મસ્તરામની મસ્તીઃ થાય તે કરી લ્યો, સારા ફોટો નહીં પાડીએ…!

- મિલન ત્રિવેદી
ચુનિયો હાંફતો હાંફતો મારા ફળિયાની ડેલી ખૂલે તેની પણ રાહ જોયા વગર વંડી ઠેકી અને કોઈ ચોર મધરાતે ખાતર પાડવા કોઈના ઘરમાં ઘૂસે એમ ઘૂસ્યો.
મેં કહ્યું: ભાઈ, બહાર બેલ પણ મૂકી છે અને હમણાં જ નવી “ભલે પધાર્યા”… “ભલે પધાર્યા”ની બેલ ટોન પણ ફીડ કરી છે. વગાડ્યા વગર અંદર આવ તો મારા ખર્ચેલા રૂપિયાનું શું? ‘ ચુનોયો મને કહે:અહીં રાષ્ટ્રીય સમસ્યા છે અને તમને તમારી પાંચસો રૂપિયાની ઘંટડી મગજમાં આવે છે?’
ચુનિયાનો તપેલો પારો જોઈ અને હું ફ્રીઝમાંથી કાઢેલા ટમેટા જેવો ટાઢો થઈ ગયો. પડખે બેસાડી પાણી પાયા પછી મેં પૂછ્યું: શું થયું?’ ને કહે:મતદાન કાર્ડ કઢાવવા ગયો હતો ત્યાં ભેજાનું દહીં કરી નાખ્યું.’
તારી પાસે તો કાર્ડ હતું.’ તો મને કહે: મને એમ થયું કે સારો ફોટો આવતો હોય તો નવું કાર્ડ કઢાવું. હું ઑફિસ પર ગયો તો મને નામ પૂછ્યું મેં ચુનીલાલ કહ્યું તો લગભગ 20 ચુનીલાલ નીકળ્યા. આખું નામ ચુનીલાલ ઘરછોડદાસ ચંચુપાતી કીધું એટલે હું એકલો બચ્યો, પણ લોચો એવો થયો કે મારા સસરા ગયા વખતે કાર્ડ કઢાવવા આવ્યા હતા તો એમણે જમાઈને માનભેર જ બોલાવાય આવું મનમાં ધારી માં નામ ચુનીલાલકુમાર ઘરછોડદાસ ચંચુપાતી’ એવું લખાવેલું. હવે આધાર કાર્ડમાં મારું નામ ખાલી ચુનીલાલ છે. અધિકારી મારી ઉપર ભડક્યા. મને કહે: તમારું નામ મતદાર યાદીમાં છે જ નહીં. મેં મતદાતા લિસ્ટ પર આંગળી મૂકીને કહ્યું કેઆ હું’ તો મને કહે: એ તો કોઈ ચુનીલાલ કુમાર છે.’ મેં કહ્યુંએ પણ હું.’
પછી શું થયું ?’ મેં ઉત્સુકતા સાથે પૂછયું. સવાર સવારમાં 200 નો ખર્ચો કર્યો ત્યારે ચુનીલાલ કુમાર અને ચુનીલાલ બંને એક થયા.’
મેં કહ્યું: ચાલો, કામ તો પતી ગયું તો ચુનિયો ગિન્નાયો:તંબુરો કામ પત્યું… કાર્ડમાં ફોટાની જગ્યાએ કાળુ ધાબુ દેખાય છે.’
મારા શબ્દો હોઠ પર આવતા આવતા અટકી ગયા કે તારા કલર પ્રમાણે તું કાગડા સાથે બથોબથ આવ તો ઉજળા કલરવાળા જતું કરે તેવી ભાવનાથી કાગડો તને માફ કરે… બાકી ગમે તેટલી ફ્લેશ મારે તો પણ કલરમાં ફેરફાર ન થાય એટલે મતદાર કાર્ડના કૅમેરામાં કાળુ ધાબુ આવે તેમાં કોઈનો વાંક નથી,’ પરંતુ મેં એને કહ્યું કેચાલ, આપણે ઑફિસ પર જઈએ અને ફરીથી ફોટો પડાવી દઉં.’
સાહેબને મારી ઓળખાણ આપી અને નવો ફોટો પડાવવા રાજી કર્યા. ફોટો પાડે તે પહેલાં આજુબાજુમાં ચાર પાંચ મિત્રને મોબાઇલની ફ્લેશલાઇટ ચાલુ રાખી ઊભા રાખ્યા અને ચુનીલાલને જગમગાટ કરી દીધો. આ વખતે ખરેખર સરસ ફોટો પડ્યો એટલે અધિકારીએ તરત જ કહ્યું કે મેરેજ બ્યૂરોમાં ફોટો દેવાનો છે? આવા ફોટા તો પાસપોર્ટ પર પણ નથી આવતા! ‘ વાત ચૂંટણી કાર્ડની તો પતી ગઈ, પરંતુ ચુનિયો ગઈકાલે અમારા વિસ્તારના નવા ધારાસભ્યને ચૂંટવા ગયો અને જેવો મતદાન કરવાનો વારો આવ્યો ત્યાં પોલિંગ ઓફિસરે કહ્યું:તમારું નામ મતદાર યાદીમાં નથી’ ચુનીલાલે કાર્ડ દેખાડ્યું તો કહે આ કાર્ડ ડુપ્લિકેટ છે.. આવા સારા ફોટા વાળા કાર્ડ અમારા નો હોય!’ બાજુમાં એક કાકા એ ઑફિસરને પૂછતા હતા કેતારી કાકી મતદાન કરી ગઈ?’ અધિકારીએ મતદાન યાદી જોઈ અને કહ્યું કે હા, અડધી કલાક પહેલાં કરી ગયાં.’ કાકા નિરાશ થઈ ગયા અને નિસાસો નાખતા કહે:આઠ વર્ષ પહેલાં મને છોડી અને સ્વર્ગે સિધાવી, પણ દર વર્ષે કોઈને કોઈ ચૂંટણીમાં મતદાન કરવા અચૂક આવે છે અને મને મળતી નથી.’
ચુનિયો બધી વાત સમજી ગયો. અધિકારીને કહ્યું કે કાંઈ વાંધો નહીં સાંજે સુધીમાં કોઈ ચુનીલાલ અદૃશ્ય સ્વરૂપે આવી મતદાન કરી જશે.’ મારો છોકરો તો પહેલીવાર ચૂંટણી કાર્ડ કઢાવવા ગયો ત્યારે કેટલી તૈયારી સાથે ગયો હતો. મને આખી નિયમાવલી ગોખાવી: ફોટો પડાવતી વખતે દાઢી કરાવીને જવું વાળ વ્યવસ્થિત ઓળીને જવું, તેલ નાખીને ના જવું, જેથી કરી અને વાળ ચમકે નહીં અને સફેદ ન લાગે. ચશ્મા હોય તો ચશ્મા પહેરીને ફોટો પડાવવો. ફોટો પડાવતી વખતે પ્લેન અને ઉજળા કલરનું શર્ટ પહેરવું. શર્ટનું ઉપલું બટન બંધ રાખવું… ફોટો પડાવતી વખતે મનના ભાવ સ્થિર રાખવા જેથી કરીને અને કોઈ હાવ ભાવ ચહેરા પર આવે નહીં… ચહેરા પર કોઈ નિશાની હોય તો તેને મેકઅપથી છુપાવવી નહીં… આવાં ઘણાં નિયમો મને સમજાવતો સમજાવતો ફોટો પડાવવા ગયો હતો. આવ્યો ત્યારે તેના ચહેરા પર નૂર અદૃશ્ય થઈ ગયું હતું. ટેબલ પર કાર્ડનો ઘા કર્યો. મેં કહ્યું કેગમે તેના કાર્ડ મને ના દેખાડ. કોક તડીપાર અને રીઢો ગુનેગાર હોય એવું કાર્ડને તું શું કામ લઈ આવ્યો?’
મને કહે: મારા દસમાંથી આઠ ભાઈબંધો મને આ કાર્ડમાં ન ઓળખી શક્યા, પરંતુ મેં તમને આવા નહોતા ધાર્યા.’ પછી મેં ધ્યાનથી કાર્ડ જોયું ત્યારે ખબર પડી કે આ તો મારા વંશનો અંશ છે. મને મારા દીકરાના ફોટા પડાવવાના હરખનું બારમું થયાનું દુ:ખ સ્પષ્ટ દેખાતું હતું. મેં એના ખભ્ભે હાથ મૂકી અને માં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ દેખાડ્યા ત્યારે એને પોતાનું દુ:ખ હળવું લાગવા માંડ્યું. ખરેખર તો આપણા ઓળખ કાર્ડના ફોટા એક જ કામમાં આવે છે. અને તે દિલાસો દેવા માટે કેબેટા, સોશ્યલ મીડિયામાં અપલોડ થતા ફોટા જોઈ અને રાજી થઈ તું સગપણ કરવા દોડ્યો હતો અને પછી નાસીપાસ થાય તેના કરતાં દીકરા, આપણે સકારાત્મકતા રાખવી જોઈએ અને વિચારવું જોઈએ કે એના આધાર કાર્ડ કે મતદાન કાર્ડ કરતાં તો સારી જ હતી ને?!’
ભૂતકાળમાં મેં કહ્યું જ છે કે નામમાં શું રાખ્યું છે? આજે એ પણ કહું છું કે ફોટામાં શું રાખ્યું છે?!
વિચારવાયુ: ચૂંટણી કાર્ડમાં હસતા ફોટાની એટલે મનાઈ છે કે તમે ગંભીર મતદાતા લાગવા જોઈએ…
આપણ વાંચો: ભાત ભાત કે લોગઃ અમેરિકન સત્તાવાળાને પજવે એક પ્રશ્ન:શહેરોમાં વધી રહ્યા છે.. બેઘર લોકો !