એક નજર ઈધર ભી… : ટિટિઝી નોસ્ટેટ: કક્કુ ક્લોકનું કામણ

કામિની શ્રોફ
જર્મની નામ પડતા જ સૌ પહેલાં ક્રૂર અત્યાચારી એડોલ્ફ હિટલરનું સ્મરણ થાય એ જર્મનીની કમનસીબી છે. જોકે, સાથે સાથે અલબર્ટ આઇન્સ્ટાઇન (સાપેક્ષવાદનો સિદ્ધાંત), બિથોવન (પિયાનો વાદક અને કમ્પોઝર), ગટે (વિશ્વવિખ્યાત કવિ અને નવલકથાકાર), કાર્લ માર્ક્સ (ફિલોસોફર અને સામ્યવાદના પુરસ્કૃતા), ગટેનબર્ગ (ઐતિહાસિક પ્રિન્ટિંગ પ્રેસ), કાર્લ બેન્ઝ (મર્સીડિસ બેન્ઝના જન્મદાતા), એર્વિન રોમેલ (ડેઝર્ટ ફોક્સ તરીકે જાણીતા વિખ્યાત આર્મીના ફિલ્ડ માર્શલ) જેવા મહાનુભાવોનું પણ સ્મરણ થાય એ જર્મનીની ખુશનસીબી છે.
સાથે સાથે ખ્યાતનામ બર્લિન વોલ, બિયર ફેસ્ટિવલ, એક સમયે વૈશ્વિક ચલણમાં મજબૂતી ધરાવતો ડ્યૂશ માર્ક અને યસ, `કુહૂ કુહૂ બોલે કોયલિયા…’ ની ભાવનાનું પ્રતિબિંબ પાડતી કક્કુ ક્લોક પણ સાંભરી આવે. યુરોપ પ્રવાસના કાર્યક્રમમાં રૂટ અનુસાર કેટલાંક સ્થળની હાજરી અચૂક હોય. જર્મનીનો સમાવેશ જો કરવામાં આવ્યો હોય તો સ્થળોની યાદીમાં બ્લેક ફોરેસ્ટ ઉપરાંત અન્ય ત્રણ સ્થળ Furtwangen, Schnwald, Titisee-Neustadt ફૂટવેનન, શોનવાલ્ડ અને ટિટિઝી નોસ્ટેટ અચૂક હોય.
સમય સૌનો આવે પણ ક્યારે અને કેટલો એ તો સમય આવ્યે જ ખબર પડે. સમયનું ભાન સ્થૂળભાવે આપણને ઘડિયાળ કરાવે છે. કાંડા ઘડિયાળના બે કાંટા સવાર, સાંજ કે રાતનો સમય જણાવે છે અને જો એ ઘડિયાળ કિમતી રોલેક્સ કે હ્યુબલો હોય તો તમારો સમય સારો ચાલે છે એ દર્શાવે છે!
LINDEN WOOD:
કક્કુ ક્લોકની લાક્ષણિક્તાઓમાં એક છે એ બનાવવા માટે વપરાતું લાકડું જે LINDEN WOOD- લિન્ડન વૂડ તરીકે ઓળખાય છે. જર્મનીનો બ્લેક ફોરેસ્ટ’ વિસ્તાર સહેલાણીઓમાં જાણીતો છે. ગાઢ જંગલો અને પર્વતમાળા આ વિસ્તારના આભૂષણ છે. આ વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્ય, હાઈકીંગ અને સ્કીઈંગ, કક્કુ ક્લોક અને બ્લેક ફોરેસ્ટ કેક માટે ખ્યાતિ ધરાવે છે. કેક સાથે બ્લેક ફોરેસ્ટ નામ જોડાઈ જવાનું કારણ એમ છે કે એ બનાવતી વખતે વપરાતું ચેરી લિકર’ જર્મનીના બ્લેક ફોરેસ્ટ વિસ્તારની પેદાશ છે.
લિન્ડન વૂડ પણ બ્લેક ફોરેસ્ટમાં ઊગતા વૃક્ષની પેદાશ છે. LINDEN TREE (યુએસમાં BASSWOOD TREE અને યુકેમાં LIME TREE તરીકે ઓળખાય છે જે લીંબુ – મોસંબી જેવા ખાટા ફળના વૃક્ષ કરતા અલગ છે) આ વૃક્ષનું લાકડું કક્કુ ક્લોકમાં વાપરવામાં આવે છે. વજનમાં હલકું અને કોતરણી કરવામાં આસાની રહેતી હોવાથી આ નરમ લાકડાની પસંદગી કરવામાં આવી હતી.
વૃક્ષનું કાષ્ઠ (લાકડું) નરમ, મુલાયમ અને છિદ્રાળુ હોય છે અને આ વૃક્ષ જર્મનીમાં વિપુલ માત્રામાં ઊગે છે. કલોકનું મુખ્ય કેસ તેમ જ કલાત્મક કોતરણીના હિસ્સામાં અને અન્ય સુશોભન માટે લિન્ડન વૂડ જ વાપરવામાં આવે છે. આ વૃક્ષ દીર્ઘાયુ હોય છે, સામાન્ય ઉંમર 300 – 400 વર્ષની હોય છે તો ગણ્યાગાંઠ્યા એક હજાર વર્ષ કરતાં વધુ જીવે છે. કક્કુ ક્લોક ટકાઉ હોવામાં આ બાબત પણ જવાબદાર છે.
ક્લોકનું કલાવિશ્વ
ટિટિઝી નોસ્ટેટના ઘડિયાળના સ્ટોરમાં આકાર અને દામમાં નાનકડી (એક ફૂટ લાંબી અને કિમત 40 યુરો) ઘડિયાળથી માંડી પાંચ ફૂટ લાંબી અને 13500 યુરો (આજના વિનિમયના દર અનુસાર આશરે 13 લાખ 80 હજાર રૂપિયા)ની ઘડિયાળ પણ જોઈ. મહિનામાં બે કે ત્રણ મોંઘીદાટ ઘડિયાળનું વેચાણ થતી હોવાની જાણકારી મળતા આવી ઘડિયાળ માટેની ઉત્કંઠાનો ખ્યાલ આવ્યો.
ટિટિઝી નોસ્ટેટ `ક્રેડલ ઓફ ધ બ્લેક ફોરેસ્ટ ક્લોક’ તરીકે પ્રખ્યાત છે. સૌથી પહેલી ક્લોક બની અને આજે બને છે એમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. જોકે, બદલાવ વચ્ચે એની ઓરિજિનાલિટી અકબંધ રાખવામાં આવી છે. ચોકસાઈ અને ગુણવત્તામાં કોઈ બાંધછોડ નથી કરવામાં આવતી.
68 લાખ ડૉલરનું ઘડિયાળ
ચોથી ડિસેમ્બર, 2012ના દિવસે ન્યૂયોર્કના જગવિખ્યાત નીલામી ગૃહ-ઑક્શન હાઉસ સોધબીમાં એક ઘડિયાળના એવા ડંકા વાગ્યા કે એની ગૂંજ દુનિયાભરમાં સંભળાઈ. નીલામી ગૃહની મહત્ત્વની Watches – Clocks (કાંડા ઘડિયાળ – ભીંત ઘડિયાળ)નું લીલામ કરવામાં આવ્યું હતું. 1835ની બનાવટની Duc d’Orlœans Breguet clock (ડ્યૂક ડોહલિયોં બ્રેગે ભીંત ઘડિયાળ) 68 લાખ ડૉલર (2012માં ડૉલરનો વિનિમય દર 55 રૂપિયા હતો એટલે 37 કરોડ 40 લાખ રૂપિયા)માં વેચાઈ હતી. દેખાવમાં ખૂબ જ મોહક લાગતી આ ઘડિયાળમાં ક્લોક અને પોકેટ વોચ સાથે જોવા મળે છે.
જર્મનીના પ્રશિયા સ્ટેટમાં જન્મેલા અબ્રાહમ લૂઈ બ્રેગે આ ઘડિયાળના જનક છે. 10 વર્ષની ઉંમરે પિતાના મૃત્યુ બાદ માતાએ બીજાં લગ્ન ઘડિયાળ કારીગરના પરિવારની વ્યક્તિ સાથે કર્યા હતા. ભણતરની બદલે કિશોર અબ્રાહમ ઘડિયાળ બનાવતા કુશળ કારીગરને ત્યાં કામ શીખવા લાગ્યો. આવડત અને કૌશલથી એના સમયનો સર્વોત્તમ Horologist (ઘડિયાળ બનાવનાર, એનું સમારકામ કરનાર અને એનો અભ્યાસ કરનાર) બની ગયો. એક એક ઘડિયાળ બનાવતા ઘણાં વર્ષો લાગી જતા.
આ પણ વાંચો…એક નજર ઈધર ભી… : 23મા તીર્થંકર-24 કેરેટનો હીરો: એન્ટવર્પ…
2012માં લીલામ થયેલી ઘડિયાળ અબ્રાહમે ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન દેશ નિકાલને કારણે સ્વિટ્ઝર્લેન્ડના વસવાટ દરમિયાન બનાવી હતી. વિક્રમસર્જક ભાવમાં વેચાયેલી ઘડિયાળ હકીકતમાં 12 ઘડિયાળના સમૂહમાંની એક હતી. આ બારેબાર ઘડિયાળ એના ખરીદદારને અનુકૂળ આવે એ રીતે તૈયાર કરવામાં આવી હતી. ખૂબ જ મોંઘી હોવાને કારણે વિશ્વભરના રાજવી પરિવારો જ એને ખરીદી શકતા હતા. આ ઘડિયાળ રશિયા અને સ્પેનના રાજવી, ઈંગ્લેન્ડના રાજા કિગ જ્યોર્જ ચોથા અને નેપોલિયન પહેલાના મહેલની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી.
કોયલનો ટહુકો:
ફૂટવેનનનું ક્લોક મ્યુઝિયમ વિશ્વ સમસ્તમાં ખ્યાતિ ધરાવે છે. અહીં ક્લોક મેકર્સ સ્કૂલ છે અને એના પહેલા પ્રાચાર્ય રોબર્ટ ગર્વિગની કોશિશોથી હાથ કોતરણીથી તૈયાર કરેલી લાકડાની ક્લોકના સંગ્રહની શરૂઆત થઈ હતી. આજની તારીખમાં મ્યુઝિયમમાં 4 હજારથી વધુ ઘડિયાળનું બેનમૂન કલેક્શન જોવા મળે છે. ફૂટવેનથી થોડે દૂર શોનવાલ્ડ ગામ છે.
સૌપ્રથમ કક્કુ ક્લોકના સંશોધક ફ્રાન્ઝ કેલર અહીં રહેતા હતા. બે અલગ અલગ પ્રકારની વ્હિસલથી કોયલનો ટહુકો ઘડિયાળમાં સંભળાવવામાં કામિયાબ થયા હતા. અનેક મસમોટા રિટેલ સ્ટોર્સ જોયા હતા, પણ માત્ર અને માત્ર ઘડિયાળનો મોટો સ્ટોર હોઈ શકે એની કલ્પના પણ નહોતી.
ટિટિઝી નોસ્ટેટના સ્ટોરમાં દાખલ થયા ત્યારે સવારના 10.55 થયા હતા અને પાંચેક મિનિટમાં જ કોયલ રાણીએ 11 વખત ટહુકા કરી અમાં સ્વાગત કર્યું. દુલાભાયા કાગની પંક્તિઓ `હે જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી’નું મધુર સ્મરણ થયું અને હૈયું તરબતર થઈ ગયું.
`સ્વિસ મેડ’ વોચીસની સાંભળેલી-વાંચેલી ભવ્ય ગાથાઓની સચ્ચાઈ નજર સામે હતી. સ્વિટ્ઝર્લેન્ડ-જર્મનીની સરહદ નજીક આવેલા સ્થળે કક્કુ ક્લોકની કલાત્મકતા અને એન્જીનીયરીંગનો જાત અનુભવ કર્યો.



