અરાઉન્ડ ધ વર્લ્ડઃ જાપાનીઝ ટી સેરિમોની-ક્યોટોમાં પારંપરિક અનુભવોની ભરમાર…

પ્રતીક્ષા થાનકી
કેટલાંક શહેરો પર તેમનો ઇતિહાસ એટલો હાવી હોય છે કે આજે ત્યાંનો માહોલ આખું ને આખું શહેર કોઈ ઓપન એર મ્યુઝિયમ હોય તેવું લાગવા માંડે. ક્યોટોનું તો ખાસ એવું જ છે. છેલ્લાં હજાર વર્ષથી તે જાપાનનું ક્યારેક ખં કેપિટલ અને હંમેશ માટે કલ્ચરલ કેપિટલ બનીને રહ્યું છે. તેનું મહત્ત્વ એટલું છે કે જાપાનીઝમાં ક્યોટો શબ્દનો અર્થ જ કેપિટલ થાય છે. જાપાનમાં આવ્યે ઘણા દિવસો થઈ ગયેલા. અહીં ઘણાં પ્રકારની ચા અને કોફી અમે પેટમાં પધરાવી ચૂક્યાં હતાં.
એક વાત નક્કી હતી, અહીંનાં લોકોને તેમનાં રિચુઅલની વેલ્યુ જરા વધુપડતી લાગી. દરેક ચીજ વિધિવત બનવી જોઈએ અને તેનાં દરેક સ્ટેપ ફોલો થવાં જોઈએ એ તો સમજી શકાય છે, પણ તેને માણવા માટેની વિધિ પણ પહેલેથી જ નક્કી છે. કઈ રીતે બેસીને ચા પીવી, કઈ રીતે સુશી ખાવી, કઈ રીતે નૂડલ્સનો આનંદ લેવો, દરેકની પાછળ નિશ્ચિત સ્ટેપ્સ છે. હવે તે બધાં વચ્ચે અમે એક પારંપરિક ટી સેરેમોની બુક જ કરાવી રાખી હતી.
આમ તો ઘણાં સ્થળો જાપાનીઝ ટી સેરેમોની કરાવે જ છે, પણ જો આ અનુભવ કરવો જ હોય તો તે ક્યોટોમાં જ કરવો રહૃાો. આ શહેર જ આ બધી પરંપરાઓનું જન્મસ્થળ છે. તેમાંય અમે એવું લોકેશન પકડેલું જ્યાં કિમોનો પહેરવાનું, ઘિશાને મળવાનું, જાપાનીઝ પરંપરા મુજબ ચા પીવાનું, બધું એકસાથે અનુભવવા માટેનો મોકો મળી જાય. ક્યોટોમાં લગભગ દરેક સ્ટેશન પાસે કમ સે કમ એક ટી સેરિમોની કરાવતું ઘર છે જ. તેમાં અમે માયકોયા ટી હાઉસ પર પસંદગી ઉતારેલી. આ પ્રકારનું લાકડાનું પારંપરિક જાપાનીઝ ઘર અંદરથી જોવાનું પણ પહેલી વાર મળી રહ્યું હતું.
અત્યાર સુધીમાં અહીં હોટલોની મહેમાનગતિમાં તો મજા આવી જ હતી, પણ જાપાનીઝ ઘર અંદરથી કેવું હોય તે પહેલી વાર જોવા મળી રહ્યું હતું. તેમાંય ખાસ ઘિશા અને માઇકો કેવી હોય અને તેમનું કામ, દેખાવ, તેમનું પરફોરમન્સ બધું જોવા માટે હું જરા વધુપડતી ઉત્સાહિત હતી. ઘણાં વર્ષો પહેલાં `મેમરીઝ ઓફ એ ઘિશા’ નામની જાપાનીઝ મૂવી ઓસ્કાર સ્તરે ખૂબ લોકપ્રિય થઇ હતી.
ત્યારે પહેલી વાર `ઘિશા’ શબ્દ સાંભળવા મળ્યો હતો. ઉપર ઉપરથી જુવો તો ઘિશા જાણે કોઈ દાસી કે સેવિકા હોય તેવું લાગતું હતું, પણ તેનું કોઈ સાવ બંધબેસતું ટ્રાન્સલેશન શક્ય જ નથી, કારણ કે ઘિશાનું કલ્ચર બીજે ક્યાંય છે પણ નહીં અને તેમને બીજા કોઈ પ્રોફેશન કે રોલ સાથે સરખાવી શકાય તેવું પણ નથી.
અમે જે સેશનમાં હતાં ત્યાં પહોંચ્યાં એટલે પહેલાં તો મને એક કિમોનોનું ખોખું આપવામાં આવ્યું. કિમોનો પહેર્યા પછી અમે ત્યાંના મુખ્ય રૂમમાં વજ્રાસનમાં ગોઠવાયાં. આમ જોવા જાઓ તો યોગમાં તેને વજ્રાસન કહી શકાય, પણ જાપાનીઝમાં તે પોઝિશન `સાઇઝા’ નામે ઓળખાય છે. ભારતીયોને તો આમ પણ નીચે પલાંઠી વાળીને બેસવાનું ફાવતું જ હોય છે. છતાંય ઉંમરલાયક કે નીચે ન બેસી શકનારાં મુલાકાતીઓ માટે ખુરશી પણ હતી જ. અમને તેની જરૂર ન લાગી.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ રામેન ફેક્ટરી – ક્યોટોમાં ધીમો ને રિલેક્સ્ડ દિવસ…
આ 90 મિનિટની સેરિમોનીની શરૂઆત ઘિશાના ન્રત્યથી થઈ. અમને તો એમ કે ત્યાં બે ઘિશા છે પણ તેમાંની એક ઘિશા નહીં `માઇકો’ હતી, તેને એક જાતની ઇન્ટર્ન કહી શકાય. એક વાર માઇકો તરીકે કામ કરીને ઘિશાના સ્તર સુધી પહોંચવા માટે પરીક્ષાઓ પાસ કરવી પડે. ઘિશા માત્ર જાપાનીઝ જ બોલતી હતી, પણ ત્યાં ટી સેરિમોનીના સૂત્રધાર તરીકે કામ કરતા ગાઈડે ત્યાં ટ્રાન્સલેટરનું કામ પણ કર્યું, અને અમને ઘણા પ્રશ્નોના જવાબ પણ મળ્યા.
આજના સમયમાં પણ કોઈ આવો પૌરાણિક વ્યવસાય પસંદ કરે તે વાત પર નવાઈ લાગતી હતી, પણ ખુદ એક ઘિશાએ અમને કહ્યું કે અત્યારે ટૂરિઝમ બૂમ અને જાપાનીઝ કલ્ચરમાં દુનિયાને એટલો બધો રસ છે કે બહારથી સુષુપ્ત લાગતું ઘિશા કલ્ચર આજકાલ ધમધમી રહ્યું છે. અહીં ચાના કપમાં નાકું ન હોય. તેને બંને હાથેળીમાં લપેટીને રાખવો પડે, અને તેનું પણ ખાસ મહત્ત્વ છે.
જો કપ હથેળીમાં પકડવા જેટલો ગરમ છે તો ચાનું ટેમ્પ્રેચર પણ પીવાલાયક બની ગયું છે. જ્યાં સુધી કપ હાથમાં પકડી ન શકાય ત્યાં સુધી ચા વધુપડતી ગરમ છે તેમ માની શકાય. હવે ચા ઠંડી થઈ જાય તો તેને ફરી ગરમ કરવાનો કોઈ રિવાજ નથી. ચા ઠંડી પડે તે પહેલાં પી જવી પડે. ત્યાં સાથે બે સોટ જાપાનીઝ સ્વીટ્સ પણ હતી. ચામાં મધ કે કોઈ મીઠાસ ન નાખવા છતાં તેની અનોખી સ્વીટનેસ તો હતી જ. ચા હતી તો અનોખી, પણ આપણને જે મસાલા કે આદુંવાળી કે ઇલાઈચીવાળી ચાની ચુસ્કીઓ લેવાની આદત છે તે મજા એ ટી સેરિમોનીમાં ન હોય તે પણ સ્વાભાવિક છે.
જોકે એ પણ કલ્ચરની વાત છે. ઘણાં ફિરંગીઓ ભારતીય ચા માણી પણ શકે છે અને ઘણાને આપણી દૂધવાળી ચા ગરમ મિલ્કશેક જેવી પણ લાગે છે. હવે ચા ભલભલા માણસો માટે અંગત અને સેન્સિટિવ ટોપિક છે. તેના વિષે આમતેમ અભિપ્રાય આવી દો તો ઝઘડો થવાની પણ શકયતા રહે. તેમાંય જો સામેવાળા માણસને સમયસર ચા ન મળી હોય તો તો ખાસ એવું બની શકે. એટલે ખાસ ચા વધુ ગમે કે કોફી, એ વાત તો ક્યાંય કાઢવી પણ નહીં એવો અંગત અભિપ્રાય છે.
જાપાનીઝ ચા બનાવતી વખતે સાવ શાંતિ હોય. આવું કંઈ પણ બનાવવું જાણે ધ્યાન કરવા જેટલું મહત્ત્વનું માનવામાં આવે છે. એકરીતે જુઓ તો આ ટી સેરિમોની કોઈ રિલિજિયસ અનુભવથી કમ ન હોય તેવું લાગ્યું. કોને ખબર હતી, સદીઓથી ચાલતી ઘિશા પરંપરા અને ચા બનાવવાના અને પીવાના રિવાજનું આ સ્તરે ટૂરિઝમ માટે માર્કેટિગ પણ થઈ શકે. જાપાનનું આ સ્વરૂપ સૌથી જેન્ટલ અને શાંતિ આપે તેવું લાગતું હતુ.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ શિમોગ્યા-કુ રેલ મ્યુઝિયમમાં મળ્યો અવિસ્મરણીય અનુભવ…



