સ્પોર્ટ્સમૅન: ક્રિકેટને રાષ્ટ્રીય રમત ઘોષિત કરવાનો સમય આવી ગયો છે

- સાશા
આ મહાન રમત 140 કરોડની જનતાને એક તાંતણે બાંધીને રાખે છે… દેશમાં આ રમત ધર્મની જેમ પૂજાય છે અને હવે તો ઑલિમ્પિક્સે પણ ક્રિકેટને પાછી અપનાવી લીધી છે
આઝાદીને 78 વર્ષ વીતી ગયા અને એમાં આપણે વિભિન્ન ક્ષેત્રોમાં આપણી વૈશ્વિક ઓળખ બનાવી છે અને એમાં ખાસ કરીને રમતગમત પણ સામેલ છે. જોકે નવાઈની વાત એ છે કે સત્તાવાર રીતે આપણો કોઈ રાષ્ટ્રીય ખેલ છે જ નહીં, પરંતુ અનૌપચારિક અને સર્વસામાન્ય માન્યતા મુજબ ક્રિકેટની રમતને આપણે આપણી રાષ્ટ્રીય રમત તરીકે જરૂર ઓળખાવી શકીએ. આઝાદી દિન અઠવાડિયા પહેલાં જ ગયો અને એ પ્રસંગે એક સવાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે કે સરકાર કેમ ક્રિકેટને આપણા રાષ્ટ્રીય ખેલ તરીકે ઘોષિત ન કરી દે? આ મુદ્દા અને માગણી પાછળ પૂરતા તર્ક ઉપલબ્ધ છે.
અપાર લોકપ્રિયતા
ભારતમાં ક્રિકેટ માત્ર એક ખેલ નથી, આ રમત દેશમાં ધર્મની જેમ પૂજાય છે. ભારતમાં ક્રિકેટ એક પ્રકારની જન આસ્થા છે, આ રમત પ્રત્યે કરોડો લોકોમાં ઝનૂન છે અને આ મહાન રમત રાષ્ટ્રીય સ્મૃતિ બની ગઈ છે. જ્યારે પણ ભારતની કોઈ આંતરરાષ્ટ્રીય મૅચ હોય છે અને પછી ભલે એ મૅચ પાકિસ્તાન સામે હોય કે ઇંગ્લૅન્ડ સામે કે ઑસ્ટે્રલિયા સામે કે બીજા કોઈ દેશ સામે, વર્લ્ડ કપની ફાઇનલ હોય કે આઇપીએલનો નિર્ણાયક મુકાબલો હોય, કાશ્મીરથી માંડીને ક્નયાકુમારી સુધી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી દરેક જગ્યાએ લોકો લાઇવ પ્રસારણને ચોંટી રહે છે. ઇન્ટરનૅશનલ મૅચ હોય તો દુકાનોમાં કે ઑફિસોમાં ટીવી ઑન કરી દેવામાં આવે છે. એટલું જ નહીં, સ્કૂલોમાં પિરિયડ મોકૂફ રાખવામાં આવે છે અને કોઈ પણ પ્રકારના કામકાજ કરતા લોકોનું ધ્યાન લાઇવ સ્કોર પર જ હોય છે.
ગજબની ભાવનાત્મક એક્તા
ભારત જેવા બહુભાષી અને બહુ-જાતીય દેશમાં ક્રિકેટ એકમાત્ર પરિબળ કહો કે તત્ત્વ છે જે 140 કરોડની જનતાના આવડા મોટા દેશને એક તાંતણે બાંધી રાખે છે. ચૂંટણી હોય, ધાર્મિક ઉત્સવ હોય, જાતીય સમસ્યા હોય કે પ્રાદેશિક અસ્મિતાને લગતો કોઈ પ્રશ્ન હોય, આ વખતે શુભમન ગિલની 269 રનની ઇનિંગ્સ અને તેની શાનદાર સિક્સરની ચર્ચા થતી જ હોય છે. જસપ્રીત બુમરાહના યૉર્કર પર દરેક પ્રેક્ષક તાળી પાડે છે અને બુમરાહ જો પૂંછડિયા બૅટ્સમૅન તરીકે ભારતીય ઇનિંગ્સને ઉગારતી વખતે ચોક્કો ફટકારે તો તેના યૉર્કરથી પણ વધુ તાળીઓ પડે છે. એટલું જ નહીં, આપણી મહિલા ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના કાશ્મીરથી ક્નયાકુમારી સુધીમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની લાડકી અને બહાદુર ક્રિકેટર તરીકે દિલદિમાગમાં છવાયેલી છે. પાકિસ્તાન સામે જો મહિલા ટીમ પણ જીતે તો દિલ્હીથી લઈને ચેન્નઈ સુધીની ગલીઓમાં ઉજવણી થાય છે.
મીડિયા અને માર્કેટમાં જાદુ
ક્રિકેટનો જાદુ માત્ર લોકોની ભાવનાઓ પૂરતો સીમિત નથી. સોશ્યલ મીડિયા તથા પ્રચાર માધ્યમો તેમ જ માર્કેટો પર પણ એનો જાદુ છવાઈ જતો હોય છે. ક્રિકેટની લોકપ્રિયતાને આસમાની ઊંચાઈ સુધી પહોંચાડવામાં મીડિયા તેમ જ કોર્પોરેટ બ્રૅન્ડ્સે પણ બહુમૂલ્ય ભૂમિકા ભજવી છે. 2008માં શરૂ થયેલી આઇપીએલની સફળતાએ તો ક્રિકેટને ઘર-ઘર સુધી પહોંચાડી દીધી છે અને એની ફાઇનલ વાર્ષિક રમતોત્સવ જેવો બની રહેતો હોય છે. આજે દેશના ખૂણે-ખૂણે પ્રત્યેક બાળક ખેલક્ષેત્રના નામે ક્રિકેટર બનવાનું સપનું રાખતો હોય છે. દેશના કોઈ પણ ભાષા-આધારિત વિસ્તારો બન્યા હોય, પરંતુ બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક જણ બુમરાહ, કોહલી, રોહિત, સિરાજ, ગિલ તેમ જ લેટેસ્ટ સેન્સેશન 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીના નામથી પરિચિત છે. ફિલ્મ, જાહેરખબર, સમાચાર તેમ જ ચૂંટણીલક્ષી રણનીતિઓમાં પણ ક્રિકેટનો પ્રતીકાત્મક ઉપયોગ થતો હોય છે. શું આપણે ત્યાં બીજી કોઈ રમતને આટલી સામાજિક અને સાંસ્કૃતિક માન્યતા મળી છે ખરી? ક્રિકેટ એકમાત્ર ભારતીય રમત છે જે ખેલ ઉદ્યોગમાં 85 ટકા જેટલી આવક ઉપજાવે છે. બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) ક્રિકેટ વિશ્વની સૌથી શ્રીમંત સંસ્થા છે. એ લાખો લોકોને રોજગાર આપે છે. બીસીસીઆઇ માત્ર ખેલાડીઓ વચ્ચેની જ નહીં, કોચ તેમ જ વિશ્લેષક, મેદાન તૈયાર કરતા માળીઓ, જાહેરખબરની એજન્સીઓ, મીડિયા હાઉસ તેમ જ સ્પૉન્સર કંપનીઓ, આ સર્વે માટે ક્રિકેટ જ એકમાત્ર કડી છે જે એકમેક સાથે જોડેલી રાખે છે.
આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅનઃ ઑલરાઉન્ડર માટે ઑલ ઇઝ વેલ
લોકતાંત્રિક અપીલ
ક્રિકેટ એકમાત્ર એવી રમત છે જેમાં મોટી સંખ્યામાં ગામેગામથી ટૅલન્ટેડ ખેલાડીઓ આગળ આવીને દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને દુનિયામાં ચમકે છે. બીજી રમતોમાં પણ દેશને શહેરો ઉપરાંત ગામડાંઓમાંથી કૌશલ્યવાન ખેલાડીઓ તથા ઍથ્લીટો મળતા હોય છે, પરંતુ ક્રિકેટ એ બધી રમતોમાં સર્વોપરિ છે. યશસ્વી જયસ્વાલ ઉત્તર પ્રદેશના ભદૌહી જેવા મામૂલી વિસ્તારમાંથી આગળ આવ્યો, મુંબઈમાં સ્થાયી થયો અને ક્રિકેટની વધુ તાલીમ લઈને આજે ક્રિકેટ જગતમાં ઝળકી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની રાંચીમાંથી આગળ આવીને વિશ્વ વિજેતા બન્યો અને થોડા વર્ષોથી સાબિત થઈ ચૂક્યું છે કે આપણા દેશમાં ક્રિકેટની કુશળતા કંઈ શહેરો પૂરતી સીમિત નથી. જેન્ટલમૅન્સ ગેમ તરીકે ઓળખાતી આ રમત આપણે ત્યાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલૂરુ પૂરતી મર્યાદિત નથી. યુપી, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, આસામ જેવા રાજ્યોમાંથી પણ ખેલાડીઓએ (આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કે આઇપીએલમાં) પ્રભાવ પાડ્યો છે. ક્રિકેટને રાષ્ટ્રીય રમત ઘોષિત કરવી જરૂરી એ માટે પણ છે કે જો આપણે ક્રિકેટ જેવી સૌથી સફળ રમતને પણ રાષ્ટ્રીય ખેલ તરીકેનો દરજ્જો ન આપીએ તો બીજી નાની રમતો (દેશમાં ઓછી લોકપ્રિય રમતો) આવા દરજ્જાની ક્યારેય આશા પણ નહીં રાખી શકે.
આપણે ત્યાં ક્રિકેટની રમત લગભગ 80 ટકાથી વધુ લોકો ફૉલો કરતા હોય છે એટલે એને નૅશનલ ગેમ તરીકે જાહેર કરવી જ રહી. જોકે અન્ય રમતોમાંથી પણ ઍથ્લીટોએ ભારતનું નામ રોશન કર્યું છે. ભાલાફેંકમાં નીરજ ચોપડા દરેક ઑલિમ્પિક્સમાં ભારતને ગૌરવ અપાવે છે. બૅડ્મિન્ટનમાં પી. વી. સિંધુએ દેશનું નામ ગર્વથી ફેલાવ્યું છે અને હવે તો શૂટિંગમાં મનુ ભાકર એ કામ કરી રહી છે. એ જોતાં, આપણે આવી રમતોને પણ મહત્ત્વ અને સન્માન આપવું જોઈએ. ખરેખર તો આ માન મેળવવાનું આ રમતનો અને દેશનું નામ રોશન કરતા વીરો અને વીરાંગનાઓનો અધિકાર પણ છે. આપણે એ લેશમાત્ર ન વિચારવું જોઈએ કે ક્રિકેટને રાષ્ટ્રીય રમત તરીકે ઘોષિત કરવાથી આ બધી રમતોનું મહત્ત્વ ઘટી જશે.
રાષ્ટ્રીય ખેલની જાહેરાત કેમ જરૂરી?
આપણે જ્યારે પણ કોઈ રમતને રાષ્ટ્રીય રમત તરીકે ઓળખાવીએ ત્યારે એનો મતલબ માત્ર લોકપ્રિયતા જ નથી, એ રમત પ્રત્યેની લોકોની ભાવનાને કેવી રીતે એકમેકને જોડાયેલા રાખે છે અને દેશની ધડકન બની જાય છે એવો સીધો અર્થ છે. એક સમય હતો જ્યારે હૉકી આપણી રાષ્ટ્રીય રમત જેવી જ હતી, કારણકે દુનિયાનો કોઈ દેશ એવો નથી જે હૉકીમાં આઠ-આઠ ઑલિમ્પિક્સના ગોલ્ડ મેડલ જીત્યો હોય! ભારત એકમાત્ર દેશ છે જેણે આ સર્વોત્તમ ઉપલબ્ધિ મેળવી છે. આજે આપણો રાષ્ટ્રવાદ સૌથી વધુ ક્રિકેટ સાથે જોડાયેલો છે. આપણે ક્રિકેટની હાર-જીતને રાષ્ટ્રીય સ્તરે સફળતા અને નિષ્ફળતા તરીકે ઓળખાવીએ છીએ. ક્રિકેટની રમત દેશના ખૂણે-ખૂણે ફેલાયેલી છે અને 140 કરોડ લોકોને એક રાખે છે. ક્રિકેટને જો રાષ્ટ્રીય ખેલ ઘોષિત કરવામાં આવશે તો સત્તાવાર રીતે એ સાંસ્કૃતિક ઉત્સવ તરીકે પણ ઓળખાવાશે. હવે તો ઑલિમ્પિક્સમાં પણ ક્રિકેટનું લગભગ દસ દાયકા બાદ પુનરાગમન થયું છે એટલે એને લીધે પણ ક્રિકેટની વિશ્વભરમાં લોકપ્રિયતા વધી જશે. દરેક ક્રિકેટપ્રેમીની ઇચ્છા હશે કે હવે તો લાલ કિલ્લા પરથી ક્રિકેટને રાષ્ટ્રીય રમત તરીકે ઘોષિત કરી જ દેવી જોઈએ.
આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅનઃ રણમેદાનમાં જીતી ગયા હવે રનમેદાન પર હરાવજો