ઈરાની ફિલ્મો ને દિગ્દર્શકો પાસેથી આપણે શું શું શીખવા જેવું છે…?

જ્વલંત નાયક
આ લખાય છે ત્યારે ઈરાનનું ચલણ રિયાલ ઐતિહાસિક અવમૂલ્યન પામીને તળિયે જઈ બેઠું છે. અમેરિકન ડૉલર સાથે સરખામણીની તો વાત જ જવા દો. ભારતીય ચલણ સાથે રિયાલની સરખામણી કરીએ તો આજની તારીખે એક ભારતીય રૂપિયો બરાબર આશરે 12,000 રિયાલ થાય! ઈરાનનું અર્થતંત્ર કંઈ એટલું નબળું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય તણાવ અને અમેરિકી હુમલાના તોળાઈ રહેલા ભયને કારણે રિયાલનું આટલી હદે અવમૂલ્યન થયું.
હવે જો તમે આજકાલના સમાચારો વાંચીને ઈરાન વિશે કોઈ છાપ બાંધી હશે તો તમે આ પ્રાચીન દેશને સાવ પાકિસ્તાન જેવો ધારી લો એમ બને. જોકે હકીકત સાવ જુદી છે. ઈરાન પાસે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે. છેલ્લા થોડા દાયકાઓના કટ્ટર ઇસ્લામી શાસને ઈરાનને પડદા પાછળ ધકેલી દીધું એ ખરું, પણ ઈરાની પ્રજા સાવ જાહિલ નથી. ખાસ કરીને ઈરાની ફિલ્મો તો વારંવાર વૈશ્વિક સ્તરે કાઠું કાઢતી રહે છે. આ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવવાની શરૂઆત કરી `ચિલ્ડ્રન ઓફ હેવન’ નામની ફિલ્મે.
ફિલ્મોની વાત કરતા પહેલા ઈરાની સરકારની સેન્સરશિપ વિષે વાત કરવી જોઈએ. ઈરાનમાં ફિલ્મો ઉપર જે હદની સેન્સરશિપ છે એ આપણા ભારતીય દર્શકો માટે તો કલ્પના બહારની વાત ગણાય. ઈરાની ફિલ્મોમાં મહિલા કલાકારો ઇસ્લામિક પોષાકમાં સંપૂર્ણપણે ઢંકાયેલી જ જોવા મળશે.
સ્ત્રી અને પુરુષ વચ્ચે શારીરિક ઘનિષ્ઠતા દર્શાવતાં દૃશ્યો તો સાવ જ ભૂલી જાવ. સરકારની ટીકા, વ્યભિચાર કે ઇસ્લામ વિરુદ્ધના વિચારો સાંખી લેવાનો તો પ્રશ્ન જ પેદા નથી થતો. ઉલટાનું ફિલ્મનાં દૃશ્યો એવા રાખવા પડે છે જેમાં ઇસ્લામિક મૂલ્યોને પ્રોત્સાહન મળે. સરકારી પ્રોપેગેન્ડા ફિલ્મોને મંજૂરી મળી જાય, બાકી રાજકીય મુદ્દે ફિલ્મ બનાવવાની ભૂલ અહીંના દિગ્દર્શકોને સપનામાં ય પરવડે એમ નથી.
નગ્નતા અને હિંસા જેવું કશું અહીંની ફિલ્મોમાં આવતું જ નથી. ટૂંકમાં ભારતીય સર્જકો ઈરાન જાય તો એમણે ફરજિયાતપણે કારકિર્દી બદલવી પડે, કેમકે એમની જેમાં હથોટી છે, એવું કશું ઈરાની ફિલ્મોમાં દર્શાવી શકાતું નથી. ઈરાન વિશ્વમાં સૌથી વધુ સેન્સરશિપ લાદતો દેશ છે, અને આ કટ્ટર સેન્સરશિપ સામે ઈરાની સર્જકો પાસે એક જ તીક્ષ્ણ હથિયાર છે અને એ છે સર્જનાત્મકતા.
આવા એક ફિલ્મ સર્જક છે માજીદ મજીદી. દુનિયાભરના ફિલ્મ ક્રિટીક્સ આ માણસને ઓળખે છે. આ ઈરાની દિગ્દર્શક પોતાના મિડાસ ટચ માટે જાણીતા છે. ઈરાની સરકાર દ્વારા લદાયેલી સેન્સરશિપની હદમાં રહીને આ માણસે એવી ઉત્તમ ફિલ્મો આપી, જેને વર્ગખંડોમાં ભણાવી શકાય. મજીદીની ફિલ્મોમાં બાળકો અને પરિવારોની વાર્તાઓ મુખ્ય હોય છે. આ ફિલ્મો જોતી વખતે એમાં સરળતા, ભાવનાત્મક ઊંડાણ અને માનવીય મૂલ્યોનું ઉત્કૃષ્ટ ચિત્રણ બહુ સહજપણે થતું અનુભવાશે.
ચિલ્ડ્રન ઓફ હેવન’ની જ વાત કરીએ તો એમાં બે નાનકડા બાળક ભાઈ અને બહેનની વાત છે. એમની પાસે જૂતાની એક જ જોડ છે. બસ, આટલા અમથા કથાવસ્તુને આધારે ફિલ્મની અદ્ભુત ગૂંથણી થઇ. લોકોને એ એટલી પસંદ પડી કેઓસ્કાર’ માં `બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મ’ની કેટેગરીમાં નોમિનેશન મેળવી શકી.
એજ રીતે એક અંધ બાળકની વાર્તા ધ કલર ઓફ પેરેડાઈઝ’, ફાર્મમાં કામ કરતા શ્રમજીવીની વાર્તા કહેતીધ સોંગ ઓફ સ્પેરોઝ’ જેવી કેટલીક ફિલ્મોમાં મજીદીની સર્જનાત્મકતાનો ચમકાર જોવા મળશે. 2017માં તેઓ ભારતીય કલાકારો સાથે `બિયોન્ડ ધી કલાઉડ્સ’ નામથી પોતાની પ્રથમ ભારતીય ફિલ્મ પણ ડિરેકટ કરી ચૂક્યા છે.
એક આડવાત, થોડા દિવસો અગાઉ મને કામ નથી મળતું'નો કકળાટ કરીને લોકરોષનો ભોગ બનેલા રેહમાને જબિયોન્ડ ધી ક્લાઉડ’ માં સંગીત પીરસ્યું છે. જો કે એ ખાસ નોંધપાત્ર નથી નીવડી શક્યું એ અલગ વાત છે.
અહીં માત્ર માજીદ મજીદી નામના એક જ દિગ્દર્શકની વાત કરી, એવા તો બીજા ય કેટલાક દિગ્દર્શકો છે જે સરકારી સેન્સરશિપની હદમાં રહીને પણ ઉત્તમ સર્જન કરતા રહ્યા છે. અસગર ફરહાદી અ સેપરેશન' (2011) અનેધ સેલ્સમેન’ (2016) જેવી બે-બે ફિલ્મો માટે ઓસ્કાર એવોર્ડ્સ જીતી ચૂક્યા છે. એ સિવાય જાફર પનાહીથી માંડીને અલીરેઝા ખતામી જેવા સર્જકોની ફિલ્મો દુનિયાભરમાં જોવાય છે.
ઈરાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે આટલી વાત કર્યા પછી બોલિવૂડને ય યાદ કરી લેવું જોઈએ. આપણે બધા બોલિવૂડની અને હવે તો સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી હિન્દીમાં ડબ થઈને આવેલી ફિલ્મોના પણ દીવાના છીએ. તેમ છતાં એટલું તો સ્વીકારવું જ પડે કે ક્રિએટીવિટી બાબતે આપણે વૈશ્વિક ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામે ઊણા ઊતરીએ છીએ. કોઈ પણ પક્ષની સરકારમાં હજારો વાંધાવચકા અને સમસ્યાઓ હોવાના જ. પણ સત્તાસ્થાને પોતાને ન ગમતી સરકાર બિરાજે, એટલા માત્રથી ચિડાઈ ગયેલી સુપરસ્ટારની પત્ની સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી દે છે કે `ભારતમાં હવે રહી શકાય એમ નથી’!
આ લોકોએ જો ઈરાન જેવી સેન્સરશિપમાં કામ કરવાનું આવે તો શું ઉકાળે? સામાજિક-રાજકીય બાબતોને ઊંડાણપૂર્વક સમજ્યા વિના જ બોલિવૂડની હસ્તીઓ વારેતહેવારે ઓપિનિયન્સ ઠપકારી દે છે. એમને કશી સામજિક નિસ્બત હોતી જ નથી. એ વાત તો હવે જગજાહેર છે કે માત્ર સોશ્યલ મીડિયા પર પોતાનું ફેન ફોલોઈંગ વધારવા જ આવા ગતકડા થતા હોય છે. આ આખી રમત સમજી ગયેલા લોકો બોલિવૂડ સેલિબ્રિટીને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરે ત્યારે આ સેલિબ્રિટીઝ વધી રહેલી અસહિષ્ણુતા સામે ચીસાચીસ કરી મૂકે છે.
બીજી તરફ ઈરાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કલાકારો કોઈ વધારાની લમણાઝીંકમાં પડ્યા સિવાય માત્ર સારી ફિલ્મો બનાવે છે. પરિણામે ભારત દર વર્ષે સૌથી વધુ ફિલ્મો પ્રદર્શિત કરતો દેશ હોવા છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપણા કરતાં ક્યાંય વધુ માનમરતબો ભોગવે છે.
સાવ એવું ય નથી કે ઈરાની દિગ્દર્શકો સરકારી દબાણ હેઠળ દટાઈ મૂઆ હોય. જેમનો ઉલ્લેખ કર્યો છે એ જાફર પનાહી પોતાની ફિલ્મો બદલ જેલવાસ અને પ્રતિબંધોનો સામનો કરી ચૂક્યા છે. ઘણા દિગ્દર્શકો અન્ડરગ્રાઉન્ડ રહીને પોતાની ફિલ્મો ય બનાવે છે, જે યેન કેન પ્રકારે વિશ્વના દર્શકો સુધી પહોંચે છે. બોલિવૂડ છાપ ખાલીપીલી રોક્કળને બદલે ઈરાની દિગ્દર્શકોએ સાચી સર્જનાત્મકતાનો રસ્તો અપનાવ્યો છે, એમાંથી આપણા ફિલ્મ સર્જકોએ ઘણું શીખવા જેવું છે.



