ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ- કપટ

ટીના દોશી
સુંદર મજાની રમણીય અને હરિયાળી ટેકરી. નાની પહાડી જેવી. ઊંધા પડેલા થાળ જેવો સપાટ આકાર. શિખર પર લીલાંછમ વૃક્ષો. એની ટોચેથી કલકલ ઝરણું સર્પાકારે નીચે સુધી વહેતું. ટેકરી પરથી પૂર્વનો સૂર્યોદય અદભૂત અને પશ્ચિમનો સૂર્યાસ્ત આહલાદક દેખાતો. એક જ ટેકરી પરથી સનરાઈઝ પણ દેખાય અને સનસેટ પણ નિહાળી શકાય. એ જ તો વિશેષતા હતી આ ટેકરીની.
ટેકરી નગરથી બહુ દૂર પણ નહીં ને બહુ નજીક પણ નહીં. કળાના કસબીઓ ટેકરી પરથી દેખાતાં ભવ્ય દ્રશ્યોને કેમેરે કંડારતાં. રજાની મજા માણવા અને કુદરતનો નજારો જોવા સહેલાણીઓ અહીં ઉમટી પડતાં. જોકે ગુલાબની સાથે કાંટો હોય એમ ટેકરીની પશ્ચિમે આવેલી એક જગ્યા જોખમી હતી. એનો ઢોળાવ. આ ઠેકાણેથી પગ લપસ્યો તો સીધા જ નીચે અને પછી ઠેઠ ઉપર! એટલે જ સપાટ ટેકરીના એ ઢોળાવવાળી જગ્યાએ ભયસૂચક સાઈન બોર્ડ પણ મુકાયેલું:
જોખમ.. દૂર જ રહેજો!
અત્યારે ઇન્સ્પેક્ટર કરણ બક્ષી અને ઝલક દીક્ષિત ટેકરી પર આવેલાં. ના,ના..ઉજાણી માટે નહીં. એ તો આવેલા એક મૃત્યુની તપાસ માટે. પેલી ચેતવણીને કોકે હસવામાં કાઢી નાખેલી અને ઉપરથી નીચે પડેલી. કોઈ કાર્તિકનો ફોન આવેલો. કરણના કાનમાં એ શબ્દો ગુંજવા લાગ્યા:
`ઇન્સ્પેક્ટર સાહેબ, મોરલી…મારી મોરલી પહાડી પરથી નીચે પડી ગઈ છે! તમે જલ્દી આવો!’
એટલે કરણ અને ઝલક ટેકરી પર આવ્યા. નામ ટેકરી, પણ આ તો ઊંચી પહાડી હતી. અહીંથી કોઈ પડે તો બચવાની શક્યતા જ નહોતી. બંને ટેકરીની ભવ્યતા નિહાળી રહ્યા હતા એટલામાં એક યુવાન દોડતો આવ્યો:
`હું કાર્તિક, મેં જ આપને ફોન કરેલો.’
કરણ અને ઝલક એને જોઈ રહ્યા. પહેલી દ્રષ્ટિએ સોહામણો લાગતો હતો એ. પણ ચહેરા પર થાક. આંખમાં ફિકાશ. જાણે લોહી સુકાઈ ગયું હોય. કપડાં ચોળાઈ ગયેલાં.
`સાહેબ, મોરલી…’ કાર્તિકની આંખમાં આંસુ ધસી આવ્યાં. પેલી મનહૂસ જગ્યા ભણી આંગળી ચીંધતાં કહ્યું:
`મારી મોરલી અહીંથી લપસી ગઈ..!’
કરણ અને ઝલક એ જગ્યાએ ગયા. સાથે કાર્તિક પણ હતો: `જુઓ સાહેબ, અહીંથી એનો પગ લપસ્યો. અને એ નીચે..મારી નજર સામે જ નીચે પડી!’
કરણ અને ઝલકે ઉપરથી નીચે જોયું. ટેકરી પરની માટી લીસી હતી. સાચવીને ન ચાલીએ તો લપસણી માટીમાં લપસી જ જવાય. ચીકણી માટીમાં મોરલીનો પગ લપસ્યો હશે અને અહીંથી પડી હશે. બચવાની શક્યતા નહીંવત હતી. કરણ અને ઝલક ટેકરીની એક બાજુએથી વૃક્ષ અને ઝાડીઓને ટેકે ટેકે નીચે ઊતરવા લાગ્યા. ટ્રેનિંગમાં લીધેલી તાલીમ કામ લાગી. વચ્ચે થોડો કાદવ કીચડ પણ થઇ ગયેલો. ક્યાંક ક્યાંક કપડાં પણ ખરડાયાં. પણ છેવટે નીચે પહોંચી જ ગયા.
નીચે મોરલીનો મૃતદેહ પડ્યો હતો. બાજુમાં જ કેનવાસનું બોર્ડ જેને પેઇન્ટર્સ પેલેટ કહે છે તે, એ કેનવાસ બોર્ડ જેના પર ભેરવવાનું હોય છે તે એલ્યુમિનિયમ એઝલ સ્ટેન્ડ ટ્રાઈપોડ, ઓઈલ પેઈન્ટ અને એક્રેલિક કલર્સ તથા ત્રણ ચાર જાતની જાડીપાતળી રંગ કરવાની પીંછીઓ. ઝલકે મોરલીને જોઈ. એ ઊંધે માથે પડેલી. પિરોજી રંગનો ડ્રેસ પહેરેલો. પીઠ પર લાંબા વાળ પથરાયેલા. ઝલકે એને સીધી કરી.
માસૂમ, મોહક હતી મોરલી. મોરલી ખરેખર મોરલી જેવી જ હતી. આ મોરલીની ધૂન પર તો નાગ પણ ડોલી ઊઠે! જે આંખની ગહેરાઈમાં ડૂબી જવાનું મન થાય એ આંખ અત્યારે સ્થિર થઇ ગયેલી. પ્રાણ વિનાની. ઝાડીઓ વચ્ચેથી પડવાને કારણે હાથ પર થોડા ઉઝરડા થયેલા. કપડાં ક્યાંક ક્યાંક ફાટી ગયેલાં. મૃતદેહ પર બીજાં કોઈ નિશાન નહોતાં. મરણ ત્રણેક કલાક પહેલાં થયું હોવું જોઈએ… ઝલકે ઘડિયાળમાં જોયું. અત્યારે સવારના સાડા આઠ વાગેલા. એ સમયે કરણ ચિત્રકામનાં સાધનો તપાસી રહ્યો હતો.
એલ્યુમિનિયમનું ટ્રાઈપોડ નવુંનક્કોર જણાયું. કરણે સ્ટેન્ડ ફરતે વીંટળાયેલી પ્લાસ્ટિક પટ્ટીઓ ખોલી. એડ્જેસ્ટેબલ સ્ટેન્ડ હતું. એમાં એક ઠેકાણે ચાકી દેખાઈ. ચાકી ફેરવીને સ્ટેન્ડ જેટલી ઊંચાઈએ ગોઠવવું હોય એ મુજબ ગોઠવી શકાય એવી વ્યવસ્થા હતી. કરણે ટ્રાઈપોડના જોડાયેલા ત્રણ પગ ધીમે ધીમે ખોલ્યા. એમાં કોઈ ડાઘ પડેલા નહોતા. કોઈ ઘસરકા પણ નહીં. રંગોનું બોક્સ હજુ અકબંધ હતું. બાજુમાં પડેલી પીંછીઓ જમીનની ધૂળમાં રગદોળાયેલી.
સઘળું નિરીક્ષણ કરીને કરણ અને ઝલક ફરી ટેકરી પર આવ્યા. કાર્તિક ત્યાં જ ઊભો હતો. કરણને જોઇને બોલવા લાગ્યો:
`સાહેબ, મેં તો મોરલીને આ ઢોળાવ પાસે જવાની જ ના પાડેલી. પણ એણે મારૂં ન સાંભળ્યું. અને…!’ કહેતાં કાર્તિક રડી પડ્યો.
`કાર્તિક, મને શરૂઆતથી આખી વાત કરો… કરણ બોલ્યો.’
`સાહેબ, હું અને મોરલી ચિત્રકાર છીએ. આવતા મહિને યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધા માટે એક ચિત્ર બનાવવાના હેતુથી અમે અહીં આવેલા…’ કાર્તિક આંસુ લૂછતાં કહેવા લાગ્યો:
`અમે આખો દિવસ અહીં જ રહેવાના હતા. મોરલી સૂર્યોદયનું ચિત્ર બનાવવાની હતી અને હું સૂર્યાસ્તનું. અમે કાલે જ ચિત્રકામ માટેનું સ્ટેન્ડ અને કેનવાસ બોર્ડ પણ લઇ આવેલાં.’
`અહીં આવવાનું સૂચન કોનું હતું…’ કરણે પૂછ્યું: તમારૂં કે મોરલીનું?
`સૂચન તો મારૂ જ હતું.’ કાર્તિક બોલ્યો: `મેં જ કહેલું કે એ સૂર્યોદયનું ચિત્ર બનાવે. કાશ! મેં એવું સૂચન ન કર્યું હોત!’
`હં, એટલે તમે સવારે વહેલાં આવ્યાં હશો!’ ઝલક બોલી.
`હા, અમે સવારે પાંચ વાગે અહીં આવી ગયેલાં..’ કાર્તિક બોલ્યો: `પાંચ વાગ્યાનું વાતાવરણ અત્યંત મનોહર હતું. મોરલી તો મોરની જેમ જ થનગનાટ કરવા લાગેલી. સૂર્યોદય સાડા પાંચ આસપાસ થાય છે એટલે મોરલી ટ્રાઈપોડ ક્યાં ગોઠવવું એનો વિચાર કરવા લાગી. ટેકરી પરના બે-ત્રણ સ્પોટ જોયા પછી એ આ બાજુ આવી…’ કરણે પેલા જોખમી ઢોળાવ ભણી ઈશારો કર્યો:
`મેં એને કહ્યું કે અહીં તો ભયસૂચક ચેતવણી લખેલી છે. એ બાજુ ન જા. પણ એ ન માની. અને…’ કાર્તિકે હોઠ ભીડી દીધા. મોરલીના મૃત્યુ જેવી અમંગળ ઘટના અંગે એ હરફ સુદ્ધાં ઉચ્ચારવા માંગતો નહોતો.
`એટલે મોરલી આ બાજુ આવી એમ ને?’ કરણ બોલ્યો: પછી એણે સ્ટેન્ડ ગોઠવ્યું?
`હા, સાહેબ…’ કાર્તિક થોડો સ્વસ્થ થયો. ખોંખારો ખાઈને કહેવા લાગ્યો:
સવા પાંચ તો થઇ ગયેલા. સૂર્ય ઊગવામાં જ હતો. એટલે મોરલીએ ચિત્રકામનાં સાધનો કાઢ્યાં. સ્ટેન્ડ, કેનવાસ બોર્ડ, રંગ અને પીંછીઓ. પછી સ્ટેન્ડ ગોઠવવા લાગી. ઢોળાવની નજીક જવા લાગી. મેં એને રોકી. વધુ આગળ જવાની ના પાડી. પણ એ મારી કોઈ વાત કાને ધરતી જ નહોતી. કહીને કાર્તિક અટક્યો.
`તમે મને બતાવશો કે એણે સ્ટેન્ડ ક્યાં ગોઠવેલું?’ કરણે કહ્યું. એટલે કાર્તિક જગ્યા બતાવવા લાગ્યો. ઢોળાવની પાસે જ્યાં ચેતવણીનું બોર્ડ હતું ત્યાં સુધી જઈને કહેવા લાગ્યો:
`જુઓ, અહીંથી પણ આગળ..છેક આગળ..!’
ઝલક અને કરણે જોયું કે કાર્તિક જે જગ્યાનો નિર્દેશ કરતો હતો ત્યાં તો ટેકરીની ધાર આવી ગયેલી. ત્યાં માટી પણ ખૂબ ચીકણી હતી. અહીંથી પગ લપસે તો…
`સાહેબ, અહીંથી જ મોરલીનો પગ લપસ્યો…’ કાર્તિક કહેવા લાગ્યો: મેં એને ના પાડી છતાં એ ત્યાં ગઈ. સ્ટેન્ડ ગોઠવ્યું. સ્ટેન્ડની ઊંચાઈ એડજસ્ટ કરવા ચાકી ખોલવા નીચી નમી અને અચાનક… અચાનક એનો પગ લપસ્યો. સીધી નીચે જઈ પડી..
`એ વખતે અહીં કોઈ હાજર હતું?’ કરણે પૂછ્યું:
`કોઈએ મોરલીને પડતાં જોયેલી?’
`ના, સાહેબ…કાર્તિક બોલ્યો:’ એ સમયે તો અંધારૂ હતું. એટલું વહેલું કોણ આવે?
`એ તકનો લાભ લઈને તમે મોરલીને ધક્કો મારી દીધો, કેમ?’ કરણે કાર્તિક પર સીધો જ આરોપ મૂક્યો
`અરે, સાહેબ…’ કાર્તિક ચોંક્યો. રોષભર્યા અવાજે કહેવા લાગ્યો: જો મારે એને ધક્કો મારવો હોત તો હું ધક્કો મારીને નાસી છૂટત. તમને ફોન શા માટે કરત?
`એ એટલા માટે કે મોરલીના ખૂનનો આરોપ તમારા માથે ન આવે, કાર્તિક!’
કરણના અવાજમાં કારમી ઠંડક હતી કે કરડાકી એ કાર્તિકને ન સમજાયું. ચોપાટના અઠંગ ખેલાડીની અદાથી એ બોલ્યો:
`માત્ર આરોપ મૂકવાથી તમે મારૂં કાંઈ બગાડી નહીં શકો. આરોપ પુરવાર કરવો પડશે!’
`તો સાંભળો, શ્રીમાન કાર્તિક…’ કરણે તર્કબદ્ધ રીતે કહેવાનું શરૂ કર્યું:
પહેલો મુદ્દો, તમારા મનમાં પહેલેથી જ કપટ હતું એટલે જ મોરલીને તમે અહીં લઇ આવ્યા. બીજો મુદ્દો, મોરલી ટ્રાઈપોડ ગોઠવતી હોય તો એ સ્ટેન્ડના ત્રણ પગ ફેલાયેલા હોવા જોઈએ, પણ અમે તપાસ કરી ત્યારે સ્ટેન્ડ ફરતે વીંટાળેલી પટ્ટીઓ પણ અકબંધ હતી. દુકાનમાંથી લાવ્યા હશો તેવી જ. મોરલીએ સ્ટેન્ડ ગોઠવવું હોય તો પહેલાં એ પટ્ટીઓ ખોલવી પડે. પટ્ટીઓ જ ન ખોલી હોય ત્યારે ટ્રાઈપોડના પગ ફેલાવવાનું તો અશક્ય જ છે!’
`કદાચ… કદાચ…’ કાર્તિકની જીભ લોચા વાળવા લાગી. એનો આત્મવિશ્વાસ પણ ઓસરવા લાગ્યો:
`કદાચ એવું બને કે મોરલી સ્ટેન્ડ એક બાજુ મૂકીને પહેલાં સ્પોટ જોઈ લેવા માંગતી હોય!’
તમે જ કહેલું કે મોરલી સ્ટેન્ડ ગોઠવતી હતી ત્યારે ચાકી ખોલવા નીચે વળી અને અચાનક નીચે પડી…. કરણે માર્મિક સ્મિત કર્યું:
એટલી વારમાં ભૂલી ગયા?
અંધારૂ હતું એટલે મારી કદાચ જોવામાં ભૂલ થઇ હોય.. કાર્તિકે બુઠું હથિયાર અજમાવી જોયું. અતાર્કિક દલીલ કરવા લાગ્યો:
શક્ય છે કે મોરલીએ આપઘાત કર્યો હોય!
કરણ અને ઝલક પળેપળે રંગ બદલતાં આ કાંચીડાને જોઈ રહ્યા. એ કહી રહ્યો હતો:
`મોરલીના મનમાં શું હોય કોણે ખબર? એવું પણ બને કે અહીં આવવાનું નક્કી થયું હોય ત્યારે જ એણે આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હોય! પણ એને કારણે તમે મારા પર આરોપ ન મૂકી શકો!’
`મારી વાત પૂરી થાય એ પહેલાં જ તમે બોલવા લાગ્યા…’ કરણ શતરંજનો કુશળ ખેલાડી હતો. કાર્તિકને ચેકમેટ કરતાં બોલ્યો:
`ત્રીજો મુદ્દો એ કે જો કોઈએ આપઘાત કરવો હોય તો સીધું પડતું જ મૂકે. સાથે સ્ટેન્ડ, પીંછીઓ અને રંગ લઈને ન કૂદી પડે. એટલે મોરલીના આપઘાતની શક્યતા પર આપોઆપ ચોકડી મુકાઈ જાય છે. તમે મોરલીને ધક્કો માર્યો અને પાછળ ચિત્રકામનાં સાધનો પણ નીચે નાખી દીધાં. હવે ચોથો અને સૌથી અગત્યનો મુદ્દો!’ કહીને કરણ રોકાયો. કાર્તિકની આંખમાં આંખ પરોવીને બોલ્યો:
તમે કહેલું કે મોરલી સૂર્યોદયનું ચિત્ર બનાવવાની હતી અને તમે સૂર્યાસ્તનું, બરાબર?
`હા, એમ જ હતું.’ કાર્તિકનું જોમ ઓસરી ગયેલું.
`એ જ બાબત તમારી વિદ્ધ જાય છે, કાર્તિક…’ કરણે કાર્તિકના પગ તળેથી જાજમ ખેંચી લીધી:
આ ટેકરી પર જે જોખમી ઢોળાવ છે એ પશ્ચિમમાં છે. એટલે સૂર્યોદયનું ચિત્ર બનાવવા મોરલી પૂર્વ દિશામાં જાય, પશ્ચિમમાં નહીં. પણ મોરલી પશ્ચિમમાં ગઈ એનો અર્થ એમ થાય કે તમે એને ત્યાં લઇ ગયા. અને પછી મોકો જોઇને ધક્કો મારી દીધો. બોલો, ખરૂં કે ખોટું?
`હા, હું ગુનો કબૂલ કં છું.’ બચવાની બધી બારીઓ બંધ થઇ જતાં કાર્તિકે ગુનો કબૂલી લીધો:
`મોરલી ખૂબ સારી ચિત્રકાર હતી.
મારાથી તો લાખ દરજ્જે સારી. એ ચિત્રસ્પર્ધામાં ચિત્ર મોકલે તો મારો કોઈ ભાવ પણ ન પૂછે. એટલે મેં એને સ્પર્ધામાંથી દૂર કરવા એનું કાસળ કાઢવાનું નક્કી કર્યું. સાથે ચિત્ર બનાવવાના બહાને એને બોલાવી. એ મારા મનનું કપટ ક્યાંથી જાણે! સાથે આવવા તૈયાર થઇ ગઈ. હું વાતવાતમાં એને આ ઢોળાવ સુધી લઇ આવ્યો. અને તક જોઇને ધક્કો મારી દીધો.’
કરણે કાર્તિકને હાથકડી પહેરાવી ત્યારે ઝલક બોલી:
`બીજાની લીટી ભૂંસવાને બદલે પોતાની લીટી લાંબી કરવાનું શીખતા હો તો આવો દા’ડો જોવો ન પડે!’
આવતા અઠવાડિયે નવી કથા
આ પણ વાંચો… કોયડોઃ ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ…


