મસ્તરામની મસ્તીઃ દિવાળીએ ફૂટતા બોમ્બ જેવા મહેમાન

મિલન ત્રિવેદી
હજુ તો કાર્યક્રમમાંથી ઘરે પહોંચ્યો શેરીમાં પણ કૂતરાઓ ફટાકડાના અવાજ કાનમાં ભરી માંડ આડા પડખે થયા હતા. સવારના પાંચ માંડ વાગ્યા હશે. ત્યાં ફોન રણક્યો. સપરમાં દાડે આટલી વહેલી સવારે ફોન રણકે એટલે તરત ટુવાલ યાદ આવે. કોઈક ગયું : `ચાલો, એક પંથ દો કાજ. આમ પણ નાહવાનું તો છે જ…’
ચશ્માં ચડાવી અને કોલરનું નામ વાંચ્યું તો ચુનિયાનું નામ આવ્યું. જાતજાતના અતરંગ વિચારો સાથે ફોન ઉપાડ્યો. સામેથી ચુનિયાનો ઘસાઈ ગયેલા સ્પીકર જેવો અવાજ આવ્યો:દિવાળીના તહેવારો મુબારક.' મેં કહ્યું કે
ભલા માણસ, આજે તો હજુ વાકબારસ છે.’
મને કહે: `ભલા માણસ, વાઘ બારસ કહો. ઘરે વાઘણને ચરણસ્પર્શ કરી પહેલા જ તમને ફોન કર્યો. Whatsappમાં મેસેજ વાંચતા હશો કે સૌ પહેલા મેં તમને વિશ કર્યું, પરંતુ હું તો ફોન કરીને સ્ક્રીનશોટ પાડી રાખુ, જેથી કરી મને કોઈ ફરિયાદ ન કરે.’
મેં કહ્યું : `પહેલા નક્કી કર કે સાબિતી માટે ફોન કર્યો કે શુભેચ્છા માટે. અને હજુ સવારના 5:00 વાગ્યા છે. સુઈ અને જાગવા તો દે.’
દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે. લોકો એકબીજાને શુભેચ્છાના સંદેશાઓની આપ – લે કરવામાં મસ્ત છે. મારું વતન જુનાગઢ અને દિવાળીની મજા ખરેખર અમારી જ્ઞાતિની જુદી છે.
બેસતા વર્ષે સબરસ કહેતા આખું મીઠું વેચવા સવારે ચાર વાગ્યાના સુમારે લારી લઈને નીકળે. સાડા ચાર પાંચ ન થયા હોય ત્યાં તો સાલ મુબારક કરવા માટે સજી ધજી તૈયાર થઈ તમારા ઘરે આવરો જાવરો શરૂ થઈ જાય.
મને યાદ છે કે અડધા તો અંધારામાં કળાય પણ નહીં, ઓળખાય પણ નહીં. સાલ મુબારક કરી અને જે નાસ્તાની ડીશો હોય તે ફટાફટ પતાવી નીકળી જાય.
આવા અંધારાના લાભમાં ન ઓળખતા હોય છતાં ખબર હોય કે ફલાણાભાઈના ઘરે ટોપરા- ઘારી બહુ સરસ બને છે તો ત્યાં જઈ અને ખૂબ ઝાપટી છે.
જે સવારે 5:00 વાગે આવી ગયા હોય તે વળતા સામા મળે તો ફરી `સાલ મુબારક ‘ કરીએ અને ધોખો પણ કરીએ કે કેમ ઘરે ના આવ્યા? એ કહે પહેલા જ તમારે ઘરે આવ્યા હતા. ભૂલી ગયા? આમ અંધારામાં કોણ આવી ગયું તે પણ ખબર ન પડતી.
આ વખતે દિવાળીના બીજા દિવસે ધોકો છે. અમુક લોકો તો ધોકાના દિવસે પણ `હેપી ધોકો’ કહીને નાસ્તો કરી જાય.
જે ઉડતી મુલાકાતે શુભકામનાઓ દેવાના આવ્યા હોય તે નિરાંતે સાંજે ઘર ખાટલો લઈને આવે એટલે કે સહકુટુંબ આવે. નાના મોટા થઈને 8-10 કુટુંબના સભ્યો તમારા ઘરમાં ખડકાઈ જાય.
ગયા બેસતા વર્ષની વાત કરું તો ચુનિયો તેની ફોજ લઈને આવ્યો હતો. મેં દિવાળીની સ્કીમમાં સોફા લીધા હતા અને બેસતા વર્ષે તેની સાથે આવેલા નાના-મોટા છોકરાઓ એટલું ખૂંધ્યા કે સોફાની નીચે પગ કાઢ્યા.
નાસ્તાની ડીશ જેટલી વાર ગોઠવતા નથી લાગી તેટલી વારમાં સફા ચટ કરી ગયા અને છેલ્લે સીધા ડબ્બા જ મૂકી દીધા. પાણી માટે ફ્રીઝ ખોલતા છોકરાઓ કાજુકતરી જોઈ ગયા અને સરવાળે લોક કરેલું ફ્રીઝ ખોલવા દરવાજે ટીંગાયેલા.
દિવાળીના દિવસે જો તમારા ઘરે નાના છોકરાઓ હોય અને તેના કોઈ રમતના સાધનો હોય અને તેમાં પણ ખાસ કરી અને બેટબોલ હોય તો માળિયામાં ચડાવી દેવા.
મહેમાનના છોકરાઓ ઘરમાં રમતનું મેદાન સમજી અને બેટ દડે રમવાનું ચાલુ કરે મોંઘા ભાવની તે દિવસે નીકળેલી કાચની ક્રોકરી ભરભર ભૂકો કરી નાખે.
અમુક મહેમાનોના છોકરાઓ તો તમે શુકન પુરતા ફટાકડા લીધા હોય તેની કોથળી જતી વખતે હાથમાં લેતા જાય અને કહેતા પણ જાય કે તમારા ઘરે આ મજા છે. નાસ્તો પાણી કરી અને ફટાકડા પણ મળી રહે.
એમાં પણ ઉરાંગ ઉટાંગ જેવા છોકરાઓ હોય તો હાથમાં ફટાકડો ફૂટે એટલે ઘરધણીનો ઠપકો પણ આપણે સાંભળવાનો કે આવા ફટાકડા ઘરમાં ન રાખતા હોય તો? તેના દવા દારૂનો ખર્ચો પણ આપણે કરવાનો.
અમુક તો CID પ્રદ્યુમન જેવા હોય. એ પ્રશ્નોનો મારો ચલાવે: `આ વખતે ઘરમાં કલર ન કરાવ્યો? રંગોળી ન કરી? ઘરમાં ફરીથી જાળા બાજી ગયા છે. છેલ્લે ક્યારે સફાઈ કરી હતી? મીઠાઈ ન બનાવી? ફરસાણમાં શું બનાવ્યું છે? કેમ એટલું જ?’
એમના ગયા પછી ખરેખર એવું લાગે કે તમે દિવાળીમાં કાંઈ કર્યું જ નથી. મારું તો એટલું જ કહેવું છે કે દિવાળી પ્રકાશ અને ઉત્સાહનું પર્વ છે.
કોઈના ઘરે મહેમાન થઈને જાવ તો કંઈક લેતા જાવ. તેને આનંદ આવે તેવી વાતો કરો. તેના હાલ ચાલ પૂછો.
Zen z તો હવે ચરણસ્પર્શ કરવાનું ભૂલી ગયા છે. જોકે અમુક બાળકોમાં તો વધી ગયેલું શરીર કમરથી વળવાની ના પાડે એટલે પગના અંગૂઠાને સ્પર્શ કરવાની વાત તો જવા દો પણ ગોઠણ સ્પર્શ કરી `હાય અંકલ’ કહી અને કર્તવ્ય પૂરૂં કરે છે.
ચાલો, સૌ વાચક બિરાદરોને મનમાં ઉદ્ભવેલી વ્યાજબી ઈચ્છાઓ ઉપરવાળો પૂરી કરે તેવી નવા વર્ષની શુભકામનાઓ.
વિચારવાયુ:
કાળી ચૌદસના દિવસે કોઈ મિત્ર એમ કહે કે ચાલો, દહીંવડા ખવડાવું તો ના પાડવી. ચુનિયાએ દહીં વડા ખવડાવેલા જેમાં મારા ઘરમાંથી ચોકમાં મૂકેલું વડું પણ હતું !
આ પણ વાંચો…મસ્તરામની મસ્તીઃ ધરાહાર માળીયે ચડાવે એ જ સાચી ઘરવાળી…