વીક એન્ડ

ભાત ભાત કે લોગઃ એપસ્ટીનનું ભૂત હજી કેટલુંક ધૂણશે? પ્રિન્સ એન્ડ્રુયુ પછી કોનો વારો?

જ્વલંત નાયક

દુનિયાના ગમે તે દેશમાં રહેતા સમૃદ્ધ લોકો એકબીજા સાથે સંપર્કો વિકસાવીને આખું સમાંતર તંત્ર ઊભું કરે છે. એમના બિઝનેસ, એમની મોજમજા બધું સામાન્ય માણસ અને ન્યાયતંત્રની સમજ કે પહોંચ બહારનું હોય છે. આ લોકો પારસ્પરિક સંબંધોના જોરે આખી સિસ્ટમ પર રાજ કરી જાણે છે, પણ આખી સિસ્ટમ કંટ્રોલ કરવી એ વાઘની સવારી કરવા બરાબર ગણાય. એક સમયે આ વાઘ જ તમારો કોળિયો કરી જશે. પાપનો ઘડો ભરાઈ ગયા બાદ એકબીજાને જોરે કૂદતા બળિયાઓ પોતે જ એકબીજાને ખતમ કરવા તલપાપડ બની જાય છે.

કદાચ આ જ કારણોસર આજની તારીખે દુનિયાભરમાં ઓછામાં ઓછા દોઢસો-બસો વ્યક્તિઓ એવા છે જેમને સરખી ઊંઘ નહિ આવતી હોય, કેમકે જેફ્રી એપસ્ટીન નામનો એક માણસ ભલે કબરમાં સૂતો હોય, પણ એનું ભૂત જોરશોરમાં ધૂણી રહ્યું છે! ખાસ કરીને અમેરિકન સરકારે `એપસ્ટીન ફાઈલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ’ નામનો કાયદો પસાર કર્યા પછી!

19 નવેમ્બર, 2025ના રોજ પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પે આ કાયદા પર હસ્તાક્ષર કર્યા એ સાથે વર્ષો લાંબી વિવાદાસ્પદ ચર્ચા પર હાલ પૂરતું અલ્પવિરામ મુકાયું છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન ન્યાય વિભાગના માધ્યમ દ્વારા એક બહુચર્ચિત સેક્સ સ્કેન્ડલની તપાસ પ્રક્રિયા અને એના અનઅધિકૃત (unclassified) દસ્તાવેજો, રેકોર્ડ્સ વગેરે જાહેર કરવાનો છે. બસ, આ જ વાતને કારણે અનેક પ્રભાવશાળી સેલેબ્સમ્ની ઊંઘ ઉડી ગઈ છે.

આ સેક્સ સ્કેન્ડલના કેન્દ્રમાં રહેલો માણસ એટલે જેફ્રી એપસ્ટીન… આ જેફ્રી એક જાણવા જેવી જણસ છે. યહૂદી મૂળના આ આદમીના જીવનમાં ઘણી એવી બાબતો છે જેને ભેદી ગણી શકાય. 1970 અને `80માં એ વોલ સ્ટ્રીટમાંથી અઢળક ડોલર્સ કમાયો. કઈ રીતે? એનો પણ કોઈ ચોક્કસ જવાબ નથી, પણ એ એટલું બધું કમાયો કે પેલી છૂપી સિસ્ટમ પર રાજ કરનારા પ્રભાવશાળી માણસોમાં એની ગણના થવા માંડી. ધનાઢ્ય ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ એના સંપર્કમાં આવતા ગયા અને એકબીજાની સંગાથે નવા નવા બિઝનેસ સાહસો વિકસતા ગયા.

વૈજ્ઞાનિકો અને રાજકારણીઓ પણ ધીમે ધીમે એપસ્ટીનના મિત્રવર્તુળમાં ઉમેરાયા. એપસ્ટીન પાસે અમેરિકાના વર્જીન આઇલેન્ડ્સ ખાતે લિટલ સેન્ટ જેમ્સ તરીકે ઓળખાતો ખાનગી ટાપુ હતો. એપસ્ટીન આઈલેન્ડ’ તરીકે ઓળખાતું આ સ્થળ પ્રભાવશાળી લોકોની પાપલીલા થકી ખાસ્સું કુખ્યાત થયું અને આખરે એનું નામ પડી ગયું પેડોફાઇલ આઇલેન્ડ’ બાળકો સાથે જાતીય સંબંધોની વિકૃતિને પોષતો આઈલેન્ડ!

2005માંએક ચૌદ વર્ષની કન્યાની માતાએ પોલીસને ફરિયાદ કરી કે એની દીકરીને એપસ્ટીને પોતાના ટાપુ પર બોલાવી અને 300 ડોલર્સ આપીને એની પાસે બોડી મસાજ કરાવડાવ્યું! આ ફરિયાદ પછી તપાસ થઇ અને મોટું સ્કેન્ડલ બહાર આવ્યું. એપસ્ટીનના ટાપુ પર માત્ર બોટ કે હેલિકોપ્ટર દ્વારા જ જઈ શકાતું. એટલે પોતાની મરજીથી ટાપુ પર પહોંચેલી કોઈ વ્યક્તિ પોતાની મરજીથી ટાપુ છોડી નહોતી શકતી.

એપસ્ટીન થોડા ડોલર્સની લાલચ આપીને બોડી મસાજને બહાને તણીઓને ટાપુ પર બોલાવતો અને શારીરિક સંબંધ બાંધતો. એ પછી તરુણીને વળી એક ઓર લાલચ અપાતી. જો તું બીજી કન્યાઓને અહી સુધી લઇ આવીશ તો તને કમિશન મળશે.’ આવી ઓફર મેળવનાર તરુણીઓ લાંબો વિચાર કર્યા વિના પોતાની સહેલીઓને પણ ઇઝી મનીની લાલચ આપતી અહીં લઈ આવતી. આ રીતે 18 વર્ષથી ઓછી ઉંમરની વધુને વધુ છોકરીઓ સ્કેન્ડલમાં લપેટાતી ગઈ. આ કન્યાઓને સમજાવવા’નું કામ એપસ્ટીનની સહાયક એવી ઘિસ્લેન (ghislaine maxwell) નામની મહિલા કરતી.

એપસ્ટીનની લાલચમાં ફસાતી કુમળી વયની તરુણીઓનું કામ એપસ્ટીનના ખાસમખાસ મિત્રોને ખુશ કરવાનું રહેતું. એપસ્ટીનના મિત્રોની યાદીમાં બિલ ક્લિન્ટનથી માંડીને ડોનલ્ડ ટ્રમ્પ તેમજ માઈકલ જેક્સનથી માંડીને મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિગ સુદ્ધાંનો સમાવેશ થાય છે. હા, આ એ જ સ્ટીફન હોકિગ છે, જે વ્હીલચેરમાંથી ઊભા ય નહોતા થઇ શકતા! આવા ઓછામાં ઓછા દોઢસો-બસો લોકોના નામ એપસ્ટીનના દસ્તાવેજોમાંથી મળી આવ્યા છે. આ બધાએ તણીઓ સાથે વ્યભિચાર થયો જ હશે એવું માની લેવાની જરૂર નથી.

બની શકે કે અમુક સેલિબ્રિટી કોઈક અન્ય કારણોસર એપસ્ટીનને મળ્યા હોય અથવા તો એમને એપસ્ટીન અને એના આઈલેન્ડની સચ્ચાઈ ખબર જ ન હોય, પણ જ્યાં સુધી કશું સાબિત ન થાય ત્યાં સુધી તો બધાને શંકાની નજરે જ જોવામાં આવશે. બ્રિટિશ રાજપરિવારના પ્રિન્સ એન્ડ્રુએ પણ પેલા આઈલેન્ડ પર જઈને જે-તે સમયે સગીર વયની કન્યા સાથે સંબંધ બાંધેલો. એની કમર ફરતે હાથ વીંટાળીને ઊભા હોય એવો ફોટો પણ પડાવ્યા હતા. પેલી છોકરીએ પુખ્ત વયે પહોંચ્યા બાદ બધા વટાણા વેરી નાખ્યા. એ પછી તાજેતરમાં જ બ્રિટનના શાહી પરિવારે પ્રિન્સ એન્ડ્રુને રાજપાટમાંથી બે-દખલ કર્યા છે.

આ બધા સેક્સ-કૌભાંડો વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતા પહેલા એપસ્ટીન ફાઈલ્સની તપાસ કરાવવાની બહુ શેખીઓ મારેલી, પરંતુ સત્તા પર આવ્યા એ બાદ એપસ્ટીનના મામલા પર ઢાંકપીછોડો કરવાના ભરપૂર પ્રયત્નો ય કર્યા, પણ પ્રજાનો અને ખુદ સરકારના જ એક જૂથનો વિરોધ વધતો ગયો. ઈલોન મસ્ક જેવા એક સમયના સાથીએ તો એવી મતલબની ટવીટ કરી નાંખેલી કે ટ્રમ્પ પોતે જ એપસ્ટીનની સેવાઓ લઇ ચૂક્યા છે. જો કે એમણે એ ટવીટ અગમ્ય કારણોસર થોડા જ સમયમાં ડિલીટ કરવી પડી.

અરે હા, એક વાત તો કહેવાની રહી જ ગઈ. એપસ્ટીન ખુદ બે વખત જેલમાં ગયો. 2008માં એને પહેલીવાર સજા થઇ ત્યારે એ બહુ આસાનીથી અને બહુ જલદી છૂટી ગયો. પણ પછી સંજોગો બદલાયા. એપસ્ટીન ટાપુઓ પર ભોગ બનેલી કન્યાઓએ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું અને જગતના મોટા મોટા નામો એક પછી એક બહાર આવવા માંડ્યા. આ મોટા માથાઓએ પોતાની ચામડી બચાવવાની પેરવી કરી હશે.

એટલે જુલાઈ, 2019માં એપસ્ટીને બીજી વખત જેલમાં જવું પડ્યું. અને બીજે જ મહિને ગળામાં ફ્રેક્ચર થવાથી એ જેલમાં જ ગુજરી ગયો! સરકારી તંત્રે કહ્યું કે જેફ્રીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. એ વખતે ટેક્નિકલ ખામીને કારણે જેલના સીસીટીવી કેમેરાઝ બંધ હતા અને ફરજ પર હાજર ગાર્ડ્સને ઝોકું આવી ગયેલું…. કમાલનો સંયોગ કહેવાય નહિ! કદાચ સિસ્ટમ નામના વાઘે એપસ્ટીનનો શિકાર કરી નાખ્યો.

ખેર, હવે જોવાનું એ છે કે એપસ્ટીન ફાઈલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ અમલી બન્યા બાદ ખરેખર કેટલા દોષીઓના નામ જાહેર થાય છે અને એમાંથી કેટલાને યોગ્ય સજા મળે છે. 19 ડિસેમ્બર સુધીમાં આ કેસને લગતી ઘણી ફાઈલ્સ જાહેર થવાની વકી છે. અમેરિકાના બે-બે રાષ્ટ્રપ્રમુખોના નામ હોય એવા આ સેક્સ સ્કેન્ડલમાં હજી કેટલા માથાનો ભોગ લેવાશે એ તો ઈશુ જાણે.

આ પણ વાંચો…ભાત ભાત કે લોગઃ કઈ રીતે માપવામાં આવે છે લોકશાહીનું સ્તર… ભારતનું સ્થાન ક્યાં?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button