વરસાદનું પિયર એટલે મૉસિનરામ ગામ…

વરસાદનું પિયર એટલે મૉસિનરામ ગામ…

ફોકસ – વિણા ગૌતમ

કોઈ શહેર નાનું કે મોટું હોય તે જગ્યાની પોતાની એક ઓળખ અને વિશેષતા હોય છે જે બીજી જગ્યાઓથી અલગ હોય છે. ભારતની લોકપ્રિય જગ્યાઓને શોધીને તમારા સુધી પહોંચાડીયે છીએ. ચાલો આજે જાણીયે વાદળો અને વરસાદનું પિયર એટલે કે મૉસિનરામ ગામ.

દોઢ દાયકા પહેલાના લોકોના જનરલ નોલેજના હિસાબે ચેરાપૂંજી એ એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે વરસાદ પડતો હતો. જો આજે પણ તેઓને પૂછવામાં આવે કે સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે તો તેઓ એક પણ ક્ષણ વિચાર્યા વગર ચેરાપૂંજીનું જ નામ આપશે, પરંતુ જે લોકોએ છેલ્લા એક દાયકામાં પોતાનું જનરલ નોલેજ અપડેટ કર્યું છે તેઓ ચેરાપૂંજીની બદલે મૉસિનરામ ગામનું નામ લેશે. આમ જોઈએ તો બન્ને ગામની વચ્ચે અંતર ખૂબ જ ઓછુ છે. આ બન્ને જગ્યાઓ મેઘાલયમાં આવેલી છે, પરંતુ મૉસિનરામ ગામ એ સૌથી વધુ વરસાદવાળી જગ્યાઓનો બાદશાહ બની ગયો છે.

ગિનીઝ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં મૉસિનરામ ગામનું નામ સૌથી વધુ વરસાદવાળી જગ્યામાં નોંધવામાં આવ્યું છે. અહીં આખા વર્ષમાં લગભગ 6 થી 8 મહિના સુધી લગભગ રોજ વરસાદ પડે છે અને દેશના બાકીના ભાગ કરતા લગભગ 10 ગણો વધારે વરસાદ થાય છે. એક વર્ષમાં લગભગ 11,871 મિલીમિટર. દુનિયામાં આટલો વધારે વરસાદ માત્ર આ જગ્યાએ જ પડે છે.

મૉસિનરામ આ દાવાને ચુનોતી આપવા થોડા વર્ષો પહેલા કંબોડિયાના એક શહેર યૂરોને એવો દાવો કર્યો હતો કે, તેમને ત્યાં વર્ષમાં 12,717 મિલીમિટર વરસાદ પડે છે. આ બાબતે જ્યારે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે સંશોધનો કર્યા ત્યારે આ બાબતને નકારવામાં આવી હતી. એમ કહી શકાય કે, મૉસિનરામ ગામ દુનિયામાં સૌથી ભીની જગ્યા છે. અહીં વેટેસ્ટ પ્લેસ ઓફ અર્થ ‘નું સાઈન બોર્ડ પણ છે. સાલ 1973 થી 2019ની વચ્ચે મોસમ વિજ્ઞાનના ડેટા અનુસાર ચેરાપૂંજીમાં મૉસિનરામ કરતા 0.42 મિલીમિટર વરસાદ ઓછો થયો હતો. આ કારણે જ સૌથી વધારે વરસાદ પડવાનો તાજ જે ચેરાપૂંજીના માથે હતો તે હવે મૉસિનરામ નામક ગામને માથે સજે છે.

આના હિસાબે દેશ વિદેશના અનેક પર્યટકો અહીં ફરવા આવે છે જેથી તેઓની આવક વધી છે. પહાડો પર હોવા છતાં સૌથી વધારે વરસાદ પડવાના કારણે મૉસિનરાવ ગામની એક પણ દુકાન ખુલ્લામાં હોતી નથી. મૉસિનરાવમાં થતો પુષ્કળ વરસાદ પર્યટકો માટે એક રોમાંચક અનુભવ પરંતુ ત્યાંના રહેવાસીઓ માટે એક બહુ મોટી સમસ્યા છે. લગભગ 6 થી 8 મહિના વરસાદ પડવાને કારણે અહીં કોઈપણ જાતની ખેતી થઈ નથી શકતી. જ્યારે વરસાદ ન પડે ત્યારે જે ખેતી કરવામાં આવે તે જ આખું વર્ષ ચલાવવી પડે છે. અહીં મોટાભાગની ખાવા પીવાની વસ્તુઓનો ખૂબ જ અભાવ હોવાથી શિલાંગથી આવે છે.

મૉસિનરામમાં નાની વસ્તુઓ જેમ કે, નમકીન અને બિસ્કિટ ખૂબ જ મોટી વસ્તુ છે કારણકે આવી વસ્તુઓ પણ અહીં ખૂબ જ મુશ્કેલીથી મળે છે. મૉસિનરામમાં લોકોને સુતરાવ કપડા પહેરવાના ફાયદા ખબર હોવા છતાં તેઓ પહેરી નથી શકતા કારણકે, સુતરાવ કપડાં મહિનાઓ સુધી સુકાતા નથી. અહીં લોકો ખાસ કરીને સિંથેટીક કપડાં પહેરે છે અને કપડાં સુકવવા માટે ડ્રાયરનો ઉપયોગ કરે છે. આ સાથે આ ગામની થોડી વિશેષતા પણ છે જેમકે, અહીં પાણીમાં ઊગવાવાળા પાંદડાવાળા શાકભાજી ખૂબ મળે છે. પાણી ભરપૂર હોવાને કારણે અહીં માછલીઓનું પ્રમાણ વધુ છે. અહીંના લોકો મોટેભાગે સાંજે લાલ ચા અને એક ખાસ પકારનો પુલાવ ખાય છે જેને શોહરા પુલાવ કહેવામાં આવે છે.

સવાલ એ છે કે, મોસિનરામમાં દુનિયાનો સૌથી વધારે વરસાદ કઈ રીતે પડે છે? ગામની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં મે થી સપ્ટેંબરમાં વરસાદ પડે છે. શિલોંગથી લગભગ 60 થી 65 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં પહાડોની વચ્ચે વસેલું આ ગામ પોતાની વિશેષ સ્થિતિને કારણે દક્ષિણ, પશ્ચિમ વરસાદના હિસાબે વરસાદનું પિયર બની જાય છે. 1491 મીટર ઊંચા પહાડોને કારણે ભેજવાળા વાદળો વરસાદમાં રૂપાંતર થઈ જાય છે. દેશના બીજા વિસ્તારોમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે જનજીવન ખોરવાઈ જાય છે. મૉસિનરામમાં આ સંભવ જ નથી જયાં વર્ષના 6 થી 8 મહિના વરસાદ પડતો હોય ત્યાં જનજીવન કઈ રીતે અને કેટલું ખોરવાય? કોઈ પણ રીતે અહીંના લોકોનું જીવન વરસાદને કારણે ખોરવાતું નથી.

અહીંના લોકો વરસાદથી બચવા માટે ખાસ કરીને વાંસથી બનેલી છત્રીનો ઉપયોગ કરે છે જેને કનૂપ કહેવાય. કનૂપ માત્ર અહીંની જ નહીં પરંતુ ચેરાપૂંજીની પણ ઓળખ છે. આમાં તેઓનું શરીર કમર સુધી ઢંકાયેલું રહે છે અને તેઓ પોતાના રોજિંદા કામ કરતા રહે છે. આ ગામનું જે નામ છેમૉસિનરામ’ એનો પણ એક અર્થ થાય છે. મૉસિનરામમાં એટલે પત્થર અને સિનરામ ધારનું પ્રતીક છે.

આ બન્ને શબ્દોનો અર્થ થાય પત્થરોની ધાર. વાસ્તવમાં અહીંના લોકોનું જીવન પત્થરોની ધાર જેવું છે. મૉસિનરામનો મોસમ આખું વર્ષ ઠંડું અને ભેજવાળું હોય છે. તે છતાં આ જગ્યા પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પર્યટકોને આકર્ષિત કરે છે. આ જ કારણોસર શિલોંગ કે ચેરાપૂંજી ફરવા જતા પર્યટકો મૉસિનરામને પણ પોતાના પ્રવાસ આયોજનમાં શામિલ કરે છે કારણકે, આ ભારતના નક્શામાં એક વિશેષ જગ્યા ધરાવે છે.

આ પણ વાંચો…ફોકસ: એકતાની મિસાલ- અરુણાચલનો દ્રી ફેસ્ટિવલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button