વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ: હિમેજીમાં તૈયાકી – લોકલ આર્ટ ને ગ્રીન ટીની મજા…

– પ્રતીક્ષા થાનકી

જાપાનનાં એક પછી એક શહેર બાકીની દુનિયાથી જ નહીં, ખુદ જાપાનનાં જ બીજાં શહેરોથી કેટલાં અલગ છે તે સતત જોવા મળ્યા કરતું હતું. તેમાંય ઓસાકામાં પહેલા બે દિવસ પછી તો માત્ર પ્રતીકાત્મક જાપાનીઝ ફીવર જ નહીં, ખરો તાવ જ ચઢી ચૂક્યો હતો. જોકે ખરા ગુજરાતી ઓન સરવાઈવલ-મોડ બનીને મેં મર્યાદિત સમયનો પૂરતો ઉપયોગ કર્યો. બે દિવસ નાઇટલાઇફ જતી કરી, સાંજે ઇન્ડિયન રેસ્ટોરાંનાં દાળ-ભાત ખાધાં, ગ્રીન ટીનો નાસ લીધો અને જાપાનીઝ કફ સીરપ ગટગટાવ્યું, પણ જાપાનમાં મળેલા તે મર્યાદિત સમયને તે પરિસ્થિતિમાં પણ મજેદાર બનાવ્યો. ટૂરિસ્ટ તરીકે માંદાં પડો તો શું કરવું તે બે દશકમાં પહેલીવાર અનુભવાઈ રહૃુાં હતું. જોકે હજી સુધી ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ વાપરવાની નોબત નથી આવી તેની રાહત છે. જાપાનમાં પણ બે દિવસના કપરા તાવમાં જ વધુ પડતાં એક્ઝોસ્ટ ન થવાનો પાઠ અમે ભણી ચૂક્યાં હતાં. જાપાન બાકીની દુનિયા કરતાં કેટલું અલગ છે તે માટે હું કદાચ પહેલી વાર માટે મેન્ટલી તૈયાર ન હતી. હવે ફરી જ્યારે જવાનું થશે ત્યારની આઇટનરરી પણ અલગ જ હશે તે નક્કી છે. જોકે સાથે ઉંમર અને ક્ષમતાને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. તે સમયે સવારે પેરાસિટામોલના જોરે તાવને અવગણીને અમે હિમેજી તરફ નીકળી પડ્યાં.

ઓસાકા અત્યાર સુધીનાં શહેરોમાં અમારું મનપસંદ સાબિત થઈ રહૃુાં હતું. તેને સ્પ્રિગબોર્ડની જેમ વાપરીને આસપાસમાં ઘણા અનુભવો માટે જવાનું શક્ય બન્યું હતું. હજી ખુદ ઓસાકાને તો સારી રીતે જોવાનું બાકી જ હતું. તે સવારે અમે આરામથી હળવે પગલે હિમેજીની ટે્રન લીધી. હિંમત હતી, કારણ કે ત્યાં માત્ર એક કિલ્લો જ છે, બાકી કોઈ મજેદાર કાફેમાં બેસીને જલસા કરીશું અને મને રિકવર થવાનો મોકો મળશે એ પ્લાન હતો. ત્યારે હજી ખબર ન હતી કે આ કિલ્લો આખો દિવસ એક્સ્પ્લોર કરો તો પણ સમય ઓછો પડે એવો મજેદાર છે. એક ઓપ્શન હોટલ પર રહીને રેસ્ટ કરવાનો હતો જ, પણ તે પંદર જ મિનિટમાં રિજેક્ટ થઈ ગયો. તે પછીની પહેલી નેપ ઓસાકાથી હિમેજી વચ્ચેની ટે્રન પર લીધી. રસ્તામાં આવતાં ગામ જોવામાં ક્યાં આંખો બંધ થઈ ગઈ ખબર પણ ન પડી. સ્ટેશન પર પહોંચીને ગરમ ગ્રીન ટી લીધી. અહીં ઠંડાં પીણાંની બોટલોની બાજુમાં જ ગરમ પીણાંઓની બોટલોને ગરમ રાખતું હીટર પણ રહેતું. બરાબર ચુસ્કી લઈ શકાય એટલી ગરમ ચા, કોફી, દૂધ અને હોટ ચોકલેટનું વૈવિધ્ય પણ ભાવી ગયું હતું. આ રીતે પીણાં ગરમ રાખવાની ટેકનોલોજી કંઈ અઘરી કે એક્સક્લુઝિવ નહોતી લાગતી, તો પણ કોણ જાણે કેમ બીજા દેશોમાં તે ક્યાંય જોવા નથી મળી.

આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડઃ નારામાં મળી હરણની એક અનોખી દુનિયા…

ગરમ ગ્રીન ટીની બોટલ હાથમાં લઈને બહાર નીકળ્યાં કે સ્ટેશન પરથી જ હિમેજીનો કિલ્લો દેખાવા લાગ્યો હતો. તે પછી મોટાભાગનો દિવસ તાવ સાવ ભુલાઈ જ ગયો હતો. હિમેજીના કિલ્લાના સૌંદર્યનું જાણે મારી ઇમ્યુનિટી સાથે પણ સીધું કનેક્શન હોય તેવું લાગતું હતું. બંને તરફ ભીડ માટે બનેલી પહોળી ફૂટપાથ પર થઈને હિમેજીના કિલ્લા સુધી જવાતું હતું. તે સમયે, ચાલુ દિવસે, લંચ ટાઈમ પર ત્યાં પ્રવાસી મુલાકાતીઓની સંખ્યા ઘણી મર્યાદિત હતી. અમને આવા ખાલી રસ્તા પણ જાપાનમાં પહેલી વાર મળેલા. તેમાં રોડસાઇડ વિન્ડો શોપિંગ અને સ્ટ્રીટ ફૂડની પણ મજા લેવાનો મોકો મળી ગયેલો.

પહેલાં તો અમે ઇન્સ્ટાગ્રામની ફેવરિટ `તૈયાકી’ ખાવા માટે તેની રેકડી પર ઊભાં રહ્યાં. આમ તો તેને ફૂડ ટ્રક જ કહી શકાય પણ તેને તૈયાકીની રેકડી કહીને બોલાવવામાં જ અમને જમવાનો સંતોષ મળી ગયો. સ્વીટ પેસ્ટવાળી આ સ્ટફ્ડ પેન કેક ખાઈને અમે એટલું ધરાઈ ગયાં કે તે દિવસે જમવાની પણ જરૂર ન લાગી. તૈયાકીની હિસ્ટ્રી વિષે હજી આગળ વધુ જાણવા મળવાનું હતું. આ વાનગી પણ જાપાનની બહાર ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. તૈયાકી બની રહી હતી ત્યાં સુધીમાં મેં બાજુમાં એક સુવિનિયર સ્ટોરમાં આંટો માર્યો. અને એ નાનકડું ચક્કર જાણે તે દિવસની હાઈલાઇટ જ બની ગયો. હિમેજીએન નામની એ દુકાનમાં તે શહેર અને તેની સાથે જોડાયેલી લોકવાયકાઓ સંબંધિત આર્ટ હતું. એટલું જ નહીં, તે ચિત્રો દરેક પ્રકારનાં સુવિનિયર પર જોવા મળી ગયાં. ઉપરાંત ત્યાં મને તૈયાકી શેપનું પેન્ડન્ટ અને કિચેઈન પણ મળ્યાં. તે ટિપિકલ સુવિનિયર નહીં, પણ ત્યાંના કલાકાર યુકી માત્સુઓકોએ હાથે બનાવેલી ડિઝાઇનનાં હતાં.

આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડઃ કોબેમાં શૂઝ ને વ્યૂઝની મજા…

દુકાનના થડે બેઠેલા યુવાન સાથે વાત કરી તો જાણવા મળ્યું કે તે ખુદ યુકી હતો. અને તે આ દુકાન તો ચલાવે જ છે, સાથે દુનિયાભરમાં ફેશન શોઝમાં અને આર્ટ એક્ઝિબિશનમાં ભાગ પણ લે છે. તે એટલો નમ્ર અને મળતાવડો હતો કે માન્યામાં નહોતું આવતું કે આટલો વ્યસ્ત કલાકાર ટૂરિસ્ટ સાથે ગપશપ કરવામાં આટલો સમય વિતાવે. યુકીએ એમને તેની દુકાનની બહાર મળતી પોતાની મનગમતી તૈયાકી લેવરની પણ વિગતે વાત કરી. વળી તેની લોકપ્રિયતા અને તેનાં કલેક્શનની ક્વોલિટીના પ્રમાણમાં ભાવ ઘણા વાજબી હતા. તેની સાથે જાણે વાત કરવામાં કોઈ જૂના મિત્ર સાથે વાતો કરી હોય તેવી અનુભૂતિ થતી હતી. એકબીજાના ઇન્સ્ટા ફોલો કરવાની વાતોમાં અમે ત્યાંથી બહાર નીકળ્યાં. હવે તો જાણે અમે હિમેજીમાં સોશ્યલ વિઝિટ માટે જ આવી ગયાં હોઈએ એવું લાગતું હતું.

યુકીને અલવિદા કરી અમે કિલ્લા તરફ કૂચ આગળ વધારી. રસ્તામાં ગટર પરનાં મેટલનાં ઢાંકણાં પણ કલાત્મક હતાં. આખાય વાતાવરણમાં હળવાશ હતી. ભીડનો સ્ટે્રસ ન હોવાના કારણે હિમેજીમાં જરા વધુ રિલેક્સ્ડ રહી શકાયું હતું. હિમેજીમાં હજી ત્યાંનું મખ્ય આકર્ષણ જોવાનું તો બાકી જ હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button