અપરાધીઃ ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ | મુંબઈ સમાચાર
વીક એન્ડ

અપરાધીઃ ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ

ટીના દોશી

શરાફી પેઢી ચલાવતા મનસુખલાલ મારફતિયા કરોડપતિ હતા, પણ સ્વભાવના એકદમ કડકાબાલુસ. કાણી કોડીયે ન ખર્ચે એવા. ચમડી તૂટે પણ દમડી ન છૂટે એ કહેણીને સાંગોપાંગ જીવનમાં ઉતારેલી. કેટલાક તો દૃઢપણે એવું માનતા હતા કે એ કહેવતનું ઉદ્ગમ સ્થાન મનસુખલાલ જ હતા. એમની પીઠ પાછળ લોકો એમને માટે કંજૂસ' અનેમખ્ખીચૂસ’ જેવાં વિશેષણો વાપરતાં.

મનસુખલાલને પણ ખબર પડેલી પણ એમને તો કોઈ કરતાં કોઈ જ અસર નહીં… `મને અડો કે ગોરી ગાયને અડો’ એવું એમનું વલણ હતું. રૂપિયાનો રણકાર સાંભળવા એમના કાન તરસ્યા રહેતા. કડકડતી ચલણી નોટો જ એમનું જીવન હતું. રૂપિયો રૂપિયાને ખેંચી લાવે અને એમ રૂપિયાના સરવાળા અને ગુણાકાર થયે જાય એ જ એમનું એકમાત્ર લક્ષ હતું.

રૂપિયો જ રસ, રૂપિયો જ ચિ અને રૂપિયો જ શોખ. રૂપિયો, રૂપિયો ને રૂપિયો. બસ! બીજી કોઈ વાત નહીં. પરિણામે એમની તિજોરીમાં પડ્યો પડ્યો રૂપિયો વધ્યા જ કરતો. કોઈ કોડીલી ક્નયાની જેમ. દિવસે ન વધે એટલો રાત્રે વધે ને રાત્રે ન વધે એટલો દિવસે વધે!

રૂપિયો કંઇ એમનેમ નહોતો વધતો. એ તો મનસુખલાલની ચતુરાઈ, દાંડાઈ અને આડોડાઈથી વધતો હતો. મનસુખલાલ શાહુકાર હતા એટલે બજારમાં જે નિયત વ્યાજના દર ચાલતા હોય એના કરતાં બમણા, ત્રણ ગણા કે ક્યારેક ચાર ગણા વ્યાજે એ રૂપિયા ધીરતા. એમનો એક રૂપિયો દસ રૂપિયાથી માંડીને સો રૂપિયા ખેંચી લાવવાની ક્ષમતા ધરાવતો હતો. જેવી જેની ગરજ અને જેવી રૂપિયા કઢાવવાની મનસુખલાલની આવડત.

મનસુખલાલની પેઢીએ એક વાર જે પગ મૂકે એ કસાઈવાડે પુરાયેલી ગાયની જેમ ખીલે બંધાઈ જતો. મનસુખલાલ રૂપિયા વ્યાજે લેવા આવનારની ગરજ પારખી જાય પછી જાતજાતની આડીઅવળી ગણતરીઓ સમજાવીને ચક્રવર્તી વ્યાજ વસૂલતા. મુદ્દલ કરતાં બારથી પંદરગણું વ્યાજ વસૂલ કર્યાં પછી પણ ખાતેદારનો ચોપડો બંધ થતો જ નહીં.

બાબરા ભૂત જેવી મનસુખલાલની ખાતાવહીમાં રૂપિયા ઓર્યા જ કરવા પડતા. રૂપિયો ગંધાય, રૂપિયો ખાઉં…! પાછલા જન્મમાં પાપ કરવામાં પાછું વાળીને જોયું ન હોય એણે આ જન્મમાં મનસુખલાલનું મોઢું જોવું પડે એવી વાયકા પણ વહેતી થયેલી. સાચુંખોટું રામ જાણે, પણ એવા સમાચાર પણ ઊડતા થયેલા કે મનસુખલાલની લુચ્ચાઈ અને ખંધાઈ સામે તો શિયાળ પણ ભોળું ગણાય. વ્યાજખોર મનસુખલાલે દયામાયા જેવા શબ્દો સાંભળ્યા જ નહોતા.

વ્યાજ વસૂલ કરવાની બાબતમાં કોઈનીયે શરમ ન ભરતા. એવી કડક ઉઘરાણી કરતા કે માણસનું જીવવું હરામ થઇ જતું. સ્વાભાવિક જ કોઈ એમને ત્યાં પગ મૂકવાનું પસંદ ન કરતુ,પણ બૅંકમાંથી કે બજારમાંથી જેને ઉછીના રૂપિયા ન મળે એવા વખાના માર્યા ગરજવાનોએ બાપા કહીને એમની પેઢીનાં પગથિયાં ચડવાં પડતાં અને વ્યાજની ચક્કીમાં જીવનભર પીસાવું પડતું. મનસુખલાલ દેણદારનું લોહી ચૂસી જતા છતાં પેલા બિચારાએ મુદ્દલ રકમમાંથી અડધોઅડધ રકમ ચૂકવવાની બાકી જ રહેતી.

આવા મનસુખલાલની પોતાની ખાતાવહીમાં જમાપક્ષે રૂપિયાની રેલમછેલ હતી, પણ સંબંધોના નામે મોટું મીંડું હતું. એ કોઈના મિત્ર નહોતા એટલે એમનો પણ કોઈ દોસ્ત નહોતો. પણ હા, વ્યાજખોર હોવાને કારણે એ જે લોકોનું શોષણ કરતા હતા એને લીધે એમની સિલકમાં દુશ્મની ઉમેરાયે જતી હતી. એમના દુશ્મનોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી.

એક દિવસ આવા જ એક દુશ્મને મનસુખલાલ મારફતિયાનું ગળું દબાવીને એમનું કાસળ કાઢી નાંખ્યું! એ સાથે જ બધી ખાતાવહીઓ બંધ થઇ ગઈ. એમના મરણના સમાચાર સાંભળીને દુ:ખ તો કોઈનેય ન થયું, હા, રાજી ઘણા થયા. એક દિવસ તો આ થવાનું જ હતું!

જોકે માણસ સારો હોય કે નઠારો, એની હત્યા થાય ત્યારે હત્યારાની શોધ તો કરવી જ પડતી હોય છે. કાનૂન હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. આ સૂત્ર અનુસાર ઇન્સ્પેક્ટર કરણ બક્ષીએ તપાસ શરૂ કરી. મનસુખલાલની પેઢીએ ગયા.

પેઢીના કારકુન કાનજીભાઇ પાસેથી ખબર પડી કે મનસુખલાલ મુલાકાતીઓ માટેનો ચોપડો રાખતા. એમાં તારીખ પ્રમાણે મુલાકાતીઓની નોંધ રાખતા. એમાં કેટલા વાગે કોને મુલાકાત આપી છે તે સમય પણ નોંધી લેતા. મુલાકાતીઓ આવે ત્યારે એ ખાસ ધ્યાન રાખતા કે કાનજીભાઈ એ વેળાએ હાજર ન હોય.

કાનજીભાઈએ એ ચોપડો કરણ બક્ષી સામે ધર્યો. બક્ષીએ જોયું કે હત્યા થઇ એ દિવસે ત્રણ વ્યક્તિ બપોરે એકથી ચારમાં મનસુખલાલને મળવા આવવાની હતી. જે લોકો આવવાના હતા, તેમના નામ અને સામે વ્યાજની કેટલી રકમ લેવાની થાય છે તે ચોપડામાં નોંધાયેલાં હતાં. કરણ બક્ષીએ વાંચ્યું: `પહેલા ક્રમે ઉમેશ સંઘવીના નામ સામે વ્યાજની રકમ સાત હજાર, બીજા ક્રમે જયેશ સોલંકી અને વ્યાજની રકમ વીસ હજાર તથા ત્રીજા ક્રમે નોંધાયેલા નરેશકુમાર ચૌહાણ પાસેથી આઠ હજાર રૂપિયા વ્યાજપેટે વસૂલવાના હતા.

ઇન્સ્પેક્ટર કરણ બક્ષીએ તપાસની શરૂઆત પહેલા ક્રમેથી કરી. ઉમેશ સંઘવીને મળવા ગયા. ઉમેશ એ સમયે ઘેર જ હતો. બક્ષીએ જોયું કે ઉમેશ નીચલા મધ્યમ વર્ગનો અત્યંત સાધારણ દેખાતો ચાલીસેક વર્ષનો માણસ હતો. સૂકલકડી કહેવાય બાંધો. નૂર વિનાની આંખો. મોંઘવારીના ચક્કરમાં પીસાયેલો અને હજુ પીસાતો.

મામૂલી નોકરી કરતો હતો અને એટલો જ મામૂલી પગાર હતો. રૂપિયા ટૂંકા થતા હશે અને દિવસો લાંબા. ઘરમાં પણ ખાસ કોઈ સગવડ નહોતી. ઘરની ભીંતેથી ઠેકઠેકાણે ઊખડી ગયેલો રંગ, તૂટ્યુંફૂટ્યું રાચરચીલું, રાચરચીલાના નામે બે તૂટેલી ખુરસી અને એક ઝાંખું પડેલું મેજ, જેનો એક પગ પડું પડું થઈ રહ્યો હતો. ખૂણામાં કાથીનો ખાટલો.

ખાટલા પર ખાંસતાં ઉમેશના માતાજી, ભોંય પર નિશાળનું હોમવર્ક કરતી દસ-બાર વર્ષની કુપોષણનો ભોગ બની હોય તેવી દેખાતી નયના. ખબર નહીં આ છોકરીએ છેલ્લે દૂધ ક્યારે પીધું હશે? સ્વાભાવિક જ ઉમેશના પગારમાં પરિવારનું પૂં થતું નહોતું. એટલે ઉમેશની પત્ની ઉષા આસપાસના લોકોના કપડાંનું રીપેરીંગ કરતી. એમાંથી જે રકમ મળે તે હતી તો નજીવી જ, પણ તેનાથી થોડી રાહત જરૂર મળતી.

કરણ બક્ષીને દયા આવી ગઈ, પણ ફરજ પહેલી એ ન્યાયે પૂછ્યું: `મનસુખલાલ મૃત્યુ પામ્યો છે. શું તમે એમની પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા?’

`સાહેબ, અમે જેમતેમ કરીને ખર્ચને પહોંચી વળતાં. હું અને ઉષા તો એક ટંક ખાઈનેય ચલાવી લઈએ, પણ હવે તો આ નાનકી નયના પણ મન મારીને જીવતાં શીખી ગઈ છે. પહેલાં તો રમકડાં માટે કે પછી ફિલ્મ જોવા જવાની કે ક્યારેક બહાર ખાવા જવાની જીદ પણ કરતી, પરંતુ હવે સમજુ થઇ ગઈ છે. કોઈ બાબત માટે હઠ કરતી નથી. આમ માંડ માંડ અમાં ગાડું ગબડતું હતું,…’ ઉમેશનો અવાજ ભારે હતો અને આંખમાં ઝળઝળિયાં. કહેવા લાગ્યો:

`ઓચિંતીની મારી મા બીમાર પડી. ડોક્ટરે કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. મુજ ગરીબને કોણ નાણા ધીરે? એટલે પછી નાછૂટકે મનસુખલાલનો દાદરો ચડવો પડ્યો. એણે રૂપિયા તો આપ્યા, પણ વ્યાજ કેટલું? ચીરી નાખે એટલું. મારે વ્યાજની રકમ ચૂકવવા સાત હજાર રૂપિયા આપવાના હતા. પણ કોઈ રીતે સગવડ થતી નહોતી, એટલે હું મનસુખ શેઠ પાસે ગયો અને થોડી મહેતલ માગી. હું દૂધે ધોઈને રૂપિયા ચૂકવી દઈશ એવી ખાતરી આપી.

પણ એ કાંઈ સંભાળવા તૈયાર જ નહોતા. મને જેમતેમ ફાવે તેમ બોલવા લાગ્યા. લાંબો ધોળો ડગલો પહેરતા હતા, પણ કરતૂતો કાળાં કરતાં હતા. મને એવું તો ખુન્નસ ચડ્યું, પણ ગુસ્સામાં હું કાંઈ ન કરવાનું કરી બેસું તો મારો પરિવાર રખડી પડે એટલે ઝટપટ ત્યાંથી નીકળી ગયો, પણ એ મરી ગયો એ સાં જ થયું!’

ઉમેશ ખોટું બોલતો હોય એવું લાગતું નહોતું. કરણ બક્ષીને ઉમેશની આંખોમાં સચ્ચાઈ દેખાતી હતી. એણે નયનાના હાથમાં હજાર રૂપિયા મૂક્યા અને ભારે હૈયે વિદાય લીધી.

કરણ બક્ષીએ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી લીધું.
બીજા ક્રમે જયેશ સોલંકીનો વારો હતો. એના ઘરે તાળું લટકતું હતું એટલે કરણ બક્ષી જયેશની ઓફિસે પહોંચ્યો. ઊંચા, પહોળા, તગડા અને કદાવર જયેશને જોઇને કરણના મનમાં વિચાર ઝબકી ગયો: જો પેલો ઉમેશ દુકાળમાંથી આવ્યો હોય એવો લાગતો હતો, તો આ જયેશ દુકાળનું કારણ હોય એવું લાગે છે!’

જયેશ ખાધેપીધે સુખી ઘરનો લાગતો હતો. ઉંમર અઠ્ઠાવીસ હશે. બહુ બહુ તો ત્રીસ. ઓફિસમાં પણ એનો ઠાઠમઠ જણાતો હતો. પગાર પણ સારો હશે. ગળામાં સોનાની ચેન, હાથમાં સોનાની વીંટી. આને રૂપિયા વ્યાજે લેવાની શું જરૂર પડી હશે?

મનસુખલાલ મારફતિયા હવે આ દુનિયામાં નથી રહ્યા… કરણ બક્ષીએ જયેશની સામેની ખુરસીમાં સ્થાન લઈને, જયેશના ચહેરા પર તીક્ષ્ણ નજર ટેકવીને પૂછ્યું: `તમે એમની પાસેથી વ્યાજે રકમ લીધી હતી. તમે વ્યાજની રકમ ચૂકવવા એમને મળવા ગયા હતા?’

`હા, ઇન્સ્પેક્ટર..મેં મનસુખલાલ પાસેથી વ્યાજે રકમ લીધી હતી અને વ્યાજ ભરવા પણ ગયેલો…’ જયેશે સ્વીકારી લીધું. પણ તમને રૂપિયા વ્યાજે લેવાની શું જરૂર પડી? આઈ મીન તમારી સારી નોકરી છે. કમાતા પણ સાં જ હશો. બક્ષીએ મુદ્દાનો સવાલ કર્યો.

એમાં એવું છે ને કે…’ જયેશ એક ક્ષણ ચૂપ રહ્યો. કારણ કહેવું કે ન કહેવું એની ગડમથલ એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. થોડી વાર રહીને એ બોલ્યો:તમે કોઈને કહેશો નહીં, પણ વાત એમ છે ઇન્સ્પેક્ટર કે,મને જુગાર રમવાનું વળગણ થઇ ગયું છે. મને ખબર છે કે જુગારનું વ્યસન પાયમાલ કરી શકે છે, બરબાદી નોતરી શકે છે. પણ હવે હું જુગાર રમ્યા વિના રહી શકતો નથી.

શરૂઆતમાં હું ઘણી બધી બાજી રમ્યો અને લાખો રૂપિયા જીત્યો. એટલે મને જુગારનો ચસ્કો લાગ્યો. પણ પછી હું હારવા લાગ્યો. છેલ્લાં ઘણા સમયથી હું હારતો આવ્યો છું અને મારે એક સાથે ઘણી મોટી રકમ ચૂકવવાની આવી. ઘરમાં તો હું કોઈને કંઇ કહી શકું એમ નહોતો. એટલે મારે મનસુખલાલ પાસે વ્યાજે રૂપિયા લેવા જવું પડ્યું.

બજાર કરતાં દસ ગણું વધુ વ્યાજ એ વસૂલી રહ્યો હતો. મારે એને વીસ હજાર રૂપિયા આપવાના હતા. એ કાળમુખા મનસુખલાલ સામે રૂપિયા ફેંકીને હું તરત જ ચાલતો થયો. મન તો થયું કે એનો ટોટો પીસી નાખું, પણ જોજો પાછા, મેં એનું ખૂન નથી કર્યું, હં? મેં તો જે સાચું હતું એ કહ્યું. તમને મારા પર તો શંકા નથીને?’

સ્ટેટમેન્ટ રેકોર્ડ કરીને ઇન્સ્પેક્ટર કરણ બક્ષી નીચા, ઠીંગણા અને એકવડિયા નરેશકુમાર ચૌહાણ પાસે પહોંચ્યા. ઉમેશ અને જયેશને જે સવાલ પૂછ્યો હતો, એ જ નરેશકુમારને પણ પૂછ્યો: `મનસુખલાલનું અવસાન થયું છે. તમે એમની પાસેથી વ્યાજે રકમ લીધેલી અને વ્યાજ ચૂકવવા ગયેલા?’

કોણ મનસુખલાલ?' નરેશકુમારે તો મનસુખલાલને ઓળખવાનો જ ઇનકાર કરી દીધો. ભોળાભાવે કહેવા લાગ્યો:મેં તો આ નામ જ પહેલી વાર સાંભળ્યું, ઇન્સ્પેક્ટર! હું એમને ઓળખતો જ નથી તો મળવાનો તો સવાલ જ ઉપસ્થિત થતો નથી.’

હં, આ માયા પહોંચેલી જણાય છે. સીધી આંગળીએ ઘી નહીં નીકળે…એમ વિચારીને સામ, દામ, દંડ અને ભેદમાંથી જયારે જેનો ઉપયોગ કરવો પડે તે નુસખો અજમાવતા ઇન્સ્પેક્ટર બક્ષીએ આંગળી વાંકી કરી. એટલે કે ચૌદમું રતન અજમાવવાની વાત કરી, એટલે નરેશકુમાર પોપટની જેમ પટ પટ બોલવા લાગ્યો:

`મારી બહેનનાં લગ્ન લીધાં હતાં અને પ્રસંગ મારે જ પાર પાડવાનો હતો. મારી પાસે એકસાથે એટલા રૂપિયાની સગવડ નહોતી એટલે મારે એ મનસુખલાલ પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડ્યા. મૂળ રકમ તો મેં ક્યારની ચૂકતે કરી દીધેલી, પણ એના વ્યાજના ચક્રવ્યૂહમાંથી નીકળી જ નહોતું શકાતું. એ દિવસે મારે આઠ હજાર રૂપિયા આપવા જવાનું હતું પણ સગવડ ન થઇ એટલે હું મનસુખલાલને મળવા ન ગયો. એની ગાળો સાંભળવા કોણ જાય? પણ હાશ! હવે એ મરી ગયો એટલે મારે મોટી ઉપાધિ ટળી. હવે મનસુખલાલ ઉપર ઈશ્વરના દરબારમાં બેઠો બેઠો રૂપિયા ગણ્યા કરશે!’

નરેશનું સ્ટેટમેન્ટ પણ બક્ષીએ રેકોર્ડ કરી લીધું. કોને ખબર નરેશ ખોટું પણ બોલ્યો હોય! મનમાં થયું: આ ત્રણમાંથી કોઈ મનસુખલાલને પસંદ કરતુ નહોતું. અને અપરાધી પણ આ ત્રણમાંથી જ એક છે, કારણ કે છેલ્લે આ ત્રણ જ એમને મળ્યા હતા…આખરે કોણ છે અપરાધી?

કરણ બક્ષીને ક્યાંક કંઈક ખટકતું હતું. કોઈ એક વાક્ય. એ વાક્ય જે બોલ્યું હતું એ જ અપરાધી હતો. કોણ હતું એ? બક્ષીએ ત્રણેના સ્ટેટમેન્ટ એકદમ ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું. વાંચવાનું પૂં કરતાંની સાથે કરણ બક્ષીના ચહેરા પર ચમક આવી ગઈ. દિવસ ઊગતાં રાતનો અંધકાર દૂર થાય અને સૂર્યકિરણથી અજવાળું રેલાય એમ બક્ષીના મનમાં ઉજાસનું કિરણ પ્રકટ્યું. બક્ષીએ ત્રણેને પોતાને ત્યાં બોલાવ્યા અને એકને કહ્યું:

`મનસુખલાલની ઠંડે કલેજે હત્યા કરવા બદલ તમારી ધરપકડ કરવામાં આવે છે!’ સાબિતી શું છે તમારી પાસે? દરેક ગુનેગારની જેમ આ વ્યક્તિએ પણ હુંકાર કર્યો.

`તો સાંભળો, હું તમને ત્રણેને મળ્યો ત્યારે મેં એમ જ કહેલું કે મનસુખલાલ મૃત્યુ પામ્યા છે, એ આ દુનિયામાં નથી રહ્યા કે પછી એમનું અવસાન થયું છે. મેં કોઈ તબક્કે એમ નથી કહ્યું મનસુખલાલનું ખૂન થયું છે. છતાં તમારા ત્રણમાંથી એક, જેના મનમાં ચોર હતો, એણે કહ્યું કે ખૂન મેં નથી કર્યું! એ તમે હતા શ્રીમાન જયેશ સોલંકી! તમને કેવી રીતે ખબર પડી કે મનસુખલાલનું ખૂન થયું છે?’

કારણ કે એ ખૂન તમે જ કર્યું છે! કહીને કરણ બક્ષીએ પોતાની અદ્ભુત નિરીક્ષણ શક્તિ અને એના થકી કેસ સોલ્વ કરવાની કુશળતાનો પરિચય આપ્યો. પછી બીજું અવલોકન પણ ઉમેર્યું:

મનસુખલાલની હત્યા ગળું દબાવીને થઇ છે. અને તમારા ત્રણમાંથી ઉમેશ અને નરેશકુમાર બંને એકવડા બાંધાના છે. બંનેમાં એટલી તાકાત નથી કે એ લોકો કોઈનું ગળું ઘોંટી શકે. પણ શ્રીમાન જયેશ સોલંકી, તમે ઊંચા, કદાવર ને તાકાતવાળા છો. તમારા માટે કોઈનું ગળું દબાવીને એનો શ્વાસ રૂંધી નાખવો એ બહુ મોટી વાત નથી…. મનસુખલાલના વ્યાજચક્રમાંથી છુટકારો મેળવવા તમે એ જ કર્યું. બોલો, ખં કે ખોટું?’
જયેશે ચૂપચાપ ગુનો કબૂલ કરી લીધો. શું કરે? છૂટકો જ નહોતો! આવતા અઠવાડિયે નવી કથા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button