરતા હતા એ 24 સિલોન સેફાયર (શ્રીલંકન નીલમ) અને 1083 હીરા ધરાવતો તાજનો પણ સમાવેશ છે. આ ઉપરાંત હીરાનો બ્રોચ, ઈયરરિગ્સ (બુટ્ટી-લટકણિયા) તેમ જ એક ટીઆરા (રાજવી પરિવારની મહિલાઓ દ્વારા પરિધાન કરવામાં આવતો તાજ)નો પણ સમાવેશ થાય છે.

માથા વિનાનું ધડ:

સૌરાષ્ટ્રના ઈતિહાસમાં માથા કપાયા પછી ધડ લડતા રહેતા એવી અનેક લોક કથા પ્રચલિત છે. એમાં કવિ દાદ'ની અમર રચનાધડ ધીંગાણે જેનાં માથાં મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું!’ જેવી શૌર્યગાથાનું પણ વર્ણન છે.

લ્રૂવ મ્યુઝિયમમાં એનું સ્મરણ કરાવતું એક સ્ટેચ્યૂ છે. The Winged Victory of Samothrace નામ ધરાવતી પ્રતિમા મ્યુઝિયમના ઐતિહાસિક દાદરા (Daru staircase-નેપોલિયનના પ્રધાનનું નામ Daru હતું)ની ટોચ પર બિરાજમાન છે. 2200 વર્ષ પુરાણું આ શિલ્પ વિજયનું પ્રતીક ગણાતી પાંખવાળી ગ્રીક દેવીને રજૂ કરે છે. આ કલાકૃતિ ખોળી કાઢનારા ક્યારેય એનું માથું ન શોધી શક્યા. જોકે, માથા વિનાનું ધડ હોવાથી આ શિલ્પ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ પણ વાંચો…એક નજર ઈધર ભી… : 23મા તીર્થંકર-24 કેરેટનો હીરો: એન્ટવર્પ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button