અરાઉન્ડ ધ વર્લ્ડઃ ક્યોટોની ક્રિયેટિવ આબોહવામાં… | મુંબઈ સમાચાર
વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ક્યોટોની ક્રિયેટિવ આબોહવામાં…

પ્રતીક્ષા થાનકી

બુલેટ ટ્રેન ક્યોટો સ્ટેશન પર પહોંચી ત્યારે માન્યામાં નહોતું આવતું કે હવે અમે સકુરાના મેઇન સ્ટોપ પર આવી પહોંચ્યાં હતાં. દુનિયામાં વસંતમાં જવાની જો કોઈ એક જગ્યા હોય તો તે ક્યોટો છે. થોડું ઐતિહાસિક, અત્યંત પારંપરિક, એકદમ કુદરતી મહેરથી લદાયેલું અને પાક્કું આંતરરાષ્ટ્રીય ક્યોટો એક સમયે જાપાનની રાજધાની જ હતું.

થોડા સમય પહેલાં એક બુક વાંચી હતી, જેમાં એક બાપ-દીકરી ક્યોટોમાં એક રમણીય જગ્યા પર કોઇ પણ જાતની જાહેરાત કર્યા વિના એક રેસ્ટોરાં અને ફૂડ ડિટેક્ટિવ એજન્સી ચલાવે છે. એમને ત્યાં જે પણ પહોંચી જતું તેમને એ લોકો તેમની બાળપણની કે જિંદગીની બેસ્ટ વાનગી રિક્રિયેટ કરીને આપતાં. મને ખબર હતી કે એ જગ્યા તો કાલ્પનિક જ છે, તે છતાંય, ક્યોટો પહોંચીને પહેલો વિચાર તો એ લોકોનો જ આવ્યો.

એ ખરેખર વાસ્તવિક હોત તો હું સીધી જ કુમારને એમને ત્યાં ખેંચીની લઈ ગઈ હોત. જોકે તેના માટે મારે કઈ વાનગી રિક્રિયેટ કરાવવી એ પ્રશ્ન જરૂર થાત. મારી જિંદગીની સૌથી યાદગાર વાનગી કઈ છે તે તો કહેવું મુશ્કેલ છે. વળી જાપાનમાં રામેન અને સુશીમાં ભલે ગમે તેટલી મજા આવતી હોય, મારી જિંદગીનું સૌથી યાદગાર ભાણું તો ભારતીય જ હોવાનું. એ પણ કંઇક માએ બનાવેલું.

ક્યોટોમાં માએ બનાવેલું ભારતીય ભોજન તો નહોતું હાથ આવવાનું, પણ ત્યાં જાપાનનાં થોડાંક યાદગાર મિલ જરૂર મળી ગયેલાં. હું તો ત્યાંનું હાકાઇડો મિલ્ક જ સાથે રાખતી. જાપાનમાં જ્યાં પણ જાઓ, મજેદાર દૂધ મળી જતું. ક્યોટો પહોંચ્યાં ત્યારે હજી ટે્રનનું બેન્ટો બોક્સ પચ્યું પણ ન હતું અને અમે ફરી ક્યાં ખાવાનું તેની ચર્ચાઓ ચાલુ કરી લીધી.

દરેક શહેરનું અમારું લિસ્ટ તો તૈયાર હતું જ. છતાંય અમે લિસ્ટની બહાર કંઇક મનને જામી જાય તો ત્યાં ખાવામાં અચકાતાં નહીં. એમ જ અમે અત્યાર સુધીમાં ઘણી મજાની તૈયાકી, રામેન, સુશી, જાપાનીઝ કરી જેવું ઘણું ગપચાવી ગયેલાં. સૌથી વધુ મજા મોચીમાં આવતી. પહેલાં તો મોચી જરા વધુ પડતી ચાવવી પડે તેવી લાગતી, પણ જર્મનીમાં ખાધેલી પેકેજ્ડ મોચી અને જાપાનમાં બનતી તાજી મોચીમાં પણ ફર્ક તો હોવાનો જ.

ટોક્યો એટલું બધું ધમધમતું હતું કે ક્યોટો ટૂરિસ્ટથી ઊભરાતું હોવાં છતાં ત્યાં જરા વધુ પડતી શાંતિ હોય તેવું લાગતું હતું. હજી અહીં સકુરાને બે અઠવાડિયાંની વાર હતી, એટલે અમે તો ગુલાબી પ્લમનાં ફૂલોથી જ કામ ચલાવી લીધું હતું. કારણ કે એક વાર સકુરા સિઝન ચાલુ થાય તે પછી તો આખી દુનિયા જાણે ક્યોટો જ આવી પહોંચે છે. અમને સકુરાની હજી થોડી અધકચરી ખૂલેલી કળીઓ જોવા મળવાની હતી, પણ તેના માટે ત્યાંનાં ખ્યાતનામ બાગ અને શ્રાઇન તો બારેમાસ મનને ખુશ કરી દે તેવા હાજર જ હોય છે.

ક્યોટોમાંનો મર્યાદિત સમય અમે જિયોન રિજનમાં વિતાવવાનાં હતાં. ઐતિહાસિક રિજન આમ પણ પારંપરિક ર્યોકાનથી ભરેલો હતો. અમારી ર્યોકાનમાં નીચાં જાપાનીઝ ટેબલ, નેતરનું ફર્નિચર અને ચટાઈ વચ્ચે ત્યાં વાતાવરણ કોઈ સ્પા કે હોટ ટબમાં ગયા વિના પણ રિલેક્સ થવા માટે મજબૂર કરી દે તેવું હતું. ખરાં જાપાનીઝ લોકો તો અહીં ધીરજથી ટી સર્વિસ, સૉના, બધું માણીને આનંદ લેવામાં પડી જાત, પણ અમે તો સીધાં શહેરને અનુભવવા તરત જ નીકળી પડ્યાં. તે પહેલાં અમે વેલકમ ડ્રિંકમાં માચાની મજા લઈ લીધી હતી.

જિયોન વિસ્તારમાં માંડ કોઈ ઇમારત ઊંચી દેખાઈ. જિન્ઝાનો જાણે આ સીધેસીધો વિરોધી શબ્દ હતો. આ પહેલાં ટોક્યોની શ્રાઇન પાસે લોકો ગીશા જેવાં કિમોનો અને મેક-અપમાં ફોટા પડાવતાં હતાં. અહીં જિયોનમાં તો શહેરમાં ચાલતાં ખરાં ગાઇકો એટલે કે ક્યોટોનાં ગીશા નજરે પડતાં હતાં. તેમનો દેખાવ અને ચાલમાં જરા મુશ્કેલ નિયમોમાં વિકસેલું એટિટ્યૂડ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

અમે પહેલેથી જ જાણતાં હતાં કે તેમને રોકીને તેમની સાથે અથવા તેમને ખબર ન હોય તે રીતે તેમના ફોટા પાડવા જરા ખોટું કહેવાય. એટલે અમે તો તેમને જોઈને જ સંતોષ માની લીધો. પણ ઘણાં લોકો તેમને ફોટો પાડવાનું પૂછવા પ્રયત્ન કરતાં તો તે લોકો શરમાઈને કે ડરીને તેમનાથી દૂર નીકળી જતાં હતાં. ટૂરિસ્ટ આમ પણ લોકોનાં ઘરોની પ્રાઇવસીની ચિંતા તો કરતાં નથી. એવામાં અહીં તો લોકોની પ્રાઇવસી પણ ભાગ્યે જ મળે છે.

અમે આ પહેલાં ટોક્યોમાં શોપિંગ ઘણા ઓછા પ્રમાણમાં કર્યું હતું. ખાસ તો એટલા માટે કે બધે મર્યાદિત સામાન સાથે ફરી શકાય. હવે એકવાર ઓસાકા આવે પછી અમે પેટ ભરીને શોપિંગ કરવા માટે તૈયાર હતાં. જાપાનની ખ્યાતનામ લગેજ સર્વિસ આજકાલ એટલી ઓવરલોડેડ છે કે ત્યાં સામાન સમયથી નથી પહોંચી રહૃાો, એવું ન થાય તેના માટે તેમણે નવા ઓર્ડર લેવાનું જ બંધ કરી દીધેલું. એવામાં અમે તો બધે લગેજ સાથે જ લઈને ફરી રહૃાાં હતાં.

જોકે હવે તો બધું હોટલ પર હતું અને અમે કિયોમિઝુ ડેકા ટેમ્પલ સુધી પહોંચી ગયેલાં. ક્યોટોની એનર્જી એકદમ ફીલ થઈ શકે તેમ હતું. ત્યાં શાંતિથી હાથમાં ગરમ માચા સાથે ફરી શક્યાં હોત તો મજા આવત, પણ જાપાનમાં ખાવા-પીવાનું બેસીને જ માણવું એનો પણ આગ્રહ હતો. મંદિર આમ પણ એક ટેકરી પર હતું. ત્યાંથી નજીકની પહાડીઓનો વ્યુ પણ ત્યાં રોકાઈ જવાની જ વાત કરી રહ્યો હતો.

ક્યોટોમાં ભલભલાને વખવા, વાંચવા, ચીતરવા, ગાવા કે પછી કૂકિગ કરવાની ઇચ્છા થઈ આવે તેવી ક્રિયેટિવ પ્રેરણાથી ભરેલી આબોહવા હતી. ક્યોટોના તે પહેલા અડધા દિવસનો અંત યુડોફુથી આવ્યો. તેમાં ગ્રિલ થયેલાં રીંગણ, મીસો સૂપ, સાશિમી અને તોફુવાળી આ વાનગીમાં પણ શહેરનો સ્વાદ હતો જ. હવે ક્યોટોને માણવા માટેનું મેનુ પણ બની ચૂક્યું હતું.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ ટોકાઈડો શિનકાનસેન-જાપાનીઝ બુલેટ ટ્રેનમાં અનુભવ થઈ પણ જાય ને ખબર પણ ન પડે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button