વીક એન્ડ

એક નજર ઈધર ભી…: ગિથોન: ગોરી તેરા ગાંવ બડા પ્યારા…

કામિની શ્રોફ

નેધરલેન્ડ્સ એક એવો દેશ છે, જ્યાં મનુષ્યની ઈચ્છા અને પ્રયાસને કારણે વાયુ તેમ જ ઘોંઘાટના પ્રદૂષણનું સ્તર ઘણું નીચું જોવા મળે છે. ઘોંઘાટથી દૂર નીરવ શાંતિ અને એર પોલ્યુશનથી મુક્ત હવા પાણી માણવા હોય તો ગિથોનની સહેલ કરવા જેવી છે.

બડા પ્યારા ગાંવ ગિથોન:

ગામમાં પગપાળા અને બોટની સફર કરતી વખતે ‘ચિતચોર’ ફિલ્મનું ગીત ગોરી તેરા ગાંવ બડા પ્યારા, મૈંતો ગયા મારા, આકે યહાં રે, આકે યહાં રે’ મનમાં-હૃદયમાં ગુંજવા લાગ્યું. દોઢેક કલાકનો કાર પ્રવાસ પછી અમે એવી જગ્યાએ પહોંચ્યા , જ્યાંથી મશીનનો સાથ છોડી શરીરના સથવારે પ્રકૃતિના ખોળામાં ખૂંદવાનું હતું.નો રોડ્સ’ એટલે કે સડક વિનાના આ બ્રિજ અને કેનાલના આ ગામડામાં ઈંધણથી ચાલતાં વાહનોને એન્ટ્રી નથી. પહેલા પગપાળા અને પછી નાવડીમાં ફેરફટકા મારવાના.

નેધરલેન્ડ્સના ટોપ ટેન ફેવરિટ સ્થળમાં ગિથોન વટથી સ્થાન ધરાવે છે. એની ખ્યાતિ દેશાવરમાં એવી ફેલાયેલી છે કે એક પણ નાગરિકે આની મુલાકાત ન લીધી હોય એવા દેશનું નામ શોધતા પરસેવો પડી જાય. ચાલવાની મજા માણતા માણતા થોડા આગળ ચાલ્યા ત્યાં સમગ્ર વિસ્તારમાં Binnenpad તરીકે ઓળખાતા ખાસ સાઇકલ માટે તૈયાર કરવામાં આવેલા માર્ગ નજરે પડ્યા. આ સાઇકલ રૂટ ગિથોન સોંસરવો નીકળી ગામની નહેરોને દુકાનો, રેસ્ટોરાં સાથે જોડે છે. એક સહેલાણી તો ગણગણી પણ ઊઠી કે `બનકે પંછી ગાયે પ્યાર કા તરાના’ અને સાઇકલ સવાર નૂતનનું મીઠું સ્મરણ થયું અને મોં મલકાઈ ગયું.

બ્રિજની બાદશાહી:

દેશના પાટનગર એમ્સ્ટર્ડમથી અંદાજે 100 કિલોમીટરના અંતરે આવેલા આ ગામડામાં હાથે ખોદીને બનાવેલી નહેરો અને નાના નાના ટાપુ જેવા વિસ્તારને એકબીજા સાથે જોડતા 176 બ્રિજ જોવા મળે છે. આ બધા બ્રિજ લાકડાના બનેલા છે. બાંધકામમાં ઓક, લાર્ચ કે પાઈન વૃક્ષના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને પાણી નુકસાન નથી પહોંચાડી શકતા. ગામમાં લટાર મારતી વખતે નજરે પડતા ફાર્મહાઉસ (આપણી ભાષામાં ગામના ખોરડાં)ની સાદગી હેરત પમાડે છે. જોકે, 18-19મી સદીમાં એનું બાંધકામ થયું હોવાની જાણકારી મળતા અચરજ વિરમે છે પણ આ પ્રાચીન આવાસની અંદરની કેટલીક આધુનિક સુવિધા જોતા આંખો ફરી આશ્ચર્ય ફેલાઈ જાય છે.

ઈતિહાસ:

નેધરલેન્ડ્સના આ મનોહર ગામમાં લટાર મારતી વખતે એના નામ સાથે જોડાયેલો ઈતિહાસ જાણવાની ઉત્કંઠા થઈ. મહારાષ્ટ્ર અને ખાસ કરી મુંબઈમાં ઊછર્યા હોય એ લોકો વસઈ-વિરાર ક્ષેત્રના ગાવઠણ'થી પરિચિત જરૂર હોય.ગિથોન’ નામનો ઉચ્ચાર સાંભળ્યો ત્યારે એને ગાવઠણ સાથે તો કોઈ સંબંધ હશે કે કેમ એવો વિચાર મગજમાં ઝબકી ગયો. જોકે, સ્થાનિક વ્યક્તિએ કરેલી સ્પષ્ટતા અનુસાર ઈતિહાસના અભ્યાસુઓમાં નામના ઇતિહાસ બાબતે ભિન્ન મત છે.

કેટલાક લોકોનું માનવું છે કે આ ગામની સ્થાપના સાધુ- સંતોએ કરી હતી તો જમીન ખોદનારા લોકો અહીં પહેલા આવ્યા અને ગામ વસાવ્યું એવો પણ અન્ય અભિપ્રાય છે. અલબત્ત, ચોપડે ચડેલી નોંધ અનુસાર બરાબર 800 વર્ષ પહેલાં એટલે કે ઈ. સ. 1225માં ગિથોનનો પહેલી વાર ઉલ્લેખ થયો હતો. ગામનું મૂળ નામ Geytenhoren હતું, જેનો અર્થ ડચ ભાષામાં સંખ્યાબંધ બકરીનાં શિંગડાં એવો થાય છે. આ શિંગડા મૂળ સ્થાનિક રહેવાસીઓને મળી આવ્યાં હતાં. 1170માં વાવાઝોડાના તોફાનમાં આ બકરીઓ મોતને ભેટી હતી. કાળક્રમે Geytenhoren બદલાઈ Giethoorn થઈ ગયું.

મ્યુઝિયમ:

પ્રાકૃતિક સૌંદર્યનો વૈભવ ધરાવતા આ ગામમાં અનોખું મ્યુઝિયમ પણ છે. અલબત્ત, તમે વિવિધ દેશના મહાનગરોમાં જોયા હશે એથી સાવ વિપરીત આ મ્યુઝિયમનુ બંધારણ છે. The Old Earth નામનું મ્યુઝિયમ એના અર્થને સાર્થક કરે છે. ગિથોનના આ સૌથી પ્રાચીન મ્યુઝિયમ માં વિશ્વભરના કિમતી અને આભૂષણમાં વપરાતા રત્નોનો વિશિષ્ટ ખજાનો જોવા મળે છે.

પૃથ્વીના ઈતિહાસ દર્શન કરાવી વિવિધ જાણકારી ઉપલબ્ધ કરવામાં આવી છે. The Old Farm House/Home of the Farmer મ્યુઝિયમમાં તમને કેટલીક સદી જૂના સમયનો પરિચય કરાવે છે. આ ગામ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તેમજ Whisper boats, Punters, Kayaks એમ લાક્ષણિકતા અનુસાર વિવિધ નામથી ઓળખાતી હોડીઓ-નાવડીઓનું બાંધકામ કેવી રીતે કરવામાં આવતું હતું એની રસપ્રદ જાણકારી પણ મળે છે. Art Pottery Giethoorn Floramics નામનું મ્યુઝિયમની ખાસિયત એમાં રહેલી કલાકૃતિઓ કરતા વિશેષ તો 100 વર્ષથી વધુ પુરાણા છાપરાં ધરાવતા ફાર્મ હાઉસમાં એ તૈયાર કરવામાં આવ્યું એ છે.

પ્રવાસન પરેશાન:

ગિથોનની લોકપ્રિયતા દેશ-પરદેશના સીમાડા ઓળંગી સર્વત્ર ફેલાઈ હોવાથી દર વર્ષે આ ગામમાં 10 લાખથી વધુ સહેલાણીઓના ધાડેધાડાં ઉતરી આવે છે. ટુરિઝમ કમાણી કરાવી આપે, સ્થાનિક પ્રદેશની સમૃદ્ધિ વધારે એ વાત સાચી, પણ આજે વિશ્વના કેટલાક ફેવરિટ સ્થાન `ઓવર ટુરિઝમ’ વધુ પડતા પ્રવાસીઓની સમસ્યાથી પરેશાન છે એ યાદીમાં હવે ગિથોનનું નામ પણ જોડાઈ ગયું છે. 1958માં રિલીઝ થયેલી ડચ કોમેડી ફિલ્મ Fanfareમાં ગિથોનના સૌંદર્યને દર્શાવવામાં આવ્યા બાદ ટુરિસ્ટો અહીં આવતા થયા. જોકે, આજની તારીખમાં સહેલાણીઓની વિશાળ સંખ્યાને કારણે સ્થાનિક જીવનનું સંતુલન ખોરવાઈ જતું હોવાની ફરિયાદ થઈ રહી છે.

છ એક કલાક ગિથોનમાં ટહેલ્યા પછી હવે નીકળવાનું છે એમ કહેવામાં આવ્યું ત્યારે પિયર રોકવા આવેલી દીકરીને સાસરે પાછા ફરતી વખતે જે લાગણી થાય, એવી જ લાગણી બધા અનુભવતા હતા. ખૂબ ચાલવાનો કોઈ શારીરિક થાક નહીં, ચા – કોફીની તલબ નહીં કે નહોતો કોઈ પ્રકારનો કંટાળો. પ્રકૃતિની ગોદ ખૂંદવાના આનંદ સામે બીજું બધું ગૌણ લાગતું હતું. શહેર પાછા ફરવા કારમાં બેઠા ત્યારે હસરત જયપુરી લિખિત ગીતની પંક્તિ નજીવા ફેરફાર સાથે ગણગણવાનું મન થયું…
`હમરે ગાંવ જો ભી આયેગા, પ્યાર કી ડોર સે બંધ જાયેગા…’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button