અરાઉન્ડ ધ વર્લ્ડઃ ફુશિમી ઇનારી-સુંદર છતાં રહસ્યમય શ્રાઇન… | મુંબઈ સમાચાર
વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ફુશિમી ઇનારી-સુંદર છતાં રહસ્યમય શ્રાઇન…

પ્રતીક્ષા થાનકી

ક્યોટો પહોંચી ચૂક્યાં હતાં તે માન્યામાં નહોતું આવતું. છેલ્લાં ઘણા સમયથી કોઈ પણ સ્થળ વિશે માહિતી મેળવવી જરા પણ મુશ્કેલ રહ્યું નથી. પહેલાં કમસેકમ લિંક્સ શોધવાની તસ્દી લેવી પડતી હતી. હવે તો જેમિનાઈ હોય કે પરપ્લેક્સિટી, કોઈ ને કોઈ રીતે એઆઈ એજન્ટ સીધું જ જોઈએ એવી આઇટનરરી બનાવી આપે છે. એટલું જ નહીં, જ્યાં પણ જાઓ ત્યાંની ઓડિયો કોમેન્ટ્રી કે જે પૂછો તે પ્રશ્નોના જવાબ પણ આપી જ દે છે.

માહિતીનો અભાવ તો દુનિયામાં લાંબા સમયથી નથી, પણ અનુભવો તો જાતે જ કરવા રહૃાા. ક્યોટોમાં વસંતમાં હળવી ક્રિસ્પી હવામાં ઊભા રહીને કયા રસ્તે શ્રાઇન અને જંગલનો બેેસ્ટ વ્યુ આવશે તે જાતે નક્કી કરવાની મજા કદી ક્યાંય નહીં જાય એ પણ નક્કી જ છે. બાકી વીઆર ગોગલ્સ સાથે ગ્રાન્ડ કેન્યોન હોય કે મેટરહોર્ન, ઘણાં ખડકો, ખીણો અને નદી કિનારાઓએ પણ ગયા વિના પણ લટાર મારી છે. એવામાં અમે ક્યોટોના માહોલને સમજીને ત્યાંના અનુભવો પર ફોકસ કર્યું.

ક્યોટોમાં થોડાં ચક્કર માર્યાં પછી ખબર પડી કે ટોક્યો કેટલું મોડર્ન હતું. અને ટોક્યોમાં ગમે તેટલા પારંપરિક જાપાનીઝ અનુભવો થાય, ખરું જાપાન, ત્યાંનો ઇતિહાસ તો ક્યોટોમાં આજે પણ જીવે છે. અહીં તો કિમોનો અને સંપૂર્ણ રીતે ઐતિહાસિક મેક-અપ કરેલાં ગીશાનાં દૃશ્યો પણ જોઈને જાણે ટાઇમટ્રાવેલ કર્યું હોય તેવું જ લાગતું હતું. તેમાંય કાનસાઈ રિજનમાં તો મોટાભાગની ગલીઓ લાકડામાં મઢેલી હોય તેવી લાગતી હતી.

એક સમયે કાનસાઈમાં જ ક્યોટોનું રજવાડું વસતું હતું. આમ જોવા જાઓ તો કાનસાઈ રિજન જાપાનનું રાજસ્થાન હોય તેવું લાગતું હતું. ત્યાં હિમેજી જેવો પેલેસ, ક્યોટો જેવું રજવાડું અને ઓસાકા જેવું ધમધમતું શહેર પણ છે જ. અમે કાનસાઈ જોવાની શરૂઆત જ ત્યાંના બેસ્ટ ખૂણાથી કરી હતી. જાણકારો તો ઘણીવાર ટોક્યો માટે અલગ અને કાનસાઈ માટે અલગ ટ્રિપ જ પ્લાન કરી દે છે. અહીં બે-ત્રણ અઠવાડિયાં તો ક્યાં નીકળી જાય ખબર પણ ન પડે.

ક્યોટોમાં આમ તો ત્યાંના છૂપા રસ્તોનું લિસ્ટ લાંબું છે, પણ એ વખતે ઇચ્છા થઈ ત્યાંના સૌથી ખ્યાતનામ ખૂણાથી શરૂઆત કરવાની, અને થોડી મિનિટોમાં અમે હોટલથી ફુશિમી ઇનારી તરફ નીકળી પડ્યાં. આમ તો જાપાનની દરેક શ્રાઇનની બહારનો ઓરેન્જ ગેટ સીધો મનને શાંત કરી દેતો હતો. અને ફુશિમી ઇનારીની ખાસિયતોને ત્યાં સમય વિતાવીને જાતે જ શોધવાની હતી.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ ટોકાઈડો શિનકાનસેન-જાપાનીઝ બુલેટ ટ્રેનમાં અનુભવ થઈ પણ જાય ને ખબર પણ ન પડે…

તેમાંય ટૂરિસ્ટનો મારો ત્યાં એવો હતો કે સૌથી મોટો અનુભવ તો ત્યાં પીપલ-વોચિંગનો જ બનીને રહી ગયો હતો. હજી સકુરાની ટૂરિસ્ટ સિઝન તો શરૂ પણ ન હતી થઈ. ત્યારે તો અહીં મુંબઈ લોકલ જેટલી ભીડ પણ થઈ જ જતી હશે. આ શ્રાઇન `ઇનારી’ નામે શિન્ટો ભગવાનની છે, જે ભાત અને ભાગ્યના દેવતા છે. હવે જાપાનમાં રાઈસનો પણ અલગ ભગવાન હોય તે સ્વાભાવિક છે.

છેક 711ની સાલમાં બનેલી આ શ્રાઇનમાં ઓરેન્જ ગેટ પાછળનો પાથ જરા અનોખી શાંતિ આપી જતો હતો. ત્યાં ઉપર ટેકરી તરફ ચઢવામાં ભીડ પણ ઓછી થતી જતી હતી. મોટાભાગની ભીડ તો ગેટ પાસેનો ખ્યાતનામ ફોટો પડાવવા માટે જમા થઈ હોય તેવું લાગતું હતું. જાપાનમાં આજકાલ જેટલા ટૂરિસ્ટ ભેગા થાય છે એ પ્રમાણમાં દરેક સ્થળે મુખ્ય વ્યુ તો મુલાકાતીઓની ભીડનો જ હોવાનો.

ગેટ્સની હારમાળાથી બનતી ટનલ મોટાભાગે લોકોએ આપેલા દાનમાંથી બની છે. દરેક ગેટ પર દાન આપનારનું નામ પણ કોતરવામાં આવેલું હોય છે. આ બાબતમાં દરેક કલ્ચર સરખું છે. ધાર્મિક સ્થળે દાન આપીને નામ લખાવવામાં કોઈ પણ સંસ્કૃતિનો માણસ રસ્તો શોધી જ લે છે.

જોકે હાલમાં જર્મનીમાં રોથેન-બુર્ગ ઓબ-ડેર-ટાઉબર ગામની દીવાલો પર રિપેર કરવા લગાવેલા પથ્થરો પર પણ જાપાનીઝ દાનવીરોનાં નામ કોતરાયેલાં જોવા મળ્યાં હતાં. આ ફુશિમીનું મંદિર કે ઇનારી છે, એવી જ બીજી જાપાનમાં અલગ અલગ દેવતાઓને સમર્પિત 30,000 જેટલી ઇનારી છે. આ બાબતમાં તો ભારત યાદ આવ્યા વિના રહી જ ન શકે.

ફુશિમીનું પ્રતીક શિયાળ છે અને આખા વિસ્તારમાં શિયાળનાં ક્યુટ શિલ્પો જ્યાં જુઓ ત્યાં નજરે પડતાં હતાં. શ્રાઈનના અંતે ટોચ પર પહોંચવામાં બે કલાક લાગી ગયા. અહીંની ટનલ અને આસપાસની રોશની વચ્ચે અંતે મુખ્ય પૂજાના વિસ્તારમાં તો માત્ર એક અરીસો જ છે. આ ફુશિમીને યાદ કરવામાં અહીં પ્રવેશદ્વાર સુધી પહોંચવામાં ઘણા ફોર્ચુન કુકીઝના ઠેલા પણ છે.

મને પ્રશ્ન થયો કે જાપાનીઝ અને ચાઇનીઝ ફોર્ચુન કુકીઝમાં ફર્ક તો હોવો જોઈએ. અને ખરેખર છે જ. ચાઇનીઝ ફોર્ચુન કુકીઝ તો અમેરિકન ચાઇનીઝ કોનસેપ્ટ છે. જ્યારે જાપાનીઝ ફોર્ચુન કુકીઝ તો તલ અને મિસો લેવરની બને છે. આમ તો જાપાનીઝ પારંપરિક ભવિષ્ય ભાખતા મેસેજીસ પણ જરા અલગ રહેતા હતા, પણ હવે ત્યાં પણ બધું અમેરિકનાઈઝ થઈ જ ગયું છે.

ઇનારીની અંદર લોકો હોય કે નહીં, માહોલ જરા ભારે લાગતો હતો. વળી અહીં પણ રાત્રે ન જવાની વાત પણ છે. એટલું જ નહીં, ગેટના અમુક વિસ્તારોમાં પણ ન જવાની સૂચના છે. ત્યાંથી આગળ માણસો જઈને ત્યાં વસેલી આત્માઓને ગેટની બહાર ભટકાવી શકે તેવી વાતો છે.

આ બધી વાતોની જાણકારી સાથે ત્યાં ઊભા રહેવામાં અંધશ્રદ્ધા રાખ્યા વિના પણ માહોલ ગેબી સમજીને સસ્પેન્સ ફિલ્મ લાઇવ જોઈ હોય તેવી મજા લઈ લેવાનો મોકો પણ ત્યાં મળી ગયો. પછી સમજાયું કે ત્યાં પ્રવેશદ્વાર પાસે ઘણી ભીડ હોવા છતાં ઘણા ખૂણાઓમાં કોઈ જતું ન હતું.

હવે નજીકના બામ્બુ જંગલને એક્સપ્લોર કરવાનો સમય આવી ગયો હતો. બામ્બુને તો આમ પણ જંગલ બનતાં વાર નથી લાગતી. એવામાં અહીં તે જંગલ એટલું ઘેરું લાગતું હતું કે અંદર જતા પહેલાં ધાર્મિક ન હોવા છતાંય જરા પ્રાર્થના કરીને જવાની ઇચ્છા થઈ આવી હતી. જાપાની શ્રાઇનની મન પર ખરેખર અનોખી અસર થતી હતી.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ ક્યોટોની ક્રિયેટિવ આબોહવામાં…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button