અરાઉન્ડ ધ વર્લ્ડ : કાચી કાચી યામા: ફુજીની તળેટીમાં સફરજન ને લોકવાયકાઓની મજા… | મુંબઈ સમાચાર

અરાઉન્ડ ધ વર્લ્ડ : કાચી કાચી યામા: ફુજીની તળેટીમાં સફરજન ને લોકવાયકાઓની મજા…

-પ્રતીક્ષા થાનકી

ઘણા લાંબા સમયથી હવે જર્મનીમાં જાપાનીઝ કંપની સાથે કામ કરવાના કારણે પ્રોજેક્ટમાં કામે લાગેલાં નોન-જાપાનીઝ કોલિગ્સને પણ નામની પાછળ સાન’ લગાવીને બોલાવવાની આદત પડી ગઈ છે. એવામાં જ્યારે માઉન્ટ ફુજીને પણ ફુજીસાન કહીને બોલાવાતો ત્યારે લાગતું કે ત્યાં આ પર્વતને આમ પણ માન આપીને બોલાવાતો હશે, તેમાં નવું કશું નથી. ત્યાં જઈને પાછળથી ખબર પડી કેસાન’ શબ્દનો અર્થ જાપાનીઝ કાનજીમાં પર્વત એવો પણ થાય છે, અને ક્યારેક તે ફુજીસાન અથવા ફુજીયામા તરીકે ઓળખાય છે. મને તો ફુજીને ફુજીસાન કહેવામાં જ મજા આવતી હતી. તેમાંય હાકોનેમાં જરાય ન દેખાયો તેનું સાટુ વાળતો હોય તેમ ફુજી હવે અમે જ્યાંથી પણ જોઈએ ત્યાંથી દેખાવા લાગ્યો હતો. કાવાગુચિકો વિસ્તારમાં એક સમયે તો ફુજી વિનાનો ફોટો પાડવા માટે સાવ ઊંધી દિશામાં જ જવું પડે તેવું હતું. અમે ટે્રનમાંથી ફુજીના ફોટા ધરાઈને પાડ્યા.

તે પછી સ્ટેશન પર અમને વધુ જાપાનીઝ લાઈનનો પ્રેમ જોવા મળ્યો. ઘણી વાર તો એમ લાગતું હતું કે દુનિયાભરનાં મુલાકાતીઓને પણ જાપાનની લાઈનોમાં ઊભા રહેવામાં મજા આવતી હતી. બધાંને પહેલેથી જ કહી દેવામાં આવ્યું છે, જ્યાં પણ ટિપ્સ વાંચો ત્યાં વિસ્તારથી સમજાવવામાં આવે છે, લાઇન લગાડવી એ જાપાનમાં જાણે કલ્ચરલ અનુભવ બનાવી દેવામાં આવ્યો છે. એવામાં ફુજીસાન તરફ જવા માટે સ્ટેશનથી એક્ઝિટ કરવાની પણ લાઈન હતી. તમે જો સોશિયલ મીડિયા પર જાપાનનાં ટ્રાવેલ કિલ્સ જોતા હોવ, તો ત્યાં મોટાભાગના ફુજી સંબંધિત વીડિયો આ શહેરના હોવાની પૂરી શક્યતા છે. અહીં આવો અને ફુજી ન દેખાય તો નવાઈ લાગે.

સ્ટેશન પરથી એક લાંબી લટાર મારતાં શહેરની વચ્ચેથી નીકળવાનું થયું. તેમાં થોડી રહેણાંક વિસ્તારની ગલીઓ પણ આવી. સ્ટેશન પછીનો તરતનો વિસ્તાર જરા ટૂરિસ્ટી હતો. ત્યાં વીસ મિનિટના અંતરે કાચી કાચી યામા પહાડ પર રોપવેથી ચઢવાનું હતું. રસ્તામાં જેવાં ઘરો ચાલુ થયાં, સાવ શાંતિ છવાઈ ગઈ. છતાંય ઘણી ગલીઓમાંથી ફુજી ડોકિયું કરીને સદીઓની વાર્તાઓ કહી રહૃાો હોય તેવું પણ લાગતું હતું. જોકે ફુજીને દૂરથી એક પહાડ પરથી જોવા માટે તે સમયે તો અમારે ફુજીની સામેની બાજુ જવું પડ્યું અને હજી નવો નવો જોવા મળી રહૃાો હતો એટલે ફુજીને પીઠ બતાવીને ચાલવાનું પણ ગમતું ન હતું. થોડીક પહાડની, થોડીક તડકાવાળા પણ ખુશનુમા મોસમની, થોડી જમવાના સમયની વાત કરતાં કરતાં અમે કાવાગુચિકોની ગલીઓ વટાવી રહ્યાં હતાં.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ: કેલિકો કેટ ને ટોક્યોનાં નાટકીય થ્રીડી બિલબોર્ડ્સ…

લેક કાવાગુચિકો પાસે એક ટેકરીથી રોપવે લઈને ઉપર જવાનું હતું. ત્યાં રસ્તામાં એક કાફે આવ્યું. ફુજીની તળટીમાં વસેલા ગામમાં જો કોઈ `એપ્પલ પાઇ લેબ’ નામે કાફે દેખાય તો તેને કઈ રીતે જવા દેવું? આમ પણ ભૂખ લાગી ચૂકી હતી. અમે જમવાનું રોપવે રાઈડ પતાવીને નક્કી કરેલું. એવામાં આ કાફે પાસે વળતાં આવવાનું ન બને તે રિસ્ક મારે નહોતું લેવું. અમે થોડી મિનિટો તો ત્યાં બેસીને કોઈ સફરજનની વાનગીઓ અને કોફીની મજા તો લઈ જ શકીએ. ખાસ તો એટલા માટે કે ફુજી માત્ર પહાડનું જ નામ નથી, એક સફરજનનો પ્રકાર પણ છે. અમે ઘણાં વર્ષોથી દર ઓટમમાં એપ્પલ પિકિગ કરવા પહોંચી જઈએ છીએ અને તેમાં મજેદાર સ્નેક સાઇઝનાં લાઇટ પિંક અને ગ્રીન ફુજી એપ્પલ અમારાં ફેવરેટ છે. હવે ખાસ ફુજી એપ્પલના રિજનમાં આવીને માત્ર એપ્પલની જ વાનગી બનાવતું કાફે સામે આવે તો તે કુદરતની સાઇન જ માનીને એપ્પલ પાઇ અને કોફીનો ઓર્ડર કરવામાં અમે જરા પણ સમય ન વેડફ્યો.

અંદર અમને તો બેસવાની જગ્યા મળી ગઈ, પણ થોડી વારમાં એક ટૂર બસે જાણે કાફે ટેકઓવર કરી લીધું હોય તેવો માહોલ થઈ ગયેલો. કાફેનું કિચન અને બેકિગ એરિયા પણ ઓપન હતાં. બધું ખરેખર કોઈ લેબ જ હોય એટલું ચોખ્ખું અને ઓર્ગ્ોનાઇઝ્ડ હતું. અમે ધરાઈને ત્યાંથી નીકળ્યાં પછી કાચી કાચી યામા રોપવેની લાઈનમાં લાગ્યાં. સવારથી આ અમારી પાંચમી કે છઠ્ઠી મોટી લાઈન હતી. અમારી આસપાસ બાકીનાં ટૂરિસ્ટ હતાં તો બધાં ચાઇનીઝ અને જાપાનીઝ જેવાં જ, પણ તેઓ કદાચ બાકીની કોઈ ઇસ્ટની કંટ્રીનાં પણ હોઈ શકે. હવે ધીમે ધીમે ત્યાંની ભાષા અને દેખાવમાં થોડો ફરક ખબર પડવા લાગ્યો હતો. જાકે રોપવે ઉપર પહોંચે તે પહેલાં ઓછામાં ઓછો કલાક તો તે લાઇનમાં જ ધીમી ગતિએ આગળ વધવા મળેલું. ત્યાં જેટલાં લોકો પાછાં આવે એટલાંને જ ઉપર જવા મળતું હતું. વળી પબ્લિક હોલીડે હોવાના કારણે ઘણાં યંગ લોકોનું ગ્રુપ પણ સ્થાનિક પ્રવાસ માટે આવ્યું હોય તેવું લાગતું હતું.

આ નાનકડી ટેકરી અને તેના રોપવેનું નામ છે `કાચી કાચી’. હવે આ નામ પડ્યું છે ત્યાંની એક લોકવાયકાના નામ પરથી. કાચી કાચી પહાડ એટલે કે આગમાં લપટાયેલો પહાડ. એક સમયે થોડાં જંગલી પ્રાણીઓ, એક દારૂડિયા ખેડૂત અને તેની પત્નીની વાર્તામાં આ પહાડ સદીઓથી કોઈ ને કોઈ કારણે લોકપ્રિય રહૃાો છે. તે વાર્તા તો જરા હોરર સ્ટોરી જેવી છે. પહેલી નજરે બાળ વાર્તા જેવી લાગતી હતી, પણ તેમાં કોઈ જંગલી રીંછ જેવું રેકૂન ખેડૂતની પત્નીને સળગાવીને તેનો સૂપ બનાવીને તે ખેડૂતને જ ખવડાવી દે છે. તે ખેડૂતનું મિત્ર સસલું આ ખૂનનો બદલો લેવા નીકળી પડે છે. વાર્તામાંથી મને ન કોઈ બોધપાઠ મળ્યો, ન કોઈ મજા આવી. ઊલટાનું આવી નેગેટિવિટીથી ભરેલી વાર્તામાં કલ્ચરનો તફાવત અનુભવી શકાતો હતો.

એક ભારતીય તરીકે, ખાસ આવી લોકવાયકામાં જો સારા માણસની જીત પણ ન થતી હોય, કશું શીખવા પણ ન મળતું હોય, તો તે વાર્તાનો અનુભવ જરા વેસ્ટ જતો હોય તેવું લાગતું હતું. વાર્તાની કશું શીખવવાની જવાબદારી તો નથી હોતી, પણ લોકવાયકાઓ કલ્ચરનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. તે સમયે વાર્તા સાથે સંકળાયેલા સસલાનું લાકડાનું સ્ટેચ્યૂ જોઈને લાગ્યું કે જાપાનીઝ વાર્તાઓને માત્ર `આર્ટ ફોર આર્ટ સેક’ની જેમ જ માણી શકાય. હવે આ વાર્તાનું વાદળું હટે એટલે ખરો ફુજીસાન દેખાવાનો હતો.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ : ગોરા પાર્ક – મોસ ગાર્ડનથી માંડીને ટી-રૂમ્સનો ફુલ જાપાનીઝ અનુભવ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button