ક્લોઝ અપઃ ભૂત-પ્રેતના ભ્રમ : જંતરમંતરના બખડજંતર…!
વીક એન્ડ

ક્લોઝ અપઃ ભૂત-પ્રેતના ભ્રમ : જંતરમંતરના બખડજંતર…!

ભૂત-પ્રેતમાં જે માને છે એમને કોઈ પુરાવા જોઈતા નથી અને આવાં અનિષ્ટ તત્ત્વોમાં જેને વિશ્વાસ નથી એ કોઈ પુરાવાને માનતા નથી!

ભરત ઘેલાણી

ભૂત-પ્રેત-પિશાચ-ડાકણ આ ચાર શબ્દ સાંભળતાં જ આપણાં મનમાં ઉત્કંઠા- રોમાંચ-રહસ્ય અને ભયનું એક ઠંડુંગાર લખલખું કરોડરજ્જુમાંથી પસાર થઈ જાય ને સાથે માથા પર પ્રસ્વેદ બિંદુ ફૂટી નીકળે..!

બ્રહ્માંડમાં ભમતાં-ભટકતાં આ કહેવાતા અસંતોષી આત્મા જ એક એવી જણસ છે, જે તમને ભય-ઉત્તેજના-રહસ્ય- રોમાંચ જેવાં `ફોર ઈન વન’ અનુભવ એકસાથે કરાવી શકે!

અમુક અગમનિગમ ઘટનાના આપણા અજ્ઞાન કરતાં અજ્ઞાત ભય આપણને વધુ ધ્રુજાવે છે… આમ છતાં ભૂત-ડાકણની વાત ભલે આપણી વાટ લગાડી દે તો પણ એ વાંચવી જાણવી જરૂર ગમે. ગમે તેવી ડરામણી હોય તો પણ ડરીને પણ લોકો એ માણે છે એ હકીકત છે.

આમ તો કોઈ પણ ભાષાની હોરર ફિલ્મ મોટાભાગે દર્શકોને ડરાવીને- ભયભીત કરીને બોકસ ઓફિસ રણકાવતી હોય છે. એમાં જરૂરી નથી હોતું કે એ ફિલ્મો ભૂત-પ્રેત પ્રેરિત હોય. હા, ભૂત કે ડાકણ આવી ફિલ્મમાં એક વધારાનું રેડિમેડ તત્ત્વ જરૂર હોય છે.

આપણે ત્યાં છેલ્લાં બે વર્ષમાં મનોરંજનની દુનિયામાં ભૂત -પ્રેત -ડાકણ’ની જબરી નીકળી પડી છે.ભૂલ- ભૂલૈયા’ અને `સ્ત્રી’ જેવી હોરર -કોમેડી ફિલ્મમાં 50 ટકાથી વધુ દર્શકો ડરપોક ગણાતી મહિલા હોય છે એવો એક અહેવાલ કહે છે!

આવાં અસૂરી તત્ત્વોની ફિલ્મો -વેબ સિરીઝ બોકસ ઓફિસ એવી છલકાવે છે કે દર નવો ક્લાકાર ભૂત બનવા તૈયાર છે તો કોઈ પણ નવોદિત અભિનેત્રી ભૂતડી કે -ડાકણનો મેકઅપ ધારણ કરીને હિટ અને હોટ બનવા તત્પર છે. ભૂત -પ્રેતમાં જરાય ન વિશ્વાસ કરનારા નિર્માતા પણ અઢળક કમાવી દેતાં આ અનિષ્ટ તત્ત્વોમાં માનવા માંડ્યાં છે !

ગત વર્ષ 2024માં રજૂ થયેલી ફિલ્મોમાં ભૂત ભૂલૈયા-3′ ( રૂપિયા: 423 કરોડ )સ્ત્રી-2′ (885 કરોડ) અને `મૂંજ્યા’ ( 135 કરોડ), ઈત્યાદિ હિટ રહી એમાં મજાની વાત એ રહી કે આ બધી સફળ ફિલ્મ જાણીતા નિર્માતાઓના વૈભવી બજેટથી બની નથી. અનામી નિર્માતાઓએ ઓછા બજેટે આવો તગડો ધંધો કર્યો છે.

બીજા શબ્દોમાં કહીએ તો શાહરુખ-હૃતિક કે કાર્તિક જેવા સોહામણા સુપરસ્ટારની સરખામણીએ એકાદ કદરૂપો ભૂત કે બેડોળ-ડરામણી ડાકણ વધુ કમાવી આપે છે! આગામી મહિનાઓમાં પણ જે હોરર-કોમેડી ફિલ્મ્સનો ઉમેરો થઈ રહ્યો છે એમાં છોરી-2’ભૂતની’ કપકપી’ અનેઓયે ભૂતની કે…’ ઉલ્લેખનીય છે.

આમ તો ફિલ્મી દુનિયાના અતૃપ્ત આત્માની વાતો નિર્માતાઓ માટે જેટલી નફાકારક છે એવી જ રસપ્રદ છે બહારના જગતમાં ગાજેલી ભૂત -પ્રેતના ખોફની વાતો… અગમનિગમની દુનિયાનાં ભૂત-પ્રેત-પિશાચ જેવાં પાત્રોનું અસ્તિત્ત્વ છે કે નહીં એ જબરા મત-મતાંતરનો વિષય છે, પણ ભૂત-ડાક્ણના મહેલ-બંગલા- હવેલીની કથા ક્ંપાવનારી હોવા છતાંય જબરી મજેદાર હોય છે.

એમાં મડર્ર-મિસ્ટ્રી-હોરર જેવાં લોકપ્રિય કથાના બધા જ તત્ત્વ ઠાંસોઠાંસ ભરેલા હોય છે. જગતના એવાં કેટલાંય સ્થળો છે, જે ભૂત-ડાકણના કહેવાતા વાસ-આવાસને લીધે વગોવાઈ ગયા છે. અનેક અતૃપ્ત આત્મા તો દાયકાઓથી ભમતા ભટકતા રહે છે.

આમાં ના કેટલાક તો વર્લ્ડ ફેમસ’ થઈ ગયા છે. એમની વાત વગર ભૂત-પ્રેતકથાઓ સાવ અધૂરી. એ બધામાં સૌથી જાણીતી છે એક લેડી ભૂત અર્થાત ડાકણ, જે આજે સૈકાઓ પછી પણ બ્રિટનનીબ્રાઉન લેડી ઓફ રિધમ હોલ’ અને અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનનું વ્હાઈટ હાઉસમાં લટાર મારતા ભૂતની કથા બહુ જાણીતી છે. 1936માં તો આ ભૂત `બ્રાઉન લેડી’નો છાયો પણ એક તસવીરમાં ઝડપાઈ હતી એવો દાવો થાય છે.

આપણા ભારતમાં પણ આવાં કેટલાંક ભૂતિયાં સ્થળ છે એની તો વિગતવાર વાત માંડવી પડે, જે અહીં સ્થળ -સંકોચને લીધે શક્ય નથી. ખેર, આ બધા વચ્ચે થોડા સમય પહેલાં આવી એક ભૂત હવેલી અખબારો-ટીવી ચેનલોમાં બહુ ચમકી હતી.

આયર્લેન્ડમાં 14મી સદીમાં બંધાયેલી એક વિશાળ હવેલી અત્યારે સાવ અવાવરુ છે, કારણ કે કહે છે કે બે-ત્રત્ર માથાભારે ભૂતના વાસનો ત્યાં ત્રાસ છે. વેક્સફોર્ડ ટાઉનમાં 67 એકર જમીન પર આવેલી 27 હજાર સ્કેર ફુટ્ની `લોફટ્સ હોલ’ તરીકે ઓળખાતી હવેલીમાં સદીઓ પૂર્વે એક વરસાદી સાંજે એક આગંતુક આવ્યો અને રાતભર માટે આશ્રય માગ્યો.

રાતે હવીલીના માલિક-માલકણ અને પેલો મહેમાન ડ્રિન્ક્સ-ડિનર કરતાં બેઠા હતા ત્યાં હવેલીની લેડી માલિકને ન જાણે એવું લાગ્યું કે આ અજાણ્યો આગંતુક સામાન્ય માનવી નહીં, પણ કોઈ અતૃપ્ત આત્મા છે. લેડીને પોતાની સાચી ઓળખ થઈ ગઈ છે.

એવો અણસાર આવતા જ પેલો મહેમાન-ભૂત એક ધડાકા સાથે અગનગોળો બનીને ગાયબ થઈ ગયો અને નજર સામે જ આ ભયાનક દૃશ્ય જોઈને પેલી લેડીનું ત્યાં જ હાર્ટફેલ થઈ ગયું. ત્યાર પછી કહે છે કે આ લેડી તથા પેલા મહેમાનના અતૃપ્ત આત્મા ત્યાં હવેલીમાં જ ભટકે છે.!

ત્યારથી જ અવાવરું-ભેંકાર પડેલી આ હવેલીમાં ભૂત-પ્રેતના ભયથી કોઈ જતું નથી. હા, એના અત્યારના માલિક એઈડન કિવ્ગલેએ થોડા સમય પહેલાં હવેલીની મરમ્મત કરાવી છે અને એ આ વેંચી નાખવા ઈચ્છે છે.

આ વિશાળ હવેલીમાં 22 રૂમ તથા 97 બારી ઉપરાંત એક ખાનગી બીચ પણ છે. આ સમગ્ર પ્રોપર્ટીની કિમત આજે કરોડો રૂપિયા છે, પણ ભૂત-ડાકણ હવીલીનો જ્યાં સુધી સોદો ન થાય ત્યાં સુધી આ હવેલી પર હોરર ફિલ્મોના શૂટિગ થાય છે. પર્યટકો માટે `ઘોસ્ટ સ્પોટ- ટૂર’નું આયોજન થાય છે.

હવેલી-ટૂરના આયોજક- માલિક ટૂરિસ્ટોને એટલું જ કહે છે: `અમારી આ ઘોસ્ટ હવેલી પર હોંશે હોંશે પધારો..નસીબ સાથ દેશે તો અમારા મનમોજી એવા બે ફેમસ ભૂત સાથે મુલાકાતનો લ્હાવો પણ મળશે!’

હવેની આ ઘટના આપણા મૈરુતની છે. અહીં પોલીસે એક યુવાનને સંભવિત આરોપી તરીકે પકડીને કસ્ટડીમાં નાખ્યો. ગુનો કબૂલ કરાવવા પોલીસે મારઝુડ કરી. એમાં પેલા યુવાન આરોપીએ જેલ કસ્ટડીમાં આપધાત કરી નાખ્યો.

પોલીસે આ કેસ રફેદફે તો કરી નાખ્યો, પણ ક-મોતથી માર્યા ગયેલા પેલા યુવાન આરોપીનું `ભૂત’ જાણે વેર વાળવું હોય તેમ રોજ સવાર-સાંજ પોલીસ સ્ટેશનમાં પ્રગટ થવા લાગ્યું અને એની અનેક પ્રકારની ડરામણી હરકતોથી પોલીસ ટીમને એવું રંજાડવા માંડ્યું કે ત્યાંનો પોલીસ સ્ટાફ ભયભીત થઈને ભાગી ગયો!

પાછળથી આવા `વૈરી’ ભૂતને કાબૂમાં લેવા એક બ્રાહ્મણની સલાહથી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં રામભકત ભીડભંજન હનુમાનજીનું એક મિનિ મંદિર બાંધવામાં આવ્યું અને ત્યાં શાસ્ત્રોકત વિધિ સાથે નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા પછી પોલીસ કસ્ટડીમાં પેલા યુવાનનું અપ-મૃત કેમ થયું એના માટે ફરીથી પોલીસ તપાસ શરૂ થઈ એ બાદ પેલા ભૂતનો રંજાડ બંધ થઈ ગયો !

ભૂત-પ્રેત કે ડાકણ જેવા અતૃપ્ત આત્માના વળગાડથી મુક્તિ અપાવવાનો દાવો કરતાં ભૂવા-તાંત્રિક- બંગાળી બાબા-મૌલવી કે કહેવાતા માતાજીના ભક્તો આપણા દેશ અને વિદેશોમાં પણ અસંખ્ય છે.

શ્રીલંકાના એક જાણીતા તાંત્રિક તો ન્યૂયોર્કની વૈભવી હોટેલ્સમાં માત્ર પાંચેક ડૉલરની સસ્તી ટિકિટ રાખીને સંખ્યાબંધ શો રાખીને સ્ત્રીઓના વળગાડ કઈ રીતે કાઢવાની એની રીત શીખવે છે! આવા તો અનેક લેભાગુ લોકો છે, જે લોકોના અજ્ઞાન અને અંધશ્રદ્ધા તથા અજ્ઞાત ભયનો પૂરેપૂરો ગેરફાયદો કઈ રીતે લે છે એની બીજી અનેક રોચક કથાઓ છે, પણ એ વિશે ફરી ક્યારેક..!

કેટલા પ્રકારના હોય છે અતૃપ્ત આત્મા?
હજુ સુધી જીવન અને મૃત્યુ વચ્ચેની આ દુનિયા આપણે સમજી નથી શક્યા. ત્યારે કેટલાંક અજાણ્યા ભય આપણને ડરાવે છે એમ આકર્ષિત પણ કરે છે. હિંદુ ધર્મમાં પુનર્જન્મની માન્યતા છે. જ્યાં સુધી આત્મા તેનું આગલું નવું શરીર ન મેળવે ત્યાં સુધી એ ભટકતો ફરે છે. આ જ કારણ છે કે હિંદુ ધર્મમાં એક નહીં, પરંતુ ઘણા અલગ-અલગ પાત્રો છે, જે ન તો મનુષ્ય છે અને ન તો દેવ. એને આપણે બધા એક શબ્દમાં ભૂત’ કહી શકીએ, જેનો અર્થ થાય છેવીતી ચુકેલું’.

પિશાચ: ખ્રિસ્તી માન્યતા પ્રમાણે જે મનુષ્યનું લોહી પીને અને એનું માંસ ખાઈને જીવે છે એ વેમ્પાયર’- પિશાચ છે. એક માન્યતા અનુસાર પિશાચની પણ મનુષ્યની જેમ યોનિ-વિવિધ જન્મ હોય છે. પ્રેત: પ્રેતનો ઉલ્લેખ માત્ર હિંદુ ધર્મમાં જ નથી, પરંતુ ચાઈનીઝ, જાપાનીઝ, બૌદ્ધ અને વિયેતનામી સંસ્કૃતિમાં પણ જોવા મળે છે. પ્રેતનો અર્થ થાય છેભૂખી આત્મા’, જેણે પાછલા જન્મમાં ખોટાં કાર્ય કરે છે અને એનો લોભ કે ભૂખ તૃપ્ત નથી થઇ. આવી અતૃપ્તતાને કારણે પ્રેત તરીક ભટકે છે. આવા પ્રેત આત્મા મનુષ્યને હેરાન પણ કરે છે.

જિન: ઇસ્લામમાં જિનને માનવામાં આવે છે. ઇસ્લામમાં કહેવાયું છે કે જિન તરીકે ઓળખાતો અતૃપ્ત આત્મા અગ્નિના બનેલા છે. એ ઉદાર છે. કોઈને પરેશાન કરતો નથી. કોઈ પર રાજી થાય તો જિન એ મનુષ્યને ઇચ્છા પૂરી કરે છે, પરંતુ બદલામાં જિન કશું માગી પણ લે છે!

ડાકણ: કોઈપણ બૂરી સ્ત્રીને ડાકણ સમજવાની પ્રથા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પશ્ચિમમાં પણ પ્રચલિત છે. એવું કહેવાય છે કે સુંદર સ્ત્રી મેલીવિદ્યા દ્વારા પુરુષને વશ કરીને મારી નાખે છે… ડાકણની ઓળખ એના ઊંધા પગ છે.
બ્રહ્મરાક્ષસ: કહેવાય છે કે બ્રહ્મરાક્ષસ એ દુષ્ટાત્મા છે જે બ્રાહ્મણ જેવા કર્મ સાથે જીવતા હતા, પણ પૂજા કાર્ય ન કર્યું એટલે મૃત્યુ બાદ બ્રહ્મરાક્ષસ બની ગયા.

આ પણ વાંચો…ક્લોઝ અપઃ ભ્રામક માન્યતાઓથી ભરપૂર છે આ જગત…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button