એક નજર ઈધર ભી… : હે-ઓન-વાય: વેલ્સની નોખી પુસ્તક નગરી

કામિની શ્રોફ
હે-ઓન-વાય'? સેન્ડવીચની આ કઈ વરાયટી છે?' ડેથ ઓફ અ સેલ્સમેન’ તેમ જ ઓલ માય સન્સ’ જેવા વિશ્વવિખ્યાત નાટક ભેટ આપનારા અમેરિકન નાટ્ય લેખક આર્થર મિલરનો આ સવાલ રમૂજ ઊભી કરે છે અને સાથે સાથે સ્થળ વિશે અજ્ઞાન પણ વ્યક્ત થાય છે. વાત છે 1989ની જ્યારે વેલ્સનાહે-ઓન-વાય’માં આયોજિત લિટરરી ફેસ્ટિવલમાં વક્તા તરીકે હાજર રહેવા મિલરને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
હે-ઓન-વાય’ સેન્ડવીચ કે અન્ય કોઈ વસ્તુ નથી બલ્કે એક ગામનું-પુસ્તકોના ગામનું નામ છે એવો ખુલાસો થતા મિસ્ટર મિલરે અહોભાવ સાથે આમંત્રણ સ્વીકારી લીધું અને ગામમાં પહેલી વાર વિશ્વ વિખ્યાત વ્યક્તિની પધરામણી થઈ હતી. 2001માં યુએસ પ્રેસિડેન્ટનો કાર્યકાળ સમાપ્ત થયા પછી બિલ ક્લિન્ટનએ પણ સાંસ્કૃતિક મહોત્સવમાં હાજરી આપતા જગત આખાના મીડિયાનું ધ્યાન ખેંચાયું હતું અને વેલ્સનાહે-ઓન-વાય’ને વ્યાપક પ્રસિદ્ધિ મળી હતી.
યુકે- યુનાઇટેડ કિગડમ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ એ ચાર નાનકડા દેશનો સમૂહ છે. વાય નામની નદી પર આ ગામ વસ્યું છે અને અંગ્રેજી શબ્દ હેનો અર્થ ફેન્સ અથવા વાડ થાય છે. એટલે આ ગામ `હે-ઓન-વાય’ તરીકે ઓળખ ધરાવે છે. આજની તારીખમાં તો એ પુસ્તક નગરી-બુક ટાઉન તરીકે ખ્યાતિ ધરાવે છે.
પુસ્તક મનુષ્યનો શ્રેષ્ઠ મિત્ર માનવામાં આવે છે અને મિત્રોનું જ ગામ હોય જો લાઈફ કેવી તરબતર થઈ જાય. આપણા દેશમાં કલકત્તાની કોલેજ સ્ટ્રીટમાં લટાર મારતી વખતે પુસ્તકો જોઈ આંખ અને દિલને જે આનંદ મળે એને સમકક્ષ અનુભવ હે – ઓન – વાયમાં પણ થયો છે. 1960ના દાયકામાં રિચર્ડ બૂથ નામના એક યુવાનના પ્રયાસ, લગન અને દૂર દૃષ્ટિથી એક ખોબા જેવડું ગામ વર્લ્ડ ફેમસ થઈ ગયું.
રિચર્ડ બૂથ
રિચર્ડ બૂથ નામનો બ્રિટિશ યુવાન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી લઈ 1960માં પોતાના વતન હે-ઓન-વાય આવ્યો. અહીં તેના ધ્યાનમાં એક વાત આવી કે ગામ કે નગરમાં રહેતા એના જેવા અનેક યુવાનો ભણતર તેમ જ ઉજ્જવળ ભવિષ્ય માટે મોટાં શહેરોમાં સ્થળાંતર કરતા હતા. આ પરિસ્થિતિમાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધારાને અવકાશ નહોતો. વતન પરત ફર્યા બાદ ટૂંક સમયમાં જ રિચર્ડને કાકાની એસ્ટેટ વારસામાં મળી. સારી એવી રકમ હાથમાં આવતા રિચર્ડને પહેલો વિચાર હે-ઓન-વાયમાં બુકશોપ શરૂ કરવાનો આવ્યો.
ગામનું એક જૂનું ફાયર સ્ટેશન ખરીદી એમાં 1961માં સેક્નડહેન્ડ પુસ્તકની દુકાન શરૂ કરી. ગામનું ખંડિયેર બની ગયેલું હે કાસલ’ ખરીદી એની ખુલ્લી જગ્યામાં પુસ્તકો માટે અભરાઈઓ ઊભી કરી જનતા માટે ઓનેસ્ટી બુકશોપ’ શરૂ કરી. થોડા સમય પછી યુએસએની અનેક લાયબ્રેરી બંધ પડી રહી હોવાની જાણકારી મળતા મિસ્ટર બૂથ અમેરિકા પહોંચી ઢગલાબંધ પુસ્તક લેતા આવ્યા. એને પગલે ગામમાં બીજી ડઝનેક બુકશોપ શરૂ થઈ ગઈ.
આ પ્રયાસને ભવ્ય પ્રતિસાદ મળ્યો અને સરકારી નીતિના વિરોધમાં રિચર્ડ બૂથે પોતાને `કિગ ઓફ હે’ (હે ગામનો રાજા) ઘોષિત કરતા હે-ઓન-વાય ગામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજ્યું. સરકાર સ્વતંત્ર બિઝનેસમેનોને મદદરૂપ નહોતી થતી એના પ્રતિકાર રૂપે આ પગલું ભરવામાં આવ્યું હતું. મીડિયામાં રિચર્ડ બૂથના ઢોલ નગારાં વાગ્યા અને હે-ઓન-વાય ટુરિસ્ટો માટે અનોખું આકર્ષણ બની ગયું. એ સમયથી આજ દિન સુધી દર વર્ષે સહેલાણીઓનું ધાડું ગામમાં ઊતરી આવે છે.
શ્રીમાન રિચર્ડ બૂથ આજે આપણી વચ્ચે નથી રહ્યા, (2019માં તેમનું અવસાન થયું હતું) પણ હે- ઓન-વાય ગામમાં તેમણે શરૂ કરેલો સાહિત્યિક યજ્ઞનો જ્વલંત વારસો અને બુક ટાઉનની સમૃદ્ધિ આજે પણ ધબકે છે, અકબંધ છે. રિચર્ડ બૂથના આ ભવ્ય ઉદાહરણને પછી વિશ્વના અનેક દેશોમાં અનુસરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…એક નજર ઈધર ભી…: લ્રૂવ: 420 સેકંડની દિલધડક લૂંટ
ઓનેસ્ટી બુકશોપ
ગામના બધા બુકસ્ટોરનાં શટર સાંજે પડી ગયા પછી જો તમને પુસ્તક ખરીદવાનું યાદ આવ્યું અને સવારે બુકસ્ટોર ઉઘડે એ પહેલા જો તમારે નીકળી જવાનું હોય તો? ચિંતા નહીં કરવાની. હે કાસલમાં 24 કલાક ઉઘાડા રહેતા `ઓનેસ્ટી બુકશોપ’માં પહોંચી જવાનું. આ ઓપન એર પુસ્તકની દુકાન છે એટલે એને નથી કોઈ બારી બારણાં , જેથી આ દુકાન ઉઘાડવાનો કે બંધ કરવાનો પ્રશ્ન જ નથી આવતો. અહીં બે વિભાગમાં વિવિધ અભરાઈઓ ઉપર ઢગલાબંધ બુક્સ પુસ્તક પ્રેમીની રાહ જોઈ રહ્યા છે.
1960ના દાયકામાં શરૂ થયેલી આ પરંપરા આજની તારીખમાં પણ ચાલુ રહી છે. ખંડેર થઈ ગયેલા એક હજાર વર્ષ પુરાણા કિલ્લા જેવા વિશાળ મકાનમાં આ બુકશોપ છે અને એવું નહીં માની બેસતા કે અહીં પુસ્તકો મફત મળે છે. દુકાનમાં એક ઓનેસ્ટી બુક (પ્રામાણિક પેટી) રાખવામાં આવી છે,જેમાં ખરીદેલા પુસ્તકની કિમત જેટલા પૈસા મૂકી દેવાના. સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે સહેલાણીઓ `ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી’ને અનુસરતા હોય છે. પુસ્તક ઉઠાવી જવાની વૃત્તિ અહીં નથી જોવા મળતી.
મર્ડર એન્ડ મેહેમ બુકશોપ
આ કોઈ એક દુકાન નથી, બલ્કે લોકપ્રિય પુસ્તક શૃંખલા છે. રહસ્ય અને કંપારી જગાવતી ગુનેગારોની દુનિયાના પુસ્તકોની આ દુકાનની શરૂઆત 1987માં નાની અમથી ઓરડીમાં થઈ હતી. આ પ્રકારનાં પુસ્તકો માટે જબરદસ્ત રૂચિ હોવાને કારણે ફક્ત છ જ મહિનામાં દુકાનની લોકપ્રિયતાના ડંકા દસે દિશામાં વાગ્યા. દસ બાય દસની ખોલી નાની પડવા લાગી અને સ્ટોર મોટી જગ્યાએ ખસેડવો પડ્યો. ક્રાઈમ, મિસ્ટરી અને હોરરની બુક્સ ચપોચપ ઊપડવા લાગી.
વેચાણમાં એવો ઉછાળો આવ્યો કે એક દસકા પછી તો નવી વિશાળ જગ્યા ખરીદવાનો વખત આવ્યો અને ધીરે ધીરે સ્પેશ્યલાઈઝડ સ્ટોર શરૂ કરવામાં આવ્યા. 1997માં આ પુસ્તક શૃંખલાએ `મર્ડર અને મેહેમ’ (હત્યા અને હિંસાચાર) નામ ધારણ કર્યું. પુસ્તક વેચાણનો વિસ્તાર કરી 2002માં કલાત્મક સેક્સી પેઇન્ટિંગ તે જ શિલ્પ જેવી વસ્તુ અને દુર્લભ પુસ્તકો રાખવાનું પણ શરૂ કર્યું.
આ દુકાનમાં દાખલ થતાની સાથે આગાથા ક્રિસ્ટીની મર્ડર મિસ્ટરી બુક્સ પર નજર પડ્યા પછી મૃત શરીરની બાહ્ય લાઈન ધરાવતી આકૃતિ આંખો પહોળી કરી દે છે. પુસ્તકની અભરાઈ નજીક `પોલીસ લાઈન, ડુ નોટ ક્રોસ’ ટેપ તમને ક્રાઇમની દુનિયામાં હોવાનો એહસાસ કરાવે છે. આગળ વધતા દીવાલ પરથી ઊંધી લટકતી ચામાચીડિયાની પ્રતિકૃતિ, છત પર હારબંધ નજરે પડતા નવલકથાકાર, સાહિત્યનાં પ્રતિષ્ઠિત પાત્રોના બાવલા અને મશહૂર પુસ્તકોના વિશિષ્ટ અવતરણો બુકશોપ લટાર યાદગાર બનાવી દે છે. ત્યાંથી ખરીદેલું એકાદ પુસ્તક વાંચ્યા પછી જો રાત્રે ઊંઘ ન આવે અને ઊંઘ આવી ગઈ હોય તો બિહામણું સપનું આવે એ તમારો પ્રોબ્લેમ છે.
આ પણ વાંચો…એક નજર ઈધર ભી… : ટિટિઝી નોસ્ટેટ: કક્કુ ક્લોકનું કામણ



