સ્પોર્ટ્સવુમનઃ 2025ના વર્ષમાં નારી શક્તિનો જયજયકાર

સારિમ અન્ના
ભારતીય મહિલા ક્રિકેટને નવી દિશા, નવી પરિભાષા, નવું પરિમાણ અને નવી ઊંચાઈ 2025ની બીજી નવેમ્બરે મળ્યા જયારે ભારતે આઇસીસી વન-ડે વિશ્વ કપ (મહિલા)ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને પહેલી વાર આ ટાઇટલ જીતી લીધું હતું. આ સફળતા સાથે ભારતીય ક્રિકેટમાં નવો અધ્યાય શરૂ થયો છે. હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સી અને સ્મૃતિ મંધાનાની વાઇસ-કૅપ્ટન્સીમાં ભારતની દીકરીઓએ જે રીતે ક્રિકેટના ઇતિહાસમાં નામ નોંધાવ્યું એ વાત કોઈ પરી કથાથી ઊણું ઊતરે એવું નથી.
લીગ સ્તરે સતત ત્રણ મૅચ હાર્યા ત્યારે લાગતું હતું કે આપણી ટીમ સેમિ ફાઇનલમાં પણ નહીં પહોંચી શકે, પરંતુ ત્યાર બાદ હરમનપ્રીત ઍન્ડ કંપનીએ જે અસાધારણ જોશ અને જુસ્સો બતાવીને જે કમબૅક કર્યું અને એમાં પણ ખાસ કરીને સેમિ ફાઇનલમાં સાત વખત ચૅમ્પિયન બનેલા ઑસ્ટે્રલિયા સામે 339 રનનો રેકૉર્ડ-બ્રેક ચેઝ સ્કોર હાંસલ કર્યો ત્યારે ભારત પ્રથમ વિશ્વ કપ ટ્રોફી જીતશે એ આશા પ્રબળ થઈ હતી.
બન્યું પણ એવું જ. ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું સપનું સાકાર કરી જ લીધું. ખરેખર તો આ સફળતાના બીજ આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લૅન્ડમાં રોપવામાં આવ્યાં હતાં, જ્યારે ભારતીય મહિલા ટીમે ઇંગ્લૅન્ડને પહેલી જ વખત ટી-20 શ્રેણીમાં હરાવી હતી અને 3-2ના તફાવતથી ટ્રોફી જીતી લીધી હતી.
આ વર્ષે ભારતની પુરુષ ટીમે પણ સારી સફળતાઓ મેળવી. નવમી માર્ચે દુબઈમાં ભારતે કૅપ્ટન રોહિત શર્માના સુકાનમાં વન-ડેની આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. ચૅમ્પિયન્સ ટ્રોફીની નવ સીઝનમાં પહેલી વાર બન્યું કે જેમાં કોઈ ટીમે એક પણ મૅચ હાર્યા વગર ચૅમ્પિયનપદ મેળવી લીધું. ભારત સતત ત્રીજી વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું.
ભારતની આ ત્રીજી ચૅમ્પિયન્સ ટ્રોફી હતી. આ પહેલાં ભારત 2002 અને 2013માં ચૅમ્પિયન બન્યું હતું. એ ઉપરાંત, ભારતીય મેન્સ ટીમે ઇંગ્લૅન્ડમાં રસાકસીભરી ટેસ્ટ-સિરીઝ 2-2થી બરાબરીમાં લાવી દીધી હતી. સપ્ટેમ્બરમાં સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતે પાકિસ્તાનને ત્રણ-ત્રણ પછડાટ આપીને ટી-20નો એશિયા કપ જીતી લીધો હતો.
નવેમ્બર, 2025માં જ ભારતની દીકરીઓની બીજી ટીમે પણ મોટી સફળતા હાંસલ કરી હતી. કોલંબોમાં આયોજિત ટી-20 વિમેન્સ બ્લાઇન્ડ વર્લ્ડ કપ યોજાયો હતો. જોઈ ન શક્તી મહિલાઓની ભારતીય ટીમે ફાઇનલમાં નેપાળને હરાવીને આ ઐતિહાસિક ટ્રોફી જીતી લીધી હતી.
મુક્કાબાજીની વાત કરીએ તો એમાં તાજેતરમાં ભારતની સફળતાની ખરી કથા પણ નારી શક્તિએ જ લખી છે. ગ્રેટર નોઇડામાં 14-20 નવેમ્બર દરમ્યાન વર્લ્ડ બૉક્સિંગ કપ (ડબ્લ્યૂબીસી)ની ફાઇનલ્સમાં ભારતના પુરુષ અને મહિલા બૉક્સર્સે કુલ 20 મેડલ જીતી લીધા હતા જેમાં નવ સુવર્ણ, છ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક હતા. નવમાંથી સાત ગોલ્ડ મેડલ ભારતની મહિલા મુક્કાબાજોએ જીતી લીધા હતા. બાકીના બે સુવર્ણ પર પુરુષ મુક્કાબાજ હિતેશ ગુલિયા અને સચિન સિવાચનો કબજો હતો.
આ ચૅમ્પિયનશિપ ખાસ કરીને ભારતની બે મુખ્ય મહિલા બૉક્સર નિખત ઝરીન અને પ્રીતિ પવારના જબરદસ્ત કમબૅકને લીધે યાદગાર બની ગઈ હતી. બન્ને મુક્કાબાજ થોડા સમયથી પોતાની પ્રતિભા, યોગ્યતા અને આશા-અપેક્ષાને અનુરૂપ કોઈને કોઈ કારણસર સારું પ્રદર્શન નહોતી કરી શકતી, પરંતુ ગ્રેટર નોઇડાની ઇવેન્ટમાં તેમણે જોરદાર વાપસી કરી હતી. તેમના આ પર્ફોર્મન્સ પરથી હવે આવતા વર્ષે એશિયન ગેમ્સમાં ભારતના ચંદ્રકોની સંખ્યા ઘણી વધેલી જોવા મળશે એવી આશા છે. એ રીતે પણ 2025નું વર્ષ ભારત માટે ગર્લ-પાવરનું રહ્યું હતું.
શતરંજની રમત મગજને સૌથી વધુ કસરત કરાવનારી કહેવાય છે અને એનો તાજેતરમાં ગોવામાં જે વર્લ્ડ કપ યોજાયો એમાં દેશના ટોચના પુરુષ ખેલાડીઓ ડી. ગુકેશ, આર. પ્રજ્ઞાનાનંદ અને અર્જુન એરીગૈસીમાંથી એક પણ દિગ્ગજ ખેલાડી સેમિ ફાઇનલમાં નહોતો પહોંચી શક્યો, પરંતુ છોકરીઓએ આ રમતમાં પણ વર્ષની શરૂઆતમાં ભારતનું નામ રોશન કર્યું હતું.
નાગપુરમાં રહેતી 19 વર્ષીય દિવ્યા દેશમુખે યુવા વિરુદ્ધ અનુભવી વચ્ચેના જંગમાં ભારતની જ કૉનેરુ હમ્પીને ફાઇનલમાં હરાવીને વિશ્વની મહિલા ચેસ ખેલાડીઓની સ્પર્ધાનો તાજ જીતી લીધો હતો. વિશ્વ કપમાં પહેલી વખત એવું બન્યું જેમાં બન્ને ફાઇનલિસ્ટ એક જ દેશની હતી અને એમાં દિવ્યા-હમ્પીએ દેશને અનેરુ ગૌરવ અપાવ્યું. હવે ધ કૅન્ડિડેટ્સ નામની ટોચની સ્પર્ધામાં ભારતની ઓછામાં ઓછી ત્રણ મહિલા પ્લેયર રમશે જેમાં દિવ્યા અને હમ્પી ઉપરાંત (પ્રજ્ઞાનાનંદની મોટી બહેન) આર. વૈશાલીનો પણ સમાવેશ છે.
બૅડમિન્ટનમાં પણ ભારતની બે છોકરી (ઉન્નતિ હૂડા, તન્વી શર્મા) ઊભરીને આગળ આવી છે. બીડબ્લ્યૂએફ વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપ આ વર્ષે આસામના ગુવાહાટીમાં યોજાઈ હતી જેમાં ભારતે ટીમ ઇવેન્ટમાં ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો અને ઉન્નતિનો એમાં મુખ્ય પર્ફોર્મન્સ હતો. તન્વી મહિલાઓની સિંગલ્સની ફાઇનલમાં પહોંચી હતી અને સાઇના નેહવાલની 17 વર્ષ પહેલાંની સિદ્ધિનું પુનરાવર્તન કરી શકે એમ હતી, પણ કમનસીબે તે ચૂકી ગઈ હતી. તન્વીએ રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો.
પૅરા આર્ચરી (દિવ્યાંગો માટેની તીરંદાજી)માં જમ્મુ-કાશ્મીરની 18 વર્ષીય શીતલ દેવી એવી પ્રથમ હાથ વિનાની મહિલા તીરંદાજ છે જેણે કમ્પાઉન્ડ આર્ચરીમાં વ્યક્તિગત વર્ગમાં વિશ્વ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીતી લીધો. આ ઉપલબ્ધિ તેણે સપ્ટેમ્બર મહિનામાં ગ્વાંગ્જુમાં મેળવી હતી. તે તીરંદાજી સ્પર્ધાની એવી એકમાત્ર સ્પર્ધક હતી જેણે બન્ને હાથ વિના પણ એમાં ભાગ લીધો હતો.
તૂર્કીની વર્લ્ડ નંબર-વન ઑજ્નુરને 146-143થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી શીતલ દેવીએ પૅરા આર્ચરીમાં બન્ને પગનો ઉપયોગ કરીને નિશાના પર તીર મારીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. વુશુ નામની માર્શલ આર્ટ્સની રમતની વૈશ્વિક સ્પર્ધામાં પણ ભારતીય મહિલા સ્પર્ધકો ચમકી હતી. પહેલી વખત ભારતની ત્રણ મહિલા સ્પર્ધક પોતપોતાના વર્ગમાં ગોલ્ડ મેડલ રાઉન્ડમાં પહોંચી હતી. જોકે બ્રાઝિલમાં આયોજિત વર્લ્ડ વુશુ ચૅમ્પિયનશિપ નામની આ ઇવેન્ટમાં ત્રણેય ભારતીય મહિલાએ રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. વુશુની વર્લ્ડ ગેમ્સમાં ભારતના આ પ્રથમ ચંદ્રક છે.
વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી અને ટી-20ના એશિયા કપની સિદ્ધિને બાદ કરતા 2025ના વર્ષની બાકીની સ્પર્ધાઓમાં ભારતનું નામ રોશન કરવામાં મહિલા સ્પર્ધકોની સૌથી મોટી ભૂમિકા રહી છે.
આ પણ વાંચો…સ્પોર્ટ્સવુમનઃ હરમનની હરફનમૌલા ટીમ હવે બે ડગલાં આગળ વધશે એટલે ઐતિહાસિક ટ્રોફી કબજામાં!



