ભારતીય શસ્ત્રો વત્તા `હાથરૂમાલ’નું વૃક્ષયુકેના ફિટ્ઝવિલિયમ મ્યુઝિયમમાં પાંચ લાખ કલાકૃતિનું નજરાણું છે

કામિની શ્રોફ
210 વર્ષ પહેલા, ચોક્કસ કહીએ તો ચોથી ફેબ્રુઆરી,1816ના દિવસે આઈરીશ ઉમરાવ મિસ્ટર રિચર્ડ ફિટ્ઝવિલિયમનું 71 વર્ષની ઉંમરે અવસાન થયું અને કેમ્બ્રિજ યુનિવર્સિટીને બખ્ખા થયા. ના, એ કોઈનો દુશ્મન નહોતો કે એના અવસાનથી આનંદ થાય. નિધન પશ્ચાત ઉમરાવ સાહેબ બેમિસાલ પેન્ટિંગ્સનો સંગ્રહ, શાનદાર પુસ્તકો, હસ્તપ્રતો, મહાન સંગીતકારોએ હાથે લખેલી સ્વર રચનાઓનો અલભ્ય ખજાનો યુનિવર્સિટીને સોંપતા ગયા.
એટલું જ નહીં, એક આલીશાન મ્યુઝિયમ બનાવવા એક લાખ પાઉન્ડ (આજના 1 કરોડ 60 લાખ પાઉન્ડ) મૂકતા ગયા. એ ધનની મૂડી અને કલાના વૈભવમાંથી તૈયાર થયું ફિટ્ઝવિલિયમ મ્યુઝિયમ. આજની તારીખમાં યુકેનું આ સૌથી પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત મ્યુઝિયમ ગણાય છે. ત્યાંની કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓના સંગ્રહની પાંચ લાખથી વધુ કલાકૃતિ સહેલાણીઓને મોહ પમાડે છે.
મ્યુઝિયમમાં પાંચ વિભાગ છે, જેમાં એન્ટિકવીટીઝ (પ્રાચીનકાળની વસ્તુઓ), એપ્લાઈડ આર્ટ્સ (માટીમાંથી તૈયાર કરાયેલી કલાકૃતિઓ), કોઇન્સ એન્ડ મેડલ્સ (સિક્કા અને ચંદ્રકો), રેર મેન્યુસ્ક્રિપ્ટ્સ એન્ડ બુક્સ (અલભ્ય હસ્તપ્રત અને પુસ્તકો) અને પેન્ટિંગ્સ, ડ્રોઈંગ્સ અને પ્રિન્ટ્સ (પીંછીથી કરેલું રંગીન ચિત્રકામ, પેન્સિલથી બનાવેલાં ચિત્રો અને છપાઈકામ)નો સમાવેશ છે.
મ્યુઝિયમ 1848માં જાહેર જનતા માટે વિનામૂલ્યે પ્રવેશ આપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચારેક કલાક ટહેલવાનો લાભ લીધો અને તોય ઘણું જોઈ પણ ન શકાયું. અમુક પર અધિક રસ પડતા તો બીજી અનેક પર ઉપરછલ્લી નજર કરી સંતોષ માનવો પડ્યો. આપણે એની કેટલીક વિશેષતા અહીં માણીએ…
ભારતીય શસ્ત્રો તથા પેન્ટિંગ્સ
દશેક મિનિટ લટાર માર્યા પછી એક જગ્યાએ ભારતીય લાગતા કેટલાક સહેલાણીઓ આંગળી ચીંધી એકબીજાને કશુંક દેખાડી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું. જઈને જોયું તો કેટલાંક ભારતીય શસ્ત્રો હતાં. નામ અંગ્રેજીમાં હતા, પણ સાથે ભારતીય નામ પણ આપવામાં આવ્યા હતા. શસ્ત્રોના નામ હતાં Flail (Indian, possibly 17th century), Khanda (Sword), Gujarat, South Indian, possibly 17th century, Sang (Spear head), South Indian, late 16th century….
કાંગડા પેન્ટિંગ તરીકે ઓળખાતી હિમાચલ પ્રદેશની ચિત્રકલા શૈલીના એક નમૂના સ્વરૂપે રાધા – કૃષ્ણનું એક મનમોહક ચિત્ર પણ આકર્ષણનું કેન્દ્ર હતું. મ્યુઝિયમમાં મળેલી જાણકારી અનુસાર 2017માં ભારતીય સ્વાતંત્ર્યની સિત્તેરમી વરસગાંઠ નિમિત્તે બે પ્રદર્શન રાખવામાં આવ્યા હતા, જેમાં `કાબુલથી કલકત્તા’ ચિત્ર પ્રદર્શનમાં ભારતીય પેન્ટિંગ્સ ફિટ્ઝવિલિયમ મ્યુઝિયમનું પ્રમુખ આકર્ષણ બન્યા હતા.
યુએસ પ્રેસિડેન્ટ કીટલી પર
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી સરકારી હોદ્દો ગણાય છે. તાજેતરના સમયમાં હાલના યુએસ પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું નામ વિશ્વભરમાં ગાજી રહ્યું છે. યુએસના વીસમા પ્રેસિડેન્ટ જેમ્સ ગારફિલ્ડનું નામ અલગ કારણસર ઐતિહાસિક બન્યું છે. માત્ર 200 દિવસ માટે સર્વોચ્ચ હોદ્દા પર રહેલા પ્રેસિડેન્ટની રેલવે સ્ટેશન પર હત્યા કરવામાં આવી હતી.
200 દિવસમાંથી મિસ્ટર પ્રેસિડેન્ટ માત્ર 120 દિવસ સક્રિય રહ્યા હતા અને 80 દિવસ હોસ્પિટલમાં ગુજાર્યા જ્યાં તેમનું અવસાન થયું હતું. યુએસના કુલ 47 પ્રેસિડેન્ટમાં મિસ્ટર ગારફિલ્ડ એકમાત્ર પ્રેસિડેન્ટ છે જેમનું પેન્ટિંગ વોટર પિચર (પાણી અથવા અન્ય પીણું સંગ્રહ કરી પીવા માટે આપવાનું કીટલી જેવું સાધન) પર મ્યુઝિયમમાં સચવાઈને પડ્યું છે.
સાડા સાત ઈંચની ઊંચાઈ અને સાડા આઠ ઈંચ પહોળાઈ ધરાવતું કીટલી જેવું આ સાધન 1881માં તેમની પ્રેસિડન્ટ તરીકે વરણી થઈ એ ખુશીમાં તૈયાર કરવામાં આવ્યું હતું. 144 વર્ષ પછી પણ સિરામિકની બનેલી આ પ્રોડક્ટ હેમખેમ સચવાઈ છે. યુએસ પ્રેસિડેન્ટ લખાણ વંચાયા પછી સહેલાણીઓ આ આઈટમ રસપૂર્વક નિહાળી એના વિશે અધિક જાણકારી મેળવતા અને એની તસવીરો લેતા જોવા મળ્યા હતા.
હેન્ડકર્ચીફ ટ્રી
બેટો જ્યારે બાપકમાઈ બેફામ ખર્ચવા લાગે ત્યારે પિતાશ્રી પૈસા ઝાડ પર નથી ઉગતા’ એમ કહી ટપારતા હોય છે. જોકે,ગર્ભશ્રીમંત પેરન્ટ્સના પૈસાની કિમત નહીં સમજતા યંગસ્ટર્સ હેન્ડકર્ચીફ (હાથરૂમાલ) સહિત અનેક અંગત વપરાશની ચીજવસ્તુ આડેધડ વાપરતા જોવા મળે છે. એ પરિસ્થિતિમાં જો કાન આમળીરૂમાલ કંઈ ઝાડ પર નથી ઊગતા’ એમ જો એમને સંભળાવવામાં આવે તો સંતાન રોકડું પરખાવી શકે છે કે હેન્ડકર્ચીફ ટ્રી (હાથરૂમાલનું ઝાડ) છે ને, ફિકર નોટ…!
મ્યુઝિયમની નજીક આવેલા બોટનિકલ ગાર્ડનમાં આ વૃક્ષ જોવા મળે છે. હાથરૂમાલ વૃક્ષ – હેન્ડકર્ચીફ ટ્રીની શોધનો શ્રેય ફ્રેન્ચ ધર્મ પ્રચારક ફાધર અરમા ડેવિડને ફાળે છે. 1904માં આ વૃક્ષની વાવણી યુકેમાં કરવામાં આવી. વૃક્ષનું બોટનિકલ નામ એને શોધી કાઢનાર ધર્મ પ્રચારકના નામ પરથી આપવામાં આવ્યું છે. 15 મીટર ઊંચાઈના આ વૃક્ષના પાંદડાં 15 ઇંચ લાંબા, લીલાછમ અને અંડાકાર હોય છે. એના પર બે સેન્ટીમીટર વ્યાસના ગોળાકાર ફૂલ આવે છે.
દરેક ફૂલ પરથી આશરે વીસેક સેન્ટિમીટર લંબાઈનો પાંદડા જેવો જ હિસ્સો નીચેની તરફ ઝૂલતો હોય છે. પાંદડાનો એ હિસ્સો લીલા રંગની બદલે સફેદ હોય છે. પવન વાય ત્યારે આ પાંદડા સફેદ રૂમાલ હવામાં લહેરાતો હોય એવા લાગતા હોવાથી એને હેન્ડકર્ચીફ ટ્રી’ અથવા હાથરૂમાલ વૃક્ષ નામ મળ્યું છે. પાંખ ફફડાવતા કબૂતર જેવો ભાસ થતો હોવાથી એડવ ટ્રી’ અથવા હાલતાચાલતા નાનકડા ભૂતનો ભાસ થતો હોવાથી એ `ઘોસ્ટ ટ્રી’ તરીકે પણ ઓળખાય છે.
જોડિયા બહેનોનો જાદુ
મ્યુઝિયમમાં જોવા મળતા અનેક પેન્ટિંગ્સમાં જોડિયા બહેનોનું ચિત્ર દર વર્ષે હજારોની સંખ્યામાં સહેલાણીઓ જોતા હોય છે. જોન મિલાઇસ નામના બ્રિટિશ આર્ટિસ્ટનાં ઘણાં પેન્ટિંગ્સ મ્યુઝિયમમાં છે, પણ જોડિયા બહેનોના જાદુ સામે એ વામણા લાગે છે. મ્યુઝિયમના આર્ટિસ્ટ વિશે ઘણી માહિતી ઉપલબ્ધ છે, પણ આર્ટિસ્ટ માટે કલાકો સુધી બેસી રહેતા અને `સિટર્સ’ તરીકે ઓળખાતામોડલ્સના નામ સિવાય કોઈ માહિતી નથી મળતી. જોડિયા બહેનો એમાં અપવાદ છે. આ બહેનોના પિતાશ્રી થોમસ રોલ્સ હોર એક ગર્ભશ્રીમંત પેઈન્ટર અને વાર્નિશ મેન્યુફેક્ચરર હતા.
પોતાની દીકરી લંડનમાં ખ્યાતિ મેળવશે એની ખાતરી હોવાથી તેમણે મિલાઇસને જોડિયા બહેનોનું પેન્ટિંગ તૈયાર કરવા કહ્યું હતું. આ માટે મિસ્ટર હોર 1500 ગિની (1876માં 1 ગીની= 1.05 પાઉન્ડનો દર હતો) આપવા તૈયાર થયા હતા. આટલી રકમમાંથી 100 ઘોડા ખરીદી શકાતા હતા. આના પરથી દીકરીના 20મા જન્મદિન નિમિત્તે પિતાશ્રી કેવો ગંજાવર ખર્ચ કરવા તૈયાર થયા હતા એનો ખ્યાલ આવે છે.
કામમાં અત્યંત ચીવટ રાખવા માટે જાણીતા મિલાઇસે પેન્ટિંગ પૂરૂં કરવા આઠ મહિના લીધા હતા. મ્યુઝિયમમાં હાજર એક કલા રસિકે મહત્ત્વની જાણકારી આપી કે કોઈ પણ આર્ટિસ્ટ માટે જોડિયા- ટ્વિન્સનું પેન્ટિંગ કરવું સૌથી કપં કામ હોય છે, કારણ કે બંનેનું સામ્ય જાળવી રાખવાનું અને તેમનામાં રહેલો ફરક પણ દેખાડવાનો હોય છે. અલબત્ત જોડિયા બહેનોના આ પેન્ટિંગમાં મિલાઇસને એમાં પૂર્ણ સફળતા મળી છે.



