સ્થાપત્યનું વાઈ-ફાઈઃ જગ્યા: દિવાલ-છત-ફરસ તથા બારીબારણા જેવાં બાંધકામથી-શરીરથી તેને બંધન મળે છે | મુંબઈ સમાચાર
વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ જગ્યા: દિવાલ-છત-ફરસ તથા બારીબારણા જેવાં બાંધકામથી-શરીરથી તેને બંધન મળે છે

હેમંત વાળા

દીવાલો એટલા માટે બનાવાય છે કે જગ્યા નિર્ધારિત થાય. છત એટલા માટે તે દીવાલ ઉપર ટેકવાય છે કે તેનાથી તે જગ્યાને આબોહવાના અને અન્ય કેટલાક વિપરીત પરિબળો સામે રક્ષણ મળે. દીવાલોમાં બારી એટલા માટે રાખવામાં આવે છે કે તે જગ્યામાં યોગ્ય પ્રમાણમાં હવા-ઉજાસ પ્રવેશે. તે જગ્યામાં આવનજાવન શક્ય બને તે માટે દીવાલોમાં બારણા ગોઠવવામાં આવે છે.

નીચે ફરસ પર લાદી એટલા માટે જડવામાં આવે છે કે તેનાથી તે સ્થાનની ઉપયોગિતામાં સરળતા રહે. અહીં રંગરોગાન પણ એટલા માટે જ કરાય છે કે જેનાથી તે જગ્યાની દૃશ્ય અનુભૂતિ સમૃદ્ધ બને. સ્થાપત્યમાં કેન્દ્રમાં તે જગ્યા અર્થાત્‌‍ સ્પેસ હોય છે. જે કંઈ કરવામાં આવે છે તે આ જગ્યા સ્થાન માટે જ છે.

આ જગ્યાની ઉપયોગિતામાં સરળતા રહે – અને સાથે કંઈક અંશે ઉપયોગિતા વધે – તે માટે રાચરચીલું ગોઠવવામાં આવે છે, કૃત્રિમ પ્રકાશ વ્યવસ્થાનું આયોજન કરાય છે, શણગાર માટે વિગતિકરણ તથા વધારાની વસ્તુઓ ગોઠવાય છે, જરૂરી સંરચનાકીય સવલતો ઉમેરાય છે, સાંસ્કૃતિક સંબંધ સ્થાપવા માટે પ્રતીકાત્મક રીતે અમુક બાબતો ઉમેરાય છે અને એ બધા ઉપરાંત તે જગ્યા સાથે જે તે વ્યક્તિનો મનોવૈજ્ઞાનિક તેમજ લાગણીમય સંબંધ સ્થાપવા માટે સંવેદનાઓને યોગ્ય મહત્ત્વ અપાય છે. આ સમગ્ર પ્રક્રિયાના કેન્દ્રમાં તે જગ્યા છે.

આ જગ્યા એટલે સ્થાપત્યનો આત્મા. બધું જ તેને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે. બધું જ તેને કારણે થાય છે. આ જગ્યામાં અપાર સંભાવનાઓ રહેલી હોય છે- તેની રચના માટે અને તેની ઉપયોગિતા માટે પણ. આ જગ્યા બનાવવાતી નથી હોતી પણ બની જાય છે. આમ જોવા જઈએ તો તે જગ્યા ત્યાં હતી જ, માત્ર મકાનના વિવિધ અંગોથી તેની સીમા નક્કી થઈ-તેનું નિર્ધારણ થયું.

આ જગ્યાને ક્યારેય ઓપ નથી અપાતો, તે ઉદ્ભવે છે. તેની રચના તો તેને નિર્ધારિત કરતા અંગ-અવરોધોની કરાય છે. આ અંગોના સ્થાન, પ્રમાણમાપ તથા રચનાથી તે જગ્યાની ગુણવત્તા સ્થાપિત થાય છે. જગ્યા તો પરિણામ છે. જગ્યા તો હેતુ છે. જગ્યાનું જ પ્રયોજન છે. જગ્યાને જ અર્થ સાથે સાંકળવામાં આવે છે. આ જગ્યા તો ઊભરી આવે છે.

વાસ્તવમાં આ જગ્યા આત્મા સમાન છે, દિવાલ-છત-ફરસ તથા બારીબારણા જેવાં બાંધકામથી-શરીરથી તેને બંધન મળે છે, ઓળખ મળે છે, તેનો પ્રકાર નિર્ધારિત થાય છે. ધરતીકંપમાં દીવાલો તૂટે, આ જગ્યા ક્યારે તૂટતી નથી. સમુદ્રના વાવાઝોડામાં મકાન તણાઈ જાય, આ જગ્યા તો ત્યાંની ત્યાં જ રહે. આ આત્માની ખાસિયત છે.

આ જગ્યા નીરસ પણ બની શકે અને સરસ પણ. આ જગ્યા અંતર્મુખી પણ હોઈ શકે અને બહિર્મુખી પણ. અહીં ચોક્કસ કાર્યહેતુમાં વ્યક્તિ સરળતાથી અને ઈચ્છાથી સંલગ્ન થઈ શકે તેવો પ્રયાસ પણ હોય અને સાથે સાથે વ્યક્તિને મુક્તતાની અનુભૂતિ મળે તેનું પણ ધ્યાન રખાય. અહીં સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિબિંબ પણ દેખાય અને સાથે સાથે વ્યક્તિગત મૂલ્યો પણ અંકિત થાય. જગ્યાનું નિર્ધારણ કરતી વખતે કાયદાનું પાલન પણ અગત્યનું ગણાય અને સાથે સાથે સર્જનાત્મકતાને પણ પૂરતો અવકાશ સ્કોપ મળે તેનું ધ્યાન રખાય.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ધ કૅબિન ઓફ સેઇલ્સ – ચીન

અહીં કેટલીક જગ્યાઓ ચોક્કસ કાર્યહેતુ માટે હોય તો કેટલીક મોકળાશની અનુભૂતિ માટે. અહીં મુક્તતા પણ હોય અને શિસ્તબદ્ધતા પણ. અહીં પરંપરા પણ હોય અને આધુનિક તાપમાન. અહીં કળાત્મક અભિવ્યક્તિ પણ રહે અને તકનિકી જ્ઞાન પણ પ્રયોજાય.

એકંદરે એમ કહી શકાય કે સ્થાપત્યની જગ્યા એટલે એવું સ્થાન કે જ્યાં વ્યવહારૂ ઉકેલ હોય, વ્યક્તિગત સંવેદનાઓ હોય, સામાજિક સમીકરણનું પ્રતિબિંબ હોય, વ્યક્તિગત અભિવ્યક્તિની સંભાવના હોય, તકનિકી જાણકારી સાથે પ્રયોજાયેલી કળા હોય, થોડું નિર્ધારણ હોય તો થોડીક મસ્તી હોય. સ્થાપત્યના આત્માની આ ખાસિયત છે. અહીં મર્યાદામાં રહીને સપનાને સાકાર કરવાની વાત છે. સ્થાપત્ય એ સ્વપ્ન અને વાસ્તવિકતાનો સમન્વય છે, સ્થાપત્યના આત્માની આ ભૂમિકા છે.

સ્થાપત્યના આત્માની – આ જગ્યાની ગુણવત્તા તેના પ્રમાણમાપ, ત્યાં સુધી પહોંચવાના માર્ગના પ્રકાર, પ્રયોજવામાં આવેલ કુદરતી તેમજ કૃત્રિમ પ્રકાશ વ્યવસ્થા, જરૂરી અન્ય સવલતોનો તર્કબદ્ધ સમાવેશ, મનોવૈજ્ઞાનિક જરૂરિયાત પ્રમાણે કરાયેલ કેટલુંક સંવેદનશીલ આલેખન તથા આજુબાજુની પરિસ્થિતિ સાથે તેનો સુ-સંવાદ; જેવી બાબતો પર આધાર રાખે છે.

આ બાબતોની સફળતાને નિર્ધારિત કરી શકાય તેવો કોઈ માપદંડ નથી. આ જગ્યાની ગુણવત્તાનો નિર્ણય પ્રવર્તમાન સામાજિક પ્રવાહ, વ્યક્તિગત મૂલ્યો તેમજ સ્થાપિત કરાયેલ અગ્રતાક્રમ પર આધાર રાખે. સ્થાપત્યમાં આ સારું જ છે અને આ જ સારું છે તેમ નથી કહી શકાતું. અહીં દરેક રચનામાં અમુક સારપ હોય છે અને અમુક ખામી હોય છે. જેમ અહીં કશું સંપૂર્ણતામાં સારું નથી તેમ સંપૂર્ણતામાં કશું જ અસ્વીકૃત પણ નથી.

અહીં દરેક રચનાની કોઈ ઉપયોગીતા છે અને સાથે સાથે તે ઉપયોગિતામાં મર્યાદા પણ છે. અહીં સુંદરતાની કોઈ નિર્ધારિત પરિભાષા નથી, છતાં રચનાકાર સાંપ્રત સમયમાં સ્વીકૃત એવી એક સૌંદર્યની પરિભાષા આલેખે છે. અહીં કેટલીક બાબતો ઉપયોગિતા પ્રમાણે જરૂરી હોય છે જ, પણ તે સિવાય પણ ક્યાંક ઉદ્દેશ્ય જળવાઈ જતો હોય છે. આ આમ જ હોવું જોઈએ તેવું સ્થાપત્યમાં નથી કહી શકાતું.

સ્થાપત્યની આ એક મહાન શક્તિ પણ છે અને નબળાઈ પણ. જો પરિસ્થિતિનો હકારાત્મક ઉપયોગ થયો હોય તો તે યથાર્થ કહેવાય અને તેનાથી વિપરીત સંજોગોમાં તે ગોઠવાણ કહેવાય. બંનેની સમાન સંભાવનાઓ છે અને તેથી સ્થાપત્યમાં બધું જ લગભગ સ્વીકારી લેવામાં આવે છે.

છતાં પણ ક્યાંક મર્યાદાઓ છે જેમાં નબળાઈ છતી થઈ જાય. જો મકાનનું બંધારણ નબળું હોય અને માળખાકીય રચનામાં તકલીફ હોય, જો મકાનની જે તે જગ્યાની ઉપયોગિતામાં સગવડતા કરતાં અગવડતા વધારે અનુભવાતી હોય, જો જે તે જગ્યામાં માનવી વ્યક્તિ ઝડપથી ત્રસ્ત થઈ જતો હોય, જો ઉપયોગકર્તાને મકાનની જે તે પરિસ્થિતિ સંવેદનાહીન-મશીન સમાન જણાતી હોય, જો સામાજિક મૂલ્યોનું હનન થતું હોય, તો તે મકાનનું મૂલ્યાંકન નિમ્ન રહેવાનું.

આ રીતનું મૂલ્યાંકન જગ્યાનું થવાનું છે. જગ્યા વિના મકાન સંભવી જ ન શકે અને મકાન હોય ત્યાં જગ્યા હોય જ. આત્મા વિના – આ જગ્યા વિના બધું જ નકામું. આ જગ્યા છે તો સ્થાપત્ય છે. આ જગ્યા છે તો મકાનની ઉપયોગિતા છે. આ જગ્યા છે એટલે મકાન સાથે તાદાત્મ્યતા છે. આ જગ્યા છે એટલે સ્થાપત્યનું અસ્તિત્વ છે.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ લુવ્ર મ્યુઝિયમ- અબુધાબી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button