અરાઉન્ડ ધ વર્લ્ડઃ કોબેમાં શૂઝ ને વ્યૂઝની મજા…

પ્રતીક્ષા થાનકી
ટોક્યો અને ક્યોટો ઘણાં ક્યુટ હતાં અને બધે યંગ સ્થાનિક લોકો અને ટૂરિસ્ટનાં ટોળાં દેખાતાં હતાં. છતાંય ઓસાકાના વિસ્તારમાં આવ્યા પછી જાણે અચાનક જ સ્થાનિક યુવાન ટોળકીઓની સંખ્યા વધતી ચાલી હતી. તેમાંય જે દિવસે અમે કોબે જવા નીકળ્યાં ત્યારે તો લાગ્યું કે આ વિસ્તારમાં ભાગ્યે જ કોઈ વૃદ્ધો દેખાતા હતા. કોબે જવા માટે અમે જરા મોડાં નીકળ્યાં. પહેલાં હોટલનો બ્રેકફાસ્ટ ગપચાવવામાં જ અમને કલાક લાગી ગયો. આમ તો નાસ્તો ફટાફટ કરીને નીકળવાની વાત હતી, પણ ત્યાં સવારમાં રાઈસની વાનગીઓ, પેન કેક્સ, જાપાનીઝ સ્ટાઇલ કેક્સ, કોફી અને ટી વચ્ચે શાંતિથી વેકેશન માણવાનું સ્પોન્ટેનિયસલી નક્કી કરીને અમે કલાક પછીની ટ્રેન લેવાનું નક્કી કર્યું.
આમ પણ હવે જ્યાં પણ સોશ્યલ મીડિયા એ પોપ્યુલર બનાવેલું સ્થળ સામે આવતું ત્યાંથી અમે દૂર ભાગવા લાગેલાં. ખાસ તો એટલા માટે પણ કે સમય સાથે ભીડ અને એકસરખા અનુભવોમાં તેનાં પ્રત્યેની ઉત્સુકતા જતી રહેતી હતી. જોકે વધુપડતી ભીડવાળાં ખ્યાતનામ સ્થળો પર અલગ વિચારો આવતા હતા. અચાનક જ કોઈ જાપાનીઝ શ્રાઇન કે પેલેસ હજારો આંખોથી સાથે અનુભવાઈ રહ્યું હોય તેવું લાગતું હતું.
ઓસાકાના ઉમેડા સ્ટેશનથી હાક્યુ લાઈન લઈને અમે અડધો કલાકમાં તો કોબે સ્ટેશન પર હતાં. આમ તો ત્યાં હાર્બર પરથી દરિયાનો વ્યૂ છે અને શહેર ખાસ ત્યાંની ખાણી-પીણીની બજાર માટે જાણીતું છે. છતાંય અમને ત્યાં સૌથી વધુ ઉત્સુકતા હતી ઓનિત્સુકા ટાઇગરના ઓરિજિનલ સ્ટોર પર જવાની. ખાસ તો આજકાલ પોપ કલ્ચરમાં વધુપડતી લોકપ્રિય બની ગયેલી આ સ્નિકર બ્રાન્ડ પરની ખાસ ડિઝાઈન લોકોને બહુ ગમી ગઈ છે.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડઃ ઓસાકામાં વસે છે યંગ જાપાન…
તેમાંય આજકાલ બ્રાન્ડ એક્સક્લુઝિવિટી કઈ રીતે જાળવી રાખવી તેનો જાપાનની આ કેટલીક બ્રાન્ડ્સ પાસેથી ક્લાસ લઈ શકાય તેમ છે. ઓનિત્સુકા આખી દુનિયામાં જાણીતાં બની ગયાં છે, છતાંય જાપાનની બહાર માંડ આગળીના વેઢે ગણી શકાય એટલા સ્ટોર દુનિયામાં છે. વળી તે જેટલાં કૂલ માનવામાં આવે છે, એ પ્રમાણમાં તે એકદમ વાજબી ભાવે મળે છે, એટલે તેની લોકપ્રિયતામાં વધારો જ થતો જાય છે.
હવે 1949માં પહેલો ઓનિત્સુકા ટાઇગરનો સ્ટોર કોબેમાં ખોલવામાં આવેલો. તે આજે પણ ત્યાં જ છે. અમે કોબેમાં શરૂઆત આ ઐતિહાસિક સ્ટોરથી કરી. અહીં એસિક્સ અને બીજી થોડી બ્રાન્ડ્સના સ્ટોર્સ પણ એટલા મજેદાર નીકળ્યાં કે અમે શૂઝની ઓવર શોપિંગ કરી લીધી. સ્ટેશન પર લોકરમાં શોપિંગ બેગ્સ મૂકવા જવી પડી. હવે જાપાનની કરન્સી અને ભાવનો ફાયદો ઉઠાવીને ત્યાંથી મોટી ચેક-ઇન બેગ ખરીદવાનો પ્લાન યોગ્ય લાગી રહૃાો હતો. છતાંય લાગ્યું કે મોટી સાઇઝની બીજી બે-ત્રણ ચીજો લઈ લઈશું તો એક ચેક-ઇન બેગ તો અડધા દિવસમાં ભરાઈ જશે.
એક તરફ શોપિંગ પ્લાનિંગ અને બીજી તરફ કોબેની મજા. એ દિવસ ધાર્યા કરતાં વધુ ભરચક બની ગયો હતો. પહેલાં તો વિચારેલું કે અમે ત્યાં શૂ શોપિંગ કરીને ફૂડ માર્કેટમાં સ્થાનિક વાનગીઓ દબાવીને સાંજ પહેલાં ઓસાકા પાછાં આવી જઈશું અને ત્યાં જરા બુક સ્ટોર અને ઇચિરાન રામેનની મજા લઈશું. એકાદ લોકલ સુપર માર્કેટમાં પણ આંટો મારી આવીશું. તે બધું એક બાજુ રહી ગયું, કારણ કે તે દિવસે તો કોબેમાં જ રાત પડી ગઈ. વધુ એક પચીસ હજાર સ્ટેપ્સવાળો દિવસ આકાર લઈ રહૃાો હતો.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડઃ લેક બિવાનું પારદર્શક પાણી ને પૌરાણિક શ્રાઇન…
સાંજે ફૂડ માર્કેટમાં હોટલના ફેરિયાઓ બહાર લોકોને પોતાની રેસ્ટોરાંમાં લઈ જવા આકર્ષવા પ્રયત્ન કરી રહૃાા હતા. જે પણ રેસ્ટોરાં જુઓ તે એવોર્ડ વિનિંગ હોવાનો દાવો કરતું હતું. અને ત્યાંનું બીફ ખાસ જાણીતું છે. મારા માટે તો ત્યાં વેજિટેરિયન શોધવાનું હતું. પહેલાં તો લાગ્યું કે મુશ્કેલી પડશે, પણ ત્યાં બુદ્ધિસ્ટ ક્વિઝિન ઘણી સરળતાથી મળી ગયું.
મોટાભાગે તેમાં જાપાનીઝ સૂપ અને સલાડ જ હતાં, છતાંય દરેક ચીજમાં સાથે રાઈસ આવી જ જતા, એટલે મજાથી જમવા મળ્યું. સાથે ત્યાં દુનિયાભરમાં ખ્યાતનામ કોબેમાં મળતું ખાસ `વાગ્યુ’ શું ચીજ છે, તેના વિષે પણ અમે જાણકારી મેળવવા તો સજ્જ હતાં જ. આ વાગ્યુ માટે ખાસ ઉછેરવામાં આવતી ગાય માટે તો નિશ્ચિત સંગીત વગાડવામાં આવે, તેમને મળતી રિલેક્સ લાઇફ અને ખુશીનાં વર્ષોની વાતો જરા મન ભરાઈ આવે તેવી લાગતી હતી. કોબે આમ તો સાવ સરળ અને મજાનું શહેર લાગતું હતું, પણ ગાયો માટે નહીં.
જાપાનના કોઈ પણ શહેરની મુલાકાત ત્યાંની લોકલ શ્રાઇન જોયા વિના અધૂરી જ રહેવાની. અમે ઇકુતા શ્રાઇન પહોંચ્યાં. ઇકુતા બાકીની અત્યાર સુધી જોયેલી શ્રાઇન કરતાં આર્કિટેક્ચરની દૃષ્ટિએ થોડી અલગ લાગતી હતી. છેક ત્રીજી સદીમાં બનેલું આ મંદિર તે સમયના મેજી રાજા જીન્ગુએ બંધાવેલું. આમ જોવા જાઓ તો જાપાનનું દરેક નામ થોડું રમૂજી તો લાગતું જ હતું, પણ જીન્ગુ નામનો માણસ ભારતમાં રાજા બની શકે કે કેમ તે વાત પણ અમે જરૂર કરતાં વધુ લાંબો સમય સુધી ચર્ચા કરી. અને તે પછી નુનોબિકી હર્બ ગાર્ડન સુધી જવામાં હાઈક કરવી પડી અને જીન્ગુનું હુલામણું નામ શું હશે તે પ્રશ્ન ક્યાંય ભુલાઈ ગયો.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડઃ ટોકોનામે-માટીના ચાકડે ઘડાયેલી બિલાડીઓનું ગામ…
નુનોબિકી ગાર્ડન એક ટેકરીની ટોચ પર હતું. ત્યાંથી ઓસાકાનો દરિયો અને કોબે શહેરનું આખું પેનોરમા નજરે પડતું હતું. નીચે આવતાં અમે કાઝેનો ઓકા ગાર્ડનનો રસ્તો લીધો. આ ગાર્ડન પર તો વ્યૂ માણવા માટે મુલાકાતીઓ હેમોકના હીંચકા પર બેસીને આનંદ માણી શકતાં. બરાબર એ જ સમયે હળવો વરસાદ ચાલુ થયો, તેને સાઇન માનીને અમે આગળ ચાલ્યાં. કિતાનો ડિસ્ટ્રિક્ટ અને હાર્બર પાસે આંટો મારવામાં અંધાં થઈ ચૂક્યું હતું. પાછા ફરવામાં ટ્રેન માંડ મળી. કોબેનું સૌંદર્ય, શૂઝ અને ખાણીપીણી કોબેમાં આનાથી સારો દિવસ ન હોઈ શકે.



