વીક એન્ડ

ઇચિરાન-જાપાનીઝ રામેનનું દેવળસ્થાન…

અરાઉન્ડ ધ વર્લ્ડઃ પ્રતીક્ષા થાનકી

પ્રવાસ દરમ્યાન સ્થાનિકોની જેમ રહેવું કે ટૂરિસ્ટની જેમ તે વાતમાં અમે કદી ગ્ૂાંચવાતા નથી. જ્યારે મન થાય ત્યારે મોડ સ્વિચ કરવામાં જરા પણ અચકાતા નથી. ઓસાકા કાસલ તો વિગતે જોવો જ હતો, સાથે ત્યાં સ્થાનિક સુપરમાર્કેટમાં ખરીદી કરવા અને ઇચિરાન રામેન માણવા માટે પણ અમે એ જ દિવસ પસંદ કર્યો. આમ તો ત્યાં જ્યાં પણ રામેન ખાતાં ત્યાંની કોઈની કોઈ ખાસિયત મજા કરાવી જ જતી, પણ ઇચિરાનની મજા એ છે કે ત્યાં રામેન માત્ર એક ડિશ નહીં, રિચુઅલ છે.

અને તે પણ એકલાં ખાવાનો અનોખો અનુભવ કરાવે છે. પછી ત્યાં મોટા ગ્રુપમાં ગયાં હો તો પણ એક પછી એક જ વારો આવે. આટલી પ્રાઇવસીમાં ખાવા-પીવાની મજા આવશે કે નહીં તે કદી વિચાર પણ નહોતો કર્યો. સારાં રેસ્ટોરાંમાં પ્રાઇવેટ બૂથમાં કપલ્સ કે મિત્રો અને પરિવારની ટોળકીઓ જલસા કરી શકે તે તો ખબર હતી, પણ કોઈ રેસ્ટોરાં એવું હોય જ્યાં માત્ર એકલા બેસીને જમવાનું ફરજિયાત હોય તે પહેલી વાર અનુભવવા મળી રહ્યું હતું.

જાપાનમાં એક જ વ્યક્તિનું ઘર હોવું સાવ કોમન છે. એટલે જ ત્યાં એકલા બેસીને ખાવાનું અને સિંગલ વ્યક્તિને સ્વમાન સાથે બહાર જમવાનો અને મજા કરવાનો હક છેએ સાંસ્કૃતિક વિચારધારા સાથે ત્યાં ઇચિરાન જેવાં બીજાં ઘણાં રેસ્ટોરાં છે જ. એવામાં અહીં એકલા બેસીને બીજી કોઈ વ્યક્તિ સાથે ઇન્ટરએક્શન કર્યા વિના માણસ શાંતિથી અથવા ફટાફટ ખાઇ-પીને ત્યાંથી નીકળીજાય એવાં સિંગલ બૂથ મોટાભાગનાં રેસ્ટોરાંમાં હતાં, પણ ઇચિરાનની મજા એ હતી કે ત્યાં માત્ર એકલા જ ખાવું પડતું. તેમાં કોઈ સોશ્યલ ઇન્ટરએક્શનનું પ્રેશર પણ ન રહે. મને તો આ દેશ ઇન્ટ્રોવર્ટ લોકો માટે ખાસ બનેલો હોય તેવું લાગતું હતું.

એકલતાને માનથી જોવા માટે જાપાનીઝમાં ખાસ શબ્દ પણ છે, `ઓહિતોરીમા’. એકલા રહેતાં લોકોને પણ જિંદગીની મજા લેવાનો અને મિત્રો અને પરિવાર હોવો જ જોઈએ એ દબાણ ન હોવું જોઈએ તે વાત માટે લડતાં સોલો એક્ટિવિસ્ટનું પણ જાપાનમાં ખાસ મહત્ત્વ છે.

ઇચિરાનમાં ઓર્ડર કરતી વખતે તીખાશ કેટલી હોય, અંદર કયા કોમ્બિનેશનમાં શાક અને મીટ હોય, નૂડલ્સ કેટલાં પકાવેલાં હોવાં જોઈએ, બધું લખીને આપવાનું હતું. ત્યાં ખાવા માટે જે બૂથમાં બેસવાનું હતું તેને લેવર કોન્સન્ટે્રશન બૂથ કહે છે. એક વિચાર એ પણ ખરો કે એકલાં બેસીને માત્ર વાનગી પર ધ્યાન આપવામાં સ્વાદ પણ યાદ રહી જાય તેવો આવે તે સ્વાભાવિક છે.

આજકાલ ટીવી કે યૂ-ટ્યુબ જોતાં જોતાં જમવાનું અવારનવાર બન્યા કરે છે. ઘણાં બાળકો તો વીડિયો જોયા વિના જમતાં જ નથી એવું પણ સાંભળવામાં આવ્યા કરે છે. અને અહીં બરાબર વિપરીત વાત બની રહી હતી. શોર્ટ રીલ્સ અને ટિકટોકની આદતમાં કોન્સન્ટે્રશન કરવાનું અઘં લાગતું હોવાની વાતમાં અહીં એકલા બેસીને સ્વાદ પર ફોકસ કરવાની મજા પણ અલગ જ લાગી. કોને ખબર હતી કે ફરજિયાત એકલાં બેસીને ખાવાનું આ સ્તરે મજા કરાવી જશે.
વળી આ રામેનને એક ખાસ ટેમ્પ્રેચરમાં પણ વાતોમાં સમય વેડફ્યા વિના નિશ્ચિત સમયમાં ખાઈ જવાનું પણ જરૂરી છે. આટલા બધા રૂલ્સ સાથે જમવાનું ખાસ આનંદ આપે તે રિસર્ચ કરીને લોકોને અનુભવ કરાવવાનું કામ કદાચ જાપાનીઝ સિવાય બીજું કોઈ કરી ન શકે.

આ કલ્ચર જ જરા અલગ સ્તરની ક્રિયેટિવિટીથી ભરેલું લાગતું હતું. જાપાનને સારી રીતે સમજવામાં કદાચ વર્ષો વિતાવી શકાય. કઈ રીતે જાપાન આગવી ટેકનોલોજી અને અનોખી ચીજો ડેવલપ કરીને ધીરજથી બનાવી શકે છે તે પણ આ બધા કલ્ચરલ અનુભવો પછી વધુ ગંભીરતાથી સમજી શકાતું હતું.

જાપાનમાં ખરેખર બાકીની દુનિયા કરતાં દરેક બાબત કોઈ અલગ જ દૃષ્ટિકોણથી જોવાનું શક્ય લાગતું હતું. ખુલ્લા મને ફરવામાં અને ત્યાંની નાની-નાની આદતો અને ખાસિયતોને જાણવામાં જે આનંદ આવી રહૃાો હતો તેનાથી લાગ્યું કે જાપાન બાકીની દુનિયાને પોતાની ખાસિયતોને અકબંધ રાખીને આકર્ષી રહૃુાં છે.

ટૂરિઝમના પર્સપેક્ટિવથી ભારતમાં પણ બાકીની દુનિયાને રસ પડે તેવી આ પ્રકારની નવીનતાઓની કોઈ કમી નથી. ભારતમાં કોઈ એકલતાને પ્રમોટ નથી કરતું પણ આપણે ત્યાં પણ ચારેય દિશાઓમાં ખાણી-પીણી, હસ્તકલા, ન્ૃાત્ય, સંગીત, અને બીજું કેટલુંય માણવા માટે છે જ. જોકે આપણે ત્યાં કિઓસમાં પણ ક્રિયેટિવિટી છે અને તેના પ્રત્યે હવે બાકીની દુનિયા ધીરે ધીરે જાગી રહી છે એ પણ નક્કી છે.

જાપાનના અનુભવોથી તો એ વધુ સ્પષ્ટ રીતે દેખાતું હતું કે વેસ્ટર્ન કલ્ચરને તો આપણે બધાં ઘોળીને પી ચૂક્યાં છીએ, પણ આપણી હજારો વર્ષોની અતૂટ સંસ્કૃતિ જેવું દુનિયામાં બીજે ક્યાંય કશું નથી. ઇચિરાન રામેન પર ઓર્ડર આપીને એકલાં ખાવામાં સ્વાદ અને અનુભવના ફોકસ કરવા ઉપરાંત આ બધાં વિચારોને પણ સમય મળી ગયો હતો.

કાગળ પર 35 ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી કોમ્બિનેશન પસંદ કરીને આપ્યા પછી અમને પોતપોતાનું બૂથ બતાવવામાં આવ્યું. સાયબર કાફે જેવા બૂથની અંદરની તરફથી નેતરનો પડદો કોઈ નાટકનો પડદો ઊંચકાય તે રીતે ઊંચકાયો. પહેલી વારમાં કટલેરી આવી. ફરી થોડી મિનિટોમાં રામેન આવી. રામેન સામે મૂકીને માણસે ઝૂકીને ગ્રીટ ર્ક્યું. તે પછી બસ હું અને રામેન. બાકી જાણે દુનિયામાં કશું જ ન હતું. સમજી શકાતું હતું કે દુનિયાને રામેનનો ચસ્કો કઈ રીતે લાગી ગયો છે. હવે આ રામેનનો અનુભવ એટલો ટૂરિસ્ટી બની ગયો છે કે સ્થાનિકો તેને રામેનનું ડિઝનીલેન્ડ કહે છે. તેની લોકપ્રિયતાને કારણે હવે સ્થાનિકો ત્યાં પ્રમાણમાં ઓછાં જાય છે.

ઇચિરાન હવે તો એટલું પોપ્યુલર થઈ ગયું છે કે ન્યૂયોર્કમાં પણ એક ખૂલી જ ગયું છે. હાલમાં ગુજરાતમાં વેજિટેરિયન એશિયન ફૂડના રેસ્ટોરાંની લોકપ્રિયતા જોઈને લાગે છે કે ઓસાકામાં રામેનના દેવળસ્થાન પર માથું ટેકવીને સાં જ કર્યું.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ ઓસાકામાં મળ્યા રિટાયર્ડ સુમો પહેલવાન…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button