અરાઉન્ડ ધ વર્લ્ડઃ લેક કાવાગુચિકો-ફુજીના વ્યૂ વિના પણ મજેદાર… | મુંબઈ સમાચાર
વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ લેક કાવાગુચિકો-ફુજીના વ્યૂ વિના પણ મજેદાર…

  • પ્રતીક્ષા થાનકી

એક વાર કાવાગુચિકોની ટ્રેન પર ચઢ્યાં ત્યારથી ફુજી દેખાવાનો શરૂ થયો હતો, તે પછી તો જાણે આ અનોખો પહાડ અમારો પીછો કરી રહૃાો હોય તેવું લાગતું હતું. એવામાં રોપવેથી નીચે આવતાં થોડી વાર ફુજીને બદલે માત્ર લેક જોવાનું મન થયું. ફુજીથી કંટાળ્યા તો ન હતાં, પણ ત્યાં બીજી દિશાઓમાં પણ કુદરત મહેરબાન છે જ, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. લેક કાવાગુચિકો તડકામાં એવું ચમકી રહ્યું હતું કે અહીં ફુજી બિલકુલ ન હોત તો પણ આવવાનું સાર્થક બની રહ્યું હોત.

આ લેકનો શેપ અને સેટ-અપ જોઈને એમ પણ થયું કે આ લોકેશન ક્યાંક યુરોપમાં છે એવું કહેવામાં આવે તો પણ કોઈને નવાઈ ન લાગે. નોર્થ યુરોપિયન વેધર ભલે હોય, અહીંનો માહોલ ફુલ જાપાનીઝ હતો. એક વાર રોપવેમાં બેઠાં પછી જોયું કે ત્યાં દરવાજો ખોલવા અને બંધ કરવાવાળો છોકરો એકદમ નમીને પારંપરિક જાપાનીઝ નમન કરી રહૃાો હતો અને તે દરેક રોપવેના રાઉન્ડ પર જાણે જાપાની રિચુઅલનો અનુભવ કરાવી રહૃાો હતો.

નીચે આવીને પહેલાં તો ભૂખ લાગી હતી. અહીં ગૂગલ મેપ નજીકમાં ભારતીય રેસ્ટોરાં પણ બતાવતું હતું, પણ અમે તે વિસ્તારનાં હાઇએસ્ટ રેટેડ રામેન રેસ્ટોરાં પર પહોંચી ગયાં. અને બાકીના જાપાનની જેમ ત્યાં પણ લાઈન લગાવવી પડી. થોડું થાક્યાં પણ હતાં અને બીજે ક્યાંય જવાનું મન ન હતું. ધીરજથી ત્યાં રહૃાાં અને એક પછી એક અમારી આગળનાં ગ્રુપ્સને જગ્યા મળવા લાગી. હવે અમે બહારથી જ કોણ શું ખાઈ રહ્યું હતું, અમે શું મંગાવીશુંની સાથે વિગન અને વેજિટેરિયન રામેન આટલી મજેદાર કઈ રીતે હોય છે તે માન્યામાં ન હતું આવતું.

અંતે અમારો વારો આવ્યો અને અમે બેસવાની સાથે જ ઓર્ડર પણ કરી જ દીધો. અત્યાર સુધીમાં ઘણી રામેન ખાઈ ચૂક્યાં હતાં, પણ છતાંય આ રામેનનો સ્વાદ હજી પણ યાદ રહી ગયો છે. છેલ્લે ફુજી એપ્પલની કેક ખાધાને ઘણા કલાકો થયેલા. હવે જ્યારે રામેન હાથમાં આવી, ત્યાંથી ઊભાં થવાનું મન નહોતું થતું.

રામેનને પચાવવા હવે અમે કાવાગુચિકો લેક તરફ નીકળ્યાં. આ આખું ગામ હિલ સ્ટેશનના વાઈબવાળું હતું. થોડાં રેસ્ટોરાં, કાફે, હોટલ, સુવિનિયર સ્ટોર અને છૂટાંછવાયાં ઘરો સિવાય કશું નજરે પડતું ન હતું. ઘણાં અહીં લાંબું રોકાયાં હોય તેવું પણ લાગતું હતું. જોકે આસપાસમાં લગભગ દરેક સામે મળતું ગ્રુપ ટૂરિસ્ટનું જ હોય તે નક્કી હતું. ધીમે ધીમે લેક નજીક આવ્યું અને ત્યાં પિકનિક કરવાં ગોઠવાયેલાં લોકો પણ દેખાયાં.

અહીં પેડલ બોટ લઈને ટાઇમ પાસ કરનારાં લોકો મજાથી પાણીમાં કલાકો વિતાવી રહૃાાં હતાં. અને કેમ ન હોય, ત્યાં થોડું આગળ જઈને લેક પરથી ફુજીનો વ્યૂ પણ જોવા મળી જતો હતો. અમને પણ ઇચ્છા તો થઈ આવી કે શાંતિથી સ્વાન શેપની પેડલ બોટમાં ધીરે ધીરે આ સરોવર પણ સરકવાની, પણ અમે પહેલેથી જ વળતી ટિકિટ લઈ ચૂક્યાં હતાં. એવામાં પાણી પરથી ફુજી જોવાનો મોકો જતો થોડો કરાય, અમે પેડલ બોટને બદલે સ્પીડ બોટ લીધી અને અડધા કલાકમાં લેક અને ફુજી વ્યૂ, બંનેની મજા લઈ લીધી.

કોને ખબર હતી ફુજીના વ્યૂ માટે ગયાં હોઈએ તે લેક પર આટલા બધા બીજા અનુભવો પણ સાથે આવવાના હતા. ખાસ તો કાવાગુચિકો મ્યુઝિક ફોરેસ્ટ સુધી પહોંચ્યાં પછી તો લાગ્યું કે આ રિજનમાં ફુજી ભલે હાઈલાઈટ હોય, અહીં માત્ર એક દિવસ આવવાની ભૂલ ન કરવી. અમે પણ ભવિષ્યમાં ફુજીની હાઈક સાથે બીજે ક્યાં વધુ સમય વિતાવવાનો છે તેનું લિસ્ટ તૈયાર કરી લીધું હતું.

જોકે મ્યુઝિક ફોરેસ્ટનો અનુભવ અમે ભવિષ્ય પર છોડવાને બદલે ત્યાં જ લઈ લીધો. ત્યાં પહોંચવામાં જરા લાંબાં થઈ ગયેલાં અને રિટર્ન બસ પકડવા માટે સ્ટેશન સુધી ટેક્સી પણ લેવી પડી. જોકે ત્યાં સુધી જવામાં રસ્તામાં કેબલ, રેન્ડમ ઇમારતો અને ગલીઓ વચ્ચેથી ફુજીને જોવામાં ઘણાં સધારણ દૃશ્યો અનોખાં બની જતાં હતાં.

જાપાનીઝ ગાર્ડન્સનો કોનસેપ્ટ આમ પણ દુનિયાભરમાં જાણીતો છે. આ મ્યુઝિક ફોરેસ્ટને પણ આમ જોવા જાઓ તો કોઈ મોટા ઝેન ગાર્ડન સાથે સરખાવી શકાય. જાપાન તેમનાં ટૂરિસ્ટને ભરપૂર અનુભવો કરાવવાનું કામ એટલું ગંભીરતાથી લે છે કે ત્યાં પણ દર થોડા થોડા પગલે કોઈ ને કોઈ મ્યુઝિકલ વાજિંત્ર, ગીત કે ધૂન સાંભળવા મળી જતી હતી.

આ મ્યુઝિક ફોરેસ્ટ, નામે જંગલ કહેવાતું, દેખાતું હતું ગાર્ડન જેવું અને ખરેખર હતું એક મ્યુઝિયમ. અંતે તો ત્યાં યુરોપિયન સ્ટાઇલ વૂડન જ્યુક બોક્સ જ હતાં. અંદર ઓર્ગન હોલમાં અવારનવાર કોનસર્ટ યોજાઈ જતાં. અને વિવિધ વાજિંત્રોનાં જાપાનીઝ વર્ઝનનો અવાજ ફુજીના બેકગ્રાઉન્ડમાં સાંભળીને આખો અનુભવ જરા આર્ટિફિશિયલ લાગવા માંડેલો. તે દિવસે ફુજી થોડી વાર માટે પણ વાદળોમાં ન છુપાયો. અહીંથી પણ તેનો પીછો છોડાવી શકાય તેમ ન હતું.

અમે કાવાગુચિકો લેક પાસે તો ઘણા જલસા કરી જ લીધા. સાથે બીજાં ચાર લેક્સ તેની સાથે જોડાયેલાં છે. તે બધાં ફાઈવ લેક્સ ઓફ માઉન્ટ ફુજી અને જાપાનીઝમાં ફુજીગોકો તરીકે ઓળખાય છે. પાંચેયમાં કાવાગુચિકો સૌથી લોકપ્રિય અને ટૂરિસ્ટ માટે સૌથી અનુકૂળ આવે તેવું છે. અને સૌથી મોટું છે લેક યામાનાકાકો. તે ફુજીથી સૌથી નજીક પણ છે.

જો આ રિજનમાં લાંબું રહેવાનું થાય તો યામાનાકાકો પાસે જ રહેવું. કેમ્પિગ અને લેક પરની એક્ટિવિટી માટે લેક સાઇકો વધુ જાણીતું છે. સૌથી નાનકડા લેક શોજી પાસે ભીડ પણ પ્રમાણમાં ઓછી હોય છે. જોકે જાપાનમાં ભીડની તો આદત જ પડી જાય છે. ખાસ કરીને ટોક્યોની ભીડ તો મુંબઈની ભીડને કોમ્પિટિશન આપે તેવી છે.

કાવાગુચિકોમાં શક્ય એટલા બધા અનુભવો પછી જ્યારે ટોક્યોની બસ લીધી, તે પછી શરૂઆતની દસેક મિનિટ પછી ફુજી દેખાતો બંધ થઈ ગયો. હવે જેટલી વાર દિવસ દરમ્યાન ફુજીને ઇગ્નોર કર્યો હતો તે વાત પર અફસોસ થતો હતો. કોણ જાણે હવે આ અનોખો પહાડ અને તેની આસપાસનો જાદુ ફરી ક્યારે અનુભવવા મળશે. કાવાગુચિકો ફુજી વિના તો મજેદાર છે જ, પણ ફુજીના વ્યૂ માટે તેનાથી સારો બીજો કોઈ ઓપ્શન જાપાનમાં ન હોઈ શકે.

આપણ વાંચો:  સ્પોર્ટ્સમૅનઃ રણમેદાનમાં જીતી ગયા હવે રનમેદાન પર હરાવજો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button