વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ઓસાકામાં મળ્યા રિટાયર્ડ સુમો પહેલવાન…

પ્રતીક્ષા થાનકી

જાપાનના સુમો કોન્સેપ્ટથી આપણે એટલાં પ્રભાવિત છીએ કે કારના મોડેલના નામથી લઈને પેઇન રીલીફ ક્રીમ સુધી, સુમો શબ્દ ગમે ત્યાં વપરાતો દેખાઈ જાય. અને કેમ ન હોય, તે શબ્દને શક્તિ સાથે સાંકળવામાં આવે છે. હવે જાપાનીઝ સુમો ઇવેન્ટમાં જવાનું તો જાપાનનો પ્લાન બનવા સાથે જ નક્કી થઈ ચૂક્યું હતું. કંઈ નહીં તો સુમો ફાઇટ્સ થાય છે તે અરીનામાં તો જઈ આવીશું જ. ઓસાકામાં અમે ટ્રિપનો ખાસ સમય સુમો ફાઇટના અનુભવો માટે રાખેલો. ખાસ નાનપણમાં સ્પોર્ટ્સ ચેનલો ચાલુ થવા સાથે સુમો પહેલવાનો અને તેમની ફાઇટ્સ, તેમનાં કદ, જાપાનમાં શિન્ટો ધર્મ સાથે જોડાયેલી આ સ્પોર્ટની લોકપ્રિયતા મનના કોઈ ખૂણામાં ઘર કરી ગઈ હતી.

સમય સાથે સુમોના રેફરન્સ મર્યાદિત થતા ગયેલા, પણ તેની વાત કોઈ ને કોઈ સંદર્ભે નીકળી જ જતી. તેમાંય શાહરૂખ ખાનની ફિલ્મ `રબને બના દી જોડી’ને અંતે બંને જાપાન જાય છે ત્યારે સુમો ફાઇટ જોવા પહોંચી જાય છે. અમે જે દિવસે ઓસાકામાં સુમો અરીનાનો પ્લાન બનાવેલો ત્યારે મારો તાવ પણ ઓસરી રહૃાો હતો. કોઈ લાંબી ટ્રિપમાં અત્યાર સુધી આવું વાઇરલ થવાનું પહેલી વાર બન્યું હતું. તેના કારણે પ્લાનમાં થોડા ફેરફાર જરૂર થયા, પણ પૂરતી ઊંઘ, સૂપ અને સાથે લાવેલી દવાઓમાં જ કામ ચાલી ગયું.

જો તે દિવસે તાવ ન ઊતર્યો હોત તો જાપાનીઝ ડોક્ટર અને દવાખાનું પણ જોવા મળી ગયાં હોત. જાપાન સહિત એશિયાના મોટા હિસ્સામાં લોકો સતત કોવિડ પહેલાં અને પછી પણ માસ્ક પહેરીને ફરે છે તેની પાછળનું કારણ જાત અનુભવ સાથે સમજાઈ રહ્યું હતું. તે સમયે મારી ઇમ્યુન સિસ્ટમ ઇન્ફેક્શન સાથે લડીને મને આગળ વધવા ઇશારો કરી રહી હતી.

સુમો ફાઇટ્સની શરૂઆત તો છેક સોળ કે સત્તરમી સદીમાં એડો રાજ દરમ્યાન થઈ હતી. આ સ્પોર્ટની શરૂઆત તો શિન્ટો ધર્મની શ્રાઇન અને મંદિરો બનાવવા નાણાં ભેગાં કરવા માટે થયેલી. મોટાભાગની સ્પર્ધાઓ ત્યારે ચેરિટી માટે જ થતી. સમય જતાં તેની લોકપ્રિયતા દુનિયાભરમાં એવી પહોંચી ગઈ કે આજે તો સુમો રેસલિંગ માત્ર સ્પોર્ટ તરીકે જ નહીં, જાપાનના કલ્ચરના એક અનોખા હિસ્સા તરીકે જોવામાં આવે છે.

તેનું એક કારણ એ પણ છે કે સુમોનાં રિચુઅલ્સ, તેના પહેલવાનોને ત્યાંની વિઝુઅલ આર્ટમાં પણ સદીઓથી સ્થાન મળતુ રહ્યું છે. અમુક લોકો તો સુમો રેસલિંગ છેક આઠમી સદી પહેલાં પણ જાપાન દેશની સ્થાપના અને યાયોઈ સમયગાળા સાથે સંકળાયેલી હોવાનું માને છે. તે સમય દરમ્યાન રાજા અને દેશના ધનાઢ્ય પરિવારો સુમો પહેલવાનોને ખરીદીને રમતમાં ઉતારતા.

રેસલિંગનું આજનું સ્વરૂપ તો એડો સમય દરમ્યાન જ બહાર આવ્યું હતું. તે સમય દરમ્યાન સુમો રેસલિંગ મેચનાં ચિત્રો લાકડા પર પેઇન્ટ થતાં અને સુવિનિયર તરીકે બધે વેચાતાં. તે કારણસર આ સ્પર્ધા અને તેનો પ્રકાર સાધારણ લોકોમાં પહોંચી ગયો અને લોકપ્રિય બની ગયો હતો. એટલું જ નહીં, રેસલિંગની ટે્રનિંગ, તેને લગતા નિયમો વગેરે પણ એ જ સમય દરમ્યાન આકાર લેવા લાગ્યાં હતાં.

ઓસાકામાં સુમો હોલ હીરાકુઝા છે, ત્યાં મેચ જોવાનું ઓસાકાના ટ્રેડિશનલ અનુભવનો જ મહત્ત્વનો ભાગ છે. અમે ગ્રાન્ડ સુમો માર્ચ ટુર્નામેન્ટની ટિકિટ પહેલેથી જ લઈ ચૂક્યાં હતાં. અને જાપાન જવાનું નક્કી થતાં જ પહેલું બુકિગ આ શોનું કર્યું હતું. બાકી સુમો ટુર્નામેન્ટ એટલી લોકપ્રિય છે કે ત્યાં પહોંચીને ટિકિટ મળી જશે એ આશામાં ન રહેવું. લાઇવ શો એક્સપિરિયન્સ માટે ઓસાકામાં સેમ ડે ટિકિટની ઘણી લાંબી લાઈન હતી. અમે પહેલેથી જ તૈયાર હતાં.

માસ્ક સાથે જ અમે પહેલાં તો અરીનામાં અમારી સીટ પર જઈને બેસી ગયેલાં. આ શોમાં હવે પ્રોફેશનલ રેસલિંગથી રિટાયર્ડ સુમો પહેલવાનો ટૂરિસ્ટ માટે એક સંક્ષિપ્ત ફાઇટ યોજે છે, સાથે સુમોનો ઇતિહાસ, નિયમો અને તેને સંબંધિત ટ્રિવિયા પણ સાંકળી લે છે. એટલું જ નહીં, જો કોઈ મુલાકાતીને રસ હોય તો તે રિગમાં જઈને થોડા કુશ્તીનાં પેતરા પણ અજમાવી શકે છે. અમે એટલો બધો ઉત્સાહનો ન બતાવ્યો, પણ સુમો મેચને આ રીતે જોવોનો મોકો અમે બરાબર માણ્યો.

અમારા હિસ્સે આવેલો રિટાયર્ડ સુમો પહેલવાન ટાકુટો એકદમ ફની અને વાસ્તવિક હતો. તેણે અમને સુમો પહેલવાનો થતા હેલ્થ ઇશ્યુઝ વિશે પણ વાત કરી. સરેરાશ એક સુમોનું વજન 150 કિલો હોય અને તેમના ગ્રુપમાં રેકોર્ડ વેઇટવાળો એક 290 કિલોનો સુમો પણ થઈ ગયો છે. જોકે તેમને પોતાનું વજન મેઇનટેન કરવા માટે રોજની 20,000 કેલરી ખાવી પડે. એટલું જ નહીં, મોટાભાગના સુમોનું વજન વધુ મસલ અને ઓછા ફેટનું બનેલું હોય તેવા પ્રયત્નો રહે છે.

અમને જાવા મળેલા એક રેસલિંગ રાઉન્ડને તાચિઆઈ’ કહેવાય. સાથે પારંપરિક સુમો ટ્રેનિંગકિમારિતે’ની પણ ઝલક જોવા મળી. એક રીતે જુઓ તો આ કોઈ ડાન્સ શો કે પછી મ્યુઝિક કોન્સર્ટ જેવો જ અનુભવ હતો. બાકી અત્યારે સુમોની દુનિયાનો વિરાટ કોહલી તો છે ઓનસાટેો ડાઈકી. તે સુમો રેન્કિંગ સિસ્ટમ યોકોઝુના મુજબ ટોચનો પહેલવાન ગણાય છે અને એટલો જ લોકપ્રિય પણ છે.

આ શો જોયા પછી લાગ્યું કે ટોક્યોમાં સુમો સ્ટેબલની ટૂર પણ કરી શક્યાં હોત. ટોક્યોમાં એક મજાનું સુમો મ્યુઝિયમ પણ છે જ. જોકે તેના માટે અમે ઓસાકા પાસે જ કાત્સુરાગી સિટી જવાનાં હતાં. સુમો ટ્રેનિંગ સેન્ટરો સ્ટેબલ તરીકે ઓળખાય છે. આજે મોટાભાગનાં સ્ટેબલ ટોક્યોમાં જ છે. ટૂરિસ્ટી સુમો શો જોઈને હવે તેના વિષે વધુ જાણવાની ઉત્સુકતા જાગી હતી.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનીઝ ઇતિહાસ જ નહીં, માણસાઇનો પણ અનુભવ કરાવતો હિમેજી કાસલ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button