વીક એન્ડ

મસ્તરામની મસ્તીઃ ડાયાબિટીસનો આ તે કેવો ખરખરો…

મિલન ત્રિવેદી

ચુનિયાએ દિલાને ફોન કર્યો કે `તાત્કાલિક તણભાઈના ઘરે આવ ન બનવાનું બની ગયું છે.’ 135 કિલોનો દિલો હાંફતો હાંફતો તણભાઈના ઘરે પહોંચ્યો ઘરની બહાર આઠ દસ મિત્ર ચિંતાતુર ઊભા હતા. દિલાના વિશાળ દિલમાં ફાળ પડી નક્કી કાંઈક અજુગતું ઘટ્યું છે.

ભારેખમ ચહેરા સાથે ચુનીયાએ દિલાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે હિંમત રાખજે’. ભીના સાદે દિલ એ પૂછ્યુંકઈ રીતે બન્યું?’
તણભાઈની ખાવા-પીવાની આદત…બીજું શું?’ ખરેખર તણભાઈએ ધ્યાન રાખવાની જરૂર હતી.’
મે નહીં કીધું હોય? પણ કોઈના બાપનું માને તો ને?’ હશે જે થવાનું હતું તે થઈ ગયું. તમે લાગણીથી ગુસ્સો કરો છો. પરિવારને સાંત્વના આપી?’
આ બધી ચર્ચા થતી હતી ત્યાં તણ ફાકી થૂંકવા ઘરની બહાર આવ્યો. નામ જ તણ છે -બાકી ઉંમર 50 આંબી ગયા છે.

દિલા એ તરત જ કહ્યું કે આ તો…તમે પણ શું ચુનીલાલ, મને તો ધ્રાસ્કો પડી ગયો હતો. ખરખરાના મૂડમાં કોઈ ફોન કરે?’ ચુનિલાલે દિલાના 70 એમએમના વાસામાં જોરથી ઢીક્કો માર્યો:તારામાં બુદ્ધિ નથી? રાતી રાયણ જેવો છે. હું તો કહેવા માગું છું કે તેને ડાયાબિટીસ આવ્યું…!’

‘ઓ… એમ છે. તો એમાં શું થઈ ગયું? ડોક્ટરને દેખાડી દેવાનું તે કહે તે દવા લેવાની. ચાલો, તેની પાસે બેસીએ અને જાણીએ કે કઈ રીતે ડાયાબિટીસ છે તે ખબર પડી.’

ઘરમાં પરિવારના ઘેરા વચ્ચે તણ લમણે હાથ દઈ બેઠો હતો. ચુનિયાએ વાતનો ઉપાડ કર્યો.
ભલા માણસ, ભડભાદર થઈ અને હિંમત હારી ગયો? બે મહિના લીમડા ઉપર રહો એટલે ડાયાબિટીસ ગાયબ.’ તણે તરત જ કહ્યું કેમારી હાઈટ ટૂંકી પડે. લીમડાના ઝાડ પર કઈ રીતે ચડવું અને ખડબચડા થડ પર બે મહિના બેસવું, સૂવું, ખાવું પીવું એ બધું અઘરૂં પડે.’

`અરે, એમ નહીં ભલા માણસ… બે મહિના લીમડાના પાન ખાવ એમ કહું છું.’
તણના મગજમાં આવેલા પેંડા કડવા થઈ ગયા.

સલાહ શરૂ થાય પછી રોકાય થોડી?
`લીમડાના પાન કરતાં રોજ રાત્રે મેથીના તેર દાણા પલાળી દેવાના અને સવારે મેથી ચાવી જવાની અને પાણી પી જવાનું.’

કડુ કરિયાતું બેસ્ટ હોં, સવારે નયણા કોઠે ફાકડો મારી જવાનો.” બધા કરતા કારેલાનો જ્યુસ અક્સીર ગણાય. રોજ સવાર સાંજ પીવાનું રાખો મહિના પછી તો મીઠાઈ ખાવી પડે એ હદ સુધી સુગર ઓછી થઈ જાય.’

તણ વચ્ચે બેઠો હતો અને ચારે બાજુથી યુક્રેન પર રશિયા એ જે રીતે મિસાઈલનો મારો કરેલો તે રીતે સલાહ સૂચન લમણામાં વાગતી હતી.
તણને મગજમાં એમ થઈ ગયું કે જો છૂટ મળે તો મીઠાઈ નથી ખાવી, પરંતુ આ બધાને એક એક ઢીક્કો તો મારી જ લઉં.
આ બધાથી છટકવા માટે તણ ઊભો થવા ગયો કે તરત જ પરિવારના દીકરા દીકરી અને વહુએ ટેકો દેવાનું ચાલુ કર્યું. તણે રાડ પાડી `ડાયાબિટીસ થયું છે કંઈ હું લંગડો નથી થઈ ગયો. મને અશક્તિ નથી આવી
ગઈ.’

તણના ઘરવાળાએ સાડીનો છેડો મોઢા ઉપર દાબી રોવાનું શરૂ કર્યું. `જોયું. ડાયાબિટીસને કારણે સ્વભાવમાં પણ કેવો ફેરફાર થઈ ગયો છે? પહેલા કોઈ દિવસ આટલું ઊંચા અવાજે બોલ્યા નથી (એ હિંમતના અભાવને કારણે). કંટાળો તો જરાય ન કરતા. સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો છે.’

ખરેખર તણને ગુસ્સો આવતો હતો, પરંતુ આટલા બધા વાક પ્રહારથી તેને પણ થયું કે ખરેખર ડાયાબિટીસના કારણે હું ગુસ્સે થયો છું કે આ લોકોની ડાયાબિટીસ અંગેની ગેરસમજણ ને કારણે?પરિસ્થિતિને સમજી અને તણે ઘરવાળીને ખભે હાથ મૂકી અને કીધું `ગાંડી, તારા પર ગુસ્સે નથી થતો… મારી જાત પર ગુસ્સે થાઉં છું.’

તણના ઘરવાળા તરત જ બોલ્યાં : થાય ડાયાબિટીસમાં આવું થાય પણ તમે ચિંતા ન કરતા આપણે બંને સાથે મળી અને આ દર્દ સાથે લડશું. તમને કાલથી તેલ- ઘી -ખાંડ -ગોળ -ઘઉં -ચોખા બધું જ બંધ.’ તણે તરત જ કીધું કેતો શું રસોડે તાળું મારી દેશો? મારે જમવું શું?’

ભાભી એ લિસ્ટ કાઢ્યું ને બોલ્યા, `મારી બા એ જમાઈ માટે મોકલ્યું છે. કાલથી બાફેલા શાક, કોદરી, દહીં છાશ, જવની રોટલી, સવારના નાસ્તામાં ભાખરી નહીં આપું બાફેલા મગ મળશે, તેલ તો વાર તહેવારે એકાદ ચમચી વઘાર માટે જોઈએ તેટલું જ વાપરવું, મીઠાઈ ખાવાની તો નહીં પરંતુ મીઠાઈની દુકાન બાજુ જોવાનું પણ નહીં. આઈસક્રીમ સપનામાં પણ ન આવવો જોઈએ.’

તણ ને થોડીક વાર તો એમ થયું કે આના કરતાં તો કાળાપાણીની સજા સારી. જેલમાં પણ સપરમા દિવસે કેદીઓને મીઠાઈ પીરસવામાં આવે છે.

આ બધું તો ઠીક છે કંટાળીને મોબાઈલમાં રીલ જોવાનું ચાલુ કર્યું તો તેમાં પણ ડાયાબિટીસની રીલો જ તેની સામે આવી.
હું ખૂણામાં બેઠો બેઠો આ બધું જોતો હતો મને આંખેથી ઈશારો કર્યો અને તણ `હમણાં આવું’ કહી અને મારી સાથે બહાર નીકળ્યો.

મને કહે: `મિલનભાઈ, યાર આ લોકોને સમજાવો મારે જીવવું છે. મારે ડાયાબિટીસમાં શું કરવું તે મને ખબર છે. કોઈ સારો ડોક્ટર દેખાડો એટલે તેની સલાહ પ્રમાણે ચાલીએ.’

વિચારવાયુ
ડાયાબિટીસના દર્દીઓને એક ગમતું વાક્ય એટલે …
`એકાદમાં વાંધો નહીં’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button