ક્લોઝ અપઃ ભ્રામક માન્યતાઓથી ભરપૂર છે આ જગત…!

ભરત ઘેલાણી
વડીલો પાસે સાંભળેલી કે વાંચેલી અમુક વાત પહેલી નજરે તદ્દન સાચી લાગે, પણ હકીક્તમાં એ કાં તો સાવ ભ્રામક હોય કે પછી અર્ધ-સત્ય. આના માટે એક બહુ પ્રચલિત એક અંગ્રેજી શબ્દ છે: Myth-rd’ આપણી ભાષામાં એનો સીધો-સાદો-સરળ અર્થ છે: માનવું કે માની લેવું તે ખોટી માન્યતા. આ ઉપરાંત, બીજાં પણ અર્થ છે, જેમકે માની લીધેલી પૌરાણિક કથાઓ – જેને મોટાભાગના લોકોએ સ્વીકારી લીધી છે-જે હકીકતમાં કાલ્પનિક વાત-દ્દ્તકથા પણ હોઈ શકે.
આપણા રોજિંદા જીવનની કેટલીક વાત એવી છે, જે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. એ વાત આપણા મા-બાપે કહી હોય ,જેનો ભાગ્યે જ કોઈ વિરોધ કરે કે પડકારે,કારણ કે એ આગુસે ચલી આતી હૈ.’ બસ, આ જ આપણી મનોવૃતિને લીધે ઘણી ભ્રામક વાત સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવે છે અને એ વિષચક્ર ચાલતું જ રહે છે.
જ્યાં સુધી પેલી વાતનું સામાજિક કે વૈજ્ઞાનિક રીતે ખંડન ન થાય આમ છતાં અનેકવિધ ક્ષેત્ર એવાં છે, જ્યાં આજેય પણ Myth- ખોટી માન્યતાનું સામ્રાજય ફેલાયેલું છે. એમાંથી અગત્યની કહી શકાય એવી જૂઠ્ઠી માન્યતાને તોડી પાડતી સાચી વાત વિશે જાણી લેવું રસપ્રદ છે-જરૂરી પણ છે.
શરૂઆત આપણે એક સર્વ સામાન્ય માન્યતાથી કરીએ કે એ વિશ્વના એક યા બીજા કારણોસર સફળ થયેલા જાણીતા લોકો દિવસભર બહુ જ વ્યસ્ત રહે છે, જેમકે જગતના સૌથી શ્રીમંત એવા ઈલોન મસ્ક-માઈક્રોસોફટ’ ના બીલ ગેટસ-સૌથી સફળ રોકાણકાર વોરેન બફેટ-નામાંકિત ટેલિવિઝન-શો સંચાલક ઑપ્રા વિનફ્રે કે પછી હમણાં જ વૈભવી મેરેજ (બીજીવારના!) કરીને સમાચારોમાં છવાઈ ગયેલા એમેઝોન’ ના સર્વેસર્વા જેફ બેઝોસ કે પછી આપણા દેશના અને એશિયાના સૌથી શ્રીમંત એવા મુકેશ અંબાણી સુધ્ધાં એમનાં વ્યવસાયનાં કામમાં અતિ વ્યસ્ત રહે છે.
આ બધા જરૂર બીઝી રહેતા હશે ,પણ એમની રોજિંદી કામગીરી બહુ જ વ્યવસ્થિત ગોઠવાયેલી હોય છે. એમની કાર્યનીતિ-રીતિમાં પ્રત્યેક કે પરોક્ષ એકફાઈવ અવર’ રુલ સંકળાયેલો છે. આ `ફાઈવ અવર રૂલ’ એટલે રોજનો એક એવા અઠવાડિયાના પાંચ કલાક દરમિયાન આ બધી ફેમશ વ્યક્તિ એક નિશ્ચિત-અગાઉથી નક્કી કરેલાં કાર્યમાં જ ઓતપ્રોત રહે છે.
અહીં જેમનો ઉલ્લેખ કર્યો છે એમાંના મોટાભાગના રોજ એક ક્લાક વાંચન અચૂક કરે છે. મુકેશભાઈ તો દિવસભરના કામકાજનો ભાર હળવો કરવા વાંચન ઉપરાંત મોડી રાતે ઘરના અફ્લાતૂન અતિ આધુનિક હોમ થિયેટરમાં લેટેસ્ટ ફિલ્મ્સ પણ ચૂકયા વગર જોઈ લે છે!
હવે કેટલીક જાણીતી માન્યતાઓ ખરેખર દંતકથાઓ છે એના વિશે પણ જાણો, જેમકે …
માન્યતા:
સમ્રાટ નેપોલિયન `ઠીંગણો’ હતો…
હકીકત :
ના, નેપોલિયન એક યોદ્ધાને છાજે એવી 5 ફૂટ 6 ઈંચની ઊંચાઈ ધરાવતો હતો !
અવકાશમાંથી દેખાતી મહાન દીવાલ…
ચીનની મહાન દીવાલને ઘણીવાર અવકાશમાંથી દેખાતી એકમાત્ર માનવસર્જિત રચના તરીકે ટાંકવામાં આવે છે, પરંતુ આ સાચું નથી. આ ચીની દીવાલ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાંથી ય નરી આંખે દેખાતી નથી. એને અંતરિક્ષમાંથી પાવરફૂલ દૂરબીનથી ઝૂમ કરી મોટી કરીને પણ જૂવો તો એ દીવાલને ધરતી પરની અન્ય વસ્તુઓથી પણ અલગ તારવી શકાતી નથી!
બળદો લાલ રંગથી ભુરાયો થાય છે…
બળદ લાલ કે કોઈ પણ રંગ પ્રત્યે કલર બ્લાઈન્ડ -અંધ હોય છે. તેથી તેની પ્રતિક્રિયા રંગ પ્રત્યે નહીં, પણ એને ઉશ્કેરનારા `મેટાડોર’ યોદ્ધા તરફ હોય છે!
વીજળી ક્યારેય બે વાર ત્રાટકતી નથી…
વીજળી પડવાની શક્યતા ઓછી હોવા છતાં તે જ જગ્યાએ એક કરતાં વધુ વાર ત્રાટકે પણ છે !
કામસૂત્ર સેક્સ વિશે …
કામસૂત્ર’ માત્ર સેક્સને જ લગતો ગ્રંથ નથી. એ તો તેનો એક ભાગ છે.કામસૂત્ર’ માં જાતીય સંબંધનાં આસન ઉપરાંત પ્રેમથી લઈને અને સામાજિક આચરણ વિશે પણ છે.
આવી બીજી અનેક ભ્રામક માન્યતાઓ છે આપણા ખોરાકને લઈને, જેમકે….
માન્યતા:
વધુ ખોરાક લેવાથી આપણા શરીરનું મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા) ઝડપી બને છે
હકીકત:
વધુ ખોરાક લેવાથી ચયપચયની ક્રિયા દ્વારા એ ખોરાકને પચાવવાની થર્મિક ઈફેક્ટ ઓફ ફૂડ (TEF)’ એટલે કે ઊર્જા વધે છે,નહીં કે મેટાબોલિઝમ ટૂંકમાં વધુ ખાવ ને એને પચાવવાની ઊર્જા વધારો.પરિણામે, તમે અજાણતાં જ નિયમિત કરતાં વધુ ખાવાનું પેટમાં પધરાવો છો. માન્યતા: બ્રેકફાસ્ટ-સવારનો નાસ્તો ન લો તો શરીરમાં ફેટ-ચરબી વધી જાય..
હકીકત : કોઈ વાર બ્રેકફાસ્ટ ન લો તો એટલી કેલરી ઓછી એટલું જ પણ એનાથી શરીરમાં ચરબી વધી જાય-વજન વધે એ વાત ભ્રામક છે. એકાદ વાર અપવાદરૂપે સવારનો નાસ્તો ચૂકી જાવ કે જતો કરો તો એનાથી તમારા શરીરની મેટાબોલિઝમની ક્રિયા-પ્રક્રિયામાં ખાસ ફરક પડતો નથી. હા, તમે કલાકો સુધી ન ખાવ ને પછી આરોગો પાછા ઉપવાસ કરો ને ફરી ખાવ તો વજનમાં ફેરફાર નોંધાય પણ ખરો. માન્યતા: વારંવાર કંઈને કંઈ ખાતા રહેવાથી બ્લડ શુગરનું પ્રમાણ યથાવત્ રહે છે.
હકીક્ત: એક વાત સમજી લો કે એકસાથે ભરપેટ ખાવાને બદલે અમુક સમયના અંતરે થોડું થોડું ખાવું એ પાચન માટે અલબત્ત, સારું છે. એનાથી ઓચિંતી ભૂખ ઓછી લાગે છે અને શક્તિ ઊર્જાનું પ્રમાણ પણ યથાવત્ રહે છે. જોકે, તમે એકંદરે સ્વસ્થ રહેતા હો તો તમારું બ્લડ શુગર કુદરતી રીતે પણ સ્થિર જ રહે છે. એને યથાવત્ રાખવાને ખાતર અકરાંતિયાની જેમ વારંવાર ખાવાની જરૂર નથી.
માન્યતા: નિયમિત ગાજરના સેવનથી આંખની દ્રષ્ટિ તેજ થાય છે-સુધરે છે હકીકત : આ વાત મૂળ તો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે લશ્કરી વિમાનના પાઈલટ માટે પ્રસરી હતી, જેને આજે પણ લોકો ખરી માને છે. હા, એ ખરું કે ગાજરમાં વિટામિનએ’ નું પ્રમાણ વધુ હોય છે, પણ ગાજરને માનવીની આંખ સાથે કશું લાગતું-વળગતું નથી. મૂળ વાત એ છે કે તાજાં શાકભાજી હંમેશાં બધી રીતે આરોગ્યવર્ધક છે.
આવી જ કેટલીક તબીબી માન્યતા પણ છે, જે તથ્ય કરતાં સાવ વેગળી છે. ઉદાહરણ તરીકે
માન્યતા:
આપણે રોજિંદા ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ
હકીકત:
આ પ્રકારની માન્યતા કે વાતને સમર્થન આપે એવા કોઈ જ વૈજ્ઞાનિક કે તબીબી પુરાવા મળ્યાં નથી. આ માન્યતાથી વિરુદ્ધ વધુ પડતું પાણી પીવું એ આરોગ્ય માટે જોખમી છે. તરસ લાગે અને એ છીપાય એટલું પાણી પીવો તો ભયોભયો!
માન્યતા:
આપણે બ્રેન મગજનો માત્ર 10% જ ઉપયોગ કરીએ છીએ.
હકીકત :
આપણું 90 ટકા મગજ વપરાયા વગરનું રહે છે એવી વાત- માન્યતાના પણ કોઈ વિજ્ઞાનિક પુરાવા કે કારણ જાણવા મળ્યાં નથી. મગજના સ્કેન દર્શાવે છે કે આપણે મગજના લગભગ બધા જ ભાગોનો ઉપયોગ કરીએ છીએ.!
આ બધા વચ્ચે અમુક વાત માન્યતા ખાસ્સી જાણીતી છે. એ છે જગતના કેટલાક શ્રીમંતો વિશે, જેમકે
માન્યતા:
પોતાને ત્યાં કામ કરનારા- કર્મચારીઓના શ્રમ-સખત જહેમતને લીધે જ માલિકો શ્રીમંત થતા હોય છે
હકીકત :
દરેક નિયમમાં અપવાદ હોય તેમ અહીં પણ કેટલાંક અપવાદ છે. રીચ હેબિટ્સ’ પુસ્તકના જાણીતા અમેરિકન પત્રકાર-લેખક થોમસ સી. કોર્લેનાં અનેકવિધ સર્વેનાં તારણ મુજબ આજે ધનવાન બનનારી 86 ટકા થી વધુ વ્યક્તિઓ ખુદ દર અઠવાડિયે(પાંચ દિવસ) ઓછામાં ઓછા 50થી વધુ કલાક સતત કામ કરે છે.કોઈ પણ કંપનીની સફળતા પાછળ સ્ટાફની કાર્યનિષ્ઠા જરૂર હોય છે, પણ માલિકે પણ વધુ સખત જહેમત કરવી પડે.
માન્યતા: મોટાભાગના જાણીતા શ્રીમંતો એમની વારસાગત સંપત્તિને લીધે વધુ ધનિક થયા છે હકીકત: ના,એવું નથી. 80% ટકા લોકો પોતાની જાતમહેનત અને કૌશ્યલને લીધે જગતના પ્રથમ 10 શ્રીમંતોની યાદીમાં આવ્યા છે. બાકીના 20 ટકા એ પોતાને વારસામાં મળેલી સંપત્તિનો ગુણાકાર કર્યો છે. માન્યતા: મોટાભાગના શ્રીમંતો બહુ સાદી- સરળ જીવનશૈલી જીવે છે.
હકીકત : તમે ભલે વાંચ્યું હશે કે વિશ્વના એક નામેરી ધનવાન વોરેન બફેટ આજે પણ 1958માં 31,500 ડૉલરમાં ખરીદેલા ઘરમાં રહે છે. જો કે એમાં બધા જ પ્રકારની આધુનિક સુવિધા ધરાવતા પાંચ બેડરૂમ છે અને એ ખુદ આજે પોતાના પ્રાઈવેટ જેટમાં ઊડે છે…
આજે જગતના સૌથી પાંચ ધનાઢ્ય વ્યક્તિમાં જેની ગણતા થાય છે એવા એમેઝોન’ના જેફ બેઝોસ પણ આજે પણ એવી વર્ષો પૂર્વે ખરીદેલી હોન્ડા અકોર્ડ’ કારમાં પ્રવાસ કરે છે. અલબત્ત, એમનો પણ પ્રાઈવેટ જેટનો કાફલો છે. એટલું જ નહીં, એ પોતાના સ્પેસક્રાફટમાં અવકાશયાત્રા પણ કરી આવ્યા છે… આપણા મુકેશ અંબાણીનું આશરે રૂપિયા 15 હજાર કરોડના 27 માળના અતિ વૈભવી ઘરએન્ટિલા’ તો જગવિખ્યાત છે !
ટૂંકમાં, માન્યતા કે હકીકત એ છે આવા નામી શ્રીમંતો એમનાં ગમતાં કામ અને શોખ પાછળ પણ ધારે એટલું ધન વેરી શકે છે, કારણ કે આમાંથી મોટાભાગના પોતાની આવકનું 50 % રકમનું બુદ્ધિપૂર્વક આયોજન કરી-બચત કરી સામાજિક કાર્યોમાં યથાયોગ્ય વાપરે પણ છે!
આ પણ વાંચો…ક્લોઝ અપ – ઈમોજી : લયબદ્ધ લાગણીનાં કેવાં સચોટ છે આ મસ્તીખોર સિમ્બોલજી…!