ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સઃ ઇર્ષ્યા...
વીક એન્ડ

ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સઃ ઇર્ષ્યા…

ટીના દોશી

નામ માહિર મહેતા. ઉંમર: બત્રીસની આસપાસ. વ્યવસાય: નવલકથા લેખક. સરનામું: આશિયાના બંગલો, મોટી પોસ્ટ ઓફિસની પાછળ, ભવાની મંદિરના ખાંચામાં, શ્રીજી નગર ઢાળ પાસે…!

સાહિત્ય જગતનો નવોસવો લેખક હોય તો એણે પત્ર લખવા પરબીડિયા પર ફરજિયાત આખું સરનામું લખવું પડે. પણ આ તો માહિર મહેતા હતો. પરબીડિયા પર માત્ર માહિર લખીને પોસ્ટ કરવામાં આવે તોય પત્ર એની પાસે પહોંચી જાય એવો પ્રખ્યાત નવલકથાકાર. લખવામાં માહિર. વાર્તાનું વિષયવસ્તુ વિચારવામાં માહિર. કાગળ પર કંડારવામાં માહિર. લેખનકળાનો કસબી અને કીમિયાગર.

એની તાજગીભરી કલમ માનવીય સંવેદનાઓને કુશળતાથી વ્યક્ત કરતી. માનવહૃદયનાં ઝીણાં સ્પંદનો અને સૂક્ષ્મ મનોભાવને અક્ષરદેહે ઝીલતી. પરંપરા અને આધુનિકતાનો એ સુભગ સમન્વય કરતો. એની સચોટ અભિવ્યક્તિ, એની શૈલી, એનું નિરૂપણ, એનું પાત્રાલેખન અને વાચકને પળેપળે જકડી રાખવાની કળા અજોડ તથા અદભુત હતી. એનું દરેક દ્રશ્ય જીવંત થઇ જતું.

દરેક પાત્ર કથાનાં પૃષ્ઠોમાંથી બહાર નીકળી વાચક સાથે જાણે વાત કરતું. વાચક પોતે વાર્તાનું પાત્ર બની જતો. વાર્તામાં એવો ખોવાઈ જતો કે વાર્તા પૂરી થાય ત્યારે જ એમાંથી બહાર નીકળી શકતો. વાર્તા પર આવી પકડ અને હથોટી હતી માહિરની.

નવા વિચારો સાથે આવેલો માહિર સાહિત્યના આકાશનો એવો તેજસ્વી સિતારો હતો, જે ઝડપથી ઝળહળતો સૂર્ય બની જવાનો હતો! એવું કહેવાતું કે એની નવલકથા કોઈ એકવાર હાથમાં લે એટલે એ વાર્તા પૂરી કરીને જ ઊભું થાય. એની પહેલી નવલે જ સાહિત્યપ્રેમીઓમાં ધૂમ મચાવેલી.

બીજી અને ત્રીજી નવલકથા પ્રકાશિત થતાં સુધીમાં તો એના નામના સિક્કા પડવા લાગ્યા. એની નવલ છાપવા માટે અખબારોમાં અને સામયિકોમાં સ્પર્ધા થવા લાગી. પ્રકાશનગૃહોમાં પણ ટંકશાળ પાડતા આ લેખકની કથાઓ પ્રકાશિત પડાપડી થવા લાગી. માહિર એકદમ વ્યસ્ત થઇ ગયો. ઇન્ટરવ્યૂઝ, ડિબેટસ, જાહેરાતો, વ્યાખ્યાનો… માહિર જે કહે એ બ્રહ્મવાક્ય થઇ જાય. માહિર જે પહેરે એ ટે્રન્ડ થઇ જાય. એ જેનું વિજ્ઞાપન કરે એ બ્રાન્ડની લોટરી લાગે… માહિર જ માહિર. અત્ર તત્ર- સર્વત્ર…. માહિર જ માહિર!

આમ તો એ લેખનક્ષેત્રે જૂનો જોગી નહોતો, ત્રણેક વર્ષથી જ કલમ ઉપાડી હતી એણે. વર્ષે વર્ષે એક નવલકથા લખતો. માહિરની પહેલી નવલકથા હતી ન્યાય-અન્યાય’, બીજીઅંધારા-અજવાળાં’ અને ત્રીજી `રંગબેરંગ’…. આ ત્રણેય નવલકથામાં સામ્ય એ હતું કે માહિરની ત્રણે કથાનાયિકાઓ દિયા, પિયા અને જિયા ભલે બહુ ખૂબસૂરત નહોતી, પણ ખુદ્દારી અને ખુમારીવાળી જરૂર હતી. ત્રણેય બિચારી બાપડી નહોતી. લડાયક મિજાજની હતી. વિપરીત સંજોગો સામે ટક્કર ઝીલતી ખૂબ મજબૂત અને મક્કમ મનોબળની. કદાચ આ જ વાત વાચકોને ગમી ગયેલી. ખાસ કરીને યુવા સ્ત્રીઓને.

અત્યારે માહિર ચોથી નવલકથા લખી રહ્યો હતો. એનું નામ `જળ-મૃગજળ’ નવલકથા પૂરી થવામાં જ હતી. કથાનાયિકા સિયા પણ અગાઉની ત્રણ કથાનાયિકાઓની જેમ અલ્લડ અને ખુમારીવાળી હતી. એનું અત્યંત પ્રભાવશાળી ચિત્રણ માહિરે કરેલું. માહિરના મનમાં ખયાલ ઝબકી ગયો, સિયા લોકોના દિલોદિમાગમાં અમર થઇ જશે! પોતે ઘડેલું પાત્ર યાદગાર બની જાય, ચિરંજીવ થઇ જાય, એક લેખક માટે એનાથી મોટો પુરસ્કાર શું હોઈ શકે?

માહિર વિચારમાં ખોવાયો હતો કે એટલામાં રાતના દસના ડંકા પડ્યા. માહિરે આળસ મરડી. બગાસું ખાધું. આંખોમાં ઊંઘ ભરાયેલી. પણ આજે તો કથા પૂરી કરે જ છૂટકો! માહિર ચાનો રસિયો હતો. ગરમ ફાંકડી લિજ્જતદાર ચાયની પ્યાલી થઇ જાય. ચાય હાજર!

માહિર કથાનું છેલ્લું પ્રકરણ લખવા માંડ્યો. માહિર થોડું પેપરવર્ક કરી લેતો અને પછી અંતિમ ડ્રાફ્ટ કરતો. અત્યારે એને પોતાના કાચા લખાણથી સંતોષ થયો હતો. એટલે ફાઈનલ ડ્રાફ્ટ લખવાનું શરૂ કર્યું. એ લખતો હોય ત્યારે કોઈ એને ખલેલ ન પહોંચાડે એવી સ્થાયી સૂચના હતી. રાત્રે મોડે સુધી લખતો હોય તો સવારે મોડે સુધી ઊંઘતો.

રાત્રે સૂવામાં ગમે તેટલું મોડું થયું હોય, સવારે નવ વાગે તો માહિર જાગી જ જતો. પણ બીજે દિવસે સવારના સાડા દસ થયા તોયે માહિર ઊઠ્યો નહીં એટલે એની માતા મનોરમા અને બહેન રાજશ્રીને ચિંતા થઇ: કંઇ અજુગતું તો નહીં થયું હોયને!બંને માહિરના લેખનખંડમાં ગયા. સામેનું દ્રશ્ય જોઇને ચીસ પાડી ઊઠ્યાં.

માહિરે પોતાના લમણામાં બંદૂક ફોડીને આપઘાત કર્યો હતો!

કરણ બક્ષી અને જયરાજ જાડેજાએ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. આશિયાના બંગલાના કોરિડોરમાંથી જમણી બાજુએ લાંબોપહોળો બેઠકખંડ આવે, પણ એમાં જવાની જરૂર નહોતી. કોરિડોરમાં સીધેસીધા જઈએ એટલે જમણી બાજુનો પહેલો ખંડ માહિરનાં માતા મનોરમા મહેતાનો આવે. બીજો ખંડ બહેન રાજશ્રીનો. ત્રીજો ખંડ માહિરનો. શયનખંડ પણ ખરો અને લેખનખંડ પણ ખરો.

કરણ અને જયરાજ વિશાળ ખંડમાં દાખલ થયા. એક દીવાલે પલંગ અને બીજી દીવાલે આખી દીવાલ આવરી લેતાં ભીંતેજડેલાં લાકડાના કબાટમાં ઢગલાબંધ પુસ્તકો. કબાટને કાચના દરવાજા. એમાં માહિરની નવલકથાઓ દેખાઈ. દરવાજાની બરાબર સામે માહિરનું કાચનું રાઈટિગ ટેબલ હતું. છ ફૂટ લાંબું ચાર ફૂટ પહોળું. જમણી બાજુ કોતરણી કરેલું પેનસ્ટેન્ડ. પેનસ્ટેન્ડ પાસે થોડાં કાગળિયાં. પેન, લેપટોપ. બાકીનો ભાગ એકદમ સ્વચ્છ હતો. ટેબલની પાછળ રિવોલ્વિંગ ચેર. આ ખુરસી પર બેસીને માહિર લખતો.

અત્યારે પણ માહિર ખુરસી પર જ બેઠો હતો. ના, ઢળી પડેલો! મૃતદેહની સ્થિતિ જોઇને એવું લાગતું હતું કે રાત્રે એકથી ચાર વાગ્યામાં બનાવ બન્યો હશે!

કરણ અને જયરાજે જોયું કે માહિરની મુખાકૃતિ મનોહર હતી, પણ પ્રાણ વિનાની. પિસ્તોલની ગોળીઓ માહિરના જમણા લમણાને વીંધીને આરપાર નીકળી ગયેલી. ગોળી વાગે એ જગાએ છિદ્ર નાનું હોય છે અને એના ફોર્સને કારણે જ્યાંથી નીકળે એ ઠેકાણે છિદ્ર થોડું મોટું હોય છે એ નિયમ અનુસાર માહિરના ડાબા લમણામાં થોડું મોટું છિદ્ર થયેલું. લોહી વહી ગયેલું. એનો જમણો હાથ નીચે ઝૂલી રહ્યો હતો અને એ હાથે પિસ્તોલ મજબૂતીથી પકડી હતી. એ હાથમાં પહેરેલા કડામાં રૂમાલ વીંટળેલો હતો. સામે પડેલા કાગળિયામાં નવલકથાનું એક દ્રશ્ય લખ્યું હતું:

રિશીએ ખૂબ હાથપગ જોડ્યાં. વારંવાર માફી માગી. પણ સિયા ન માની તે ન જ માની. પોતાના ચરિત્ર પર કોઈ આંગળી ચીધે એ એનાથી સહન થાય તેમ નહોતું. સ્વમાનને ભોગે કશું જ નહીં એ એનો મુદ્રાલેખ હતો. એ માનુની હતી. સ્વાભિમાની હતી. રિશીએ એની સાથે જે વર્તન કર્યું હતું એ ભૂલી શકે એમ નહોતી. એ પાછી ફરી ગઈ. રિશીએ એને રોકવાનો પ્રયાસ કર્યો. પણ વ્યર્થ.

રિશીને પણ મનમાં થયું કે પોતે ખોટું કર્યું. સિયાને ઓળખવામાં ભૂલ કરી. પણ હવે ઘણું મોડું થઇ ગયું હતું. પોતે બધું જ કરી છૂટ્યો, પણ સિયા નથી માનતી.એ સિયાને જતી જોઈ રહ્યો. દૂર, દૂર ને વધુ દૂર… બસ, હમણાં આંખોથી ઓઝલ થઇ જશે. રિશી ભીતરથી ખાલી થઇ ગયો. એની જિંદગીનું જળ હવે મૃગજળ બની ગયું હતું. સિયા જ જળ હતી અને હવે મૃગજળ પણ એ જ હતી. રિશીએ પિસ્તોલ ઉઠાવી અને લમણે ટેકવી. બીજી પળે એક ધડાકો સંભળાયો…!

મનોરમા ચોધાર આંસુએ રડતાં બોલી: `અરેરે, મારા દીકરા, અમને છોડીને ક્યાં ચાલ્યો ગયો? એવું તે શું થઇ ગયું કે તારે આમ આપઘાત કરવો પડ્યો? મારો ને તારી બહેનનો વિચાર ન પણ ન આવ્યો તને?’ રાજશ્રી પણ રડતાં રડતાં માને વળગી પડી.

કરણે મા- દીકરીને સાંત્વન આપ્યું. પછી મનોરમા સામે નવલકથાનું દ્રશ્ય ધર્યું:
`તમે આ અંગે શું જાણો છો? માહિરે આના વિશે તમને કંઇ વાત કરેલી ખરી?’ બંનેએ માથું ધુણાવ્યું:
માહિર એની વાર્તા વિશે કોઈને કંઇ ન કહેતો. કોઈની સામે લખતો પણ નહીં. અમે નવલકથા છપાય ત્યારે જ વાંચતાં.

રાજશ્રી બોલી: `સર, આ નવલકથામાં આપઘાતનું દ્રશ્ય છે. એ લખતાં માહિરે આવેશમાં આવીને આપઘાત કર્યો હોય એવું તમને લાગે છે?’

`એમ ઉતાવળે કંઇ કહેવું યોગ્ય નહીં ગણાય…’ કરણે કહ્યું: માહિર તો લેખક હતો. એને પિસ્તોલની શું જરૂર પડી?

`સાહેબ, માહિર ખૂબ સફળ લેખક હતો…’ મનોરમા સ્વસ્થ થતાં બોલી:

`ઘણાને એની ઇર્ષ્યા થતી. એટલે સાવચેતી અને સુરક્ષા ખાતર એણે પિસ્તોલ વસાવી હતી. એનું લાઇસન્સ પણ છે.’ કહીને મનોરમા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગી:

`મને શું ખબર કે જીવ બચાવવા લીધેલી પિસ્તોલથી જ એ પોતાનો જીવ લઇ લેશે?’

જયરાજ: તમે રાત્રે પિસ્તોલનો કોઈ ધડાકો ન સાંભળ્યો?' રાજશ્રી:અં, ના. ધડાકો તો ન સંભળાયો.’ મનોરમાએ પણ હામી ભરી.
જયરાજ: `કદાચ સાયલેન્સર ચડાવેલી પિસ્તોલ હશે.’

રાજશ્રી અને મનોરમા: હોઈ શકે.’ કરણ:માહિરના જમણા હાથના કડામાં શેનો રૂમાલ બાંધ્યો છે? તમે બાંધ્યો છે?’
મનોરમા: `ના,ના.. માહિર જે રંગનું શર્ટ પહેરે એ જ રંગનો રૂમાલ કડામાં વીંટતો.’ કરણે જોયું કે માહિરનું શર્ટ વાદળી રંગનું હતું અને કડામાં વીંટાયેલો રૂમાલ પણ વાદળી જ હતો.

મનોરમા આગળ બોલી: `માહિરને એમ લાગતું કે કડામાં રૂમાલ વીંટવો એના માટે શુકનવંતું છે. એના એક પ્રિય લેખક પણ આ જ રીતે કડામાં રૂમાલ વીંટતા. એટલે માહિરે પણ આ ફેશન અપનાવેલી.’

કરણ: ગઈ કાલે માહિરને મળવા કોઈ આવેલું?’ રાજશ્રી:ના, કાલે માહિર લખવા માગતો હતો. એટલે એણે કોઈને મુલાકાતનો સમય આપ્યો નહોતો.’
જયરાજ: `માહિરના લગ્ન? એની કોઈ પ્રેમિકા હોય કે એવું બીજું કંઈક…’

મનોરમા: `એની પાછળ છોકરીઓ ગાંડી હતી. પણ માહિર કોઈને દાદ નહોતો દેતો. એની સગાઇ આવતા મહિને છે… હવે તો હતી! અમને એમ કે મયૂર માટે છોકરી મળી જાય તો બેયની સગાઇ સાથે જ કરી નાખીએ.’

કરણ: આ મયૂર કોણ છે?’ રાજશ્રી:મારો કઝીન. કાકાનો દીકરો. અત્યારે અહીં જ છે.’
કરણ: `તો બોલાવો એને. ક્યાં છે એ. આટલી મોટી ઘટના બની ગઈ તોય દેખાતો નથી? શું કરે છે એ?’

રાજશ્રી સામેના ખંડમાં મયૂરને બોલાવવા ગઈ. મનોરમાએ કહ્યું: `એ હજુ ચાર દિવસથી જ આવ્યો છે. ચાર-પાંચ વર્ષ પહેલાં માસ્ટર્સ કર્યું છે. ક્યારનો નોકરી શોધે છે. પણ મેળ નથી પડતો. અહીં નોકરી મળે તો છોકરી પણ મળે.’

મનોરમાનું વાક્ય પૂં થયું એટલામાં આળસ મરડતો લઘરવઘર મયૂર આવી પહોંચ્યો. કરણ અને જયરાજને થયું કે, મયૂરનો અર્થ ભલે મોર થતો હોય, આ મયૂર શિયાળ જેવો દેખાય છે. લુચ્ચો અને કપટી. પોલીસને જોઇને ભેંકડો તાણ્યો: `અરેરે, મારો ભાઈ.. અમને છોડીને ક્યાં જતો રહ્યો? હાય, હાય..રિશીને આપઘાત કરાવતાં કરાવતાં પોતે પણ આપઘાત કરી લીધો. ઓ મારા ભઈલા રે…’ કહેતાં મયૂરે પોક મૂકી.

જયરાજ: તમે પિસ્તોલનો ધડાકો સાંભળેલો?’ મયૂર:ના, એ તો સાયલેન્સર ચડાવેલી હતીને? ધડાકો ક્યાંથી સંભળાય?’
કરણ અને જયરાજે આંખોથી જ સંતલસ કરી. પછી મયૂરને પૂછ્યું: `ગઈ કાલે રાત્રે તમે માહિરને મળેલા?’

મયૂર: હું રાત્રે એની પાસે ગયેલો ખરો, પણ એ લખવામાં વ્યસ્ત હતો એટલે હું પાછો વળી ગયેલો.’ કરણ:માહિરનું ખૂન કરીને, કેમ?’
મનોરમા અને રાજશ્રી: `ખૂન??!!’

મયૂર: ઇન્સ્પેક્ટર, મોઢું સંભાળીને બોલો. મેં ખૂન કર્યું છે એમ તમે શેના પરથી કહો છો? આ તો ચોખ્ખો આપઘાતનો કેસ છે!’ મનોરમા:હા, ઇન્સ્પેક્ટર. માહિરે આત્મહત્યા જ તો કરી છે. મયૂર એનું ખૂન કેમ કરે? તમે એવું શા પરથી કહો છો?’

કરણ: તો સાંભળો. મેં માહિરનો મૃતદેહ જોયો ત્યારે જ મને ખબર પડી ગયેલી કે એણે આપઘાત નથી કર્યો. પણ એનું ખૂન થયું છે!’ જયરાજ:એ કઈ રીતે?’

કરણ: `પહેલો મુદ્દો, આપણે માહિરના ઓરડામાં દાખલ થયા ત્યારે તેં જોયું હશે કે જમણી બાજુએ પેનસ્ટેન્ડ અને કાગળિયાં હતા. પણ એ તો આપણી જમણી બાજુ, જે માહિરની તો ડાબી બાજુ થાય. માહિર ડાબોડી હોય તો જ એણે પેનસ્ટેન્ડ ડાબી બાજુએ રાખ્યું હોય. એનાથી એને પેન લેવામાં સરળતા રહે.

બીજો મુદ્દો, એના જમણા હાથના કડામાં રૂમાલ વીંટ્યો છે. હવે તું વિચાર. માણસ જમણેરી હોય તો ડાબા હાથના કાંડામાં રૂમાલ વીંટાળી શકે. પણ જમણા કાંડાના કડામાં જાતે રૂમાલ ન વીંટાળી શકે. કોઈએ એને વીંટાળી આપવો પડે. પણ માહિર તો પોતે જ રૂમાલ વીંટતો. એનો અર્થ એમ થાય કે એ ડાબોડી હતો. એટલે જ જમણા કાંડાના કડામાં રૂમાલ જાતે વીંટી શકતો. માહિર ડાબોડી છે એ તો સ્પષ્ટ થઇ જ ગયું છે?’

રાજશ્રી અને મનોરમા: `હા, સાહેબ…માહિર ડાબોડી જ હતો.’

કરણ: `માહિર ડાબોડી હોય તો પોતાના જમણા લમણે પિસ્તોલ ટેકવીને ગોળી કઈ રીતે છોડે? એણે જો આપઘાત કરવો જ હોય તો ડાબા હાથે પિસ્તોલ પકડીને ડાબે લમણે ગોળી ફોડે! એટલે મને ખ્યાલ આવી ગયો કે માહિરની હત્યા થઇ છે! હવે ખૂનીને શોધવો રહ્યો.

તમે કહ્યું કે ગઈ કાલે એણે કોઈને મુલાકાત આપી નહોતી અને કોઈ છોકરીનું ચક્કર નહોતું એટલે હત્યારો બહારથી આવ્યો નહોતો એ સ્પષ્ટ થઇ ગયું. એ કોઈ ઘરનું જ હતું. એવામાં તમે મયૂરની વાત કરી. મને એના પર ચાર બાબતે શંકા ગઈ. એક, ઘરમાં આવડો મોટો બનાવ બની ગયો તોય એ ન દેખાયો. બે, માહિર કોઈની સાથે પોતાની વાર્તાની વાત ન કરતો, પણ મયૂરે કહ્યું કે માહિરે સિયા અને રિશીના દ્રશ્યની ચર્ચા એની સાથે કરી.

એનો અર્થ એ કે માહિરને મારીને એણે વાર્તા વાંચી લીધી હતી. ત્રણ, મયૂરને પિસ્તોલ સાયલેન્સરવાળી હતી એ કઈ રીતે ખબર પડી? એને એ ખબર પડી એટલે જ તો એણે નિશ્ચિંત થઈને ખૂન કર્યું! ચાર, માણસ લમણે ગોળી ફોડે તો, ગોળીના પ્રચંડ વેગથી એક પ્રકારે ધક્કો વાગે અને એને લીધે પિસ્તોલ ઊછળીને હાથમાંથી પડી જાય. એને બદલે મરેલા માહિરે પિસ્તોલ બળપૂર્વક પકડી રાખી છે.

એનો સ્પષ્ટ અર્થ એવો થાય કે એને માર્યા પછી એના હાથમાં પિસ્તોલ પકડાવી દેવામાં આવી છે. મૃત્યુ પછી દેહ અકડાવા માંડે એટલે પિસ્તોલ પરની પકડ પણ મજબૂત થઇ છે! પિસ્તોલ ફોડતી વખતે ગનપાવડર નીકળતો હોય છે, એ પણ મયૂરના હાથે લાગેલો હશે! આ ચાર કારણોસર મયૂરે ખૂન કર્યું હોવાના તારણ પર હું પહોંચ્યો છું. બોલ, મયૂર, ખરું કે ખોટું?’

મયૂર ભાંગી પડ્યો. એણે કબૂલ કર્યું: `માહિર… માહિર… માહિર. જ્યાં જુઓ ત્યાં માહિર…. હું માહિરથી જલતો હતો. એની લોકપ્રિયતાને લીધે એની ઇર્ષ્યા કરતો હતો. મને નોકરી પણ નહોતી મળતી અને છોકરી પણ નહોતી મળતી. જયારે માહિરની પાછળ છોકરીઓ ગાંડી થતી. એક દિવસ વાતવાતમાં માહિરે મને સાયલેન્સરવાળી પિસ્તોલની વાત કરી.

મેં એ જ વખતે એને મારવાની યોજના ઘડી કાઢી. લાગ જોઇને હું ગઈકાલે રાત્રે એના રૂમમાં ગયો અને એનું ખૂન કરી નાખ્યું. એની વાર્તાનું દ્રશ્ય વાંચીને યાદ કરી લીધું. પછી ખૂનને આપઘાતનું સ્વરૂપ આપી દીધું. પણ મને શું ખબર કે માહિર ડાબોડી હશે! મેં એને લખતાં તો જોયો જ નહોતો!’
મનોરમા અને રાજશ્રીની આંખોમાંથી અંગારા ઝર્યા. મયૂર રડી પડ્યો. એનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું!

આવતા અઠવાડિયે નવી કથા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button